દાસાનુદાસ થઈ રહીએ - 4

  May 3, 2021

મહાન પુરુષોના જીવનમાં દાસત્વભાવથી જ તેમની મુમુક્ષુતાનો નિખાર આવ્યો છે. તેમણે મોક્ષ માર્ગમાં દાસત્વભાવને પોતાની જીવનદોરીરૂપ કરી દીધો હોય છે. તેથી જ તેઓ દાસ થઈને વર્તવા છતાં કરોડોના કલ્યાણદાતા બની શક્યા. કરોડોના કલ્યાણદાતા બનવા છતાંય તેઓ દાસત્વભાવને જ ઇચ્છતા રહેતા. એ જ તેમની ખરી પરભાવની મોટપ કહેવાય.
એક વખત સદ્. આત્માનંદ સ્વામી અને સદ્. ગુણાતીતાનંદ સ્વામી વિચરણમાં પધાર્યા હતા. સદ્. આત્માનંદ સ્વામીને આખા શરીરે ખસ થઈ હોવાથી ચાલી શકે તેમ ન હતા. તેથી બીજા ગામ જવા તેમના માટે ગાડું કરાવ્યું. સદ્. ગુણાતીતાનંદ સ્વામી ગાડાની પાછળ દાસભાવે ચાલતા હતા.
થોડી વારમાં ગાડું હાંકનાર ઉતાવળે ગાડું ચલાવતા હોવાથી સદ્. આત્માનંદ સ્વામીને પીડા થવા લાગી. તેથી સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ ધીરે ગાડું હાંકવા કહ્યું. ખેડૂતે કહ્યું, “સ્વામી, આ રસ્તે ચોર-લૂંટારુની ખૂબ બીક છે. વળી, વળતાં હું એકલો છું એટલે સંધ્યા થતાં પાછો આવી પહોંચું તેથી ઉતાવળું હાકું છું.”
ખેડૂતની વાત સાંભળતાં સદ્. આત્માનંદ સ્વામી તરત ગાડું ઊભું રખાવી નીચે ઊતરી ગયા અને કહ્યું, “ભાઈ, અમારા કારણ તને જોખમમાં ન નખાય. અમે સંતો હળવે હળવે હાલ્યા જાશું. અમારે લૂંટાવાનો કોઈ ભય નથી.” ખેડૂતે ઘણી વિનવણી કરી છતાં સ્વામી ન જ માન્યા અને તેને પાછો વાળી પોતે દેહથી વિરક્ત થઈ ચાલવા માંડ્યું.
મોડી સાંજે સંતોનું મંડળ સામે ગામ તળાવની પાળે પહોંચ્યું. બે સાધુએ ગામમાંથી ઝોળી માગી લાવી રસોઈ કરી. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ સદ્. આત્માનંદ સ્વામીને ખસની પીડા ટાળવા કુંભારને ત્યાંથી માટલું લાવી નવશેકું ગરમ પાણી કર્યું અને સ્વામીને મહારાજના ભાવથી હળવે હાથે નવરાવ્યા. સ્નાન કરાવતાં સ્વામીને રખે ને દુખે નહિ તેની ખૂબ કાળજી રાખતા.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીને અતિ દાસત્વભાવે સેવા કરતા જોઈ સ્વામી ખૂબ રાજી થતાં બોલ્યા, “અલ્યા ગુણાતીતાનંદ, તું તો બધાયનો ગુરુ થાય એવો છે. કીર્તન બોલવામાં, દાસભાવે સેવા કરવામાં, બ્રહ્માંડ ફાટી જાય એવી વાતું કરવામાં પણ એક્કો છે.”
સદા દાસત્વભાવની દુનિયામાં વિહરનારા સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું, “સ્વામી, મારો એવો કયો અપરાધ છે તો તમારે મને સેવક મટાડી ગુરુ કરવો છે ? દાસ થઈને રહેવામાં જ સુખ છે, એમાં જ મહારાજનો રાજીપો છે માટે મારે સદાય દાસાનુદાસ થઈને રહેવું છે; એવી રીતે રહેવાય એવી દયા કરો.”
સદ્. ગુણાતીતાનંદ સ્વામી સાધુજીવનના પ્રારંભકાળે તો દાસના દાસ થઈ વર્તતા પરંતુ શ્રીજીમહારાજે જૂનાગઢ મંદિરના મહંત કર્યા; ૪૦૦ શિષ્યોના ગુરુપદે બિરાજતા હોવા છતાં તેમના જીવનમાં દાસત્વભક્તિનાં નીતરતાં દર્શન થતાં. મહારાજ પાસે સદ્. ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક માસ સમાગમનો લાભ આપવા જૂનાગઢ આવે તેવું વચન માગ્યું. ૭૫ વર્ષની જૈફ વયે પણ તેઓ સાવરણો લઈ મંદિરનો ચોક વાળતા. કોઈ સ્વામીના વખાણ કરવા આવે તોપણ તે મોટપ ખમી શકતા નહિ અને દાસત્વભાવે જ વર્તવામાં રાજી થતા.
એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં સભામાં લાભ આપતા હતા. એ વખતે એક ગઢવી આવી સ્વામીના વખાણ કરવા લાગ્યા. સ્વામી માટે પ્રશંસાનાં ફૂલ વેરવા માંડ્યાં. પણ દાસભાવે વર્તનારા સ્વામીને પ્રશંસાનાં ફૂલ કાંટાની જેમ ખૂંચતાં હતાં. તેથી સ્વામી તરત બોલ્યા, “અલ્યા સંતો, સાવરણો લાવો. મારા ભાગનું વાસીદું વાળવાનું બાકી છે તે વાળી નાખું.” એમ કહી ગઢવીને દેખતાં વાળવા માંડ્યું.
ગઢવીને થયું આ સ્વામી સાવરણો લઈ વાળે છે તે મને શું જશ દેશે ? માટે અહીંથી ચાલવા દે. સ્વામીના જીવનમાં ક્ષણે ક્ષણે દાસત્વભાવનાં દર્શન થતાં હતાં. તેથી જ તેઓ મહારાજના વ્હાલા અને કરોડોના કલ્યાણદાતા બન્યા.
મોક્ષ માર્ગમાં જે દાસાનુદાસ થઈને વર્તે તેનામાં જ મુમુક્ષુના શુભ ગુણ વૃદ્ધિ પામે છે ને મુમુક્ષુતા પ્રગટે છે. તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૫૮મા વચનામૃતમાં કહ્યું છે, “પરમેશ્વરના દાસનો ગુલામ થઈને રહે ને એમ જાણે જે, એ સર્વે ભક્ત મોટા છે ને હું તો સર્વથી ન્યૂન છું, એમ જાણીને હરિભક્તનો દાસાનુદાસ થઈ રહે ને એવી રીતે જે વર્તે તેના સર્વ વિકાર નાશ પામે ને તેને દિવસે દિવસે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિક જે શુભ ગુણ તે વૃદ્ધિ પામતા જાય છે.”
મોક્ષ માર્ગમાં આગળ વધવા અને મુમુક્ષુતા પ્રગટાવવા પોતાને વિષે ન્યૂનભાવ કેળવવો તથા ગુલામ થઈને વર્તવું તે દાસાનુદાસ થવાની પરાકાષ્ઠા છે. જે ગુલામ થઈને વર્તે છે તે જ ગુરુના અંતરના રાજીપાને પામી સિદ્ધિના શિખરને આંબે છે.
એક ગુરુની સેવામાં એક મુમુક્ષુ મોક્ષપિપાસાથી આવ્યો હતો. ગુરુની સેવા કરવા પાછળનો એકમાત્ર ઇશક મોક્ષ પામવાનો જ હતો. તેથી તેના રોમ રોમમાં માત્ર દાસત્વભાવ જ નહિ, ગુલામભાવ જ વર્તતો હતો. તેણે આવતાંની સાથે ગુરુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી ગુરુના ચરણમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ગુરુએ તેને પૂછ્યું, “તારું નામ શું ?” “તમે બોલાવો તે.” “તું કામ શું કરીશ ?” “તમે કહેશો તે.” “તું જમીશ શું ?” “તમે આપો તે.” “તું પહેરીશ શું ?” “તમે આપો તે.” “તું રહીશ ક્યાં ?” “તમે રાખો ત્યાં.” આવી રીતે ગુરુએ જે જે પૂછ્યું તેમાં આ જ રીતે જવાબ આપ્યો. તેથી ગુરુએ કહ્યું, “અરે, કોઈ બાબતમાં તારી પોતાની પસંદગી જ નથી ? આ તે કેવા જવાબ ?”
આગંતુક મુમુક્ષુએ કહ્યું, “હું આપનો ગુલામ છું, આપ મારા માલિક છો; આપની મરજી એ મારી મરજી, આપનું ગમતું એ મારું ગમતું. મારા જીવનમાં મારું કોઈ જુદું અસ્તિત્વ જ નથી. આપ ચાહે સો કરો, ચાહે સો રાખો. મારો કોઈ ઠરાવ નથી કે મારી કોઈ પસંદગી નથી.”
આટલી વાત સાંભળતાં ગુરુ મુમુક્ષુના આચરણથી રાજી થઈ ગયા ને કહ્યું, “ખરેખર મને આજે ખબર પડી કે મોક્ષપિપાસુ કેવા હોવા જોઈએ ? વત્સ, તું જરૂર ભગવાનના સુખને પામી મોક્ષ કરી શકીશ.”
અર્થાત જેના જીવનમાં કોઈ પોતાની આગવી ઇચ્છા, મરજી ન હોય, મહારાજ અને મોટાપુરુષના દાસાનુદાસ થઈ એમને સંપૂર્ણ શરણાગત થાય, ગુલામભાવે વર્તે તે જ મૂર્તિસુખની યાત્રામાં આગળ વધે છે અને અનાદિમુક્તની શ્રેષ્ઠ પદવીને પામે છે.