દાસાનુદાસ થઈ રહીએ - 3

  April 26, 2021

મોક્ષ માર્ગનો પ્રારંભ દાસ થવાથી થાય છે તે શ્રીજીમહારાજે સ્વયં પોતાના જીવન દ્વારા સમજાવ્યું. પોતે વર્ણી વેશે સાત વર્ષ વન વિચરણ કરી લોજપુરને વિષે પધાર્યા ત્યારે સદ્. રામાનંદ સ્વામીની અવરભાવની ગેરહાજરીમાં પણ સદ્. મુક્તાનંદ સ્વામીના દાસ થઈને રહ્યા. જે શ્રીમુખે ગઢડા છેલ્લાના ૨૭મા વચનામૃતમાં કહ્યું છે, “અમને જો રામાનંદ સ્વામીનાં દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું.” પોતાના ભગવાનપણાની મોટપ મૂકી, સેવકભાવે છાણ-વાસીદું વાળવાની, સ્વચ્છતાની, રોટલા કરવાની, લાકડાં લાવવાની સેવા કરતા. નિજબોધાનંદ સ્વામી જેવા આકરી પ્રકૃતિવાળા સંતના પણ દાસ થઈને રહ્યા હતા.
સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં નીલકંઠ વર્ણી વેશે આશ્રમમાં નાના-મોટા સૌના દાસ થઈને વર્ત્યા. પોતે ભગવાન હોવા છતાં સૌના દાસ થઈને વર્ત્યા તો સદ્. રામાનંદ સ્વામીએ પોતાની ગાદીનો વારસો આપી દીધો. જ્યારે રઘુનાથદાસ નીલકંઠ વર્ણી કરતાં ઉંમરમાં મોટા હતા. વ્યવહારકુશળ, મહાજ્ઞાની અને બાળ બ્રહ્મચારી હતા પરંતુ તેઓ અહંકારી થઈ અટંટ રહ્યા. પોતાના ગુરુ સદ્. રામાનંદ સ્વામીના પણ દાસ ન થઈ શક્યા તો તેમને ગાદીનો વારસો તો ન મળ્યો પરંતુ ઇતિહાસનાં પૃષ્ઠોમાંથી તેમનું નામ ભૂંસાઈ ગયું; સત્સંગથી વિમુખ થયા.
જે દાસ થાય તેની ઉપર જ મહારાજ અને મોટા રાજી થાય છે તે દર્શાવતાં જીવનપ્રાણ બાપાશ્રીએ ભાગ-૧ની ૧૫૮મી વાતમાં કહ્યું છે, “દાસ ઉપર એવા રાજી થયા, માટે દાસપણામાં સુખ છે. દાસ તમારા દાસનો, મને રાખો નાથ હજૂર એમ પ્રેમાનંદ સ્વામીએ પણ માગ્યું છે, માટે દાસપણું રાખવું.”
મોટા મોટા સદ્ગુરુ સંતો અનંતકોટિ બ્રહ્માંડના ભગવાન થઈને પૂજાય એવા સમર્થ હોવા છતાં તેમણે શ્રીજીમહારાજ પાસે માત્ર દાસ થવાનું નહિ, દાસાનુદાસ થવાનું જ માગ્યું છે. કારણ, દાસાનુદાસ થઈને રહેવું એ જ મોક્ષ માર્ગની સિદ્ધિ છે.
સદ્. ગોપાળાનંદ સ્વામી આ લોકની દૃષ્ટિએ અષ્ટાંગ યોગી હતા અને પરભાવમાં સંકલ્પ સ્વરૂપ હતા. તેમના સંકલ્પમાત્રથી અનંતકોટિ બ્રહ્માંડોનો પ્રલય થતો હતો. સંકલ્પમાત્રથી ગ્રહની ગતિ રોકી ગ્રહણને અટકાવી શકતા હતા. સ્વયં શ્રીજીમહારાજ એમ કહેતા, “આ તો અમે આ બ્રહ્માંડમાં છીએ એટલે સદ્. ગોપાળાનંદ સ્વામી સાધુ છે, નહિ તો આખા બ્રહ્માંડના ભગવાન એ જ હોત.” સ્વામીનું આવું અવરભાવ અને પરભાવનું અજબ સામર્થ્ય હતું. તેથી જ શ્રીજીમહારાજે બંને દેશ, આચાર્ય અને સમગ્ર સત્સંગના ઉપરી કર્યા હતા. અને સૌને એમની આજ્ઞામાં રહેવાની આજ્ઞા કરી હતી.
“સર્વે પાળા વર્ણી સુણી લેજો રે, આ ગોપાળમુનિની આજ્ઞામાં રહેજો રે...”
સદ્. મુક્તાનંદ સ્વામીનો શ્રીજીમહારાજ ગુરુ સમાન પૂજ્યભાવ રાખતા અને સમગ્ર સત્સંગ સમાજને રખાવતા. પોતાનાં દર્શન કરવા આવતા પહેલાં સદ્. મુક્તાનંદ સ્વામીનાં દર્શને જવાની આજ્ઞા કરી હતી.
આવા મોટા હોવા છતાં તેઓ હંમેશાં દાસત્વભાવે જ વર્તતા હતા. તેમણે મહારાજના ગમતા, રુચિ કે મરજીથી પોતાનો અલ્પ સંકલ્પ નોખો રાખ્યો ન હતો. તેથી જ શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬૨મા વચનામૃતમાં દાસ કોને કહેવાય તેનાં લક્ષણ બતાવી તેમની દાસત્વભક્તિને બિરદાવતાં કહ્યું છે, “જેને દાસભાવે કરીને ભક્તિનું અંગ છે તેને પણ પોતાના જે ઇષ્ટદેવ છે, તેનું જ દર્શન ગમે, અને એની જ વાર્તા સાંભળવી ગમે ને; પોતાના ઇષ્ટદેવનો જ સ્વભાવ ગમે, અને તેની જ પાસે રહેવું ગમે, એવો પ્રીતિવાન હોય તોપણ પોતાના ઇષ્ટદેવની સેવા સારુ ને રાજીપા સારુ રાત-દિવસ એમ ઇચ્છ્યા કરે જે મુને મારા ઇષ્ટદેવ કાંઈક આજ્ઞા કરે તો હું અતિશે હર્ષે કરીને કરું પછી પોતાના ઇષ્ટદેવ છે, તે આજ્ઞા કરે તો છેટે જાઈને રહે તોપણ રાજી થકો જ રહે પણ કોઈ રીતે અંત:કરણમાં ખેદ પામે નહિ, અને આજ્ઞાને વિષે જ પરમ આનંદ માને. એ દાસત્વભક્તિની ઉત્તમદશા છે. એવા દાસત્વભક્તિવાળા તો આજ ગોપાળાનંદ સ્વામી છે અને બીજા મુક્તાનંદ સ્વામી છે.”
દાસત્વભાવ એ જ મુક્તભાવ પ્રગટાવવા માટે પાયાની જરૂરિયાત છે. મહારાજ અને મોટાપુરુષનો રાજીપો કમાવવાનું માધ્યમ છે. સદા સુખી રહેવાનો અને નિકટવર્તી સમુદાયને સુખી રાખવાનો ઉપાય દાસભાવ છે. એમાં જે દાસના દાસ થાય તે સત્સંગની બાજી જીતી જાય છે.
“જો ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું તો તે ભગવાનના ભક્તનો પણ ભક્ત છું અને હું ભગવાનના ભક્તની ભક્તિ કરું છું.” એવી રીતે શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૨૮મા વચનામૃતમાં પોતાના મિષે ભક્તના ભક્ત અને દાસના દાસ થવાની વાત કરી અંતે દાસાનુદાસ થવાની વાતને જ જીવનદોરીરૂપ સમજાવતાં કહ્યું છે, “આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક... તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે ને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે ને હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે તે જીવનદોરીરૂપ છે.”
શ્રીહરિની અંતર્ગત મરજીમાં રહેવા માટે કટિબદ્ધ થઈએ.