હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 10

  July 6, 2020

અંત:શત્રુ થકી રક્ષા મેળવવા માટે :
મોક્ષ માર્ગમાં સૌથી વધુ વિઘ્ન કરતા હોય તો તે છે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, માનાદિક અનેક અંત:શત્રુઓ, દોષોનું જાળું. આ અંત:શત્રુઓ આત્માને નિર્બળ કરી મોક્ષ માર્ગમાંથી પાડી દે છે.
તમામ અંત:શત્રુઓનું નિવાસસ્થાન એટલે દેહ. જેમ સમળી માંસનો લોચો લઈને જતી હોય તો તેને બીજા બધા સમળાં ચાંચો મારે પરંતુ જો સમળી માંસનો લોચો જ મૂકી દે તો બધા સમળાં લોચાની ભેળા જતા રહે. તેમ આત્મા જ્યાં સુધી દેહરૂપી લોચો લઈને ફરે છે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ માનાદિક અનેક અંત:શત્રુરૂપી સમળાં હેરાન કરે જ, પરંતુ દેહથી આત્મા જુદો પડી જાય તો દોષ બધા દેહ ભેળા રહે. આત્માને કોઈ અંત:શત્રુની કનડગત રહે જ નહીં.
વસ્તુતાએ આત્મા સર્વે અંત:શત્રુઓથી નિર્લેપ છે, નિર્વિકારી છે પરંતુ દેહ-આત્માની એકતાના કારણે બંને એકબીજાથી ભિન્ન છે એવું અનુસંધાન રહેતું નથી તેથી બધા અંત:શત્રુઓ પરાભવ કરી જાય છે. પરંતુ દેહ-આત્માની વિક્તિ સ્પષ્ટ થાય તો અંત:શત્રુઓનો વળગાડ દેહનો છે, હું તો એ સર્વેથી નિર્લેપ છું એમ જાણી અંત:શત્રુ થકી રક્ષા થાય.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૧૬૧મી વાતમાં કહ્યું છે કે, “જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી તેને સ્ત્રી જોઈશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી તેને પુરુષ જોઈશે ને ગમે ત્યાં જાશે પણ એમ રહેશે. માટે કહ્યું છે જે, બ્રહ્મરૂપ (પુરુષોત્તમરૂપ) થઈને ભક્તિ કરવી.” અર્થાત્ જ્યાં સુધી પોતાને દેહ સ્વરૂપ મનાય ત્યાં સુધી અન્યના રૂપને જોઈ આસક્તિ થાય તો કામાદિક વિકાર થાય જ. કોઈની દૈહિક સ્વભાવ-પ્રકૃતિ જોઈને ક્રોધાદિક ઊપજે જ. મનને રુચે એવા પદાર્થ જોઈ તેને મેળવવાનો લોભ જાગે જ. બે વ્યક્તિના વ્યવહાર જોઈને મત્સર, ઈર્ષ્યાદિક ઉત્પન્ન થાય જ. સર્વે અંત:શત્રુઓ દૈહિક આચરણમાંથી જ ઉદ્ભવે છે.
પૂર્વે ઋષિમુનિઓ અંત:શત્રુથી બચવા માટે ઘણાં તપ, જપ, ઉપવાસ કરતા. વર્ષો સુધી વાયુભક્ષણ કરી એક પગે ઊભા ઊભા તપ કરતા છતાંય સમયે તેઓને અંત:શત્રુએ પરાભવ પમાડ્યા હતા. કારણ, તેમને દેહ-આત્માની વિક્તિ સ્પષ્ટ થઈ નહોતી. સ્ત્રીના રૂપને જોઈને એવો વિચાર કર્યો હોત કે આ દેહમાં હાડ-ચામ-રુધિર જ ભર્યું છે, નાશવંત છે, કશું સુખરૂપ નથી જ્યારે આત્માને વિષે આવી અશુદ્ધિ નથી. સામે દેખાતા દેહમાં રહેલો આત્મા પણ શુદ્ધ છે અને હું પણ દેહ નહિ, આત્મા છું એવો ભાવ આવ્યો હોત તોપણ દેહમાં વાસના ન થાત. માત્ર આત્મભૂમિકા પર પહોંચાય તોય રૂપાળા કે કદરૂપા, બાળ-યુવાન-વૃદ્ધ બધા દેહને વિષે સમભાવ જ રહે.
આત્માની ભૂમિકા અતિશે સબળ છે. તેના પર ઇન્દ્રિયો-અંત:કરણનું કાંઈ જોર ચાલે તેમ નથી પરંતુ એ અજ્ઞાનવશ થઈ પોતાને દેહ માની લે છે એટલે અંત:શત્રુ આગળ હારી જાય છે. અને પોતાને અંત:શત્રુરૂપી કુલક્ષણેયુક્ત માને છે. પરંતુ જ્યારે અનાદિની સ્થિતિના માર્ગ પર આગળ વધવું હોય, પરમપદ પામવું હોય તો અંત:શત્રુ પર વિજય કેવી રીતે મેળવવો તે શ્રીજીમહારાજ રાજનીતિના ગઢડા મધ્યના ૧૨મા વચનામૃતમાં શીખવે છે : “જેને પરમપદ પામવા ઇચ્છવું તેને કાંઈક પોતાને વિષે પુરુષાતન રાખવું, પણ છેક નાદાર થઈને બેસવું નહીં. ને એમ વિચાર કરવો જે, જેમ આ દેહમાં ચાર અંત:કરણ છે, દસ ઇન્દ્રિયો છે, પંચ પ્રાણ છે, તેમ હું જીવાત્મા છું તે પણ આ દેહને વિષે છું તે એ સર્વેથી અધિક છું ને એ સર્વેનો નિયંતા છું. પણ એમ ન માનવું જે, હું તો તુચ્છ છું ને અંત:કરણ-ઇન્દ્રિયો તો બળવાન છે, જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહિ, પછી એ વાર્તાની જ્યારે ગામના મનુષ્યને ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ માને નહિ, પછી દેશના મનુષ્યને વાત સાંભળે ત્યારે દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં. પછી તે રાજા ગ્લાનિ પામીને અસમર્થ થઈને બેસી રહે; અને કોઈ ઉપર હુકમ ચલાવે નહીં. તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્યને ઠેકાણે અંત:કરણ છે. ને ગામના ને દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે તે જ્યારે એ જીવ નાદાર થઈને બેસે, ને પછી અંત:કરણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાને ઇચ્છે ત્યારે અંત:કરણ એનું કહ્યું કરે નહિ, ને ઇન્દ્રિયોને વશ રાખવા ઇચ્છે તો ઇન્દ્રિયો પણ એને વશ રહે નહિ, પછી એ જીવ કાયાનગરને વિષે રાજા છે તોપણ રાંકની પેઠે ઓશિયાળો થઈ રહે છે, અને જ્યારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને વિષે મનુષ્ય હોય તે સાંઢ થઈને બેસે છે, ને રાજાનું લેશમાત્ર ચાલવા દે નહિ, તેમ આ જીવના કાયાનગરને વિષે પણ જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે, અને એ જીવનું લેશમાત્ર ચાલવા દેતા નથી, માટે જેને કલ્યાણને ઇચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં. ને જે પ્રકારે પોતાનાં ઇન્દ્રિયો ને અંત:કરણ તે સર્વ પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો, જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાનો હુકમ ચલાવે, પણ રૈયતનો દાબ્યો દબાય નહિ, અને જો રાજનીતિ ન જાણતો હોય તો તે વસ્તી હુકમ ન માને ને તેને મારવા જ માંડે, પછી પોતાનો દેશ હોય તે ઉજ્જડ થઈ જાય અને કાં તો કોઈ હુકમ જ માને નહિ તેણે કરીને પોતે દુ:ખિયો થકો વર્તે, એવી રીતે રાજનીતિ જાણ્યા વિના બે વાતે બગાડ થાય છે તેમ જીવ પણ જો રાજનીતિને જાણ્યા વિના કાયાનગરમાં હુકમ કરવા જાય તો એમાંથી સુખ થાય નહીં.”
આમ, અંત:શત્રુ થકી રક્ષા મેળવવા દેહ-આત્માની વિક્તિ સમજવી આવશ્યક છે.
      મૂર્તિમાં રહેવાની લટક દ્રઢ કરવા માટે :
જીવાત્મા અનાદિકાળથી દેહથી તદ્દન નોખો હોવા છતાં અજ્ઞાને કરી દેહરૂપી ઘરમાં જ રહે છે અને દેહને જ પોતાને રહેવાનું સાચું ઘર માને છે તથા તેની સાથે જ એકતા કરે છે. દેહાત્મબુદ્ધિના કારણે આત્મા દેહરૂપી ઘરમાં જ રહેવાની પ્રૅક્ટિસ કરતો આવ્યો છે તેથી દેહાધ્યાસની દીવાલ વધુ ને વધુ મજબૂત થતી જાય છે. આત્માનું સાચું સુખ, ખરું સ્વરૂપ અને સાચું ઘર જ મૂર્તિ છે. તેમ છતાં દેહભાવના અજ્ઞાને કરી આત્મા આ ભૂલી ગયો છે.
આત્મા દેહરૂપી ઘરમાં રહે છે એટલે એની જન્મમરણની ભવાબ્ધિ ટળતી નથી. પરંતુ તે જ્યારે મૂર્તિરૂપી ઘરમાં રહે ત્યારે સર્વે ઉપાધિમાત્ર ટળી જાય છે. પરંતુ આત્મા દેહરૂપી ઘરમાં અને મૂર્તિરૂપી ઘરમાં બેયમાં એકસાથે રહી શકે નહીં.
જેમ એક ઘરમાંથી બહાર નીકળાય તો જ બીજા ઘરમાં જવાય એમ મૂર્તિરૂપી ઘરમાં રહેવાની પ્રૅક્ટિસ કરવી હોય તો દેહરૂપી ઘરમાંથી બહાર નીકળાય તો જ મૂર્તિરૂપી ઘરમાં રહી શકાય. મૂર્તિરૂપી ઘરમાં સદાય રહેવું એ જ આપણું અંતિમ લક્ષ્ય છે તેને પામવા પ્રથમ દેહ-આત્માની વિક્તિ સમજી દેહથી નોખા થવું ફરજિયાત છે.

દેહ-આત્માની વિક્તિની આવશ્યક્તા સમજી દેહ-આત્માની વિક્તિને નોખી રાખતા થઈએ.