ભલાભાઈ - ૧

  January 19, 2017

લોઢું સોનું થાય ? હા. થાય જો પારસમણિનો સ્પર્શ થાય તો જરૂર સોનું થાય. આવું જ કંઈક બન્યું ઝાડી દેશની એ પશુવત્ જીવન જીવતી પ્રજાના જીવનમાં. જેમને દારૂ પીવું કે પાણી પીવું સમ હતું. ચીભડા કાપવા કે બોકડા કાપવા સમ હતું. આ પ્રજાને પારસમણિ સમ ગુરુવર્ય પ.પૂ. બાપજીનો યોગ થતા તેમના જીવન સુવર્ણ સમ બની ગયા. આવા જ લોઢામાંથી જ સંપૂર્ણ બનેલ એક આદિવાસી બંધુના ભૂતકાળ અને વર્તમાનને નિહાળીએ.

-      જ્યાં જન્મતાં જ તાડ, મહુડા કે દેશી દારૂની ગળથૂથી અપાતી હતી.

-      ખોરાકની શોધમાં માંસાહારી બનેલ આદિવાસીઓના હાથ તીર-કામઠાં કે ગિલોલથી શિકાર કરીને પાંચ-દસ પક્ષીઓને મારતા ને પોતાની જઠરાગ્નિ શમાવતા હતા.

-      અજ્ઞાન, અંધશ્રદ્ધા ને વહેમના ગાઢ અંધકાર યુગોથી જેમનાં ઘરોમાં-કૂબાઓમાં ઘર કરીને બેઠાં હતાં.

-      વ્યસનોએ મહિલા-પુરુષોને નશાથી પાંગળાં કર્યાં હતાં.

-      પેઢીઓથી ‘સંસ્કાર’ ને ‘સભ્યતા’ના સૂરજના અજવાળાં જોયાં નહોતાં.

-      વન-ગિરિમાળાની હરિયાળી વચ્ચે પણ જેમનાં જીવન સાવ સૂકાં કાષ્ઠ સમાં હતાં.

આમ આ પ્રજા વર્ષોનાં વર્ષ ગરીબી, ઉચ્ચ ગુણોની કસર ને અશિક્ષિતતાના તાબા હેઠળ સબડાયેલ રહી, સાવ અવિકસિત જ રહી ગઈ. જોકે આ આદિવાસી પ્રજા પર શ્રીજીમહારાજની ને સદ્. ગોપાળબાપાની કૃપા થઈ. એ કૃપાના સંકલ્પે વર્તમાનકાળે ગુરુવર્ય પ.પૂ. બાપજીની કરુણાવાદળી તેમના પર અનહદ વરસી છે ને વરસી રહી છે. પરિણામ સ્વરૂપે આદિવાસીઓનાં જીવન સત્સંગના વિવિધ સંસ્કારો અને ગુણોથી લીલાછમ બન્યાં છે. આથી તેઓ શ્રીજીમહારાજના ખરા ઉપાસક બની રહ્યા છે, ખરા આજ્ઞાપાલક બની રહ્યા છે ને ખરા નિષ્કામ ભક્ત બની રહ્યા છે. આવા અનેક ગુણોથી છલકાતા ‘આદિ’વાસી બંધુઓ પોતાના ‘આદિ’ભાવને ત્યજી ‘અનાદિ’ભાવને ગ્રહણ કરી, અનાદિમુક્તની સ્થિતિ પામવાના યાત્રિક બની રહ્યા છે. એવા અનેક યાત્રિકમાંના એક યાત્રિકની જીવનઉત્કર્ષની વિરલ જીવનગાથાને માણી, દીન-દુ:ખિયા આદિવાસીઓના કૂબાઓમાં ઘૂમતા કરુણાના નિધિ ગુરુવર્ય પ.પૂ. બાપજીની આદિવાસીઓને ઉદ્ધારવાની પ્રચંડ તાલાવેલીનાં દર્શન કરીએ...

“ઈ.સ. 2006માં SMVS સ્વામિનારાયણ મંદિર, સરસવાનું નિર્માણકાર્ય થતા પૂર્વે મને (ભલાભાઈને) સત્સંગ થયો. આ સત્સંગ થયા પહેલાંનું મારું જીવન સાવ હીન કક્ષાનું હતું. મને સ્વામિનારાયણ ભગવાન ને તેમના સંતો પર 1% પણ વિશ્વાસ નહોતો. કારણ મેં જે જે સંતોને જોયા હતા તેમના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય એવું મને ન જણાયું. એમાંય વળી હું રહ્યો આદિવાસી. તેથી મારું જીવન વિવિધ મતમતાંતરોથી, સેળભેળ તથા વ્યસનોથી ભરેલું અને ‘સભ્યતા’ તથા ‘સંસ્કારો’થી લાખ ગાઉ દૂર હતું ! પણ આ બધાં વચ્ચે મને ગુરુવર્ય પ.પૂ. બાપજીના યોગે કંઈક અલૌકિક ઘેલું લાગ્યું. જેના પરિણામે પેઢીઓથી ચાલી આવતી મારી જીવનશૈલી સાવ બદલાઈ જ ગઈ. એ દિવ્યપુરુષે મને પ્રથમ માનવ બનાવ્યો, પછી ભક્ત. એમની થયેલ કૃપાનું વર્ણન કરું તો; એમની કૃપાથી મારાં પત્ની, મારો દીકરો અને હું સત્સંગની સેવાના થાંભલા બન્યાં. મારા દીકરા જગદીશે તો એક સમયે બાપજી-સ્વામીશ્રી અને સંસ્થા માટે ‘મારું કે મરી જઉં’ એવો શિર સાટે પક્ષ રાખ્યો હતો. તો વળી, મારાં ધર્મપત્નીને સત્સંગના યોગે સેવામાં ખૂબ જ લગની લાગી. તેઓ આખો દિવસ ગોધર મંદિરે ત્યાગી મહિલામુક્તો સાથે સેવામાં અખંડ રહેતાં. તેમની સાથે વિચરણમાં જોડાયેલાં રહેતાં. આમ જાણે શ્રીજીમહારાજ તથા બાપજી-સ્વામીશ્રીના સંકલ્પોની સેવા માટે ‘યા હોમ’ કરીને આખો પરિવાર જોડાઈ ગયો હતો. પણ આ બધા પાછળ એ દિવ્યપુરુષની કરુણા જ કામ કરતી. એમના રાજીપાએ આજે અમારો શ્વાસ ચાલે છે અને લોહી વહે છે, એમના સારુ તો ગમે તેટલું કરીએ તોય કોટિમા ભાગની પાસંગમાં આવે તેમ નથી. એમની કરુણા અનુપમ અને અતુલ્ય છે. ક્યાં અમે ‘આદિ’ પશુ જેવા ને ક્યાં એ દિવ્ય સત્પુરુષ !!! પણ એમણે અમારો જન્મારો સુધારી દીધો.... ના ! છેલ્લો જન્મ કરી દીધો.” આ અનુભવગાથા છે સરસવા ગામના ભલાભાઈ પટેલિયાની. જેઓ ગુરુવર્ય પ.પૂ. બાપજીની કૃપાથી ‘રાંક’માંથી ‘રતન’ સમા થઈ ગયા. વળી આ ‘રતન’ને તરાસવા કહેતાં કસોટીની એરણ પર ચકાસવા મહારાજે ઘણા પ્રસંગો રચ્યા પણ છતાં એમની ભક્ત તરીકેની ગરિમા-અસ્મિતા અલ્પ માત્રામાં ઓછી થઈ નથી. એમના જીવનમાં આધ્યાત્મિકતાનો ઉજાસ છે ને મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા રૂપી આભને આંબવાનાં અનુપમ અરમાનો છે. ત્યારે ચાલો, એમના ભક્તજીવનના એ પ્રસંગોને નીરખીએ...

         ભલાભાઈના દીકરા ને દીકરાનાં વહુને કોઈ મગજની બીમારી સત્સંગ થયા બાદ થઈ હતી. એટલે તેમના કુટુંબીજનોએ તેમને સત્સંગમાંથી પાછા પાડવા સારુ આ બીમારીનું બહાનું કરી, તેમને ઘણું બિવરાવ્યા. એમાંય પાછા એમના વેવાઈએ પણ આ વાતમાં સાક્ષી પૂરી. અને તેઓ પણ પોતાની દીકરીને પોતાના ઘરે લઈ ગયા. બીજા દિવસે ભલાભાઈને તેમણે પોતાના ઘેર બોલાવ્યા. તે દિવસે તેમના વેવાઈએ ભૂવાઓના કાફલાને બોલાવી રાખ્યો હતો. ભલાભાઈ આ બધું જોઈ બોલ્યા, “અરે વેવાઈ, આ બધું શું માંડ્યું છે ! તમારી ને મારી દીકરીને આ ભૂવાની જરૂર નથી. તેને દવાની જરૂર છે. હું દવા લાવ્યો છું ; તમે તેને દવા આપો... મહારાજ એમાં ભેળા ભળશે એટલે બધાં સારાંવાનાં થશે.” વેવાઈ તરત જ બોલ્યા, “તમે દેવીને મૂકી સ્વામિનારાયણને પકડ્યા છે એટલે આ વારો આવ્યો... અહીં દવાની નહિ પણ ભૂવાની જરૂર છે... માટે તમારું કીધું નહિ થાય... આજે તો આ ભૂવાઓ જે મેલું પેઠું છે તે કાઢીને જ રહેશે...” ત્યારે તેઓ નારૂપંત નાના સાહેબની જેમ મહારાજ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરવા લાગ્યા : “હે મહારાજ, આપની એક કિરણે અનંતકોટિ બ્રહ્માંડનું કાર્ય ચાલે છે ને એમાંય આજે આ ભૂવાથી દીકરાનાં વહુને સારું થઈ ગયું તો વેવાઈની આપના વિષેની ખોટી માનીનતા ને એમની ભૂવા વિષેની અંધશ્રદ્ધા પાકી થઈ જશે. માટે હે મહારાજ, હે બાપજી ! દીકરાની વહુને સારું ન થાય... એવી મારી પ્રાર્થના સ્વીકારો...” એમની વારંવાર થયેલ પ્રાર્થનાને લીધે ભૂવાઓ આખી રાત ધૂણ્યા તોપણ દીકરાની વહુને સારું ન થયું. અંતે તેમણે પોતાના વેવાઈને મહારાજના સર્વોપરી મહિમાની વાત કરી, દીકરાની વહુને દવાખાને લઈ ગયા. પણ ખોટી માનીનતા ને અંદશ્રદ્ધાની સામે જરાયે નમતું ન જોખ્યું. કેવળ મહારાજનું બળ રાખ્યું.

         વળી, બીજી બાજુ એમના દીકરા જગદીશને પણ માથામાં અસહ્ય દુ:ખાવો રહેતો. જેનાથી તે કંટાળીને એક દિન બાપજી પાસે જઈ પહોંચ્યો ને બાપજીના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યો ને કહેવા લાગ્યો, “બાપા, મને માથું બહુ દુ:ખે છે... આ પીડામાંથી મને મુકાવોને...” ત્યાં તો ભલાભાઈએ જગદીશનો હાથ પકડી બાજુ પર લઈ, સમજાવતાં કહ્યું, “અરે ગાંડા ! આપણે દેહનાં દર્દો માટે એમની પાસેથી આવું ન મંગાય... અરે તેઓ તો બધું જાણે છે... આ બધું મહારાજની મરજી હશે તેમ થતું હશે... એમાં આપણે આવું માંગીએ તો સત્સંગી ના ગણાઈએ...” તેઓ આવું સમજાવીને તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે જઈને પ્રાર્થનાભાવે બોલ્યા, “બાપજી, રાજી રહેજો... જગદીશથી ભૂલ થઈ... આપ એના પર રાજી રહેજો...” આહાહા ! એકના એક દીકરા માટે પણ તેઓ ગોઠીપના કડવા ભક્તની જેમ નિષ્કામી રહ્યા.