ધ્યેયસભર જીવન - 2

  September 16, 2019

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કાયમ ત્રણ પ્રકારની વિચારધારાવાળી વ્યક્તિ વિષે વાત કરતાં જણાવતા હોય છે કે, કાંઈ પણ કાર્ય સોંપ્યું હોય એમાં ત્રણ પ્રકારની વિચારધારાવાળી વ્યક્તિ હોય. એમાં સૌથી પહેલો વિચાર: “આવું તો શું થાય ? આવી વિચારધારાવાળી વ્યક્તિ. આવા ધ્યેયવાળી વ્યક્તિ કોઈ દિવસ સફળતાને ન આંબી શકે કારણ કે વિચારોમાં કોઈ સત્ત્વ જ નથી. સત્ત્વહીન વિચારો છે. બીજો વિચાર છે : “પ્રયત્ન કરીએ... થાય તો ભલે, નહિ તો કાંઈ નહીં.” આવી વિચારધારાવાળી વ્યક્તિઓ પણ કોઈ દિવસ સફળતા ન પામી શકે, જીવનમાં કોઈ પ્રગતિ ન કરી શકે. એ જન્મે ત્યારે જેવી સ્થિતિમાં જીવતી હોય એવી જ સ્થિતિ મૃત્યુ પામે ત્યાં
રથી હોય એના કરતાંય સ્થિતિ વધુ કથળી ગઈ હોય. અને ત્રીજી વિચારધારા છે : “થાય જ... ન કેમ થાય ? આ દુનિયામાં ન થાય એવું કંઈ જ નથી.” અંગ્રેજીમાં પણ આવી વિચારધારાને અનુરૂપ એક કહેવત છે, “We can get anything that we want because the world exists through the power of belief.” અર્થાત્ “આ દુનિયામાં આપણે જે કાંઈ ઇચ્છીએ તે મેળવી શકીએ એમ છીએ, પામી શકીએ એમ છીએ. કારણ કે આ વિશ્વ એ પણ માન્યતાઓનું જ સર્જન છે.” સ્વયં શ્રીજીમહારાજ પણ આવી ઉત્કૃષ્ટ ધ્યેયયુક્ત વિચારધારાને અનુમોદન આપતાં ગઢડા મધ્ય પ્રકરણના ૩૩માં વચનામૃતમાં વાત કરતાં જણાવે છે કે, “અને મનુષ્યદેહે કરીને ન થાય એવું શું છે? જે નિત્યે અભ્યાસ રાખીને કરે તે થાય છે.” અને આવી ઉત્કૃષ્ટ ધ્યેયયુક્ત વિચારધારાવાળી વ્યક્તિ હોય તે ચાહે અધ્યાત્મજીવનમાં હોય કે વ્યવહારિક જીવનમાં પણ એ સદાય સફળતાને જ પામે, એના જીવનમાં સદાય પ્રગતિના રાહો ખુલ્લા જ હોય. એ ક્યારેય નાસીપાસ ન થાય.
દરેક વ્યક્તિના જીવનની પ્રગતિ અને અધોગતિનો આધાર પોતાના ધ્યેય ઉપર રહેલો છે. જેટલો ધ્યેય ઉત્કૃષ્ટ હશે એટલી સફળતાઓ આપણા હાથમાં હશે. એટલા માટે જ કહેવાય છે કે, “Setting goals is the first step in turning the invisible in to the visible.” અર્થાત્ “આપણું ધ્યેયસભર જીવન એ આપણા જીવનની અદશ્યમાન વસ્તુઓને દશ્યમાન સ્વરૂપમાં ફેરવવાનું પ્રથમ પગથિયું છે.” ધ્યેયસભર જીવન વિના કોઈ વ્યક્તિ આગળ વધી શકતી નથી.
આથી જ આપણા જીવનમાં ધ્યેયનું મહત્ત્વ આપણે આંકીએ તેના કરતાં સવિશેષ અધિક છે. ધ્યેય વિનાનું જીવન એ સુકાન વિનાની નાવ જેવું છે. જેમ નાવમાં જો સુકાન ન લગાવ્યું હોય તો એ નાવ દરિયામાં કઈ દિશા તરફ જશે ? એ કાંઈ ન કહી શકાય. એમ ધ્યેય વિનાનું જીવન પણ કઈ દિશામાં ફંટાઈ જાય એ ન કહી શકાય. જીવનના દરેક કાર્યમાં કોઈક નિશ્ચિત ધ્યેય હોવો એ ફરજિયાત છે. ધ્યેય એટલે લક્ષ્ય, નિશાન, પૂર્ણવિરામ. જો આપણા જીવનમાં નાના નાના કાર્યમાં પણ ધ્યેય ન હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય ? તેનું મહત્ત્વ એક દષ્ટાંત દ્વારા સમજીએ.
એક વખત વાસણા મંદિરે એક સંત બીમાર હતા. રજાનો દિવસ હતો. એટલે ડૉક્ટરસાહેબ મંદિરે સારવાર માટે આવેલા. તપાસ દરમ્યાન ઇજેક્શનની જરૂરિયાત ઊભી થઈ. રજાનો દિવસ હતો એટલે દુકાનો બધી બંધ હતી. એટલામાં એક હરિભક્ત આવ્યા અને કહે, “લાવો સ્વામી, હું વી એસ. હૉસ્પિટલમાં જઈને લઈ આવું.” આ ભાઈ તો અડધો કલાકમાં જ આવી જઈશ એક કહી સ્કૂટર લઈને ઈજેક્શન લેવા ગયા. એક-દોઢ કલાક થયો છતાં આ ભાઈ ન આવ્યા. એટલે મંદિરે પણ બધા ચિંતામાં મુકાઈ ગયા કે, “રખે ને ! આ ભાઈને ઉતાવળે ઉતાવળે જતા કંઈ થયું તો નહિ હોય ને !” છેવટે દોઢ કલાક બાદ આ ભાઈ દોડતાં દોડતાં ઇજેક્શન લઈને આવ્યા. ડૉક્ટરે પૂછતાં પેલા ભાઈ કહે, “ખરેખર કહું, મને રસ્તામાં મારો ભાઈબંધ મળી ગયો હતો, તે ઘણા દિવસે મળ્યો એટલે એની જોડે ઊભો રહી ગયો હતો. એમાં સાવ ભૂલી જ ગયો કે હું ઇજેકશન લેવા નીકળ્યો છું.”
આવું તો આપણા જીવનમાં ઘણી બધી બાબતોમાં બનતું હોય છે. ઘણી વખત રવિવારે રજાનો દિવસ હોય અને સવારે ઘરેથી ખાલી આંટો મારવા બહાર નીકળ્યા હોય તો છેક રાત્રે સાડા અગિયાર વાગે ઘેર પહોંચીએ. પૂછીએ કે ક્યાં ગયા હતા ? ત્યારે જાણવા મળે કે “રસ્તામાં એક મિત્ર મળી ગયો હતો એની જોડે ગયો હતો.” અથવા “કાકા-મામાના ઘેર ગયો હતો અથવા તો મેળો ભરાયો હતો તે જોવા ગયો હતો અથવા તો વૉટરપાર્કમાં ગયો હતો. ઘણી વખત ઘેરથી નીકળ્યા હોય મંદિરે જવા કે સમૈયા-ઉત્સવમાં જવા અને રસ્તામાં કોઈ મળી જાય કે ચાલો ને મારી ઑફિસે અને આપણે તરત જ એ બાજુ ગાડી વાળી લઈએ. આવું કેમ બને છે? આવી બધી પરિસ્થિતિઓ થવા પાછળનું કારણ શું ? આ બધાયનું કારણ એક જ છે કે, “આપણને ધ્યેયનું મહત્ત્વ નથી.” ઘરેથી નીકળ્યા ત્યારે કોઈ ધ્યેય નક્કી જ નહોતો કર્યો કે આપણે ઘરેથી બહાર શા માટે નીકળ્યા છીએ ? એટલે આપણો સમય અને આપણી શક્તિ વ્યર્થ વેડફાય છે.
એક વખત સદ્. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની એક શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક બાળક શેરીમાં આમથી તેમ દોડાદોડ કરતો હતો. સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ બાળકને નજીક બોલાવીને પૂછ્યું કે, “અલ્યા છોકરા, આ તું શું કામ આમથી તેમ દોડાદોડ કરે છે ?” છોકરો કહે, “સ્વામી, કંઈ નહિ; બસ અમથો અમથો.” એમ બોલીને પાછો દોડાદોડ કરવા લાગ્યો. આ જોઈને સ્વામી તરત જ બોલી ઊઠ્યા કે, “આવું ધ્યેય વગરનું અમથું અમથું કાર્ય ન કરવું, એવા અમથા અમથા ધોડા કાઢી આપણો મહામૂલ્યવાન સમય અને મહામોંઘો સત્સંગ એળે જવા દેવો નહીં.” જો આપણા જીવનમાં પણ કોઈ ધ્યેય ન હોય, ધ્યેયનું મહત્ત્વ ન હોય તો આપણામાં અને આ બાળકમાં કાંઈ ફેર નથી. આપણે પણ બાળકની જેમ અમથા અમથા ધોડા જ કાઢીએ છીએ.
જીવનની દરેક પળ મૂલ્યવાન પસાર કરી જીવનને ધ્યેયસભર બનાવીએ તેવી પ્રાર્થના.