એકતા - 2

  May 28, 2015

અભાવ, અવગુણ અને અમહિમાથી રહિત થવું

એકતા એટલે એક જ, ત્યાં બીજું કોઈ નહીં. એકમાત્ર શ્રીજીમહારાજ જ રહે. વ્યતિરેકના સંબંધવાળા સૌમાં મહારાજનાં દર્શન કરવાં છે, એકતા કરવી છે એવો દૃઢ સંકલ્પ કરીએ છીએ; છતાં એકતા કરવાના સંકલ્પમાં અવરોધો ઊભા થાય છે, આંધી આવે છે ને સંકલ્પનાં પૂર ઓસરી જાય છે. આ અવરોધ અને આંધી એટલે જ ‘અભાવ, અવગુણ અને અમહિમા.’

જેમ કુંભારે ઘડી ઘડીને સુંદર માટલું તૈયાર કર્યું હોય પરંતુ જો અંદર માત્ર એક કાંકરી આવી જાય તો એ કાંકરી માટલાને ફોડી નાખે છે, એમ મહારાજ અને મોટાપુરુષ કથાવાર્તા કરીને આપણને સુંદર માટલા જેવો આકાર આપે છે. પરંતુ  અભાવ, અવગુણ અને અમહિમારૂપી કાંકરી આવે છે ત્યારે આપણું માટલું ફૂટી જાય છે. આ અભાવ, અવગુણ અને અમહિમારૂપી મહાદોષ આપણનેસૌમાં મહારાજનાં દર્શન કરવા દેતો નથી. આપણા રાજીપાના માર્ગમાં રુકાવટ લાવી દે છે. આપણી પ્રગતિને થંભાવી દે છે અને ઉદ્વેગ-અશાંતિનું સામ્રાજ્ય ફેલાવી દે છે. આ મહાદોષ આપણા માટે મહાદુઃખરૂપ હોવા છતાં આપણે એ દોષની મિત્રતાથી ટેવાઈ ગયેલા છીએ. આપણા રોજબરોજના જીવનમાં સાહજિક ગુણો વર્તવાને બદલે આ દોષ વધુ સાહજિક વર્તતો હોય છે.

એક વખત ફિલૉસોફર પ્રો. મૂરેએ(Moore)ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓના માનસવિચારોની પરીક્ષા કરવા માટે એક પ્રયોગ કર્યો હતો. પ્રો. મૂરેએ વિદ્યાર્થીઓના દેખતાં એક સફેદ બોર્ડ ઉપર કાળું ટપકું કર્યું. ત્યારબાદ થોડી વાર પછીવિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યો કે, “બોર્ડમાં શું દેખાય છે?” ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ એકસાથે કહ્યું કે, “બોર્ડ ઉપર કાળું ટપકું દેખાય છે.” ત્યારે પ્રો. મૂરેએ વિદ્યાર્થીઓને કહ્યું કે, “બધાએ કાળા ટપકા વિષેજ કહ્યું પરંતુ કોઈએ બોર્ડ સફેદ છે તેમ ન કહ્યું. તમને બધાને બોર્ડનો સફેદ રંગ ન દેખાયો.”

આપણા જીવનમાં પણ આવું કંઈક બનતું હોય છે. બોર્ડનો સફેદ રંગ એટલે આપણી નજીકના વર્તુળમાં રહેલા સત્સંગી-બંધુઓના કે પરિવારના સભ્યોના ગુણો કે જેને આપણે ઓછા પકડી શકીએ છીએ. જ્યારે તેમનામાં અનેક ગુણો હોવા છતાં ક્યાંક એકાદ કાળા ટપકા સમાન અવગુણ કે દોષ હોય તો તે આપણી આંખે જલ્દી ચડે છે. અને એ સામાન્ય કસરને આપણે બહુ મોટી કસર માની લઈએ છીએ, જેથી ગુણના બદલે દોષ જ આપણી દૃષ્ટિમાં આવે છે.

બે મિત્રો ફરતા-ફરતા દરિયાકિનારે પહોંચ્યા. દરિયાકિનારે જઈ એક મિત્રએ બીજા મિત્રને કહ્યું કે, “આ દરિયો કેટલો વિશાળ છે ! એના પેટાળમાં મોતીના ઢગલા છે. પરંતુ તેનું પાણી કેટલું ખારું છે ? જો દરિયામાં ખારાશ જ ન હોય તો ? દરિયો તેની ખારાશ છોડી દે તો તેનું પાણી પિવાય તો ખરું !” ત્યાંથી બંને મિત્રો બગીચામાં આવ્યા. બગીચાની સુંદરતા નિહાળતાં એક તાજું ખીલેલું ગુલાબી રંગનું ગુલાબ દેખાયું. બંને મિત્રો ગુલાબ પાસે પહોંચ્યા. ત્યારે પેલો મિત્ર બીજા મિત્રને કહે, “આ ગુલાબ કેટલું સુંદર છે ! પણ કેવા કાંટાળા છોડ પર ઊગે છે ? કાંટા જ ન હોય તો તેનું સોના જેટલું મૂલ્ય ગણાત.” બગીચામાંથી ફરી સાંજે ઘરે આવ્યા. ઘરે રાત્રે બહાર આંગણામાં બેઠા હતા. પૂનમના ચંદ્રની શીતળતા ચારે તરફ છવાઈ રહેલી હતી. એવામાં પેલો મિત્ર બોલ્યો કે, “આ ચંદ્રમા પર કેવા ડાઘ છે ? ડાઘ ન હોય તો ચંદ્ર કેવો ધોળો દૂધ જેવો લાગે !”

મિત્રની વાત સાંભળતાં છેવટે હવે પેલા મિત્રએ કહ્યું કે, “ભાઈ, તને દરિયાની વિશાળતા ન દેખાઈ પણ તેની ખારાશ દેખાઈ; ગુલાબની સુંદરતા અને સુગંધ ન દેખાઈ પણ નાના કાંટા તને ખૂંચ્યા અને હવે તું ચાંદનીની શીતળતા માણવાને બદલે ચંદ્રના પણ ડાઘ જુએ છે. એનાથી ફાયદો શું ? એના કરતાં એનામાં જે સારું છે તે લઈશ તો તારું જીવન પણ દરિયા જેવું વિશાળ, ગુલાબ જેવું સુગંધથી મઘમઘતું અને ચંદ્રની ચાંદની જેવું શીતળ બનશે.”

આવી અવગુણ જોવાની દૃષ્ટિ જ આપણને કોઈના ગુણ જોવા દેતી નથી. અભાવ-અવગુણ જોવાની દૃષ્ટિને પરિણામે આપણામાં જે કાંઈ ગુણ હોય તે પણ સાફ થઈ જાય છે. ક્યાંક આપણો આવો અભાવ-અવગુણ જોવાનો સ્વભાવ આપણા મોક્ષમાર્ગમાં પણ અડચણરૂપ સાબિત થાય છે. અવગુણનું મનન જ આપણને મારી નાખે છે. એટલે જ શ્રીજીમહારાજે વડતાલના 12મા વચનામૃતમાં કહ્યું છે કે,

“સત્સંગમાં પૂર્ણમાસીના ચંદ્ર જેવો જીવાત્મા અભાવ-અવગુણે કરીને અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. એટલે કે શૂન્ય થઈ જાય છે.”

આપણામાં ક્યાંક આવી અન્યનાં કાળાં ટપકાં જોવાની દોષદૃષ્ટિ પેસી ન જાય તેનો ખ્યાલ રાખીએ. કેટલીક વાર આપણને આપણા ગુણના માને કરીને પણ સામેનાનો અવગુણ આવતો હોય છે. ક્યારેક આપણું ધાર્યું ન થાય, આપણે નક્કી કરેલા ઠરાવ પ્રમાણે કાર્ય ન થાય કે કોઈ વ્યક્તિ વાતને સ્વીકારે નહિ તો તેનો પણ અવગુણ આવતો હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ પ્રત્યેની ઈર્ષ્યાની અગનજાળમાં બળતા હોઈએ ત્યારે પણ તેનો અવગુણ આવતો હોય છે. આપણા સ્વજીવનમાંક્યાંક આવા અભાવ-અવગુણ લેવાના પડી ગયેલા સ્વભાવને કારણે સૌમાં મહારાજનાં દર્શન કરી શકાતા નથી. પરિવારના સભ્યો વચ્ચે એકતા રાખી શકાતી નથી. પરિવારમાં સંપ, સુહૃદભાવ અને એકતાની કેવી અદભુત ઘનિષ્ઠતા હોવી જોઈએ તેની શીખ આપણને એક પરિવારના જીવંત પ્રસંગ ઉપરથી મળે છે.

વર્ષો પહેલાંની વાત છે. એક નગરમાં ચાર વણિક બંધુઓ (ભાઈઓ) રહેતા હતા. આ ચાર ભાઈઓ તેમનાં માતાપિતા તથા પુત્ર-પરિવાર સાથે હળીમળીને રહેતા હતા. પરંતુ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ દુર્બળ હતી. આર્થિક પરિસ્થિતિને સુધારવા પ્રભુ-પ્રસન્નતા સિવાય બીજો કોઈ ઉપાય હવે બચ્યો નથી એવું જાણી ચારેય ભાઈઓએ જંગલમાં જઈ તપથી પ્રભુને પ્રસન્ન કરવા વિચાર્યું.

એક દિવસ ચારેય ભાઈઓએ જંગલની વાટ પકડી. જંગલમાં એક પર્ણકુટિર બનાવી ચારેય ભાઈઓએ નિવાસ કર્યો. તપ અને પ્રભુભક્તિ સાથોસાથ દેહનિર્વાહ કરવો પણ જરૂરી હતો. એટલે ચારેય ભાઈઓએ સેવા વહેંચી લીધી. સૌથી મોટાભાઈએ કહ્યું કે, “હું જંગલમાંથી લાકડાં વીઁણી લાવીશ.” બીજા નંબરના ભાઈએ કહ્યું કે, “હું નગરમાં ઝોળી માંગવા જઈશ.” ત્રીજા ભાઈએ કહ્યું કે, “હું પાણી લાવીશ તથા રસોઈ બનાવીશ.” ચોથા ભાઈએ કહ્યું કે, “હું વાસણ સાફ કરીશ તથા પર્ણકુટિર સાફ કરીશ.” આવી રીતે સેવાની વહેંચણી કરી, ચારેય ભાઈઓ તપશ્ચર્યા અને પ્રભુભક્તિ સાથે આત્મીયતાથી દિવસો પસાર કરી રહ્યા હતા.

ચારેય ભાઈઓમાં રહેલી એકતાના પરિણામે એક દિવસ ભગવાને વનવાસીનું રૂપ લઈ ચારેયની પરીક્ષા લેવાનું વિચાર્યું. ભગવાન વનવાસીનું રૂપ લઈ પહેલાં લાકડાંવીણવાવાળા ભાઈ પાસે ગયા અને કહ્યું કે, “તું ભલે તારા ભાઈઓ માટે લાકડાં વીણવાની મજૂરી કરે છે પરંતુ તારા ભાઈઓ તારા વિષે ખરાબ બોલે છે અને તારું સારું ઇચ્છતા નથી.” એમ અભાવ, અવગુણ ને અમહિમાની વાતો કરવા પ્રયત્ન કર્યો. પરંતુ આટલું સાંભળતાં જ લાકડાં વીણતાં વીણતાં તે બોલ્યો, “અરે ! મારો ભાઈ મારા માટે આવું બોલે જ નહીં. અને કદાચ કંઈ કીધું હોય તોય મારો ભાઈ છે. તમે કોણ અમારી વચ્ચે તિરાડ ઊભી કરનારા ? ખબરદાર મારા ભાઈ માટે એક પણ શબ્દ બોલ્યા છો તો ! આ દુનિયામાં મારે મન મારા ભાઈથી અધિક કોઈ નથી. માટે તમે રસ્તો ભૂલ્યા.” આવો સણસણતો જવાબ સાંભળી વનવાસી વેશે આવેલા ભગવાન ત્યાંથી નીકળી ગયા અને બીજા ભાઈ પાસે નદીએ ગયા. એમ વારાફરતી ભિક્ષા માંગનારા અને પછી પર્ણકુટિરમાં રહેતા ભાઈ પાસે ગયા.

ચારેયને એકબીજાના અભાવ, અવગુણ ને અમહિમાની વાત કરવા માંડી. પણ આશ્ચર્યની વાત તો એ બની કે, ચારેય પાસેથી એક જ જવાબ મળતો રહ્યો. ચારેય ભાઈ પોતાના ભાઈઓ માટે પોણી સોળઆની વાત સાંભળવા તૈયાર નહોતા. મને કરીને જરાપણ ક્ષોભ કે છેટાપણું દેખાતું નહોતું. તેમની વચ્ચે આવી અનોખી એકતા જોઈ ભગવાન પ્રસન્ન થઈ ગયા અને તેમના ઇચ્છિત મનોરથ પૂર્ણ કર્યા અને પોતાના ઘરે પાછા ફરવા કહ્યું.

આ ચારેય ભાઈઓ તો માત્ર લૌકિક અને દૈહિક નાતે બંધાયેલા હતા. છતાંય એકબીજા પ્રત્યે કેવી એકતા ! જ્યારે આપણને તો મહારાજે કારણ સત્સંગમાં લીધા છે. બધાયને અનાદિમુક્ત કર્યા છે. સૌના કર્તા મહારાજ છે આવું જાણવા અને સમજવા છતાંયે ક્યાંક આપણને કોઈ અભાવ, અવગુણ ને અમહિમાની વાત કરવા આવે તો ‘કુહાડાને મળ્યા હાથા’ એની જેમ ભેગા ભળી જઈએ છીએ અને મહારાજના ભાવે સૌનાં દર્શન કરી શકતા નથી. એટલે જ ‘અભાવ, અવગુણ ને અમહિમારૂપી’ રસ્તેથી પાછા વાળતાં કહ્યું છે કે,

“સરખે સરખા ભેગા મળીને, પાપનાં પોટલાં ન ભરીએ;

પોતાના દોષો કાઢીને, રુચિમાં ડગ ભરીએ.”