દૃઢ સંકલ્પશક્તિ - 2

  October 6, 2017

“મનુષ્યમાં બળની કમી નથી. પરંતુ દૃઢ સંકલ્પશક્તિની કમી છે.” આપણે સૌ આ સંકલ્પ શક્તિને દૃઢ કરવા કટીબધ્ધ બનીએ. આપણા જીવનના કયા કયા પાસાઓમાં દૃઢસંકલ્પી બનવાની જરૂર પડે છે તે આવો નિહાળીએ આ લેખમાળા દ્વારા.

આપણા જીવનમાં આવી દૃઢ સંકલ્પશક્તિની ક્યાં ક્યાં જરૂર પડે છે ?

૧. ઘર-પરિવારમાં : પાણીના વહેણની જેમ સંસારનું ચક્ર તો ચાલતું જ રહે છે. તે નથી અટકતું કે નથી બંધ થતું. પરંતુ ઘર-પરિવારને સદૈવ જીવંત અને સુવ્યવસ્થિત એક તાંતણે બાંધી રાખવો, સંસ્કાર અને સત્સંગસભર પરિવારમાં વાતાવરણ ખડું કરવું, બાળકોનો સર્વાંગી વિકાસ કરવો, સમાજમાં યોગ્ય મોભો જાળવવો - જેવા કેટલાક આદર્શો જરૂરી છે તે આપમેળે નથી થઈ જતા. તેના માટે પરિવારના મોભી કે અન્ય કોઈ સભ્યોએ દૃઢ સંકલ્પ કરી સતત પ્રયત્ન કરવો પડે. એટલે કે આદર્શ પરિવારની રચના માટે દૃઢ સંકલ્પશક્તિ જરૂરી છે.

૨. અભ્યાસમાં તથા ધંધા-વ્યવસાયમાં : જે કંઈક નક્કી કરે છે તે જ કંઈક પામે છે અને તે જ અંતિમ લક્ષ્ય સુધી પહોંચે છે.

એક વખત ગુરુએ સહઅધ્યાયીની વચ્ચે શિષ્યને કહ્યું, “અરે મૂર્ખ, તું વિદ્યાપ્રાપ્તિ નહિ કરી શકે, તારા હાથમાં વિદ્યાની રેખા જ નથી; માટે ચાલ્યો જા.” ગુરુના આ ધારદાર શબ્દોની શિષ્ય ઉપર ભારે અસર થઈ.  તેણે ગુરુને પૂછ્યું કે, “વિદ્યાની રેખા ક્યાં હોય ?” અને ગુરુએ બતાવેલ રેખાને તેણે ચાકુ વડે હાથમાં અંકિત કરી દૃઢ સંકલ્પ કર્યો કે, “ગુરુજી, હું વિદ્યા પામીને જ રહીશ.” અને ખરેખર એક દિવસ તે વિશ્વભરના સંસ્કૃતના સૌથી મોટા વ્યાકરણાચાર્ય બન્યા. દુનિયાને મહાન વ્યાકરણ ગ્રંથની ભેટ આપી. તેઓના હાથમાં શસ્ત્રથી રેખા નહોતી દોરી પરંતુ દૃઢ સંકલ્પથી અંતરમાં રેખા દોરી હતી. જેના પરિણામે તેઓ જ્વલંત સફળતા પામ્યા.

ધંધા-વ્યવસાયમાં પણ ફોડ કંપની, માઇક્રો સૉફ્ટ કંપની, ટાટા કંપની તથા નિરમા કંપની આદિ મોટી મોટી કંપનીઓના સફળ ઉદ્યોગપતિઓ તથા ન્યૂટન, આઇન્સ્ટાઇન જેવા વૈજ્ઞાનિકોએ દૃઢ સંકલ્પશક્તિના બળે સતત પ્રયત્નો કર્યા. અનેક નિષ્ફળતાઓ, પ્રશ્નો, મૂંઝવણોની વચ્ચે પણ તેઓ દૃઢસંકલ્પી બની આગળ વધતા રહ્યા તો એક દિવસ સફળતાને પામ્યા. એવી રીતે આપણા જીવનમાં પણ ધંધા-વ્યવસાયમાં આગળ વધવા મહારાજના કર્તાપણાના બળે દૃઢ સંકલ્પ કરી સતત પ્રયત્ન કરતા રહીએ તો મહારાજ જરૂર કૃપા કરી સફળતા અપાવે જ. પરંતુ જે નિષ્ક્રિય અને નિરસ બની કોઈ સંકલ્પની દૃઢતા કર્યા વગર બેસી રહે તેની તો મહારાજ પણ કોઈ સહાય કરતા નથી. તેમને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળતી નથી.

માટે ભણવામાં, ધંધા-વ્યવસાયમાં મહારાજના બળે દૃઢસંકલ્પી બની નિરંતર પ્રયત્ન કરતા રહેવાથી જરૂર ધ્યેય હાંસલ કરી શકાય છે.

૩. સત્સંગમાં : સત્સંગ એટલે જીવનપરિવર્તનની કેડી. જેમાં સત્સંગીમાત્રને જીવનપરિવર્તન કરી પ્રભુના રાજીપામાં વર્તવાનો સંકલ્પ હોય છે પરંતુ બહુધા તો સળગતો પ્રશ્ન હોય છે કે, ‘કરવું છે પણ થતું નથી’, ‘જીવન બદલવું જ છે પણ બદલાતું નથી.’ કારણ કે દૃઢ સંકલ્પશક્તિનો અભાવ. જગત-વ્યવહારનાં લૌકિક કાર્યો અને ભૌતિક સુખ માટે પણ દૃઢ સંકલ્પ કરવો પડે છે તો આધ્યાત્મિક માર્ગ તો આત્યંતિક કલ્યાણનો માર્ગ છે... તેમાં તો દૃઢસંકલ્પી થઈ ઝંપલાવે તે જ આધ્યાત્મિકતાને પામી શકે છે.

સત્સંગમાં આવ્યા પછી દૃઢ સંકલ્પશક્તિની જરૂર પડે જ. નહિ તો વિકટ સમય-સંજોગમાં, આપત્તિકાળમાં કે સગાંવહાલાં, મિત્રો કે મનની મોબતમાં લેવાઈ જવાય. જે દૃઢસંકલ્પી બને છે તેને દુનિયાની કોઈ વ્યક્તિ કે પદાર્થ લોભાવી કે લલચાવી શકતી નથી. અમેરિકામાં અભ્યાસ કરતા નિરલ પટેલે બહારનું ન જમવાનો નિયમ દૃઢસંકલ્પી બનીને લીધો હતો. ૨-૩ મહિના સુધી દૂધ અને ફ્રૂટ ઉપર રહેવાના સંજોગો આવ્યા છતાંય તેઓ તેમના નિયમમાં અડગ રહ્યા. આમ, પંચવર્તમાનની આજ્ઞા પણ જે દૃઢસંકલ્પી થઈ પ્રયત્ન કરે તે જ પાળી શકે... પછી ચાહે તે ત્યાગી હોય કે ગૃહસ્થ. જો જરા પણ ગાફલ રહે તો આજ્ઞાનો લોપ થાય જ. અધ્યાત્મ માર્ગની બાજી જીતવા પળે પળે અને ક્ષણે ક્ષણે મહારાજના બળની સાથે દૃઢ સંકલ્પશક્તિ કેળવવી જ પડે.

સત્સંગની કે સમાજની કોઈ પણ સેવા કરવા માટે પણ દૃઢ સંકલ્પશક્તિની જરૂર પડે જ. નહિ તો પોતાનો  દેહ, સગાંસંબંધી, આબરૂ બધું જ નડે. મંદિરે દર્શન કરવામાં કે નિયમિત સભામાં જવા માટે પણ દૃઢ સંકલ્પ હોય તો જ જવાય, નહિ તો બધા સાનુકૂળ સંજોગ હોવા છતાં મનની આળસે પણ ન જવાય. ટૂંકમાં, આધ્યાત્મિક માર્ગમાં મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા, નિર્વાસનિક એવું હરિને ગમતું જીવન કરવા માટે દૃઢ સંકલ્પશક્તિ કેળવવી જ પડે. જેઓ દૃઢસંકલ્પી થઈ મંડે છે તેમને જ મહારાજ અને મોટાપુરુષ સહાય કરે છે.

ઉકાખાચરે વાસના ટાળવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેના માટે ઘણુંબધું સહ્યું, ઘણુંબધું બદલ્યું અને અપમાનને ગળી ગયા, યેનકેન પ્રકારે  પ્રયાસો કર્યા જેથી મહારાજે રાજી થઈ નિર્વાસનિક કર્યા. એવી જ રીતે અનાદિકાળનાં સ્વભાવ-પ્રકૃતિને ટાળવા માટે પણ દૃઢ સંકલ્પની જરૂર પડે. વેરાભાઈ કામ-ક્રોધાદિક અંતઃશત્રુઓ અને સ્વભાવો ટાળવા દૃઢસંકલ્પી થઈ મંડ્યા તો અંતઃશત્રુઓ મૂર્તિમાન તેમનામાંથી બહાર નીકળી ગયા.

દૃઢ  સંકલ્પશક્તિ એ આપણી આધ્યાત્મિક અને વ્યવહારિક, આંતરિક અને બાહ્યિક સમૃદ્ધિ કેળવવા માટેનો મુખ્ય ગુણ છે. જેટલો આ ગુણ દૃઢ થાય તેટલા જ આપણે પ્રગતિના પંથે દોડી શકાય. તેટલા જ અન્ય ગુણો દૃઢ કરી શકીએ. ત્યારે આ ગુણને આપણા જીવનમાં આત્મસાત્‌ કરીએ.

 દૃઢસંકલ્પી બનવા શું કરવું ?

૧. મક્કમતાપૂર્વકના હકારાત્મક વિચારો કરવા નકારાત્મક વિચારોનો પ્રવેશ જ ન થવા દો.

૨. કરેલા સંકલ્પને નિરંતર વળગી રહેવાની ટેવ પાડવી. નિરંતર કરેલા સંકલ્પની ધૂનમાં ખોવાયેલા રહેવું. નિરાશા અને નીરસતાનો ત્યાગ કરવો.

૩. સંકલ્પની પુષ્ટિ મળે એવા દૃઢસંકલ્પીનો સંગ કરવો અને એવું જ વાંચન-શ્રવણ કરવું.

૪. એકમાત્ર મહારાજના જ બળે સંકલ્પ કરવો અને સાથે ભજન-પ્રાર્થનાનું બળ રાખવું.

૫. ઇન્દ્રિયો-અંતઃકરણ અને મન ઉપર સંયમ કેળવવો. આંતરિક મનોબળ સંકલ્પની દિશામાં સ્થિર કરવું.

૬. જે કોઈ સ્થિતિ-પરિસ્થિતિ આવે તેને સ્વીકારી આગળ ધપવાની માનસિક તૈયારી રાખવી.

૭. પોકળ વાણી-વિલાસનો ત્યાગ કરવો. સચોટ અને નક્કર વાણી બોલવી.

દૃઢસંકલ્પી બનવાના આ પાયાને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ. શ્રીજીમહારાજ, બાપાશ્રી, ગુરુવર્ય પ.પૂ. બાપજી અને પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે, દયાળુ, અમે દૃઢસંકલ્પી બની રાજીપાના રાજમાર્ગ પર દોડી આપના સંકલ્પ સમા પાત્ર બની રહીએ એવી દયા કરો, દયા કરો, દયા કરો.