હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 11

  July 13, 2020

મૃત્યુએ કરીને દેહ પડી જાય ને મરણ થાય છે પરંતુ દેહ પડવાની સાથે દેહભાવનું અજ્ઞાન ટળતું નથી. કારણ શરીર અને આત્માની દેહ સાથેની અનાદિકાળથી એકતા છે. એ એકતા દેહ પડવાથી નહિ પરંતુ જ્ઞાન થવાથી ટળે છે. મનુષ્યના અનંત જન્મ ધરવા છતાં એ અજ્ઞાન ન ટળે પણ આ જન્મમાં જ આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય તો આ જન્મમાં જ અજ્ઞાન ટળે ને આત્યંતિક મોક્ષના માર્ગે આગળ વધી શકાય.
માટે પ્રથમ આત્મા દેહથી નોખો છે એ વિક્તિ સમજવી ફરજિયાત છે. પરંતુ માત્ર દેહથી નોખો આત્મા છે ને તે આત્મા હું છું એવું સમજી બેસી રહેવાનું નથી. આત્મભાવ એ માત્ર કક્કો છે. જેમ ગુજરાતી શીખવું હોય તો પહેલાં કક્કો શીખવો ફરજિયાત છે પરંતુ કક્કો શીખ્યા પછી બેસી નથી રહેવાનું. આગળ બારાક્ષરી, વાક્યો વગેરે શીખવાનું, વાંચવાનું, બોલવાનું ચાલુ કરવું પડે.
એવી જ રીતે,
અંગ્રેજી શીખવા માટે પહેલાં ABCD ફરજિયાત શીખવી જ પડે. ABCD પાકી કરવા શરૂઆતમાં બોલબોલ કરીએ. થોડા દિવસ પછી ABCD બોલવાનું બંધ કરી દઈએ. આગળ નવું શીખવા પ્રયત્ન કરીએ તેમ છતાં ABCDનો સહારો નિરંતર રહે છે. અંગ્રેજીનો પાયો જ ABCD છે. કોઈ પણ શબ્દ, નામ, વાક્ય બનાવવું હોય કે પછી કાળ શીખવો હોય તો એમાં ABCD તો આવે જ. ABCD વગર અંગ્રેજીનું અસ્તિત્વ જ શક્ય નથી. એવી રીતે આત્મભાવ એ પાયો છે; તે વગર સ્થિતિના માર્ગે આગળ વધી જ ન શકાય. પરંતુ ત્યાં અટકી પણ રહેવાનું નથી. દેહથી નોખા પડી મને (આત્માને) અનાદિમુક્ત કર્યો છે. હું અનાદિમુક્ત જ છું એ ભાવમાં આવવાનું છે.
દેહથી નોખા પડતાંની સાથે જ મુક્તભાવમાં આવવાનું. પ્રશ્ન થાય કે બેય વસ્તુ કેવી રીતે સાથે થાય ? ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આ વાતને વ્યવહારિક દૃષ્ટાંત દ્વારા સમજાવતાં કહે છે કે, “આપણે પૂરી બનાવતા હોઈએ છીએ ત્યારે પૂરી વણીને જો ભેગી કરીએ અને પછી તળીએ તો એકેય પૂરી ફૂલે નહીં. એ તો પૂરીને વણતા જવી પડે અને જોડે જોડે તરત તળતા પણ જવી પડે તો જ ફૂલે. એવી રીતે દેહથી નોખા આત્મભાવમાં આવતાં તરત જ મુક્તભાવમાં જતું જ રહેવું પડે. આત્મભૂમિકા પર બેસી ન રહેવાય. કારણ કે આત્મા નિરાકાર છે અને મહારાજ સદા સાકાર છે. આત્મભાવે વર્તવાનું નથી. આત્મભાવ માત્ર સમજવા માટે છે. વર્તવા માટે તો આપણી મુક્તભાવની લટક જ શ્રેષ્ઠ છે. એનાથી જ સુખ પમાય છે.
આત્મા નિરાકાર, મહારાજ સદા સાકાર :
આત્માને દેહનો સંગ છે ત્યાં સુધી દેહે કરી હું સાકાર છું એવું અજ્ઞાને કરી મનાય છે પરંતુ વાસ્તવિકતાએ આત્મા નિરાકાર છે. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬૬મા વચનામૃતમાં કહ્યું છે કે, “જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે પણ નિરાકાર જે ચૈતન્ય તે રહે છે.”
અર્થાત્ આત્મા નિરાકાર છે. તેને કોઈ આકાર નથી. જ્યારે પરમાત્મા શ્રીજીમહારાજ સદા સાકાર છે જે દર્શાવતાં પોતે ગઢડા મધ્યના ૯મા વચનામૃતમાં કહ્યું છે કે, “પોતાને સાક્ષાત્ મળ્યું જે (સ્વામિનારાયણ) ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું. અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય.”
દેહથી નોખો પડેલો આત્મા નિરાકાર છે જ્યારે મહારાજ સદા સાકાર છે. દેહથી કે નિરાકાર આત્માથી સાકાર સ્વરૂપ એવા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ પામી જ ન શકાય. પરમાત્માનું સુખ ભોગવવા, અનુભવવા અને માણવાનો અધિકાર આત્માનો છે. પરંતુ કેવો આત્મા ? તો, પુરુષોત્તમરૂપ એવો દિવ્ય સાકાર આત્મા.
દેહભાવ તથા આત્મભાવને ભૂલી મુક્તભાવને પ્રસ્થાપિત કરવાથી જ સુખનો અનુભવ થાય. આત્મા નિરાકાર છે; તે આધાર વગર રહી શકતો નથી. આત્મા દેહને આધારે રહે છે. હવે જો તેને દેહનો આધાર છોડાવીએ તો જ મૂર્તિના આધારે રહેતો થાય. દેહમાં અને મૂર્તિમાં બેયમાં એકસાથે ન રહી શકાય. જેમ ઝૂંપડામાં રહેતા હોય અને રાજમહેલનું સુખ જોઈતું હોય તો ઝૂંપડું છોડવું પડે, ઝૂંપડામાંથી બહાર નીકળે અને રાજમહેલમાં જાય તો જ એનું સુખ આવે. એવી રીતે દેહરૂપી ઝૂંપડું આત્મા છોડે તો જ મૂર્તિરૂપી રાજમહેલમાં રહી શકે.
જેમ એક ગાડીમાં બેઠા હોઈએ અને બીજી ગાડી આવે તો બીજી ગાડીનું સુખ ક્યારે લઈ શકાય ? તો એક ગાડીમાંથી નીચે ઊતરે તો જ બીજી ગાડીમાં બેસી શકાય. એવી રીતે (એક ગાડી જેવા) દેહથી આત્મા નોખો થાય તો જ (બીજી ગાડી જેવા) પરમાત્માના સુખને પામી શકે.
હવે આત્મા નિરાકાર છે ને મહારાજ (મૂર્તિ) સાકાર છે. તો તેનું સુખ ક્યારે લઈ શકાય ? મહારાજ જેવો સાકાર થાય તો જ સાકારનું સુખ લઈ શકે. અનાદિમુક્ત સાકાર છે તેથી તે સાકાર મૂર્તિની સાથે સંપૂર્ણ એકતા પામી શકે છે. તેઓ મૂર્તિ સાથે સંપૂર્ણ સાધર્મ્યપણું પામે છે. શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૬૪મા વચનામૃતમાં કહ્યું છે કે, “આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન (સદા સાકાર) જાણીને ઉપાસના-ભક્તિ કરે છે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે.” અર્થાત્ પુરુષોત્તમરૂપ એવો અનાદિમુક્ત થાય છે.

બસ, હવે આત્મા-પરમાત્માની નોખી વિક્તિ સમજ્યા પછી આત્માને અનાદિમુક્ત કર્યો છે તે ભાવમાં રહેવાનું છે તેવું નિશ્ચયાત્મક બળે દૃઢ કરીએ.