દાસત્વભાવ

  February 19, 2017

ગત તારીખ ૨૦ માર્ચ ૨૦૧૫ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃસભાનો લાભ આપવા પધાર્યા હતા. પ્રાતઃસભામાં વચનામૃતનાં ગૂઢ રહસ્યો સમજાવીને વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સૌ સંતો-હરિભક્તોને ખૂબ સુખિયા કર્યા. ત્યારબાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતઆશ્રમમાં પોતાને આસને પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી અન્ય સંતો સાથે સત્સંગલક્ષી વાતચીત કરી રહ્યા હતા. તે દરમ્યાન એક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન માટે પધાર્યા. તેઓને જોતાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સત્સંગના વિકાસ અંગે તેમજ હરિભક્તોના આધ્યાત્મિક-વ્યવહારિક ક્ષેમકુશળતાના સમાચાર પૂછ્યા. પેલા સંતે ગુરુવર્ય પ.પૂ. બાપજીની રુચિ અનુસાર તમામ માહિતી જણાવી. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “હવે પછી ક્યારે વિચરણમાં જવાનું છે ?” ત્યારે પેલા સંતે કહ્યું, “બાપા, અત્યારે હાલ ૭-૮ દિવસ અહીં ધામ ઉપર જ રોકાવાનું છે.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલી ઊઠ્યા, “કેમ ?” ત્યારે પેલા સંતે કહ્યું, “બાપા, આ સેવકની જોડે જે સંત હતા તે અન્ય સંતોની જોડમાં બહારગામ વિચરણમાં ગયા છે. એટલે સેવકનું વિચરણ થોડા દિવસ પૂરતુ બંધ રાખ્યું છે.” આટલું સાંભળતા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “સત્સંગ વિચરણ બંધ નો રખાય. ચાલ, હું તારી જોડમાં આવું. આપણે બેય વિચરણ કરશું અને ઠેર ઠેર સભાઓ કરશું.” આહાહા...!! કેટલો બધો એ દિવ્યપુરુષનો દાસત્વભાવ !! આવડી મોટી સંસ્થાના સંસ્થાપક, લાખો-કરોડોના અંતરમાં જેઓ ગુરુ તરીકે, મોક્ષના દાતા તરીકેનું સ્થાન પામ્યા છે. છતાંય પોતાના નાનામાં નાના સંતની જોડના સંત-સેવકસંત તરીકે સેવા કરવા જવા માટે એ દિવ્યપુરુષના અંતરે સહેજ પણ નાનપ જોવા મળતી નથી. કે ન કોઈ અંતરે ખચકાટ કે અણગમો જોવા મળતો !! કેટલી બધી દાસત્વભાવની પરાકાષ્ઠામાં રાચતું એ દિવ્યસ્વરૂપ છે !! જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની જેમ જ દાસત્વભાવની મૂર્તિસમું વ્યક્તિત્વ એટલે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની જોડે રહેનારા સંતો-હરિભક્તોને પળે પળે એ દિવ્યપુરુષમાં દાસત્વભાવ ઝરતો જોવા મળે. એ દિવ્યપુરુષના દાસત્વભાવથી સૌ કોઈ અંજાઈ જાય. ગત વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધાર્યા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી રહેલ એસ.ટી.કે.ના તાલીમાર્થી મુક્તોનો ઠાકોરજી જમાડવાનો સમય પણ આ જ હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડ્યા બાદ અવારનવાર સમર્પિત મુક્તોને દર્શન આપવા અચૂક પધારતા. એક વખત વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડીને સમર્પિત મુક્તો જમાડતા હતા ત્યાં પધાર્યા. કોઈને ખબર ન હતી કે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. અચાનક કોઈક પ્રાર્થના કરતું હોય તેવો અવાજ સંભળાયો. બધા મુક્તોએ પાછળ જોયું તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તોને દંડવત કરતાં કરતાં મહારાજને પ્રાર્થના કરી રહ્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને દંડવત કરતાં જોઈ સમર્પિત મુક્તોએ તેઓને દંડવત કરતા ઝીલી લીધા અને દંડવત ન કરવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કેમ ?! અમારાથી તમને દંડવત ન થાય ?” ત્યારે બધા મુક્તોએ કહ્યું, “દયાળુ, આપ ક્યાં અને અમે ક્યાં ? આપ અમારા સૌનું જીવન છો અને અમારા માટે તો મોટાપુરુષ છો, આપે અમને દંડવત કરવાના ન હોય ! મહારાજ અમારી ઉપર રાજી ન થાય !!” એમ કહી, સમર્પિત મુક્તો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને દંડવત કરવા લાગ્યા. ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “કેમ દંડવત ન કરાય ?! તમે પણ મહારાજના મુક્ત છો. તમે બધાય મોટા જ છો. ખરા કે નહીં ?” ત્યારે બધા મુક્તો બોલ્યા, “હા મહારાજ, અમે મુક્તો ખરા પણ આપની આગળ ને સૌની આગળ તો અમે સદાય નાના જ છીએ.” ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “બસ, ત્યારે અમે તો મહારાજ અને મુક્તોના સેવક છીએ, દાસ છીએ. માટે અમારે પણ દંડવત કરવા જોઈએ.” વાહ ! દયાળુ... વાહ ! એ બંને દિવ્યપુરુષનો કેવો અજોડ દાસત્વભાવ !!! દાસત્વભાવ એ જ સત્સંગી તરીકે આપણી શોભા છે. અને દાસત્વભાવથી જ મહારાજ ખૂબ વરસી જાય છે. ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના અવરભાવના જીવનમાંથી શીખવા મળતી દાસત્વભાવની રીત સ્વજીવનમાં અમલ કરી મહાપ્રભુના રાજીપાનું પાત્ર બનીએ.