ભલા થઈને પૈસા, પદ, પ્રતિષ્ઠા ને વાહ વાહમાં ન લેવાતા-1

  April 19, 2017

સંસારી જીવ પૈસો, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણ વસ્તુ મેળવવા માટે જ રાત્રિ-દિવસ મથ્યા કરે છે.

જ્યારે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણી દોટ કેવી અને કઈ તરફની હોવી જોઈએ ?

આવો આ લેખ દ્વારા  તે નિહાળીએ...

પૈસો, પદ અને પ્રતિષ્ઠા વર્તમાન સમયે સમગ્ર વિશ્વમાં છવાઈ ગયાં છે. જેમ ચોમાસામાં વાદળાં, સમુદ્રમાં જળબિંદુઓ છવાઈ જાય છે તેમ પૃથ્વીના ખૂણે ખૂણે પૈસાનું જબરજસ્ત સામ્રાજ્ય છવાયેલ છે તેમ કહેવું અતિશયોક્તિભર્યું નથી. પૈસાથી જ પ્રાતઃકાળનો પ્રારંભ થાય છે. સૂર્યોદય તથા સૂર્યાસ્ત જોવા મળે છે પરંતુ પૈસાનો અસ્ત કોઈને જણાતો નથી; જાણે કે તે અજર-અમર બની ગયો છે.

સવારે પથારી છોડીને ઉપાડેલ પ્રથમ ફોન તથા રાત્રે સૂતી વેળાનો છેલ્લો ફોન પૈસા બાબતનો જ હશે. ધંધાર્થીઓ તો રાત્રે સ્વપ્નમાં પણ તેનું જ અનુસંધાન ચાલુ રાખે છે. નીચેની પંક્તિ તેની શાખ પૂરે છે : “પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.”

મૂડીપતિ થવાની અદમ્ય ઝંખના, અતૃપ્ત ખ્વાહિશ તથા તીવ્ર લાલસા એ ઘોરતમ (ભયંકર) પરિણામોની જનની છે. માનવી પૈસાનો ગુલામ બની ગયો છે જેના પાયામાં આ ત્રણ બાબતો છે : (૧) વિત્તૈષણા (ધન), (૨) પુત્રૈષણા, (૩) લોકૈષણા (પ્રતિષ્ઠા). ઉપરોક્ત લાલચોને તે રોકી શકતો નથી અને તે મેળવવા રાત-દિવસ ઝંખે છે. જીવનને હોડમાં મૂકી દે છે. ક્યારેક પોતે ખુવાર થઈ જાય છે અને આંધળું અનુકરણ કરતાં સર્વનાશ નોતરે છે.

‘જર (દ્રવ્ય), જમીન અને જોરુ (સ્ત્રી), ત્રણેય કજિયાનાં છોરુ’ - આ પ્રાચીન ગુજરાતી કહેવત છે. સંપત્તિ વધવાની સાથે અશાંતિ અને ઉદ્વેગ પણ તેટલાં જ વધતાં જાય છે. પરિવારના સભ્યો ધર્મશાળામાં રહેતા હોય તેવું લાગે છે. માતાપિતાને બાળકો માટે સમય નથી. કુટુંબ પ્રત્યે સંપ, સુહૃદતા, એકતા ને સહાનુભૂતિની ઊણપ જણાય છે. સમૂહમાં બેસીને જમવાનો કે વાત કરવાનો પણ સમય નથી. આ બધા પ્રશ્નોનું કારણ એક જ વાક્યમાં કહી શકાય.

જેને ભગવાન સ્વામિનારાયણે ગઢડા છેલ્લા પ્રકરણના ૩૮મા વચનામૃતમાં જણાવ્યું છે કે, “છ વાનાં જેનામાં હોય તેને જીવતે કે મરીને ક્યારેય સુખ થતું નથી.” તે પૈકી પ્રથમ બાબત છે દ્રવ્યાદિકનો લોભ. પૈસાના લોભે કુટુંબજીવન છિન્ન-ભિન્ન થવાના ઘણા પ્રસંગો છે, જે આપણે ક્યાંક પ્રત્યક્ષ જોયા છે કાં તો દૈનિક પત્રોમાં વાંચ્યા છે. એનું ઉદાહરણ આપણે પોતે ન બનીએ. તેથી જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપણને સુવર્ણયુગના પ્રારંભે ભલામણ ગીતમાં ભલામણ કરતાં કહ્યું છે કે, ભલા થઈને...

પૈસા, પદ, પ્રતિષ્ઠા ને ઝાઝા માણસો, જગત તણી વાહ વાહને કદી નવ જોશો;

સંતો-ભક્તો મહોબતમાં માર ન ખાશો...

ઉપરોક્ત ભલામણ ગીતની પંક્તિઓ જીવનની અતિ મહત્ત્વની બાબતો ઉપર પ્રકાશ પાડે છે. પૈસો, પદ, પ્રતિષ્ઠાની લાલસા જગતના મનુષ્યોને તથા બાહ્યિક પ્રતિભા વધારવા ઇચ્છતા પદવીધારીઓને નચાવે છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘણી વાર કહે છે કે, “જે કનક (દ્રવ્ય) અને કાન્તા (સ્ત્રી) આ બંને માયામાં ન લેવાય તે તો આ જગતનો બે ભુજાવાળો ભગવાન છે.” બાકી બધા તો બાવા કહેવાય. તેમનાથી પરિવર્તન ન થાય. પૈસાએ સમગ્ર બ્રહ્માંડને પોતાના પ્રભાવમાં ખેંચી લીધું છે. તેની ઝંખનાએ જીવનને સ્વાર્થી, સંકુચિત, સ્વકેન્દ્રી, અસંતોષી અને સત્ત્વહીન, અસ્મિતાહીન કરી નાખ્યું છે.

જેમ નીતિમય દ્રવ્ય તારે છે તે જ રીતે અનીતિમય કે આસુરી દ્રવ્ય ડુબાડે છે. માટે તરવું કે ડૂબવું તે ભલા આપણા હાથમાં નથી ? છે જ. અને જો આપણા જ હાથમાં હોય તો તમે પૂછશો કે લક્ષાવધિ મનુષ્યો પૈસા મેળવીને દુઃખી દુઃખી કેમ થઈ જાય છે ? હા, નીતિમય પૈસો તારે છે, જ્યારે આસુરી પૈસો ડુબાડે છે. આ ભેદ જાણ્યા પછી આપણને એ વિવેક જરૂર આવશે કે મારે પણ વિવેકથી દ્રવ્યસંપાદન કરવું છે. પ્રસ્તુત લેખમાળામાં દ્રવ્ય કેમ કમાવવું, કેમ વાપરવું ને કેમ મહાપ્રભુને રાજી કરવા તેની વિસ્તૃત ચર્ચા કરેલ છે. તેનું અમલીકરણ કરવાથી અવશ્ય સુખના રાજમાર્ગ ભણી નિર્ભયતાથી ડગ માંડી શકાશે. જેમ તાળાને ખોલવા એક બાજુ ચાવી ફેરવો તો તાળું ખૂલી જાય છે અને વિરુદ્ધ બાજુ ફેરવો તો વસાઈ જાય છે તેમ દૈવી દ્રવ્ય મેળવો તો સુખરૂપ બને છે અને આસુરી દ્રવ્ય પ્રાપ્ત કરો તો તે દુઃખરૂપ બની જાય છે. પછી તો દુઃખોની પરંપરા શરૂ થાય છે અને તેમાંથી બહાર નીકળવું એ કઠિન માર્ગ છે. જોકે આવી પરિસ્થિતિ ઊભી જ ન થાય તે સલાહભર્યું છે.

આપણને જ્યારે કારણ સત્સંગમાં મહાપ્રભુએ જન્મ આપ્યો છે ત્યારે દ્રવ્ય મેળવવામાં સાવધાની રાખીને દૈવી દ્રવ્ય જ મેળવવાનો ધ્યેય રાખવો... તો જ આધ્યાત્મિક પ્રગતિમાં તે ઉપયોગી બનશે; નહિ તો અંતરાયરૂપ - અવરોધરૂપ બની જશે અને જીવનને છિન્નભિન્ન કરી દેશે.