હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 15

  August 10, 2020

એક વખત ભુજમાં જીવનપ્રાણ બાપાશ્રી, સદ્. નિર્ગુણદાસજી સ્વામી, સદ્. અક્ષરજીવનદાસજી સ્વામી, લક્ષ્મીરામભાઈ જેવા સમર્થ મુક્તો પધાર્યા હતા. પારાયણમાં સભાટાણું થાય ત્યારે સભા થયા પછી સંતોના આસને સભા થાય. સદ્. નિર્ગુણદાસજી સ્વામીના આસને સૌ ખાનગી સભા કરતા હતા. એ વખતે માંડવીના લક્ષ્મીરામભાઈએ સદ્. નિર્ગુણબાપાને પૂછ્યું કે, “મહારાજ ધામમાં બિરાજે છે તે ખરું અને અનંત અનાદિમુક્તો મૂર્તિમાં મહારાજની પાસે બેઠા હોય તેય ખરું પણ મહારાજ અને મુક્તો ખાનગીમાં શું વાતો કરતા હશે ? કેમ સુખ લેતા હશે ? કેમ મળતા હશે ? એ બધી વાતો સમજાવો.” ત્યારે સદ્. નિર્ગુણબાપાએ જીવનપ્રાણ અબજીબાપાશ્રીને પ્રાર્થના કરી કે, “બાપા, આપ આ વાત સમજાવો.”
જીવનપ્રાણ બાપાશ્રીએ કહ્યું કે, “અનંત અનાદિમુક્તો મહારાજની મૂર્તિમાં રસબસભાવે એક થઈ રહ્યા છે. બધાય ભેળા મૂર્તિનું સુખ લે છે અને મહારાજ તેમને મૂર્તિનું સુખ આપે છે. આ પરભાવની વાત અહીં કેમ કરીને કહેવાય ? તે કહેવાની નહિ, અનુભવવાની વાત છે. આંહીંના જીવ ત્યાંની બોલી ને ત્યાંની વાત ન સમજી શકે અને વર્ણવવા જાય તો જેમ છે તેમ યથાર્થ કહી શકે નહીં. જેમ અંગ્રેજ વિલાયતનો માણસ અહીં આવ્યો હોય ને એ તેની ભાષામાં બોલે તો આપણને કાંઈ ખબર ન પડે; એ તો ભાષાનું ગુજરાતી કરી બોલે તો ખબર પડે. તેમ એ સુખના અનુભવી અહીં અવરભાવમાં મનુષ્ય જોડે મનુષ્ય જેવા દેખાય ને એની ભાષામાં કહે તો ત્યાંના સુખનું કિંચિત્ વર્ણન કરી શકે. નહિ તો એ સુખનો અનાદિમુક્તો પણ પાર નથી પામતા તો કેવી રીતે વર્ણવાય ?”
તેમ છતાંય અનુભવી સત્પુરુષોએ અનાદિમુક્તની લટકની સમજૂતી આપવા તથા અનાદિમુક્તો કેવી રીતે મૂર્તિમાં રસબસ રહ્યા છે તે સમજાવવા પ્રયાસ કર્યો છે :
    જીવનપ્રાણ અબજીબાપાશ્રી :
“મુક્ત કેવી રીતે સુખ લેતા હશે ? ત્યારે પાણીમાં આંગળાં ઊભાં (ઊર્ધ્વ) રાખીને હલાવીને બાપાશ્રી બોલ્યા જે, આવી રીતે મુક્ત મૂર્તિમાં રમે છે ને કિલ્લોલ કરે છે ને સુખમાં દોટ્યો દીધા જ કરે છે. અને જેમ જળમાં માછલાં રમે તેમ મુક્ત મૂર્તિના સુખમાં રમ્યા જ કરે છે. એમ વાર્તા કરીને પછી જેમ પાણીમાં દેહ રાખ્યા હતા તેમ જ મૂર્તિમાં જીવ રાખીને ધ્યાન કરાવ્યું.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૩
“મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું તેને અનુભવજ્ઞાન કહીએ. અને સુખનો અને મૂર્તિનો પાર ન આવે ને નવાં નવાં સુખ લીધાં કરે તે અનુભવજ્ઞાન છે, માટે અનુભવજ્ઞાન સિદ્ધ કરે એ જ મુક્ત કહેવાય.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૬૯
“હું મૂર્તિમાં રહ્યો છું ને સુખ લઉં છું તેમ જ સર્વે મુક્ત મૂર્તિમાં રહ્યા છે ને સુખ લે છે, એવું જાણપણું રહે છે. જે અનાદિમુક્ત છે તે તો મૂર્તિમાં રહીને મૂર્તિને જુએ છે. જેમ ફાનસમાં દીવો હોય તે દીવો ફાનસને દેખે તેમ અનાદિમુક્ત મૂર્તિમાં રહીને મૂર્તિને દેખે છે ને મૂર્તિનું સુખ ભોગવે છે અને જે મુક્ત જેટલું સુખ લે છે તે સર્વેને જાણે છે જે આ મુક્ત આટલું સુખ લે છે; એમ સર્વેને જાણે છે.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૨૪
“ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, વ્યતિરેક મૂર્તિમાં અનાદિમુક્ત રહ્યા છે તેમને બોલવા-ચાલવાનું હશે કે નહીં ? ત્યારે બાપાશ્રી બોલ્યા જે, દિવ્ય મૂર્તિમાં રહ્યા તેમાં બોલવાનું-જોવાનું છે તે બધું મહારાજનું છે. એકાંતિકને વિષે પણ મહારાજ સર્વે ક્રિયા કરે છે તો અનાદિને તો કાંઈ પણ ક્રિયા હોય જ શાની ? એ તો મૂર્તિના સુખમાં લુબ્ધ હોય, તેથી બીજું કાંઈ કરતા જ નથી.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૨, વાર્તા-૧૧
“નખશિખ મૂર્તિમાં ચારે દિશે એટલે સર્વત્રપણે જોડાવું. મૂર્તિથી બહાર ન રહેવું; સળંગ મૂર્તિમાં રહેવું.”                                                                   - બાપાશ્રીની વાતો : ભાગ-૨, વાર્તા-૨૭
“ધ્યાનની લટક કેવી શીખવી ? તો હાલનાર-ચાલનાર અને ક્રિયા કરનાર મહારાજ, પોતાને તો મૂર્તિમાં રહીને સુખ લેવું, તેવી લટક શીખવી.”
- બાપાશ્રીની વાતો : ભાગ-૨, વાર્તા-૪૮
    સદ્. બ્રહ્માનંદ સ્વામી :
“સુંદર શ્યામ મનોહર સૂરત, મૂરતિ બેઉ સમાન;
બ્રહ્માનંદ થઈ છું રસબસ દેખંતા ગુલતાન.”
“રસબસ હોઈ રહી રસિયા સંગ, જ્યું મિસરી પયમાંહી ભળી.”
“રસબસ હોઈ રસિયા સંગ, મનમોહન વનમાળી.”
“બ્રહ્માનંદ કહત ભઈ રસબસ, શ્રી ઘનશ્યામ સુનત મુખ બતીયાંરી.”
    સદ્. પ્રેમાનંદ સ્વામી :
“લે મનદૂત મીલ્યો અંતરગત; રસબસ રૂપ રસાલ સો.”
“રંગમાં રસબસ કીધી સર્વે; રસિયે રૂપ નિધાની.”
    સદ્. નિષ્કુળાનંદ સ્વામી :
“જી રે રસીલે કીધી છે રસબસ, ખાંતિલો ખાંતે ખેલિયા રે.”
“હું તો રસબસ થઈ રસમાંયે, રસિયા રસે રે.”
    સદ્. આધારાનંદ સ્વામી :
“एक मूर्ति अनेकरूप, देखावत यह आत ।
अनेकरुप एक रूप ही, सदा श्री रहात ।”
- શ્રીહરિચરિત્રામૃતસાગર : પૂર-૨૮, તરંગ-૮
    સદ્. વૃંદાવનદાસજી સ્વામી :
“શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રસબસભાવે સુખ લીધા જ કરે છે; ત્યારે કોઈકે પૂછ્યું જે, અનાદિનો અર્થ શું ? ત્યારે પોતે કહે જે હું અખંડ છું, આમ હતો અને પછી આમ થયો એમ નહિ, સદાય આમ જ છું, મૂર્તિરૂપ છું. મહારાજે મને પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી રાખ્યો છે તેથી સદાય સુખભોક્તા છું.”
- સદ્. વૃંદાવનદાસજી સ્વામીની વાતો : વાર્તા-૧
    સદ્. કેશવપ્રિયદાસજી સ્વામી (સદ્. મુનિસ્વામી) :
“પ્રથમના ૫૧મા વચનામૃતમાં મહારાજે અનાદિમુક્તની સ્થિતિનું ધ્યાન બતાવ્યું. એમાં મહારાજ કહે, અક્ષરાતીત એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલયના કર્તા છે અને કારણ છે. જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક રહે ને નોખું પણ રહે. માટે સર્વના કારણ એવા પુરુષોત્તમ ભગવાન મહારાજ કહે અમે છીએ. જે ભક્ત અમારી મૂર્તિ સાથે એકતા કરી, અમારી મૂર્તિને જુએ, ત્યારે એને અમારી મૂર્તિ સાથે એકતા થઈ જાય છે. એ મુક્ત અમારા નેત્રે કરીને જોઈ શકે છે. અમારા ભેગો જુએ છે. અમારા ભેગો જ રહે છે. ત્યારે અમારી દૃષ્ટિએ કરીને જુએ, એમ એને સર્વત્ર અમારી મૂર્તિ જ ભાસે છે. ને તે વિના કાંઈ કહેતાં કાંઈ ન દેખાય એ અનાદિમુક્તની સ્થિતિ છે.”
- સદ્. મુનિસ્વામીની વાતો : વાર્તા - ૧૩૮
જે શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૫૧મા વચનામૃતમાં દૃઢ કરાવતાં કહ્યું છે કે, “અક્ષર થકી પર અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે છે, ને તે સર્વેની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેના કર્તા છે ને સર્વના કારણ છે અને જે કારણ હોય તે પોતાના કાર્યને વિષે વ્યાપક હોય ને તેથી જુદું પણ રહે માટે એ સર્વના કારણ જે પુરુષોત્તમ ભગવાન તેની દૃષ્ટિએ કરીને જોઈએ ત્યારે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાસે જ નહીં.”

આવી રીતે શ્રીજીમહારાજે અનાદિમુક્તની સ્થિતિનું યથાર્થ સ્વરૂપ સમજાવી તેનું મહત્ત્વ દર્શાવ્યું છે. અનાદિમુક્તની સ્થિતિ થાય તો જ પુરુષોત્તમનારાયણનો (સ્વામિનારાયણ ભગવાનનો) યથાર્થ નિશ્ચય થાય.