ચારિત્ર્યશીલતા-1

  February 12, 2019

અનંત ગુણોરૂપી સરિતાઓ ચારિત્ર્યશીલતારૂપી મહોદધિ (સમુદ્ર)માં સમાવિષ્ટ થઈ જાય છે.

આજ સુધી હું મારા જીવનની શોભા સારાં કપડાં પહેરીને, શણગાર સજીને ફરવું, બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી તેને ગણતો. મારી પાસે રહેલી આવડત, બુદ્ધિ અને જ્ઞાનથી અન્ય પર પ્રભાવ પાડતો, તેને જ મારા જીવનની શોભા ગણતો. મારા મિલનસાર સ્વભાવને, અન્યને સમજવાની ભાવનાને સર્વશ્રેષ્ઠ સારયપ માનતો. પરંતુ એક દિવસ આત્મમંથન કરતાં મેં માની લીધેલી આ શોભામાં અધૂરપ મનાવા લાગી. વિચાર થયો: ‘ખરેખર મારા જીવનની ઉત્તમ શોભા કઈ ?' તેના અનેક પ્રશ્નાર્થચિહનો મારા માનસમાં ખડા થઈ ગયાં. છેવટે મને અંતરાત્મામાંથી જવાબ મળ્યો : ‘ચારિત્ર્યશીલતા એ જ મારી ઉત્તમ શોભા છે.’

આ એક જાગૃત આત્માનો અવાજ છે. જે અવાજને આપણા અંતરતલ સુધી સ્પર્શવા દઈશું તો આપણા ચારિત્ર્યનો ચિતાર જરૂર આપણી નજર સમક્ષ તરવરશે.

માનવીની ચારિત્ર્યશીલતા એ જ વ્યક્તિની ખરી ઓળખ અને ખરી શોભા છે. 'Character is greater than outer personality, intellect and a great knowledge.' અર્થાત્ ‘ચારિત્ર્યશીલતા એ વ્યક્તિની બાહ્યિક પ્રતિભા, બુદ્ધિક્ષમતા અને ઉચ્ચતમ જ્ઞાન કરતાં ઘણી અધિક છે.’

ચારિત્ર્યશીલતા એટલે શું ?

“ચારિત્ર્ય એટલે ચરિત. ચરિત એટલે આચરણ કરવું. ચારિત્ર્યશીલતા એટલે યોગ્ય આચરણ કરવું.”

‘Our character is what we do, when we think, no one is looking.' અર્થાત્ ‘આપણને કોઈ જોતું નથી એ વિચારધારા સાથે થયેલું આચરણ એ જ આપણું ચારિત્ર્ય.’

ચારિત્ર્યશીલતા એટલે શ્રેષ્ઠ અને શુદ્ધ આચરણ કરવું.

ચારિત્ર્યશીલતા એટલે મન, કર્મ, વચનની પરમ પવિત્રતા.

ચારિત્ર્યશીલતા એ મનુષ્યના જીવનનું સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ આભૂષણ છે. સોના-ચાંદીનાં આભૂષણોથી મનુષ્યની બહારની પ્રતિભા ખીલે છે જ્યારે ચારિત્ર્યશીલતાથી આંતરિક રીતે પ્રતિભાસંપન્ન બને છે. જેની સુવાસ પોતાના નજીકના વર્તુળમાં, સમાજમાં અને સમગ્ર દેશમાં પ્રસરતી હોય છે.

ઉત્તમ ચરિત્ર એ વ્યક્તિની મહાન સંપત્તિ છે. અગણિત અને અમાપ ભૌતિક સંપત્તિ સમાજમાં મોખરાનું સ્થાન જરૂર અપાવે પરંતુ પૂજવાયોગ્ય ન બનાવે. જ્યારે શુદ્ધ અને પવિત્ર આચરણ વ્યક્તિને પૂજનીય બનાવે છે. જેનું એવું ઉચ્ચતમ ચારિત્ર્ય હોય તે મનુષ્ય જ સમાજમાં સન્માન અને ગૌરવથી ઉન્નત મસ્તકે જીવી શકે છે.

આ અંગે એક તત્ત્વચિંતક પોતાના સ્વાનુભવ દ્વારા ચારિત્ર્યદર્શન કરાવતાં કહે છે કે, “એક દિવસ મારી ગાડી સ્ટ્રીટમાં ઊભેલી કોઈની ગાડી સાથે અથડાઈ પડી. હું મારી ગાડી થોભાવીને નીચે ઊતર્યો અને પેલી ગાડીને કેટલું નુકસાન થયું છે તે જોવા લાગ્યો. નુકસાન વધારે તો ન હતું પણ માત્ર પાછળના ભાગનું એક મડગાર્ડ જરા દબાઈ ગયું હતું. હું એ ગાડીના માલિકને શોધવા લાગ્યો પરંતુ કોઈ દેખાયું નહીં. છેવટે મેં મારું સરનામું લખી નુકસાનીની રકમ લેવા મારી ઑફિસમાં આવવા માટે કાગળ લખીને તે કારમાં મૂક્યો.

બીજા જ દિવસે મારી ઑફિસમાં એક વૃદ્ધ સજ્જન આવ્યા. તેઓએ મારી સામે પેલો પત્ર ધર્યો. હું સમજી ગયો કે આ એ ગાડીના માલિક છે કે જેમની સાથે મારી ગાડી કાલે અથડાઈ હતી. મેં તેઓને માનપૂર્વક બેસાડ્યા અને અકસ્માતનું વર્ણન કરતાં ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. તરત તેઓ બોલી ઊઠ્યા, “શું કરો છો ? હું તમારી પાસે નુકસાનીની રકમ લેવા નથી આવ્યો, મારે તો એ જોવાની ઇચ્છા હતી કે આ યુગમાં પણ એવા પ્રામાણિક અને ચારિત્ર્યશીલ માણસ કોણ છે જે પોતાની ભૂલ સ્વીકારવામાંથી પાછા નથી પડતા ! હું તમારા ચારિત્ર્યથી ઘણો પ્રભાવિત થયો છું; માટે મારા તરફથી આ એક નાનકડી ભેટ સ્વીકારો.”

ઉપલક દૃષ્ટિએ જોતાં ભૂલ તત્ત્વચિંતકની હતી. તે બદલ તેમને નુકસાન ભરપાઈ કરવું જ પડે પણ તેઓના ઉચ્ચતમ ચારિત્ર્યથી તેઓ અજાણ વૃદ્ધ સજ્જનના માનસમાં ગૌરવવંતું સ્થાન પામ્યા.

પ્રામાણિકતા એ તો ચારિત્ર્યશીલતાનો એક ગુણ છે પણ એ સિવાય બીજા ઘણાબધા ગુણોરૂપી સરિતાઓ ચારિત્ર્યશીલતારૂપી મહોદધિ (સમુદ્ર)માં સમાવિષ્ટ થઈ જાય છે. સત્યતા, દયાળુતા, નિષ્કપટતા, નિર્ભયતા, નિર્દોષતા, બ્રહ્મચર્ય, અહિંસા, સદાચાર, શૌચ, સંતોષ, તપ અને દાન વગેરે જેવા ઘણા ગુણો ચારિત્ર્યની સીમામાં સમાઈ જાય છે.