હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 12

  July 20, 2020

જેનું સુખ લેવું હોય તેના જેવા થવું પડે :
લૌકિક દૃષ્ટાંત જોઈએ તો લાલ મરચાની ઇયળ લાલ કલરની જ હોય, હળદરની ઇયળ પીળા કલરની, ભાજીની જીવાત લીલા કલરની જ હોય, લાકડાની જીવાત લાકડા જેવા કલરની જ હોય... તો જ જીવાત મરચાનું, હળદરનું, ભાજીનું કે લાકડાનું સુખ લઈ શકે. જેનું સુખ લેવું હોય તેના જેવા થવું જ પડે.
દેહથી ભૌતિક સુખ ભોગવાય; પરમાત્માનું અલૌકિક સુખ નહીં. નિરાકાર આત્મા પણ એ સુખ ન પામી શકે. એ તો આત્મા પુરુષોત્તમ જેવો પુરુષોત્તમરૂપ સાકાર થાય તો જ એ મૂર્તિના અલૌકિક સુખનો ભોક્તા થઈ શકે છે.
દેહ સાકાર છતાં જડ અને નાશવંત છે. આત્મા શાશ્વત છતાં નિરાકાર છે. જ્યારે અનાદિમુક્ત શાશ્વત અને સાકાર છે, પુરુષોત્તમરૂપ છે અને સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ સેવક છે ને મૂર્તિસુખના ભોક્તા છે. જ્યારે પરમાત્મા એવા સ્વામિનારાયણ ભગવાન સદાય દિવ્ય સાકાર મૂર્તિ છે. દિવ્ય સાકાર મૂર્તિનું સુખ લેવા તેના જેવા પુરુષોત્તમને સજાતિ એવા પુરુષોત્તમરૂપ થવું જ પડે.
લીંબુનું શરબત બનાવવું હોય તો પાણીમાં ખાંડ ઓગાળ્યા પછી આખું લીંબુ મૂકી દઈએ તો શું શરબત બને ? લીંબુ ફાડા કરીને મૂકીએ તો બને ? લીંબુનું જ શરબત બનાવવાનું છે છતાં ન બને. શરબત બનાવવા માટે લીંબુને કાપી તેમાંથી રસ કાઢવો જ પડે તો જ શરબત બને અને તેને પીવાનું સુખ આવે. કારણ, પાણી પ્રવાહી છે જ્યારે લીંબુ ઘન પદાર્થ છે. બંને એકબીજાથી વિજાતિ છે માટે રસબસ ન થઈ શકે. લીંબુમાંથી રસ નીકળે તે પાણીને સજાતિ છે માટે રસ પાણીમાં ભળી જાય અને શરબત બને. તેમ આત્મા નિરાકાર છે અને મહારાજ સાકાર છે. બંને એકબીજાથી તદ્દન વિજાતિ છે માટે નિરાકાર આત્મા પુરુષોત્તમના જેવો સાકાર, પુરુષોત્તમરૂપ થાય તો જ મહારાજનું સુખ લઈ શકે.
શ્રીજીમહારાજે એટલે જ વરતાલના ૮મા વચનામૃતમાં કહ્યું છે કે, “દેવને પૂજવાને તત્પર થાય તે દેવ સરખો પવિત્ર થઈને જો દેવની પૂજા કરે ત્યારે તેની જ પૂજાને દેવ અંગીકાર કરે છે.” દેવ એટલે પુરુષોત્તમનારાયણ; તે સરખો એટલે પુરુષોત્તમરૂપ થઈને ભક્તિ કરે તો તેની સેવાને સ્વામિનારાયણ ભગવાન સ્વીકાર કરે છે.
એક વખત શ્રીજીમહારાજ બંધિયા ગામે ડોસા વાણિયાના ઘરે પધાર્યા હતા. તેમના ફળિયામાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. એ વખતે આત્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે, “જીવનું રૂપ કેવું હશે ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “આ દીવો શી વસ્તુ છે ? તો કોડિયું, વાટ, અગ્નિ, તેલ એ સર્વે મળીને દીવો એવું નામ છે અને એ અગ્નિ કેવો સમર્થ છે ? તો સર્વને બાળે તેવો છે. તેમ એ જીવ છે તે સમર્થ છે, ચૈતન્ય છે પણ દેહને અભિમાને કરીને અહમ્-મમતાના કારણે જન્મમરણ ભોગવે છે. જેમ ઘાસના પૂળામાં અગ્નિ ઝિલાય નહિ તેમ દેહરૂપમાં શ્રીહરિ રહેતા નથી. બ્રહ્મરૂપ કહેતાં પુરુષોત્તમરૂપ થાય તો જ શ્રીહરિનો અખંડ અનુભવ રહે છે કહેતાં મૂર્તિના સુખનો નિત્ય નવીન અનુભવ થાય છે. એટલે કે મૂર્તિના સુખનો અનુભવ કરવા માટે પુરુષોત્તમ જેવા પુરુષોત્તમરૂપ થવું જ પડે.
હું આત્મા પણ નથી, અનાદિમુક્ત જ છું.
કાર્ય સત્સંગ એટલે ભક્તમાંથી મુમુક્ષુ કરવાની ફૅક્ટરી અને કારણ સત્સંગ એટલે મુમુક્ષુમાંથી મુક્ત કરવાની ફૅક્ટરી. અર્થાત્ કાર્ય સત્સંગમાં આત્માથી દેહને જુદો કરી આત્મભાવનું દૃઢીકરણ થાય, જ્યારે કારણ સત્સંગમાં દેહથી નોખો પડેલો આત્મા (મુમુક્ષુ) અનાદિમુક્તની સ્થિતિને પામે છે.
કારણ સત્સંગ એટલે આત્માના સ્વરૂપાંતરનો સત્સંગ. દેહથી નોખા પડેલા આત્માને મોટાપુરુષ વર્તમાન ધરાવી અનાદિમુક્ત કરે છે. ચૈતન્યનું (આત્માનું) અનાદિમુક્તમાં સ્વરૂપાંતર કરે છે.
“અનહદ કૃપા કર દેહ છુડા કર, ચૈતન્ય કો બદલાયા;
ઉન્હેં પોતા જૈસો નિજરૂપ કર, સ્વમૂર્તિ મેં ઠહરાયા.
અબ કૌન હૂં મૈં કૌન હૂં, કૌન હૂં મૈં કૌન હૂં.”
તો, અનાદિમુક્ત.
મોટાપુરુષ થકી વર્તમાન ધારણ કરવાથી જ અનાદિમુક્તની સ્થિતિનો પ્રારંભ થાય છે. મોટાપુરુષે વર્તમાન ધરાવી આત્માને પ્રાપ્તિએ કરીને અનાદિમુક્ત કરી જ દીધો છે. માટે હવે આપણે આત્મા નથી; અનાદિમુક્ત જ છીએ. મોટાપુરુષે કૃપા કરી આ દેખાતા જડ-નાશવંત દેહને વર્તમાન ધરાવી અનાદિમુક્ત નથી કર્યો; દેહથી નોખા શરણાગત આત્માને વર્તમાન ધરાવી નિરાકાર મટાડી પુરુષોત્તમરૂપ, મહારાજ જેવો સાકાર કર્યો છે. મૂર્તિમાં રાખી લીધો છે. કારણ, વર્તમાન ધારણ કરાવવાં એ ચૈતન્ય ભૂમિકાની પ્રક્રિયા છે.
કેટલાકને પ્રશ્ન થાય કે આવડો મોટો દેહ કેવી રીતે મૂર્તિમાં રહી શકે ? તો દેહ કદી મૂર્તિમાં ન રહી શકે અને મૂર્તિમાં રહે તેને દેહ કહેવાય જ નહિ, અનાદિમુક્ત કહેવાય. એટલું જ નહિ, પુરુષોત્તમરૂપ થયા વિનાનો આત્મા પણ મૂર્તિમાં ન રહી શકે. આત્મભાવ અને મૂર્તિના સુખની પાત્રતા કેળવાવી બે વસ્તુ જુદી જ છે. પોતાની મેળે અનાદિમુક્ત થવાતું નથી કે સ્થિતિની પાત્રતા કેળવાતી નથી. ત્યાં મોટાપુરુષની જરૂર પડે જ. સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ ૨૭મી વાતમાં તેથી જ કહ્યું છે કે, “શ્રીજીમહારાજની સાક્ષાત્ વ્યતિરેક મૂર્તિની પ્રાપ્તિ થયા વિના સુખ ન મળે. તે તો મોટા મુક્ત મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હોય તેને સેવા-સમાગમે રાજી કરે અને જે કહે તેમ કરે તો મૂર્તિનું સાક્ષાત્ સુખ મળે.” તથા કીર્તનમાં પણ કહ્યું છે કે,
“નથી સાધન કે બુદ્ધિનું આ કામ, કેવળ કૃપાથી પ્રાપ્તિ છે તમામ;
રાખો પાકો વિશ્વાસ તે આ ઠામ, જિજ્ઞાસુ, શ્રીજી મળે મોક્ષ થાય છે.”
અર્થાત્ આપણાં સાધનથી કે બુદ્ધિથી મૂર્તિમાં નથી રહેવાતું. મહારાજ અને મોટાપુરુષની કૃપા થાય ત્યારે જ અનાદિમુક્તની પ્રાપ્તિ થાય. આપણી પર શ્રીજીમહારાજ અને ગુરુદેવ પ.પૂ. બાપજી તથા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી જેવા દિવ્યપુરુષે કૃપા કરી અનાદિમુક્તની પ્રાપ્તિ કરાવી છે. મૂર્તિમાં રાખ્યાના કોલ આપ્યા છે. હવે માત્ર વિશ્વાસ રાખી ‘હું અનાદિમુક્ત જ છું’ આ ભાવનું મનન-પ્રૅક્ટિસ કરવાની છે.

બસ, એ પ્રમાણે ખટકાપૂર્વક મનન અને પ્રેક્ટિસ કરીએ.