દાસાનુદાસ થઈ રહીએ - 5
May 10, 2021
શ્રીહરિએ શ્રીહરિચરિત્રામૃતસાગરમાં  શ્રીમુખે કહ્યું છે,
  “દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને ‘દાસ’ની પદવી આપે છે. દાસની  (અનાદિમુક્તની) પદવી પરથી પર પદવી છે.”                                                               - પૂર-૧૨, તરંગ-૭૧ 
  “સંતો-ભક્તોનો દાસ થઈ જે વર્તે છે તેને સમાધિ વિના સમાધિ છે. જે  દાસ થયો તેના હ્દયમાં પ્રકાશ થાય છે. તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે.”                              - પૂર-૧૫, તરંગ-૭૨ 
  વચનામૃત તથા સાંપ્રદાયિક ગ્રંથોના  પાને પાને દાસાનુદાસ થઈને રહેવાનું અદકેરું મહાત્મ્ય વર્ણવાયું છે. તે  વાંચતાં-સાંભળતાં દાસાનુદાસ થઈને રહેવાનું   સૌને મન થાય. તેમ છતાં દાસાનુદાસ થઈ શકાતું નથી. અહંકારી સ્વભાવનો પ્રદોષ  દાસાનુદાસ થવા દેતો નથી. 
  ગૃહસ્થને કુળ, દ્રવ્ય, સંપત્તિ, સત્તા, રૂપ, ગુણ અને આવડત-બુદ્ધિ એવું સાત પ્રકારનું માન વ્યવહારમાં અને સત્સંગમાં બેય  ઠેકાણે રહેતું હોય છે; જ્યારે ત્યાગીને સત્તા, સદ્ગુણ, યશ-કીર્તિ, સન્માન, આવડત-બુદ્ધિ એવું પાંચ પ્રકારનું માન રહી જતું હોય છે. આ માન ત્યાગી-ગૃહીને  સત્સંગમાં દાસાનુદાસ થવા દેતું નથી. જે મોટા થવાના કોડ જગાડે છે. 
  શેખમિયાંને શ્રીજીમહારાજે સિંધ  દેશમાં સત્સંગ કરાવવા તેમની દાઢી જોઈને બધાને સમાધિ થાય તેવું ઐશ્વર્ય આપ્યું હતું. પરંતુ તેમને ભગવાન થવાના કોડ જાગ્યા. તેથી તેઓ સિંધને બદલે  ગુજરાતમાં જ પોતાનું ઐશ્વર્ય વાપરી ભગવાન થઈ પૂજાવા લાગ્યા.  લોકોને કહેતા કે, “મેરે મેં ઔર સહજાનંદ મેં ક્યા ફરક  હૈ ? સહજાનંદ ભી સમાધિ કરાતે હૈ ઔર મૈં ભી સમાધિ કરાતા હૂં.”
  શ્રીજીમહારાજ આ બધું જાણી અત્યંત  ઉદાસ થયા હતા. એવામાં એક વખત શેખમિયાં ગઢપુરમાં આયરોના વાસમાં આવ્યા હતા.  શ્રીહરિને ખબર પડતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીને સંતો સહિત તેમને સમજાવી તેડી લાવવા  મોકલ્યા. 
  સ્વામી ગયા ત્યારે શેખમિયાં  ચોરામાં આયરોના ટોળા વચ્ચે બેઠા હતા. સદ્. બ્રહ્માનંદ સ્વામીને જોતાં જ તેમણે મોં  ફેરવી લીધું. તેમ છતાં સ્વામીએ પાસે જઈને શાંતિથી વાત કરતાં પૂછ્યું, “તમે સિંધમાં સત્સંગ કરાવવા ગયા નથી ? તમને મહારાજે સિંધમાં સત્સંગ  કરાવવા સારુ તો ઐશ્વર્ય આપ્યું હતું.”
  સદ્. બ્રહ્માનંદ સ્વામીમાં અજબ સામર્થી હતી. મહારાજના સંકલ્પથી પધાર્યા હતા. છતાંય તેમની આગળ દાસ થઈ ભૂલ  સ્વીકારવાને બદલે શેખમિયાં અહંકારના અંધકારમાં ડૂબી ગયા હતા. તેથી મહારાજની કરેલી  કૃપાનો પણ વિચાર કર્યા વિના સીધા જ તાડુક્યા કે, “મહારાજે શું મને ધૂડ્ય ઐશ્વર્ય આપ્યું છે ? એ તો મારી દાઢીમાં જ એવું ઐશ્વર્ય છે કે જે તેનાં દર્શન કરે તેને  સમાધિ થઈ જાય છે.”
  સદ્. બ્રહ્માનંદ સ્વામીએ  શેખમિયાંના અહંકારને ઓગાળીને શ્રીહરિ પાસે દાસ થવા સમજાવ્યું કે, “શેખમિયાં, આપણે તો મહારાજના દાસ છીએ. આ તમારું માથું ફર્યું છે. તેથી તમને ભગવાન થવાના ચાળા  સૂઝે છે. માટે હવે જે થયું તે ભલે પણ પાછા વળી જાવ.”
  શ્રીજીમહારાજે જેતલપુરના ૧લા  વચનામૃતમાં કહ્યું છે કે, “પ્રથમ તો આ જીવને કોઈ ન માનતો હોય  ત્યારે એની વૃત્તિ કેવી હોય, અને પછી જ્યારે સો મનુષ્ય એને માને  ત્યારે એનો અહંકાર તે પણ નોખી જાતનો થાય છે. ને હજાર મનુષ્ય માને તથા લાખ મનુષ્ય  માને તથા કરોડ મનુષ્ય માને ત્યારે એનો અહંકાર તે જુદી જાતનો થાય છે.” શેખમિયાંને જેમ જેમ બધા માનતા ગયા તેમ તેમનો અહંકાર પણ વધતો ગયો. 
  સ્વામી આગળ દાસ થઈ પોતાની ભૂલ  સ્વીકારવાને બદલે અહંકારમાં આવી અકળાઈને કહ્યું, “તમને સાધુઓને મારી સામર્થીની  વાતમાં ખબર ના પડે માટે જતા રહો.” મહારાજના જ આપેલા ઐશ્વર્યને  પોતાનું માની તેના અહંકારમાં ગુરુ સમાન સ્વામીનું પણ અપમાન કરી નાખ્યું. 
  આપેલા ગુણને પોતાના માની તેના  અહંકારમાં મોટા સંતનો પણ અપરાધ થઈ જાય. તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ પાછા  વાળતાં હરિબળગીતા કડવા- ૩૪માં કહ્યું છે,
  “માટે મોટપ ન માનવી, ગુણ પરના પામીને,
  દીન-આધીન વરતવું, સૌ સંતને શીશ નામીને;
  અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનો,
  પામવાનું સુખ રહે પાછળે, આવે દુ:ખ અત્યંતનું.”
  થયેલા અપમાનને પણ અવગણીને સ્વામીએ  જતાં જતાં મહારાજનાં દર્શને આવવા ભલામણ કરી હતી. સ્વામીના આગ્રહથી શેખમિયાં  દરબારગઢમાં મહારાજનાં દર્શને ગયા. 
  શેખમિયાંને દરબારગઢમાં આવતા જોઈને  જ શ્રીહરિનાં નેત્રની ભ્રૂકુટીએ મરોડ લીધો અને નેત્ર રાતા-પીળા થઈ ગયા. નારાજગીના  ભાવ સાથે પૂછ્યું, “શેખમિયાં, અમે તમને શી આજ્ઞા કરી હતી ? સિંધ જેવા કાઠા દેશમાં માત્ર સમાધિથી સત્સંગ થાય તેવો હતો તેથી સમાધિનું ઐશ્વર્ય આપ્યું હતું અને તમે ગુજરાતમાં ભગવાન થઈ પૂજાવા માંડ્યું ? આ શું ખોટા ચાળા આદર્યા છે ? આ બધા સંતો અનંતકોટિ બ્રહ્માંડના  ભગવાન થઈ પૂજાય એવા છે તોય અમારી આગળ નિરંતર દાસ થઈને વર્તે છે. માત્ર અમારા જ નહિ, સૌના દાસાનુદાસ થઈને વર્તે છે અને તમને તો લગારેક ઐશ્વર્ય આપ્યું તેના અહંકારમાં છકી ગયા.”
  મહારાજની આ નારાજગીભરી દ્રષ્ટિએ  તેમનું ઐશ્વર્ય પાછું ખેંચી લીધું. શેખમિયાંએ પોતાની દાઢી ઉપર હાથ ફેરવ્યો તો તેમાં કાંઈ ઐશ્વર્ય રહ્યું નહોતું. જે ઐશ્વર્યથી સિંધમાં સત્સંગ કરાવી મહારાજને રાજી કરવાના હતા  તે ઐશ્વર્યના અહંકારે તેમને મહારાજની નારાજગી અપાવી. 
  જીવ અહંકારમાં અવળાઈ કરે તોપણ  મોટાપુરુષ જો તે પોતે પાછો વળે તો તેની ઉપર જરૂર દયા કરે છે. શેખમિયાંને પસ્તાવો  થતાં તેઓ ફરી પાછા સદ્. બ્રહ્માનંદ સ્વામી પાસે ગયા અને માફી માગી પોતાનો અપરાધ  કબૂલ કર્યો તથા સ્વામીને પ્રાર્થના કરી કે, “સ્વામી, હું ખરેખર અવળે રસ્તે ચડી ભૂલો પડી  ગયો છું માટે મને પાછો વાળો.” તેમની સાચી ગરજ અને દાસભાવ જોઈ  સ્વામીએ મહારાજ પાસે ક્ષમા અપાવડાવી. 
  તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું  છે,
  “મેર કરે મોટા અતિ, જો ઘણું રહીએ ગર્જવાન;
  ઉન્મતાઈ અળગી કરી, ધારી રહીએ નર નિર્માન.”
  અહંકારનું ઓછાડ (ઓઢવાની ચાદર) એવું  છે કે જે તેને ઓઢે તે કોઈનો દાસ થઈ શકતો નથી. સંસારનો ત્યાગ કરી ત્યાગી થનારને પણ  અહંકાર મુકાતો નથી. 
  સદ્. બ્રહ્માનંદ સ્વામીના એક  શિષ્યનો કંઠ ખૂબ સારો હતો. તેઓ રોજ સ્વામી આગળ આવી કહે, “સ્વામી, એક કીર્તન ગાઉં ?” ત્યારે સ્વામી કહેતા, “અત્યારે નહિ, પછી.” સ્વામીના આ ટૂંકા જવાબમાં તેમનો અહંકાર ઘવાતો હતો. 
  એક દિવસ સદ્. મુક્તાનંદ સ્વામી  સદ્. બ્રહ્માનંદ સ્વામીના આસને પધાર્યા હતા. સદ્. મુક્તાનંદ સ્વામી એ સાધુ  ઉપર રાજી થાય તે માટે સ્વામીએ કહ્યું, “સાધુરામ, કીર્તન ગાવ.” ત્યારે સાધુરામની અહમ્ મૂલક પ્રકૃતિ ઝબૂકી. 
  પોતાના ગુરુ આગળ દાસ થઈને આજ્ઞા  માનવાને બદલે અવળો જવાબ આપ્યો, “સ્વામી, અત્યારે નહિ, પછી.”
  મોટાપુરુષને આવા અહંકારી શિષ્ય ઉપર  રાજીપો થવાને બદલે તેનું દુ:ખ થાય. તેથી જ સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ વચનવિધિના  કડવા-૨૧માં કહ્યું છે,
  “હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ,
  તે સેવક નહિ શ્રીહરિ તણો, એ છે દાસ જાણો દુ:ખદાયી;
  મનગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ.”
  અહંકારી સ્વભાવનો પ્રદોષ જ એવો છે  કે જેને પોતાના કલ્યાણના કર્તલ માન્યા હોય, તેમની જોડે જોડાયા હોય, શિષ્ય થઈને રહેતા હોય તોપણ સમયે તે એમનાય દાસ ન થવા દે.