હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 13

  July 27, 2020

ગુરુદેવ પ.પૂ. બાપજી તાર્કિક દૃષ્ટાંત સમજાવતા હોય છે કે, બજારમાં રોજ વેપારીઓ બોલે કે તેલના ભાવ વધશે કે ઘટશે, પણ કોઈ ફેરફાર ન થાય. પરંતુ વડાપ્રધાન બોલે કે કાલથી તેલના ભાવ વધશે તો બીજા જ દિવસથી વધી જાય. તેમ આપણે જાતે બોલબોલ કરીએ કે હું અનાદિમુક્ત જ છું એનાથી અનાદિમુક્ત ન થઈ જવાય પરંતુ કહેતાકહેતી વાત નથી. મોટાપુરુષ મહારાજના ઑથોરાઇઝડ પર્સન છે એમણે કોલ આપ્યા છે. એટલે નિ:સંશયપણે આપણે અનાદિમુક્ત જ છીએ.
“વ્હાલે કોલ મૂર્તિના દીધા છે, રસબસ કરી રાખી લીધા છે;
કશી રહી નહિ ખામી, હું તો મહાપદ પામી.”
“નક્કી રાખ્યા છે તમને મૂર્તિમાં, કરી દીધા છે મુજ આકાર રે.”
“અનાદિમુક્તો મૂર્તિમાં રહે છે, રસબસભાવે સુખડાં લે છે;
તું પણ ભેળો એમ કહે છે પ્રભુજી, સુખભોક્તા છે મહાન.”
સદ્. ગોપાળાનંદ સ્વામી, સદ્. મુક્તાનંદ સ્વામી, સદ્. બ્રહ્માનંદ સ્વામી, સદ્. ગુણાતીતાનંદ સ્વામી આદિક સિદ્ધ અનાદિમુક્તો જે મૂર્તિના સુખમાં રસબસભાવે રહ્યા છે એ જ સુખમાં તને પણ રાખ્યો જ છે. હવે તું તને દેહ કે આત્મા નહિ, અનાદિમુક્ત જ માન.
શ્રીજીમહારાજે પણ સંતો-હરિભક્તોને વચનામૃતમાં ‘તમે પરભાવમાં અનાદિમુક્ત જ છો’ એવો પરભાવ દૃઢ કરાવ્યો છે :
“જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશે પ્રકાશેયુક્ત (અતિશે પ્રકાશેયુક્ત મહારાજ છે ને મહારાજની મૂર્તિમાં અનાદિમુક્તો રહ્યા છે, પુરુષોત્તમરૂપ છે. તેથી તે પણ અતિશે પ્રકાશેયુક્ત છે) દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે.”
- ગઢડા છેલ્લાનું ૨જું વચનામૃત
“અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ, અને તમે પણ સર્વે ત્યાં (પરભાવમાં-મૂર્તિમાં) જ બેઠા છો એમ હું દેખું છું.”                      - ગઢડા મધ્યનું ૧૩મું વચનામૃત
“અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ તેને વિષે ભગવાનના પાર્ષદ છે, તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાનના ભક્તના સમ છે.”                     - ગઢડા છેલ્લાનું ૨૧મું વચનામૃત
આ ઉપરાંત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સ્વ-સ્વરૂપનો પરભાવ દૃઢ કરાવતા. એક વખત શ્રીજીમહારાજ સંતો-હરિભક્તો સાથે જેતલપુર પધાર્યા હતા. ભીમ એકાદશીના દિવસે સૌને નિર્જળા ઉપવાસ હોવાથી શ્રીજીમહારાજે સંતો-હરિભક્તોને કહ્યું, “આજે કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. કેવળ કથાવાર્તા ને કીર્તનભક્તિ જ કરવાની છે. વૃત્તિઓને ભગવાનની મૂર્તિમાં જોડી દો.”
આખો દિવસ કથાવાર્તા અને કીર્તનભક્તિમાં પસાર થઈ ગયો. રાત્રે હરિભક્તોને શ્રીજીમહારાજે કહ્યું, “તમે અહીં જ કીર્તનભક્તિ કરતાં બાર વાગ્યા સુધી જાગરણ કરજો. અમે મહોલ પર જઈએ છીએ. સંતોને ત્યાં જાગરણ કરાવશું.”
સંતો શ્રીહરિ પહેલાં મહોલ પર પહોંચી ગયા અને કીર્તનભક્તિ શરૂ કરી દીધી. સૌ મર્માળી મૂર્તિનાં દર્શન કરતા ડોલતા હતા. એવામાં એકાએક શ્રીહરિએ કીર્તનભક્તિ બંધ કરાવી. સદ્. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, “મહારાજ, આવો દિવ્યાનંદ એકાએક બંધ કેમ કરાવ્યો ?”
શ્રીહરિએ કહ્યું, “સંતો, દિવ્ય આનંદનું રહસ્ય તમારા અંતરમાં દૃઢ થાય તે માટે. સંતો, અમારો સંબંધ તમને કાયમ ત્યારે જ રહેશે જ્યારે અમારા સ્વરૂપની દૃઢતા થશે. અમારે વિષે ક્યારેય મનુષ્યભાવ ન આવે ત્યારે.”
“હે સંતો, આજે એકાંત છે માટે તમને સૌને અમારા અંતરની એક રહસ્યની વાત કરવી છે. જે વાત જેને જેને સમજાશે તેને અંતરમાં અમારા સ્વરૂપનો દિવ્ય આનંદ અખંડ રહેશે. (મૂર્તિનું સુખ અખંડ રહેશે.) આ અમારા દિવ્ય સ્વરૂપનો આનંદ છે. તમે સર્વે પરભાવમાં જ બેઠા છો. કરોડ ચંદ્રનો પ્રકાશ તમારા દિવ્ય તનમાંથી નીકળે છે. તે અમે સાક્ષાત્ દેખીએ છીએ. આ મનાશે ત્યારે તમને અમારા સંબંધે તમને કેવા કર્યા છે તેનો મહિમા સમજાશે. તમે કેવળ સાધુ નથી, અનાદિમુક્ત છો.”
સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના આ રહસ્યને ‘ભક્તચિંતામણિ’ના ૭૬મા પ્રકરણમાં આલેખ્યું છે કે,
“પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહુ,
અતિ રહસ્ય એકાંતની, એક વાલ્યપની વાત કહું.
આ સભામાં આપણ સહુના, તેજોમય તન છે,
છટા છૂટે છે તેજની, જાણું પ્રકટિયા કોટિ ઇન્દુ છે.”
આવી રીતે શ્રીજીમહારાજે અનેક વખત તમે દેહ કે આત્મા નહિ, પરંતુ મુક્ત કહેતાં અનાદિમુક્ત જ છો એવું દૃઢ કરાવ્યું છે. વર્તમાનકાળે પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી આપણને આ જ દૃઢ કરાવી રહ્યા છે. તેઓ આપણને નિરંતર આ જ મનન કરવાનું કહે છે :
“આપને અર્થે જન્મ અમારો, સમજણ દૃઢ કરાવજો;
દેહ નહિ હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો,
રસબસ કરીને મૂર્તિમાં રાખ્યા, ‘મહારાજ’ જ ઠસાવજો;
‘મહારાજ’ જ ઠસાવજો, બસ તવ સુખમાં ડુબાડજો.”
‘મહારાજ જ ઠસાવજો’ આ દૃઢતા કરવા માટે સ્વ-સ્વરૂપનું નિરુત્થાનપણું જલદી કરીએ.