દાસાનુદાસ થઈ રહીએ - 12

  June 28, 2021

મુમુક્ષુતા કેળવવા પોતાની જાત સાથે વિચાર-વિમર્શ :
દાસાનુદાસ થઈ રહેવું. આ લક્ષ્યાંક વાંચીને મનન કર્યું કે દાસત્વભક્તિ એ જ સૌથી મોટી સાધના છે. જે દાસ થાય છે તે જ પાસ થઈ મોટા થાય છે અને જે બૉસ થાય છે તેને બહુ મોટો લૉસ જાય છે. આ અંગે મહારાજ અને મોટાપુરુષ  ઘણા અભિપ્રાયો જણાવતા હોય છે. ગઢડા મધ્યના ૨૮મા વચનામૃતમાં પણ સ્વયં શ્રીજીમહારાજ ભક્તના ભક્ત થઈને રહેવા ઇચ્છે છે એવું પણ જાણ્યું છે. આજે સત્સંગમાં અને સંસારમાં પણ જે નમે છે, દાસ થાય છે તે જ સાચી મોટપને પામી શકે છે એવું જોયું પણ છે અને ક્યાંક દાસ થવા પ્રયત્ન કર્યો હોય ત્યાં મારા જીવનમાં સારા અનુભવો પણ થયા છે તેમ છતાં દાસાનુદાસ થવું તે વાત મારા જીવનમાં માત્ર એક આદર્શ બની રહી છે. માત્ર જાણકારી બની રહી છે. પણ દાસ થવા તરફ મેં તો એક ડગલુંય માંડ્યું નથી. ઉપરથી દિન-પ્રતિદિન મને તો મોટા થવાના જ ડોડ રહે છે અને શું કરું તો મને મોટપ મળે ? તેના વિચારમાં મગ્ન રહું છું. ખરેખર આમ તે કેમ ચાલશે ?
જ્યાં હું દાસ થવા પ્રયત્ન કરું છું ત્યાં મારો અહંકારી સ્વભાવ આડો આવે છે. અહંકારને કારણે જ મને દાસ થવું એ કમજોરી અને લાચારી લાગે છે. શ્રીજીમહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં લોજપુરમાં સૌના દાસ થઈને વર્ત્યા. દાસત્વભાવે સૌની નીચામાં નીચી ટેલની સેવા કરી છે. જ્યારે મારું ક્યાંય કંઈ ઊપજતું નથી, કોઈ સામર્થી કે ઐશ્વર્ય નથી તોય મોટા થવાના જ પ્રયત્ન કરું છું.
મોટા થવાના અહંકારમાં રોફ જમાવું છું... જેને તેને વઢી નાખું છું... જેમ તેમ બોલું છું. તેમાં કેટલાય ગરીબ સ્વભાવવાળા મુક્તોને મેં અત્યાર સુધી દૂભવી નાખ્યા છે. મહારાજના વ્યતિરેક સંબંધવાળા અને ગરીબ સ્વભાવવાળા મુક્તોને દૂભવ્યા છે તેનું જ મને નાનું-મોટું તનનું, મનનું, ધનનું દુ:ખ આવ્યા કરે છે. તેમ છતાં હજુ મારી આંખ ઊઘડતી નથી.
મહારાજ અને મોટાપુરુષ સરળ સ્વભાવી અને ગરીબ સ્વભાવવાળા મુક્તો પર અતિશે રાજી થાય છે. કારણ, તેઓ સૌની સાથે લીંબુના પાણીની જેમ ભળી જાય છે. જ્યારે મને તો સરળ સ્વભાવે વર્તવું તે બુદ્ધુ લોકોનું કામ લાગે છે. ગરીબ સ્વભાવવાળા બનવાનો વિચાર પણ  આવતો નથી તો પ્રયત્ન તો થાય જ ક્યાંથી ? ગરીબ સ્વભાવવાળા બનવું તે તો જાણે મારા જીવનના લિસ્ટ બહારની વાત લાગે છે.
માટે ગરીબ સ્વભાવ કર્યા સિવાય છૂટકો જ નથી. અત્યાર સુધીના મારા જીવનના ગંદા ભૂતકાળને હવે ભૂલી જવો છે અને વર્તમાન અને ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવું જ છે. મારે દાસાનુદાસ થઈ મહારાજ અને મોટાપુરુષને રાજી કરી મુમુક્ષુતા પ્રગટાવવી જ છે, દાદા મટી દાસ થવું જ છે. ન કેમ થવાય ? દાસ થવા હવે મારે સૌની આગળ બે હાથ જોડીને જ વાત કરવી છે. કોઈ દિવસ હાથ જોડ્યા જ નથી તેથી થોડા દિવસ અનફિટ (અતડું) લાગશે. હવે મારે ગમે તે થાય; હાથ જોડીને જ સૌની આગળ વાત કરવી છે. અને સૌને ‘મહારાજ’ અને ‘દયાળુ’ શબ્દથી જ બોલાવવા છે. જેથી તેમની આગળ દાસ થવામાં મને મારો અહંકાર, સ્વભાવો આડા ન આવે કે શરમ-સંકોચ ન થાય. માત્ર બોલવામાં જ ‘મહારાજ’, ‘દયાળુ’ શબ્દ બોલી ઔપચારિકતા નથી કરવી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો દિવ્યભાવ અને દાસભાવવાળો સમાજ તૈયાર કરવાનો સંકલ્પ છે તેની શરૂઆત મારે મારા જીવનથી કરવી જ છે. હે મહારાજ ! હે બાપા ! હે બાપજી ! હે સ્વામીશ્રી ! દયાળુ, આપનો દાસત્વભાવ દૃઢ કરાવવાનો જે આગ્રહ છે તેને મારો આગ્રહ બનાવી એ પ્રમાણેનું જીવન કરી શકું તેવું બળ આપો, ભેળા ભળો. આપના સંકલ્પમાં ભેળા ભળવા હવે મારે મારા જીવનમાં આટલું તો કરવું જ છે.
આ માટે હવે મારે આટલું તો કરવું જ છે :
૧. સૌની આગળ બે હાથ જોડીને નમ્રતાથી વાત કરીશ.
૨. સૌને દિવ્યભાવે ‘મહારાજ’ અને ‘દયાળુ’ સંબોધનથી જ બોલાવીશ.
૩. માંદા સંતો-ભક્તોની સેવા દિવ્યભાવે, મહિમાસભર થઈને કરીશ.
૪. ‘હું કશું જ નથી’, ‘બધા મારા કરતાં મોટા અને સમજુ છે’ એમ સમજણ દૃઢ કરીશ.
૫. મંદિરમાં નીચી ટેલની એક તનની સેવા તો કરીશ જ.
૬. ગરીબ સ્વભાવવાળા થવું જ છે.
૭. કોઈ પણ બાબતમાં સરળ થઈ જઈશ. કોઈની આગળ દલીલ નહિ કરું.
૮. કોઈ નાના-મોટા પ્રસંગ બને તો તેમાં સહનશીલતા કેળવીશ.
૯. પોતે પાછળ રહી બીજાને આગળ કરીશ. ઊપસવાનો પ્રયત્ન નહિ કરું.
૧૦. મોટાપુરુષ, સંતો કે કોઈ પણ નાનામાં નાના હરિભક્તની આગળ દાસ થઈને જ રહીશ.
૧૧. ખરા દાસ અનાદિમુક્ત થવા મહારાજના સ્વરૂપમાં મારા અસ્તિત્વનો પ્રલય કરીશ.