દાસાનુદાસ થઈ રહીએ - 1

  April 12, 2021

સૃષ્ટિના સર્જનમાં અનેક આશ્ચર્યમાંનું મોટું આશ્ચર્ય માનવસૃષ્ટિની રચના છે. દુનિયાની ૮૦૦ કરોડની વસ્તીમાં દરેક ચહેરાની ડાઈ જુદી જુદી જ હોય છે. બે જોડિયા ભાઈ હોય તોપણ તેમાં થોડો ફેર તો જોવા મળે જ. માત્ર દેહાકૃતિ જ નહિ; દરેકના સ્વભાવ, વિચાર, શોખ, ગમતું બધું જુદું જ હોય છે. તેમ છતાં દરેકમાં એક બાબત સાહજિકપણે સમાન જોવા મળે છે અને એ છે ‘મોટા થવાના અભરખા’. દરેકને તેની જ અંદરથી ઇચ્છા વર્તતી હોય છે.
મોટા થવાનું ઘેલું દરેકને એવું લાગ્યું હોય છે કે કેટલાય દિવસો, મહિનાઓ ને વર્ષો તથા આખું જીવન એની પાછળ જ પસાર થઈ જાય છે. નાના બાળકને પૂછશો કે, “તારે શું બનવું છે ?” તો તરત જ કહેશે, “હું ડૉક્ટર બનીશ, વકીલ બનીશ, વડાપ્રધાન બનીશ.” એવી રીતે મોટા થવાની જ ઇચ્છા વ્યક્ત કરશે. ભણવામાં ઉપર ચડાઉ હોય તોપણ કોઈ બાળક એવું નથી બોલતું કે, ‘હું મજૂર બનીશ’, ‘પટાવાળો બનીશ’ કે ‘ખેડૂત બનીશ’.
વ્યક્તિમાત્રને બૉસ, લીડર, ઉપરી કે સત્તાધારીની પદવી મેળવવી જ ગમે છે પરંતુ કોઈને દાસ, સેવક કે ગુલામની પદવી પામવાની ઇચ્છા થતી નથી.
દરેકની મોટા થવાની આવી સાહજિક વૃત્તિ હોવા છતાં દાસ થયા વિના મોટપ મળતી નથી. તે દર્શાવતાં શ્રીજીમહારાજે શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૯, તરંગ-૪૧માં કહ્યું છે, “મનુષ્યમાત્રને મોટા થવાની હોશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહીં.”
એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં મંગળા આરતીનાં દર્શન કરી નીચે ઊતરી રહ્યા હતા. પગથિયાં ઊતરતાં છેલ્લું પગથિયું આવ્યું. શ્રીહરિ તેની ઉપર બિરાજી સંતો-હરિભક્તોની ચરણરજ લઈ મસ્તક ઉપર ચડાવવા લાગ્યા.
સંતો-હરિભક્તોએ શ્રીહરિની આવી આશ્ચર્યકારી ચેષ્ટા જોઈ પૂછ્યું કે, “મહારાજ, આ શું કરો છો ?” ત્યારે સ્વવર્તન દ્વારા સૌને ઉપદેશ કરતાં કહ્યું, “હે સંતો-હરિભક્તો ! જેને ઊંચે પગથિયે ચડવું હોય, મોટા થવું હોય તેને પહેલાં નીચેના પગથિયે બેસવું પડે. સૌના દાસ થઈએ તો મોટપને પમાય.” મોટપ કહેતાં દાસ સંજ્ઞામાં સૌથી મોટા અનાદિમુક્ત છે. એવા અનાદિમુક્ત થવા સૌના દાસ થવું અનિવાર્ય છે. 
શ્રીજીમહારાજનો આ૫ણને સૌને અનાદિની સ્થિતિરૂપી ખરી મોટપ પમાડવાનો સંકલ્પ છે; તે માટે જ આપણને સૌને આ કારણ સત્સંગના યોગમાં લાવ્યા છે. હવે આપણે મુમુક્ષુતા પ્રગટાવી મૂર્તિસુખ તરફ આગળ વધવાનું છે. એ માટે મુમુક્ષુતા માટેની પાત્રતા મહારાજ અને મોટાપુરુષના રાજીપાએ કરીને બંધાય છે અને રાજીપો દાસત્વભાવથી થાય છે. બહુધા સાધક મોક્ષ માર્ગે આગળ વધવા અનેક સાધના કરે છે પરંતુ સત્સંગમાં આવી દર્શન, સેવા, દાન, જપ, તપ આદિક સાધના દાસત્વભાવે કરવી એ સૌથી મોટી સાધના છે. મહારાજ અને મોટાપુરુષનો સૌથી વધુ રાજીપો દાસત્વભાવે વર્તે તેમાં જ છે. તે દર્શાવતાં શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૫, તરંગ-૫૩માં કહ્યું છે કે, “દાસાનુદાસ થઈને જે ભક્તની સેવા કરે તે સેવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી.”
એક વખત શ્રીજીમહારાજ ચૈત્રી સમૈયામાં વડતાલ જતા હતા. એ વખતે ઓગણીસ સંતો માંદા પડયા. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ દાસભાવે સૌ સંતોની ખૂબ સેવા કરી હતી. સ્વામી કોઈ પ્રકારની નાનપ અનુભવ્યા વિના માંદા સંતોને રુચે તેવું જમવાનું બનાવી આપતા, માથું-પગ દબાવતા, કપડાં તથા ગોદડી ધોતા, આસન કરી આપતા. આવી રીતે દાસભાવે ખૂબ મહાત્મ્ય સમજી સેવા કરતા હતા.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીની આવી દાસભાવે અને દિવ્યભાવે સૌ સંતોની સેવા કરવાની રીત જોઈ શ્રીજીમહારાજ અત્યંત રાજી થયા હતા. બધા જ સંતોને સાજા કરી સદ્. ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા ત્યારે બધા સંતો વતી મહારાજ સ્વામીને ઓગણીસ વાર મળ્યા અને અત્યંત રાજીપો દર્શાવ્યો હતો.
સત્સંગમાં જે દાસાનુદાસ થઈ રહે તેની ઉપર શ્રીજીમહારાજ વારી જતા. તેમની ઉપર અંતરના રાજીપાનો વરસાદ સહજમાં વરસાવી દેતા. દાસાનુદાસ થનારને વશ થઈ જતા અને તેના સર્વે મનોરથ પૂરા કરતા. એટલે જ કહ્યું  છે કે,
“દાસના દાસ થઈને, વળી જે રહે સત્સંગમાં;
ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.”
શ્રીજીમહારાજ સંવત ૧૮૮૧માં સુરત પધાર્યા હતા. અરદેશર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોટવાળ (અમલદાર) હતા. મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ તેમને પૂછીને કાર્ય કરતા તેવી તેમની પાસે બુદ્ધિ, ચાતુર્યતા, આપસૂઝ અને વ્યવહારકુશળતા હતી. તેમણે પોતાની આગવી કુનેહથી અંગ્રેજ અમલદારો પાસેથી કેટલાય ઇલકાબ (ઉપાધિઓ-પદવી) મેળવ્યા હતા. સમગ્ર સુરત શહેરમાં તેમની નામના હતી. તેમ છતાં તેઓ શ્રીહરિનાં દર્શન કરતા ચરણોમાં ઝૂકી જતા. વારંવાર ચરણસ્પર્શ કરી દાસભાવે રાજી કરવા પ્રાર્થના કરતા.
કોટવાળપણાનું માન કે પોતાના હોદ્દાનું કોઈ પ્રકારે માન તેમના જીવનમાં દેખાતું ન હતું. શ્રીજીમહારાજ જ્યારે સુરતથી ગઢપુર ભણી વિદાય લેતા હતા ત્યારે અરદેશરજીએ ખૂબ પ્રેમભાવથી શ્રીજીમહારાજનું પૂજન-અર્ચન કર્યું. શ્રીહરિના ચરણોમાં દાસભાવે પ્રાર્થના કરી કે, “હે મહારાજ ! હું સત્સંગમાં સદા દાસાનુદાસ થઈને રહી શકું એવી દયા કરો તથા અંત સમયે આવાં જ દર્શન આપજો. બસ, હું આટલું જ હાથ જોડીને, કગરીને માગું છું.”
અરદેશરજીનો દાસત્વભાવ અને સાચી પ્રાર્થના જોઈ શ્રીહરિ અંતરથી ખૂબ રાજી થયા. રાજીપો વરસાવતાં પોતે ધારણ કરેલી પાઘ તેમના મસ્તક પર મૂકી તેમના મનોરથ પૂર્ણ કરવાનું વચન આપ્યું.
આમ, અરદેશરજીના જીવનમાંથી આપણે પણ દાસભાવ કેળવવાની પ્રેરણા લઈએ.