હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 16

  August 17, 2020

અનાદિમુક્તની લટકે વર્તવાથી મળતું ફળ :
૧. સીધા સ્થિતિના માર્ગે આગળ વધાય :
શ્રીજીમહારાજની સર્વોપરી નિષ્ઠા અને પંચવર્તમાનની સંપૂર્ણ દૃઢતા આ બે હોય તેમ છતાં તે સાધનદશામાં છે. પરંતુ જ્યારે પ્રતિલોમપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાની લટક પ્રાપ્ત થાય ત્યારે જીવને અનાદિમુક્તની પ્રાપ્તિ થાય. તેમ છતાં તે સ્થિતિ તો ન જ કહેવાય. ચાલોચાલ સાધનદશામાં હોય પરંતુ જો તેમને મહારાજની મૂર્તિનું પ્રતિલોમપણે ધ્યાન કરવાની લટક પ્રાપ્ત થાય તો તે જીવને ચાલોચાલ ભક્ત, એકાંતિક ભક્ત, પરમ એકાંતિકમુક્ત આવા ટપ્પા ન રહે. મહારાજ સીધી કૃપા કરી અનાદિમુક્તની સ્થિતિ કરાવે છે. ચાલોચાલના નિયમ પાળીને પણ અનાદિમુક્તની લટકે વર્તવાનું સૌથી મોટું ફળ મહારાજ કૃપા કરી સીધા સ્થિતિના માર્ગે આગળ લઈ જાય તે છે.
૨. મહારાજની મૂર્તિમાં અતિશે સ્નેહ થાય :
લૌકિક દૃષ્ટાંત જોઈએ તો ડૉક્ટરને જ દવાખાનું સાંભરે અને ત્યાં જવાની તત્પરતા રહે. વકીલને જ કોર્ટ સાંભરે અને ત્યાં જ જાય. ખેડૂતને જ ખેતરમાં જવાનું મન થાય. વિદ્યાર્થીને જ સ્કૂલ, ચોપડા સાંભરે અને ગમે. ‘મા’ને જ બાળકમાં સ્નેહ થાય તેમ અનાદિમુક્તને જ મહારાજમાં સ્નેહ થાય. અનાદિમુક્તની લટકે જેમ જેમ વર્તાતું જવાય તેમ તેમ લૌકિક-માયિક સુખમાંથી પ્રીતિ ટળતી જાય અને મહારાજને વિષે અતિશે સ્નેહ બંધાતો જાય.
અનુભવી સંતોએ અનાદિમુક્તની લટકે વર્તતા હોય તેના સ્નેહની વાત કરતાં કહ્યું છે કે,
“અનાદિમુક્તના સ્નેહો, પ્રીતમ પ્યારા પ્રભુમાં રહે છે;
શ્રીજી સંગ સ્નેહનાં સુખડાં, સદા રસબસ કરી દે છે.”
જગતના જીવના સ્નેહ બધે વહેંચાયેલા હોય પરંતુ અનાદિમુક્તને એકમાત્ર મહારાજની મૂર્તિમાં જ બધા સ્નેહનો વિરામ થાય. એક મહારાજની મૂર્તિના સુખ સિવાય બીજા લૌકિક સુખમાંથી આપમેળે અનાસક્તિ વર્તવા માંડે.
૩. અનાદિમુક્તની લટકે વર્તતાં ઘાટ-સંકલ્પનો વિરામ થઈ જાય :
લૌકિક પદાર્થમાંથી આસક્તિ ટળતાં તેને પામવાના, ભોગવવાના ઘાટ પણ ટળી જાય. ઐશ્વર્યના રાગ પણ ટળી જાય અને જેમ જેમ લટકમાં વધુ ને વધુ રહેવાતું જવાય તેમ તેમ નિરુત્થાનપણે હું અનાદિમુક્ત જ છું, મૂર્તિમાં જ છું એ વાતનો દૃઢાવ થતો જાય.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૧ની ૯૯મી વાતમાં કહ્યું છે કે, “જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્ચય થયો છે તેમ જ એવો અભ્યાસ કરે જે, ‘હું આત્મા છું (અનાદિમુક્ત છું), સુખરૂપ છું, ભગવાનનો ભક્ત છું પણ દેહ તે હું નહિ’ એમ કરે તો તે પણ થાય.”
જેમ જેમ લટકે વર્તવાથી મૂર્તિમાં જ છું એ અભ્યાસ થતો જાય પછી તેને અવરભાવના કે પરભાવના કોઈ જ ઘાટ રહે નહીં. સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ ૧૬૬મી વાતમાં સમજાવ્યું છે કે, “મહારાજે મૂર્તિમાં રાખ્યા પછી મુક્તને કાંઈ સંકલ્પ જ નહીં. મૂર્તિમાં રહ્યા એ તો નિરુત્થાન હોય તેને તો બીજા મુક્ત સુખ લે છે ? કે માંહી રહ્યા છે ? એવું કંઈ પણ અનુસંધાન રહેતું નથી.”
મારે ધ્યાન કરવું છે ને સુખ લેવું છે એવા ઘાટ પણ ન રહે. એકમાત્ર મૂર્તિના સુખમાં ગરકાવ થઈ જવાય.
૪. લટકે વર્તવાથી દોષો ખરતા જાય ને દેહભાવ ટળતો જાય :
દેહભાવ એ સર્વે દોષોનો સરવાળો છે. જ્યાં દેહ હોય ત્યાં અંત:શત્રુઓની પજવણી નિરંતર ચાલુ જ રહે; ક્યારેય ટળે નહીં. દેહથી નોખા પડી અનાદિમુક્તની લટકે વર્તાય એમ એમ દેહભાવ ક્ષીણ થતો જાય ને અંત:શત્રુની પજવણી ઓછી થતી જાય.
કોઈ અવાવરા ઘરમાં લોખંડની લોઢી પડી હોય તો તેની ઉપર કીડી, મકોડા, વંદા બધા જ જીવજંતુ ચડે, અંદર આંટા મારે, કાટ પણ લાગે પરંતુ જો એ લોઢીને ગરમ કરવામાં આવે તો જીવજંતુ કાઢવા ન પડે, આપમેળે જતા રહે. લોઢી સાથે જડાઈ ગયેલો કાટ ઊખડવા માંડે તેમ લટકમાં રહેવાથી આત્માને અજ્ઞાન અવસ્થામાં લાગી ગયેલા કામ-ક્રોધાદિક શત્રુના પાસ ટળતા જાય અને આત્મા સાથે કાટની જેમ જડાઈ ગયેલ દેહભાવ ખરતો જાય.
સદ્. વૃંદાવનદાસજી સ્વામીએ ૪૦મી વાતમાં કહ્યું છે કે, “મંદિરમાં મૂર્તિ પધરાવવી હોય ત્યારે પ્રથમ સિંહાસન સામી મૂર્તિ હોય, પછી પધરાવીએ એટલે સિંહાસનના મુખે મુખ થઈ જાય, તેમ મૂર્તિને વિષે આપોપું થાય એટલે દેહભાવ ટળી જાય. પછી કામ-ક્રોધાદિક દોષ રહે જ નહીં.”
પ્રતિલોમભાવની લટકમાં જેમ જેમ રહેવાતું જવાય તેમ તેમ અવરભાવ ભુલાતો જાય અને પરભાવ દૃઢ થતો જાય. દેહ અને દેહનાં અંત:શત્રુરૂપી વળગણ મહારાજ અને મોટાપુરુષની કૃપાથી, રાજીપાથી ટળતાં જાય. દોષ ખરતા જાય, વાસના નિર્મૂળ થતી જાય એવો અનુભવ થાય. આંખ, કાન, જીભ આદિક ઇન્દ્રિયો અવરભાવને ભોગવવા નકામી થઈ જાય. અવયવ બદલાઈ જાય. જેમ જેમ લટકમાં રહેવાની વિશેષ પ્રૅક્ટિસ થાય તેમ તેમ ઇન્દ્રિયો-અંત:કરણના આહાર, ભાવ બધું આપમેળે બદલાતું જાય. એટલું જ નહિ, અવરભાવના દેહનાં ભૂખ-દુ:ખ, થાક, હર્ષ-શોક, માન-અપમાનાદિક ભાવો પણ સ્પર્શી ન શકે.
એક વખત મયારામ ભટ્ટ મુક્તરાજ પર્વતભાઈ તથા તેમનાં ધર્મપત્ની બધાં ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા માટે આવ્યાં હતાં. સંતો-હરિભક્તો સવારે ચાર વાગે ઊઠી પ્રભાતિયાં બોલે, સ્નાન-પૂજા આદિક કરે, પરવારે ત્યારે શ્રીજીમહારાજ સૌને સભામાં લાભ આપવા પધારે. સભામાં વાજિંત્રો સાથે કીર્તનભક્તિ થાય, કથાવાર્તા થાય ને પ્રશ્નોત્તરી ચાલે. સભા વિસર્જન થાય પછી સૌ પોતપોતાની સેવામાં જાય પણ કોઈ મોટેરા સંતની કથા ચાલતી હોય તેમાં મુમુક્ષુ જ્ઞાન મેળવતા; રોઢે ફરી કથાવાર્તા થાય. સંધ્યા સમયે આરતી, અષ્ટક, ધૂન થાય ને વળી રાત્રે કથા ને કીર્તનભક્તિ થાય એમ આખો દિવસ મંગલમય વાતાવરણ રહેતું; તેમાં સૌ પોતાના સમયની અનુકૂળતાએ જમાડવાનું કરતા. પરંતુ પર્વતભાઈ સૂવા-બેસવાનું સભામંડપમાં કરતા અને બધા જમવા જાય ત્યારે ધ્યાન-ભજનમાં તલ્લીન થઈ જતા.
સંતો-હરિભક્તોને એમ કે પર્વતભાઈ કાં તો મયારામ ભટ્ટના રસોડે કે એમનાં ધર્મપત્ની આવ્યાં છે તો તેમની સાથે જમાડતા હશે. અને તેમનાં ધર્મપત્નીને એમ કે મહારાજ જોડે જમાડતા હશે તેથી કોઈ તેમને કાંઈ પૂછતું નહીં. અન્ન-જળ વગર સાત દિવસ વીતી ગયા પછી શ્રીજીમહારાજે મયારામ ભટ્ટને કહ્યું, “પર્વતભાઈનાં ઘરનાંને પૂછો કે પર્વતભાઈ ક્યાં જમે છે ?” ત્યારે તેમણે કહેવડાવ્યું, “તેઓ મહારાજ જોડે જમતા હશે.” ત્યારે મહારાજે કહ્યું, “અહીં તો જમતા નથી.” પછી મહારાજે સૌને સાંભળતાં પર્વતભાઈને પૂછ્યું કે, “પર્વતભાઈ, તમે ક્યાં જમો છો ?” ત્યારે તેમણે કહ્યું, “મહારાજ, તમારી મૂર્તિનું મહાસુખ મૂકી અન્ન કેમ ભાવે ? તમારાં દર્શનથી જ અંતરે એવી તૃપ્તિ વર્તે છે કે અન્ન-જળ તો યાદ પણ આવતાં નથી. હું તો તમારી મૂર્તિમાં અખંડ નિમગ્નપણે જોડાયેલો રહું છું. એટલે અવરભાવનું કાંઈ યાદ આવતું નથી.”
આવી રીતે પર્વતભાઈ સદાય અનાદિમુક્તની લટકે મૂર્તિમાં નિમગ્ન રહેતા તો તેમને અવરભાવના દેહ કે દેહના કોઈ ભાવો સ્પર્શી શકતા નહીં.

આપણે પણ પર્વતભાઈની જેમ મૂર્તિમાં નિમગ્ન રહીએ તો અવરભાવના કોઈ ભાવો કદી સ્પર્શી ન શકે.