ચારિત્ર્યશીલતા-3

  February 28, 2019

ચારિત્ર્યશીલતા કેળવવા શું કરવું તે અહીં પ્રસંગ, ટકોર તથા અન્ય રીતે દર્શાવવામાં આવ્યું છે.

ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર માટે વિચાર, વાણી અને વર્તનની પવિત્રતા અતિ આવશ્યક છે. મહાન વ્યક્તિઓની મહાનતા તેઓની ચારિત્ર્યશીલતાને આધારિત હોય છે. સ્વામી વિવેકાનંદ કે જેઓ સમગ્ર ભારત દેશમાં રાજપુરુષ તરીકેનું સ્થાન પામ્યા; કારણ તેમની ચારિત્ર્ય ભૂમિકા ખૂબ નક્કર હતી.

તેમના અભ્યાસકાળ દરમ્યાન તેઓના કેટલાક શ્રીમંત મિત્રોએ નરેન્દ્રનાથને એક બગીચામાં ફરવા માટે આમંત્રણ આપ્યું. મિત્રનું આમંત્રણ સ્વીકારી તેઓ ગયા.

સાંજે ઘરે પાછા ફરવાનું મોડું થવાનું હોવાથી મિત્રોએ તેમને બગીચાના મકાનમાં આરામ કરવાનું સૂચવ્યું. નરેન્દ્રનાથ ગયા. તેમના મિત્રોની મેલી મુરાદ હતી તેથી નરેન્દ્રનાથની પાછળ તે મકાનમાં એક નૃત્યદાસીને મોકલી દીધી. તેમણે નિર્દોષભાવે દાસીને બહેનની જેમ આવકારી તેમની સાથે વાતચીત કરી. ઔપચારિક વાતો દરમ્યાન નૃત્યાંગનાએ પોતાનાં દુઃખ અને દુર્ભાગ્યની કથની તેમને કહી, એમની પાસેથી સહાનુભૂતિ લેવા પ્રયત્ન કર્યો. નરેન્દ્ર પીગળ્યા છે એવું જાણી તેમણે પોતાનો મનોભાવ વ્યક્ત કર્યો.

નરેન્દ્રનાથે પરિસ્થિતિ પામી જતાં ગંભીર બની કહ્યું, “ક્ષમા કરજો બહેન, હવે મારે અહીંથી જવું જોઈએ. મને તમારા માટે સાચી લાગણી છે, હું તમારું ભલું ઇચ્છું છું પણ આવી જિંદગી જીવવામાં નિર્બળતા છે એવી વાત તમને સમજાશે ત્યારે તમે આવી બદીથી બચી શકશો.” એ દાસી પાછી ફરી, નરેન્દ્રનાથની વાતને વાગોળતાં તેમના મિત્રોને કહેવા લાગી કે, “તમે તો મારી બહુ કફોડી સ્થિતિ કરી – એક સાધુને લલચાવવાને મને મોકલી.” આમ, સ્વામી વિવેકાનંદની ચારિત્ર્યશીલતાનું તેમની મહાનતામાં બહુ મોટું યોગદાન હતું.

વ્યક્તિ પોતાના આદર્શો, સિદ્ધાંતોને પોતાના જીવનમાં જેટલા અંશે જીવંત રાખી શકે એટલા જ અંશે તે ચારિત્ર્યવાન બની શકે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી સંપૂર્ણ પરભાવમાં રાચતા સ્વરૂપો છે. તેઓની પરભાવી સ્થિતિ આગળ અવરભાવના તમામ શબ્દો, તમામ ગુણો ઝાંખા પડી જાય તેમ છતાં અવરભાવમાં સર્વેના સમાસ અર્થે મહારાજ તેઓમાં ચારિત્ર્યશીલતાના ગુણનાં દર્શન કરાવે કે જેમની સુવાસથી વિષમ દેશકાળાદિકમાં પણ અનેક પાત્રો ચારિત્ર્યવાન જીવન જીવે છે.

એક વખત SMVS સંસ્થા સાથે જોડાયેલા ઘરના કિશોરમુક્ત અમેરિકા ગયા. ત્યાં એક ગુજરાતી પરિવારના ઘરમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. બે દીકરા-દીકરી અને પોતે બે પતિ-પત્ની એમ ચાર સભ્યોનો પરિવાર હતો. કિશોરમુક્ત તો તેઓને માતાપિતા અને ભાઈ-બહેન માની તેઓની સાથે રહેતા.

પરંતુ એક દિવસ આ કિશોરના હૃદયમાં ‘મા’ તરીકેનું સ્થાન પામેલાં બહેને રાત્રે કિશોરના રૂમનો દરવાજો ખખડાવ્યો. ખોલતાંની સાથે પેલા બહેન અંદર ધસી આવ્યાં અને અનિચ્છનીય વર્તાવ કરવા લાગ્યાં. કિશોરમુક્ત બધી પરિસ્થિતિ પામી જતાં તેમનો તિરસ્કાર કરી બહાર ભાગી ગયા. આખી રાત ઘરની બહાર વિતાવી. બીજા દિવસથી એ ઘર છોડી હંમેશને માટે ત્યાંથી તેમના બીજા મિત્રના ફ્લેટ પર રહેવા જતા રહ્યા.

મહારાજ ફરી તેમના ચારિત્ર્યની કસોટી કરતા હોય તેમ એક દિવસ બપોરે આ કિશોરમુક્ત રૂમમાં સૂતા હતા અને પોતા સરખી ઉંમરના તેમના મિત્રના બહેન રૂમમાં પ્રવેશ્યાં. તેમનું વિષયાસક્ત વર્તન જોઈ કિશોર બનનારી ઘટનાને પારખી જતાં પ્રાર્થના અને રાજીપાના વિચારના બળે તેમનો તિરસ્કાર કરી ઘરમાંથી ભાગી ગયા. ભારતના રાત્રિના ૧૧:૩૦ વાગ્યે તેઓએ પ.પૂ. સ્વામીશ્રીને ફોન કર્યો ને ધ્રુસકે ને ધ્રુસકે રડતાં રડતાં પ્રાર્થના કરી,

“દયાળુ, મહારાજને પ્રાર્થના કરો કે મારી કસોટી ન કરે, મારું જીવન પવિત્ર રહે અને મહારાજ તથા આપનું પ્રગટપણું રહે.”

પ.પૂ. સ્વામીશ્રીએ તેઓને ફોન પર ખૂબ સાંત્વના આપી. તેઓની બ્રહ્મચર્યની દૃઢતા જોઈ અત્યંત રાજીપો જણાવી ‘મા’ની જેમ જતન કર્યું.

આવી રીતે પ્રસંગોપાત્ત ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રી પોતાના સંત-હરિભક્ત સમાજના શ્રેષ્ઠતમ ઘડવૈયા અને આદર્શ માવતર બની તેઓનું પોતાના સંકલ્પો અને સિદ્ધાંત મુજબનું ચારિત્ર્ય ઘડતર કરી રહ્યા છે.

આપણે પણ એક આદર્શ વાલી તરીકે પાછળની પેઢીને પૈસા કે ભેગી કરેલી મૂડી ન આપતાં તેઓને વિશ્વાસ અને ચારિત્ર્યનો વારસો આપીએ જે તેઓને ભવિષ્યમાં પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય પાત્ર તરીકે જીવન જીવવામાં ખૂબ મદદરૂપ થશે.

ચારિત્ર્યને વધુ શુદ્ધ કરવા માટે ચારિત્ર્યશીલ વ્યક્તિનો સંગ મહત્ત્વનો ભાગ ભજવે છે. સાથે ઉત્કૃષ્ટ વાંચન, મનન અને ઉત્કૃષ્ટ સમાગમ પણ એટલા જ મહત્ત્વનાં પાસાં છે. ઉત્કૃષ્ટ વાંચન-મનન અને સમાગમથી શ્રેષ્ઠ વિચારો ઉદ્ભવે છે, તેમાંથી શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિર્માણ થાય છે.

ભગવાનના ભક્ત તરીકે ચારિત્ર્યશીલ જીવનમાં કદી ડાઘ ન લાગે તે માટે મહારાજ અને મોટાપુરુષનું પ્રગટપણું અને અંતર્યામીપણું પણ ખૂબ જરૂરી છે. મોટેભાગે બધા લોકનજરમાં અર્થાત્ દુનિયાની દૃષ્ટિએ આદરપાત્ર સ્થાન મેળવવા ઇચ્છે છે, પરંતુ મહારાજ આપણા આચરણથી આપણને આદરપાત્ર ગણે છે. માટે મળેલા મહારાજ અને મોટાપુરુષને આપણા થકી કદી લાંછન ન લાગે તેવું પવિત્ર જીવન જીવવું.

આપણી પવિત્રતા અને આચરણ જીવનપર્યંત સુરક્ષિત રાખવાં, આજના કલુષિત વાતાવરણથી બચવા, ભૂંડા દેશકાળાદિકથી બચવા માટે જરૂર છે પ્રાર્થનાની. પ્રાર્થના એ આપણી અને મહારાજ વચ્ચેનો સેતુ છે. પ્રાર્થનાના સહારાથી જ્યારે પણ આપણને ખોટું કાર્ય કરવાનો વિચાર પણ આવે ત્યારે મહારાજ આપણને અંતઃસ્ફુરણા દ્વારા તે કાર્ય નહિ કરવા માટે ટકોર કરે છે અને આપણને પાછા વાળે છે. જેનાથી ચારિત્ર્યશીલતા અખંડિત રહે છે.

ચારિત્ર્યને મહારાજ સાથે કેવો સંબંધ છે ? તો, મહારાજ આપણા ચિત્ર કહેતાં બાહ્ય દેખાવમાં નહિ પણ ચરિત્રમાં વસે છે માટે આપણા આત્માને મંદિર બનાવીએ કહેતાં અનાદિમુક્તની લટકે વર્તતાં અવરભાવમાં પણ શુદ્ધ અને ચારિત્ર્યવાન જીવન જીવતા થઈએ એવી અભ્યર્થના.