ધ્યેયસભર જીવન - 1

  September 9, 2019

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં આપણને બે પ્રકારનાં વ્યક્તિત્વ જોવા મળતાં હોય છે. જેમાં એક વ્યક્તિત્વ એવું હોય છે કે જે પોતાના જીવનમાં આવતાં સુખ-દુઃખ, સ્થિતિ-પરિસ્થિતિ, સાનુકૂળ-પ્રતિકૂળ સંજોગો વગેરેમાંથી પણ કાંઈક નવી દિશા, નવો રાહ શોધીને સફળતાને હાંસલ કરી દે છે. સફળતા સુધી પહોંચવા માટેના માર્ગમાં ઉદ્ભવતા પ્રશ્નો, મૂંઝવણો કે વિટંબણાઓ એને ક્યારેય અડચણરૂપ થતાં નથી. જીવનની આપત્તિઓ પણ એના માટે એક ઉત્સવ સમાન છે જેમાંથી પ્રેરણા પામીને તે પોતાના ઉજ્જવળ ભવિષ્યની રચના કરે છે. જેને કહેવાય છે અસાધારણ વ્યક્તિત્વ. અને બીજું એવું પણ વ્યક્તિત્વ જોવા મળતું હોય છે કે જે જીવનમાં આવતાં સુખ-દુઃખ, સ્થિતિ-પરિસ્થિતિઓમાં હતાશ અને નિરાશ બની જાય છે. જીવનમાં ઉદ્દભવતા પ્રશ્નોનું, વિટંબણાઓનું તેની પાસે કોઈ જ નિરાકરણ નથી હોતું. જેને કહેવાય છે સાધારણ વ્યક્તિત્વ. ત્યારે પ્રશ્ન જરૂર થશે કે આવાં બંને પ્રકારનાં વ્યક્તિત્વનું નિર્માણ કેવી રીતે થતું હોય છે? એનો ઉત્તર એક જ શબ્દમાં કહીએ તો ધ્યેય. પોતાના જીવનકાળ દરમ્યાન દરિયાની નિકટ જ રહેતાં બે પાત્રો છે. એક છે માછીમાર અને બીજો છે મરજીવો. માછીમાર દરિયાની નિકટ રહી માછલાં પકડીને પોતાનું ગુજરાન ચલાવવામાં આખું જીવન પસાર કરી દે છે. પરિણામ સ્વરૂપે તેના જીવનની શરૂઆતમાં જેવી ગરીબ કે કંગાળ પરિસ્થિતિ હોય છે એવી જ પરિસ્થિતિ જીવનના અંત સમયે પણ હોય છે. જયારે મરજીવો દરિયાની નિકટ રહીને દરિયાના પેટાળમાં જઈને અનેક મુશ્કેલીઓનો સામનો કરીને સાચાં મોતી શોધી લાવે છે જે કરોડોની કિંમતમાં વેચાય છે. પરિણામ સ્વરૂપે તે જીવનના અંતકાળે સમૃદ્ધિની છોળ્યોમાં રમે છે. આ બંને પાત્રો વચ્ચે આટલું બધું અંતર રહી જવાનું કારણ એક જ છે કે બેય પાત્રોનો ધ્યેય કેવો છે? જીવનની પ્રગતિનો આધાર જ આપણા ઉત્કૃષ્ટ ધ્યેય ઉપર રહેલો છે.
અંગ્રેજીમાં એવું કહેવાય છે કે, “Set your goals high and don't stop till you get there.” અર્થાત્ જીવનમાં ઉત્કૃષ્ટ ધ્યેય નક્કી કરો. અને નક્કી કર્યા પછી જ્યાં સુધી એ ધ્યેયને પ્રાપ્ત ન કરી લઈએ ત્યાં સુધી ક્યાંય થોભશો નહીં., હારશો નહીં. બસ પ્રયત્ન કરતા રહો. “Try and try will you success.” દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક ધ્યેય તો હોય જ છે. અને એટલે જ તો સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી આપણે એ ધ્યેયની પૂર્ણતા સુધી પહોંચવા માટે મથ્યા કરીએ છીએ. એટલે એવું તો ન કહી શકાય કે આપણી પાસે ધ્યેય જ નથી. ધ્યેય તો છે પરંતુ ઉત્કૃષ્ટ ધ્યેય નથી.
S.S.C. અને H.S.C.ના એક જ વર્ગમાં ભણતા ૬૦ કે ૭૦ વિદ્યાર્થીઓમાં દરેક વિદ્યાર્થી પાસે ધ્યેય તો હોય જ છે. પરંતુ દરેક વિદ્યાર્થીના ધ્યેયની તારતમ્યતા જુદી જુદી હોય છે. દરેક વિદ્યાર્થી પાસે ઉત્કૃષ્ટ ધ્યેય હોતો નથી. કોઈ વિદ્યાર્થીનો ધ્યેય ૯૫% ગુણ મેળવવાનો હોય છે, કોઈક વિદ્યાર્થીનો ધ્યેય ૮૦% ગુણ મેળવવાનો હોય છે, કોઈક વિદ્યાર્થીનો ધ્યેય ૬૦% ગુણ મેળવવાનો હોય છે, તો વળી કોઈક વિદ્યાર્થીનો ધ્યેય માત્ર ૩૫% ગુણથી પાસ થઈ જવાય એવો પણ હોય છે. અને એથીય વળી નીચે જોઈએ તો કોઈક એવી વિચારધારાવાળા વિદ્યાર્થીઓ પણ હોય છે કે આપણે તો ચઢતી મેળવીને પાસ થઈ જઈશું. દરેકની પાસે પોતાનો ધ્યેય તો છે જ. નથી એવું નહિ, પરંતુ ધ્યેયની ઉત્કૃષ્ટતામાં આસમાન-જમીનનો તફાવત છે. અને જેવી જેની ધ્યેયની ઉત્કૃષ્ટતા હશે એટલી જ એને પામવા માટે મહેનત થશે, પ્રયત્નો થશે. અને ધ્યેયની ઉત્કૃષ્ટતાને આધારે જ વિદ્યાર્થી પરિણામ પ્રાપ્ત કરશે. હા... દર વખતે એવું નહિ પણ બને કે આપણે આપણા ધ્યેયમાં સફળ થઈ જ જઈશું. ક્યાંક નિષ્ફળતાઓ પણ મળશે. પરંતુ એ
તેઓને લીધે આપણે આપણા ધ્યેયમાંથી પાછા ડગ ભરવા એવું વિચારવાને કોઈ સ્થાન નથી. જેમ જેમ નિષ્ફળતાઓ મળતી જશે એમ એમ સફળતાઓ વધુ ને વધુ નજીક આવતી જશે. કારણ કે જેટલી નિષ્ફતાઓ મળશે એટલી જ વધુ ત્વરાથી અને ઉત્કંઠાથી
આપણે સફળતાઓને, આપણા ધ્યેયને પામવા માટેના પ્રયત્નો કરતા રહીશું. સફળતા કે નિષ્ફળતા, સાધારણ વ્યક્તિત્વ કે અસાધારણ વ્યક્તિત્વને પામવાનો આધાર આપણા ઉત્કૃષ્ટ ધ્યેય ઉપર રહેલો છે.
ઇતિહાસનાં પૃષ્ઠો પર બે ઘડી નજર ફેરવીએ તો જે જે ભૂતકાળમાં મહાન વ્યક્તિત્વ બની ચૂક્યા છે એનું મૂળ આ જ જોવા મળે છે – ધ્યેયસભર જીવન.
એક વાત સાવ સનાતન સત્ય છે કે આપણા ધ્યેયોમાં જેટલી ઉત્કૃષ્ટતા હશે એટલા જ ઉત્કૃષ્ટ આપણને વિચારો આવશે. અને જેટલા આપણા ઉત્કૃષ્ટ ધ્યેયો હશે એટલી જ આપણા વિચારોમાં તાકાત હશે. આપણને કોઈ વિચારો જ નથી આવતા અથવા ઢીલા કે હલકા વિચારો આવે છે, નકારાત્મક વિચારો આવે છે એનું કારણ છે આપણી પાસે ઉત્કૃષ્ટ ધ્યેય નથી. આપણું ધ્યેયસભર જીવન નથી. જો ધ્યેયસભર જીવન હોય તો ક્યારેય ઢીલા, હલકા કે નકારાત્મક વિચારો ન આવી શકે. અરે ! ધ્યેયસભર જીવન હોય તો આપણા માનસમાં ઢીલા વિચારોનો અંકુર પણ ન ફૂટે અને જો ક્યાંક એવો ઢીલો કે હલકો વિચાર આવી જાય તો એ લાંબો સમય ટકી ન શકે.
આવા ઢીલા અને હલકા વિચારોને જીવનમાંથી તીલાંજલી આપી ધ્યેયસભર જીવન જીવીએ તેવી અભ્યર્થના.