હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 1

  May 4, 2020

જન્મજાત નવશિશુથી માંડી દરેક વ્યક્તિમાં સજીવ કે નિર્જીવને જોવાની, પારખવાની કે ઓળખવાની જિજ્ઞાસાવૃત્તિ રહેલી હોય છે. નાનું બાળક રોજ માતાપિતા કે વડીલોને પ્રશ્ન પૂછે છે કે, આ શું છે ? પેલું શું છે ? આ કોણ છે ? અને પેલું કોણ છે ? એવા અનેક પ્રશ્નો પૂછે છે. પરંતુ કોઈ બાલ્યાવસ્થામાં કે મોટા થઈને પણ કોઈને કે પોતાની જાતને એવો પ્રશ્ન નથી પૂછતા કે, ‘હું કોણ છું ?’ અને ‘શા માટે આવ્યો છું ?’
અધ્યાત્મ માર્ગના આજ સુધીના ઇતિહાસમાં ‘હું કોણ છું ?’ અને ‘શા માટે આવ્યો છું ?’ આ બે પ્રશ્નો અધ્યાહાર રહ્યા છે. આ બે પ્રશ્નોની સાચી સ્પષ્ટતા બહુધા કોઈએ પોતાને કરાવી જ નથી. પરિણામે સત્સંગમાં આવવા છતાં સત્સંગનું ફળ પમાતું નથી કે સાચા સત્સંગી પણ થવાતું નથી.
હું દેહથી નોખો આત્મા છું અને સનાતન પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન છે. શ્રીજીમહારાજે શ્રીમુખે ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં કહ્યું છે કે, “સત્ રૂપ એવો જે પોતાનો આત્મા તથા સત્ રૂપ એવા જે (પરમાત્મા) ભગવાન તેનો જેને આવી રીતે સંગ થાય તેને સત્સંગી કહીએ.” આપણે જો દેહ રૂપે જ વર્તીએ અને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને યથાર્થ ન ઓળખીએ તો સત્સંગી જ ન થવાય તો મુમુક્ષુ કેવી રીતે બનાય ? તો પછી સત્ રૂપ પરમાત્માનું સુખ તો પમાય જ ક્યાંથી ? માટે પ્રથમ મુમુક્ષુતા દૃઢ કરવા ‘હું કોણ છું ?’ તે પ્રશ્નને સ્પષ્ટ રીતે સમજીએ.
જ્ઞાનની જાગૃતિમાં રહેવું તે મુમુક્ષુતા કેળવવાનું પ્રથમ સ્ટેપ છે. હવા સર્વત્ર છે અને તેનો ઉપયોગ પણ સર્વે કરે છે. તેમ મુમુક્ષુતા કેળવવા ‘હું કોણ છું ?’નો વિચાર હવાની જેમ સર્વત્ર અને ત્યાગી-ગૃહી સર્વેને કરવો અતિ જરૂરી છે. કારણ, આત્માનો દેહભાવ તોડાવી મુમુક્ષુતા પ્રગટાવવાની મોટામાં મોટી દવા ‘હું કોણ છું ?’નો વિચાર છે.
સત્સંગની શરૂઆત ‘મહારાજ કોણ છે ?’ એ વિચારથી થાય છે જ્યારે સંપૂર્ણ સત્સંગની (અનાદિમુક્તની સ્થિતિની) શરૂઆત ‘હું કોણ છું ?’ વિચારથી થાય છે. આ વિચારથી જ અનાદિની સ્થિતિના માર્ગે ચાલવાનો પ્રવેશ મળે છે. પ્રવેશ મળ્યા પછી પણ સ્થિતિ સુધીની યાત્રાનો આધાર પણ આ વિચાર પર જ છે. કારણ, આ વિચારની દૃઢતાથી દેહભાવની દીવાલ તૂટતી જાય છે અને મુક્તભાવની મજબૂતાઈ આવતી જાય છે.
અનાદિમુક્તની પ્રાપ્તિ થયા પછી સ્વવિકાસમાં તીવ્રતાથી આગળ વધવા માટે ‘હું કોણ છું ?’ વિચાર પાયારૂપ છે. પરભાવના વિચારથી જ પરભાવમાં જવાય તેમ ‘હું કોણ છું ?’ના વિચારથી જ આપણા ધ્યેયની નિરંતર પુષ્ટિ થતી જાય, જીવનપરિવર્તન થાય.
એક રાજાનો દીકરો નાનપણથી તોફાની. બધાને ખૂબ રંજાડે, હેરાન કરે અને આખો દિવસ રખડ્યા કરે. ઘણા શિક્ષકો તેને ભણાવવા આવ્યા છતાં તેના તોફાનથી બધા થાકીને તોબા પોકારી જતા. એક શિક્ષકે રાજકુંવરને ભણાવવાનું અને તેનું જીવન બદલવા માટેનું બીડું ઝડપ્યું.
શિક્ષકે રાજાના બાપદાદાની પેઢીઓના ઇતિહાસની જાણકારી મેળવી. એક ઇતિહાસ સાથેનો ફોટો આલ્બમ બનાવ્યો. તે રોજ એક પછી એક રાજાનો ફોટો બતાવી તેમના ઇતિહાસ અને કાર્યો વિષે સમજાવે. છેલ્લા દિવસે આલ્બમના છેલ્લા પેજ પર રાજકુમારનો ફોટોગ્રાફ બતાવ્યો.
કુંવરને અહોભાવ થયો કે, “I am member of the Royal family!” અર્થાત ‘હું એક રજવાડી પરિવારનો સભ્ય (ભવિષ્યનો રાજા) છું !’ એવી ખબર પડતાં તેનું જીવન બદલાઈ ગયું. તેમ આપણને અવરભાવમાં અને પરભાવમાં ‘હું કોણ છું ?’ની સ્પષ્ટતા થાય તો આપણું અવરભાવ અને પરભાવ બેય જીવનનું પરિવર્તન થઈ જાય. મુમુક્ષુતાના માર્ગે આગળ વધવા માટે એક મુમુક્ષુ તરીકે ચાર પ્રશ્નોની અવરભાવ અને પરભાવ બંનેમાં સ્પષ્ટતા હોવી જોઈએ.
હું કોણ છું ?
તો, અવરભાવમાં હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દીકરો, આશ્રિત, હરિભક્ત-સંત છું. સમર્થ ગુરુ પ.પૂ. બાપજીનો શિષ્ય છું તથા પરભાવમાં હું શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારો અનાદિમુક્ત છું.
હું શા માટે આવ્યો છું ?
તો, અવરભાવમાં મહારાજ અને મોટાને રાજી કરવા આવ્યો છું. એ રાજી થાય એવું દિવ્યજીવન જીવવા આવ્યો છું. પરભાવમાં દેહ રૂપે વર્તવાનું છોડી મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવા માટે, તેનો અનુભવી થવા તથા પ્રાપ્તિથી સ્થિતિ સુધીની યાત્રા પૂરી કરવા આવ્યો છું.
હું શું કરી રહ્યો છું ?
અવરભાવમાં મહારાજ અને મોટાપુરુષ રાજી ન હોય એવું તો કાંઈ કરી રહ્યો નથી ને ? પરભાવમાં દેહભાવનો પ્રલય કરી મુક્તભાવ દૃઢ કરવાને બદલે દેહભાવની દીવાલ જાડી તો કરી રહ્યો નથી ને ?
હવે મારે શું કરવાનું છે ?
અવરભાવમાં એ રાજી થાય એમ જ સદાય કરવું છે. એ રાજી ન હોય તે નહિ જ કરવાનું. પરભાવમાં જ્ઞાન અને ધ્યાનના યોગે જલદી અનાદિમુક્તની સ્થિતિ પામવી છે.
આ ચાર પ્રશ્નોમાં અન્ય ત્રણ પ્રશ્નોની સ્પષ્ટતાનો મુખ્ય આધાર ‘હું કોણ છું ?’ આ એક વિચાર પર રહેલો છે. જેમ ઝાડના થડ, ડાળ-પાંદડાં, ફળ-ફૂલનો આધાર મૂળ પર રહેલો છે તેમ ત્રણ પ્રશ્નોનું મૂળ ‘હું કોણ છું ?’નો વિચાર છે.
શિક્ષકને ખ્યાલ રહે છે કે, ‘હું શિક્ષક છું’ ત્યારે જ તેના કર્તવ્ય અને ફરજપાલન માટેની જાગૃતતા આવે છે કે હું શા માટે આવ્યો છું ? તો, વિદ્યાર્થીઓને વિદ્યા શીખવવા માટે આવ્યો છું. તો જ મારું શિક્ષક તરીકેનું પદ શોભે !
ડૉક્ટરને ખ્યાલ રહે કે, ‘હું ડૉક્ટર છું’ તો પછી તરત વિચાર આવે કે ‘હું શા માટે ડૉક્ટર થયો ?’ તો, દર્દીની સારવાર કરી સાજા કરવા માટે. પછી વાસ્તવિકતાએ આંતરજીવન તપાસે કે હું શું કરી રહ્યો છું ? તો જ દર્દીની નિ:સ્વાર્થભાવે સાચી સેવા કરી શકે.
જીવથી શિવ સુધીની યાત્રા, પ્રાપ્તિથી સ્થિતિ તરફની યાત્રા, પુરુષોત્તમરૂપ પાત્ર થવાની અદ્ભુત રીત આ ચાર પ્રશ્નોમાં જ સમાવિષ્ટ છે. તેનું ખૂબ મનન કરીએ.