ભક્તિમય આહનિક - 1

  October 28, 2019

શ્રીમુખવાણી વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના ૧૧મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરતાં કહે છે કે, “ભગવાનના ભક્તની અને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે, કેમ જે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાનાં ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે ને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે ને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્યરૂપ છે.”
ઉપરોક્ત વચનામૃતમાં ભગવાનનો ભક્ત અને વિમુખ જીવ કહેતાં જગતના જીવની વિભાવના કરતાં શ્રીજીમહારાજ કહે છે કે, ભગવાનનો ભક્ત કોને કહેવાય ? અને જગતનો જીવ કોને કહેવાય ? તો જેના જીવનમાં ભગવાનનું મુખ્યપણું હોય, જે જે ક્રિયા કરે તે કેવળ ભગવાનના રાજીપાને અર્થે તથા ભગવાનના સુખને પામવાને અર્થે જ કરે એને ભગવાનનો ભક્ત કહેવાય. અને જેના જીવનમાં જગતનું, માયાનું ને માયાના કાર્યનું મુખ્યપણું હોય, જે કેવળ દૈહિક માયાનાં સુખો પ્રાપ્ત કરવા જ યત્નશીલ રહેતો હોય તેને જગતનો જીવ કહેવાય.
પ્રાતઃ સમયે સૂર્યની સોનેરી કિરણોની સાથે, પંખીઓના કિલકિલાટની વચ્ચે, મંદ મંદ શીતળ વાતાવરણની ખુશનુમા સુવાસનો આસ્વાદ માણતાં સૌ કોઈ જાગે છે અને જીવનના એક અમૂલ્ય દિવસનો પ્રારંભ થાય છે. દિવસ આખો જગત સંબંધી, વ્યવહાર સંબંધી પ્રવૃત્તિમાં સૌ કોઈ રચ્યાપચ્યા રહે છે અને વળી સંધ્યા સમયે સૂર્યાસ્ત થતાં રાત્રિના અંધકારરૂપી ઘોર અજ્ઞાન નિદ્રામાં જગત આખું લીન થઈ જાય છે. દિવસના પ્રારંભથી લઈને દિવસ પૂરો થાય ત્યાં સુધી, નાના બાળકથી માંડીને કિશોરો, યુવાનો કે વૃદ્ધો દરેકના માનસમાં અદશ્ય રીતે એક વસ્તુની ઝંખના રહેતી હોય છે અને એ વસ્તુને પામવા માટે જ આખો દિવસ દરેક વ્યક્તિ પ્રયત્નો કર્યા કરે છે. કઈ વસ્તુ??? તો એ છે સુખ. દરેક વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એકમાત્ર સુખ મેળવવા માટે જ મથ્યા કરે છે. નાનું બાળક ભણવા જાય છે તેને પૂછીએ કે ભણવા શા માટે જવાનું? જો ન ભણીએ તો ન ચાલે? તો બાળક કહેશે કે ભણીગણીને મોટા એન્જિનિયર કે ડૉક્ટર થવાનું અને ખૂબ પૈસા કમાઈને સુખી થવાનું. કોઈ યુવાન વહેલી સવારથી મોડી રાત સુધી નોકરી કે ધંધો કરે છે. તેને પૂછીએ કે આ બધું શાના માટે ? તો કહેશે કે પૈસા કમાવવા માટે. પૈસા શા માટે કમાવવાના? તો સુખી થવા માટે. આમ, દરેક વ્યક્તિ કેવળ સુખને જ ઇચ્છે છે. તેમ છતાંય શું સુખ મળે છે ખરું??? ઉત્તર આપવો ઘણો કઠણ છે અર્થાત્ ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ સુખની પ્રાપ્તિ થતી નથી. કારણ કે આપણે જે સુખ માટે યત્ન કર્યા કરીએ છીએ તે તો કેવળ ઝાંઝવાનાં નીર સમાન છે.
સુખના પણ બે પ્રકાર છે. ભૌતિક સુખ અને અભૌતિક સુખ. ભૌતિક સુખ જેને કહેવાય નાશવંત સુખ, દૈહિક સુખ, આભાસી સુખ, માયિક સુખ, સંસાર સંબંધિત સુખ; અને બીજો પ્રકાર છે – અભૌતિક સુખ જેને કહેવાય અવિનાશી સુખ, આત્મિક સુખ, વાસ્તવિક સુખ, અમાયિક સુખ, દિવ્ય સુખ, ભગવાન સંબંધિત સુખ. આપણે માત્ર સુખ મેળવવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ પરંતુ ખરેખર સુખ કોને કહેવાય? ખરેખર સુખ છે ક્યાં? અને એ વાસ્તવિક સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? એનો આપણને ખ્યાલ જ નથી હોતો. માત્ર યંત્રની જેમ આપણે ભૌતિક સુખ પ્રાપ્ત કરવા માટે મથામણ કર્યા કરીએ છીએ.
થોડાં વર્ષો પહેલાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મુંબઈ પધારેલા. મુંબઈમાં રાત્રે એક જાહેર સભાનું આયોજન થયું હતું. જાહેર સભા પૂરી થયા બાદ સહુ શ્રોતાજનો લાઈનમાં દર્શન કરી આગળ વધતા હતા. ત્યારે એ દરમ્યાન એક પરિચિત હરિભક્ત સાથે વ્હાલા ૫.પૂ. સ્વામીશ્રીની મુલાકાત થઈ કે જેઓ ૭-૮ વર્ષ પહેલાં અમદાવાદ વાસણા ખાતે રહેતા અને ૫.પૂ. સ્વામીશ્રીના નિકટ પરિચયમાં આવેલા. ૭-૮ વર્ષથી તેઓ મુંબઈ ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા. ઘણાં વર્ષો પછી મળ્યા બાદ પ.પૂ. સ્વામીશ્રીએ તે હરિભક્તના ક્ષેમકુશળના સમાચાર પૂક્યા, પરિવારના ક્ષેમકુશળના સમાચાર પણ પૂક્યા. અમસ્તા જ પ.પૂ. સ્વામીશ્રીએ તે હરિભક્તના દીકરા વિષે પૂછી નાખ્યું કે, “આપનો નાનો દીકરો તો હવે બહુ મોટો થઈ ગયો હશે નહીં? કેવડો થયો?” ત્યારે એ હરિભક્ત બે હાથ પહોળા કરીને પ.પૂ. સ્વામીશ્રીને કહ્યું કે, આટલો થયો.” પ.પૂ. સ્વામીશ્રીને થોડુંક અજુગતું લાગ્યું એટલે ફરીથી પૂછ્યું. ફરીથી પણ તે હરિભક્ત એ જ રીતે ઉત્તર કર્યો. ત્યારે ૫.પૂ. સ્વામીશ્રીએ ચોખવટ કરતાં કહ્યું કે, “સામાન્ય રીતે બાળકની ઉંમર ઊંચાઈ પ્રમાણે બતાવવાની હોય પરંતુ આપ આમ બે હાથ લાંબા કરી પહોળાઈ પ્રમાણે કેમ બતાવો છો?” ત્યારે તે હરિભક્ત કહ્યું કે, “સ્વામી, હું રોજ સવારે વહેલા છ વાગે ઘરેથી ધંધા માટે નીકળી જઉં ત્યારે મારો બાળક સૂતો હોય, હું રાત્રે સાડા અગિયાર વાગે ઘેર આવું ત્યારે પણ મારો બાળક સૂતો હોય. છેલ્લાં આઠ આઠ વર્ષથી સતત આવું જ ચાલ્યા કરે છે. એટલે મેં મારા બાળકને કોઈ દિવસ ઊભેલો જોયો જ નથી તો હું તમને એની ઊંચાઈ કેવી રીતે બતાવું?”
આપણે બધું જ કરીએ છીએ. આટલો બધો શ્રમ, દાખડો કરીએ છીએ. શાના માટે ? કેવળ ભૌતિક સુખ માટે. આવું યંત્રવત્ જીવન આપણે જીવીએ છીએ શાના માટે ? કેવળ ભૌતિક સુખ માટે, આભાસી સુખ માટે જેમાં ક્યાંય સુખ જ નથી. એટલા માટે જ આપણા આવા યંત્રવત્ જીવનમાં આપણે અભૌતિક સુખ અર્થાત્ વાસ્તવિક સુખ કહેતાં ભગવાનનાં દિવ્ય સુખને પામી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણે આપણી ઉપર કેવળ કૃપા કરીને સુખ અને શાંતિ પામવાનો એક અદ્ભુત રાહ દેખાડ્યો અને એ છે
સવારથી સાંજ સુધી આપણી દિનચર્યામાં મૂર્તિનું અખંડ અનુસંધાન આપતી કેટલીક ભક્તિમય આનિક ક્રિયાઓ.
હે મહારાજ આપના રાજીપાના સાધનો કરી આપના અંતરનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એવી અંતરતમ પ્રાર્થના.