એકબીજાને સમજો - 3

  July 12, 2014

સમૂહજીવનમાં કેવા સંજોગોમાં એકબીજાને સમજવાની જરૂર છે? જેથી ઘરમાં કુસંપનું વાતાવરણ ટાળી આત્મીયતાનું સર્જન થાય તે સમજીશું આ લેખ દ્વારા.

ઘર-પરિવાર હોય કે પછી ધંધા-વ્યવહાર હોય, દરેક જગ્યાએ ક્યાંક વિકટ સંજોગો તો આવતા જ હોય છે. આવા વિકટ સંજોગોમાં એકબીજાને સમજવાને બદલે આક્ષેપો મૂકવાથી આત્મીયતામાં તિરાડ પડતી હોય છે. પરંતુ એ વિકટ સંજોગો કેમ સર્જાયા તેની જો તપાસ કરી સામેની વ્યક્તિને સમજવા પ્રયત્ન કરીએ તો વિકટ પ્રશ્નોની સુલેહ સુખરૂપ આવતી હોય છે.

એક શેઠના ઘેર વર્ષોથી એક નોકર કામ કરે. નોકર સંપૂર્ણ વિશ્વાસુ હતો. ઘણી વખત શેઠ નોકરના ભરોસે આખા ઘરની જવાબદારી સોંપીને બહાર પણ જતા. દર મહિને નોકરને નક્કી કરેલો પગાર ચૂકવવામાં આવતો હતો. તેમાં જ તે સંતોષ માનતો હતો.

વર્ષો પછી એક પ્રસંગ બન્યો. શેઠના ઘેર તેમના મિત્ર રહેવા આવ્યા. તેમણે શેઠને નોકરના ભરોસે આખું ઘર છોડી દેતા નિહાળ્યા. તેમને અંદર પ્રશ્ન ઊભો થયો કે આમ કોઈ અજાણી વ્યક્તિ પર આટલો બધો વિશ્વાસ મૂકી દેવાય ? પણ શેઠને ન કહ્યું.

એક દિવસ બન્ને મિત્રો બહાર ગાર્ડનમાં બેઠા છે. તે સમયે શેઠના મિત્રો બહાર ખુરશીમાં બેઠા બેઠા એક બીના જોઈ. પેલા નોકરને શેઠના કોટમાંથી પૈસા કાઢતો જોયો. એટલે બીજા દિવસે ફરીથી બહાર આવીને બેઠા ત્યારે શેઠને વાત કરી.

“તમે નોકર પર સંપૂર્ણ વિશ્વસ મૂકી દીધો છે તો શું ખરેખર એ એવો વિશ્વાસુ છે ખરો ?” શેઠ કહે, “હા”. ત્યારે મિત્રે તેમને આગલા દિવસે બની ગયેલા પ્રસંગની વાત કરી. પરંતુ શેઠને સાચું ન મનાયું. ફરીથી શેઠને સમજાવ્યા કે આવા સમયમાં કોઈની પર વિશ્વાસ ન મૂકી દેવાય. ઘરના સભ્યો પર વિશ્વાસ ન મુકાય તો આવી અજાણી વ્યક્તિ પર કેવી રીતે સંપૂર્ણ વિશ્વાસ મૂકી દેવાય ?આવું સાંભળતાં શેઠને મિત્રની વાત સાચી મનાઈ પરંતુ, બીજી બાજુ નોકર આવું ન જ કરે તે બાબતે પણ વિશ્વાસ હતો. શેઠ વિચારમાં પડી ગયા કે હવે મારે શું કરવું ? નોકર ઉપર આક્ષેપ મૂકવાને બદલે તેણે આવું કેમ કર્યું હશે ? તે વિષે શેઠે ઊંડું વિચાર્યું. નોકરના ઘરની પરિસ્થિતિનો વિચાર કરતાં શેઠને થયું કે જ્યારથી નોકરને મેં કામે રાખ્યો છે ત્યારથી મેં એટલો ને એટલો જ પગાર એને આપ્યો છે. એમાં વધારો કર્યો જ નથી ! હવે એનો પરિવાર પણ બહોળો થતો ગયો છે. જવાબદારીઓ વધી છે અને મોંધવારી પણ વધતી ગઈ છે. તેથી તેને પહોંચી વળવા માટે તેને આવું કૃત્ય કરવું પડ્યું હશે. બાકી તે કરે જ નહીં. માટે ખરેખર ગુનેગાર તો હું જ છું. એવી રીતે નોકરના વિકટ સંજોગ-પરિસ્થિતિનો વિચાર કરી તેનો પગાર વધારવાનું નક્કી કર્યું.

નોકરને બહાર બોલાવ્યો. શાંતિથી સમજાવ્યો અને ચોરી કરવા પાછળનું રહસ્ય પૂછ્યું તો ઘરમાં સર્જાયેલી આર્થિક ભીંસ જ હતી. શેઠે જો નોકરને સમજવાનો યોગ્ય રીતે પ્રયત્ન કર્યો તો શેઠ અને નોકર વચ્ચેની આત્મીયતા જળવાયેલી રહી. કોઈ પણ જાતની માથકૂટ કે પ્રશ્નો વગર શાંતિથી કામ પતી ગયું. તેમ આપણે પણ આપણા સમૂહજીવનમાં એકબીજાની પરિસ્થિતિ, સંજોગને સમજીશું તો અરસપરસની આત્મીયતા જરૂર વધશે.

(2) સામેનાની કાર્ય અંગે નિષ્ફળતા જોઈએ ત્યારે :

ઘણી વખત કોઈ કાર્ય પાછળ સંપૂર્ણ પ્રયત્ન કર્યા પછી પણ નિષ્ફળતા મળે છે ત્યારે તે જોઈને, સાંભળીને આપણા માનસપટ પર ઘણી બધી છાપો પડી જાય છે. પરંતુ વ્યક્તિ કેમ નિષ્ફળ ગઈ છે તેની આપણે તપાસ કરતા નથી.

બીજા પ્રત્યે આપણી ઇચ્છાઓ-અપેક્ષાઓ ખૂબ ઊંચી હોય છે. પરંતુ સામેનાની કાર્યક્ષમતા ન હોય તોપણ તે કાર્યમાં સફળતા ન મેળવી શકે. કાં તો તેને કાર્ય સફળ કરવા માટે અમુક વિધ્નો પણ નડતાં હોય તેવું પણ બની શકે.

આવા સંજોગોમાં સામેની વ્યક્તિને સમજી ન શકવાના કારણે જ અશાંતિ ઊભી થાય છે; ને ન વિચાર્યું હોય તેવું સર્જન થઈ જાય છે.

એક યુવાન ભણવામાં ખૂબ તેજસ્વી, હોશિયાર. એના પિતાને તેની પાછળ ખૂબ મોટી આશા હતી કે યુનિવર્સિટીમાં તેનો પ્રથમ નંબર આવે. પરંતુ કોઈ કારણસર યુવાનનો નંબર બીજો આવ્યો. યુવાનને એકદમ આધાત લાગ્યો. હવે શું કરીશ ? પિતાને શો જવાબ આપીશ ? પિતા મારી નિષ્ફળતાને નહિ સ્વીકારે કે મારી વાતને નહિ સમજી શકે તેનું પણ તેને અસહ્ય દુ:ખ હતું. અંતે તેણે પંખે લટકીને આત્મહત્યા કરી દીધી.

ક્યારેક પહેલેથી આપણી એવી છાપ ઊભી ન કરીએ કે સામેની વ્યક્તિને એવું લાગે કે આ મને નહિ જ સમજી શકે.

(3) કાર્યોના નિર્ણયો લેવાના હોય ત્યારે :

ઘર-પરિવારમાં કે પછી ધંધા-વ્યવહારમાં જ્યાં અતિ મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યાં જો એકતરફી નિર્ણય લેવાય કે અન્યના હિતાર્થે નિર્ણય ન લેવાય તો મોટા વિક્ષેપો સર્જાતા હોય છે. કેટલીક વાર બાળકોને આગળ શું ભણવું છે તેનો નિર્ણય પણ તેનાં માતાપિતા જ લેતાં હોય છે; પરંતુ બાળકોને શું ઇચ્છા છે એને શેમાં રસ છે તે નથી જોતા. છેવટે બાળક નિરસ થઈ ભણે અને ભોપાળું વાળે છે. એવી જ રીતે, દીકરા-દીકરીઓનાં લગ્નની બાબતમાં પણ ઘણી વાર આવું થતું હોય છે. ક્યારેક સત્સંગમાં કે સમાજમાં પણ નિર્ણયો લેવાના હોય ત્યારે પણ જો એકબીજાને સમજ્યા વગર નિર્ણયો લેવાય તો મનદુ:ખ ઊભું થતું હોય છે.

બે કે બે થી વધુ વ્યક્તિઓને ભેગા મળીને જ્યારે કેટલાક નિર્ણયો લેવાના થતા હોય છે ત્યારે કેટલીક બાબતો સમજવી જરૂરી છે :

1. જે નિર્ણયો લઈએ તે બીજાના હિતને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ.

2. પોતાના સુખ સામું ન જોવું જોઈએ.

3. જે નિર્ણયો લઈએ તે બીજાને અનુકૂળ અથવા તો સ્વીકૃત થઈ શકે તેવા હોવા જોઈએ.

4. બીજાનાં સૂચનોને પણ સ્વીકારવાં જોઈએ.

ઘણી વખત વડીલ તરીકે આપણે નિર્ણયો લેવાના હોય ત્યારે આપણે આપણા ઠરાવો મુજબ બીજાને તેમાં વર્તાવવા માંગતા હોઈએ છીએ એટલે કે આપણો નિર્ણય એ જ સાચો, બીજાને આમાં ખબર ન પડે તેવું માનતા હોઈએ છીએ. પરંતુ એવું પણ બની શકે કે આપણાથી ઉંમરમાં નાના હોય, ભણેલાગણેલા ઓછા હોય પણ તેમના નિર્ણયો સાચા ને યોગ્ય પણ હોઈ શકે. તો તેમની વાતને-સૂચનને પણ ધ્યાનમાં લેવાં જોઈએ. તેમની દૃષ્ટિથી પણ જોવું જોઈએ.

(4) વાણી અથવા વર્તને કરીને કોઈની સાથે અણબનાવ બને ત્યારે :

માનવસ્વભાવગત દરેક વ્યક્તિ એવું જ ઇચ્છતી હોય છે કે, “હું કહું તેમ બધા કરે.” જેથી જ્યાં પોતાની ઇચ્છા પૂરી ન થાય અથવા પોતાના સ્વભાવનું ખંડન થાય ત્યાં વાણી અને વર્તનની વિકૃતિ થઈ જાય છે. ક્રોધાવેશના આવેગમાં આવીને ન બોલવાનું બોલાઈ જાય છે અને ક્યાંક અણછાજતું વર્તન પણ થઈ જતું હોય છે. આવા સમયે જો સામેવાળી વ્યક્તિ તેના પ્રત્યાઘાત રૂપે એવું જ વર્તન કરે તો પરિસ્થિતિ વધુ વણસે છે. પરંતુ ત્યાં વિચાર કરે કે આવું બનવા પાછળનું કારણ શું છે ? કારણ તપાસ્યા પછી પણ જો સાચું હોય તોપણ તે સમયે તેની મનોસ્થિતિને સમજવા પ્રયત્ન કરવો. પરિસ્થિતિને સમજી સવળી રીતે મૂલવવી. કંઈક છોડવું પડે કે આપણો અહમ્ ઘવાતો હોય તેવું લાગતું હોય તોપણ ગળી જવું તો કુસંપનું સર્જન ન થાય.