ધ્યેયસભર જીવન - 3

  September 23, 2019

અધ્યાત્મજીવન હોય કે વ્યવહારજીવન હોય, પરંતુ ધ્યેય તો જોઈએ જ. ધ્યેય વિના આપણે નુકસાની જ કરીએ છીએ. વિદ્યાર્થી અવસ્થામાં જો આપણને ભણતરનું મહત્ત્વ નથી સમજાતું હોતું કે ભણવા પાછળનો કોઈ ધ્યેય નથી હોતો તો જેમતેમ સમય પસાર થઈ જાય છે. અને પાછળથી પસ્તાવા સિવાય કાંઈ રહેતું નથી. ધ્યેય વિના આપણે કોઈ પણ ક્રિયા કરીએ તે માત્ર કરવા ખાતર જ થતી હોય છે. એનું કંઈ જ આપણને વળતર મળતું નથી. ધ્યેય વિના કોઈ કાર્ય કરીએ કે ન કરીએ બેય સરખું જ છે. ધ્યેય વિના આપણે આપણો કીમતી સમય બગાડીએ છીએ. મહારાજે આપણને આપેલી આવડત કોઈ જ ઉપયોગમાં આવતી નથી. આપણી શક્તિઓ ધ્યેય વિના વેડફાઈ જાય છે. આપણી સંપત્તિ, માલ-મિલકત ધ્યેય વિના હતી ન હતી થઈ જાય છે.
સત્સંગમાં પણ કંઈક આવું જ છે. ધ્યેય વિના આપણે વર્ષોનાં વર્ષો સત્સંગમાં વિતાવી દઈએ પરંતુ આપણા જીવન સામું કોઈ નજર કરે તો આપણામાં અને જગતના જીવમાં કાંઈ જ ફેર જોવા ન મળે. ગમે તેટલી કથાવાર્તા સાંભળી હોય, સત્સંગ કર્યો હોય, સેવાઓ કરી હોય, તનનાં કે ધનનાં સમર્પણ કર્યા હોય પરંતુ ધ્યેય વિનાનું કરેલું બધું એળે જાય છે કહેતાં એ બધું કરવા પાછળનો કોઈ જ હેતુ સરતો નથી. ત્યારે આપણા જીવનમાં કેવા કેવા ધ્યેયો હોવા જોઈએ? અધ્યાત્મમાર્ગમાં આપણા જીવનના મુખ્ય બે ધ્યેય છે. વ્યવહારિક જીવનમાં આપણા ગમે તેટલા ધ્યેય હોય પરંતુ એનું આપણે અહીં કામ નથી. કારણ કે આ સત્સંગ એ અધ્યાત્મમાર્ગ છે અને આપણે એ માર્ગના પ્રવાસી છીએ. રાહી છીએ. ત્યારે આપણા જીવનના મુખ્ય બે ધ્યેય છે : (૧) અવરભાવનો ધ્યેય અને (૨) પરભાવનો ધ્યેય.
આપણા સૌનો અવરભાવનો ધ્યેય છે – “મળેલા મહારાજ અને મોટાપુરુષને રાજી કરી જ લેવા છે. કારણ કે અધ્યાત્મમાર્ગમાં રાજીપો એ જ એકમાત્ર આપણી મૂડી છે. એટલા માટે જ આપણે નિત્ય વારંવાર મહાપ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે, “હે દયાળુ, આપ સદાય રાજી રહો એવું દિવ્યજીવન જીવવું છે. દયા કરો... દયા કરો... દયા કરો.” જેથી આપણને આપણા ધ્યેયનું નિરંતર અનુસંધાન રહ્યા કરે. વળી, મહારાજ અને મોટાપુરુષનો આપણી ઉપર રાજીપો થઈ જાય તો આપણા આંતરિક દોષો કહેતાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા-તૃષ્ણા સ્ટેજે સ્ટેજે ટળી જાય. સહજમાં નિર્વાસનિક થઈ જવાય અને એમના રાજીપાથી જ સ્ટેજે સ્ટેજે મુક્તભાવે વર્તાય કહેતાં અનાદિમુક્તની લટકે વર્તાય.
આપણો બીજો ધ્યેય કહેતાં પરભાવનો ધ્યેય છે – “મૂર્તિનું સુખ લેવું. આ કારણ સત્સંગ છે અને આપણે સૌ કારણ સત્સંગી છીએ. કારણ સત્સંગી એટલે જ અનાદિમુક્ત. હવે અનાદિમુક્ત તરીકેનું આપણું એક જ કાર્યક્ષેત્ર છે – મૂર્તિનું સુખ લેવું. મૂર્તિ એ આપણા જીવનનું સેન્ટર પૉઇન્ટ છે. અવરભાવમાં રહેવા છતાં, અવરભાવનાં બધાં જ કાર્યો કરવા છતાં આપણને આપણો પરભાવનો ધ્યેય કદી ન ભુલાવો જોઈએ. આપણે જે કાંઈ સાધન-ભક્તિ, સેવા કે સમર્પણ કરીએ છીએ તે એકમાત્ર મૂર્તિના સુખ માટે જ કરીએ છીએ. આપણી નિરંતર દૃષ્ટિ એ તરફ જ મંડાયેલી રહેવી જોઈએ. નિરંતર આપણા વિચારો, આપણા પ્રયત્નો, આપણો લક્ષ એક મૂર્તિ તરફનો હોવો જોઈએ.
આપણા જીવનના આ બંને ધ્યેયોને પૂર્ણ કરવા એ જ આપણા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. આપણે સૌ જ્યારે આ ધ્યેયને પૂર્ણ કરવા માટે જાગૃત બન્યા છીએ ત્યારે આ ધ્યેયને કેવી રીતે ક્રમશઃ પૂર્ણ કરી શકાય તે સમજવું અતિ આવશ્યક છે.
સૌપ્રથમ તો “બસ! મહારાજ અને મોટાને રાજી કરી જ લેવા છે” તથા “બસ ! મૂર્તિનું સુખ જ જોઈએ છે” આટલું માત્ર બોલવાથી એ ધ્યેય બની જતો નથી. જેમ આપણા જીવન માટેની આપણને ઘણીબધી ઇચ્છાઓ હોય છે જે તમામ ઇચ્છાઓ પૂર્ણ નથી પણ થતી. તેમ જો ઉપરોક્ત ધ્યેયની વાત માત્ર બોલવામાં હોય તો તે જીવનની ઘણીબધી ઇચ્છાઓની જેમ એક ઇચ્છા છે. માત્ર ઇચ્છા એ ધ્યેય નથી. આપણી અપેક્ષિત ઇચ્છાના વિચાર જ્યારે આપણને વારંવાર આવ્યા કરે, એના જ વિચારોમાં રહી બધું કાર્ય થાય તેને પ્રબળ ઇચ્છાશક્તિ એટલે જ ધ્યેય. માટે આપણા અવરભાવનો અને પરભાવનો જે ધ્યેય નક્કી કર્યો તે માત્ર દોમાં. સ્મૃતિમાં જ રહે તો એ ધ્યેય નથી પણ માત્ર ઇચ્છા છે. પરંતુ એ જ બાબતો જ્યારે આપણા વિચારોમાં અવિરત રમમાણ કર્યા કરે, એ જ વાતો આપણા વિચારોમાં ગૂંથાયેલી રહે ત્યારે જ એ આપણો ધ્યેય બન્યો કહેવાય. આ ધ્યેય નક્કી થવો એ જ આપણા ધ્યેયની પૂર્ણતાનો પ્રારંભ છે. આપણા ધ્યેયની પુષ્ટિ થાય એવા જ વિચાર, કાર્યો, વર્તન, સંગ અને વાંચનમાં આપણે જેટલા રાચેલા રહીએ તેટલો જ આપણો ધ્યેય વધુ નક્કી થયેલો કહેવાય.
હે મહાપ્રભુ, અમે અમારા ધ્યેયમાંથી કદી ચલીત ન થઈને તેવી અભ્યર્થના