હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 2

  May 11, 2020

અવરભાવમાં...
હું કોણ છું ? તો, મહારાજ અને મોટાપુરુષને રાજી કરી કેવળ મોક્ષને ઇચ્છનાર એક મુમુક્ષુ છું.
હું શા માટે આવ્યો છું ? તો, અનંત જન્મ દેહ-દેહના સંબંધીને રાજી કર્યા છે; આ ફેરે મહારાજ અને મોટાપુરુષને રાજી કરવા આવ્યો છું. મારા જીવનની હરેક પળ, હરેક શ્વાસ મહારાજ અને મોટાના રાજીપામાં જ વિતાવવા આવ્યો છું. મહારાજ અને મોટાપુરુષને રાજી કરી મારી મુમુક્ષુતા દૃઢ કરવા આવ્યો છું. અનંત જન્મ મનનું ગમતું કરી દેહરખો થઈ ફર્યો છું પણ આ ફેરે મનમુખી મટી ગુરુમુખી થવા આવ્યો છું. મારું સર્વસ્વ અર્પણ કરી એમનામાં મારું અસ્તિત્વ ઓગાળવા આવ્યો છું. વિષયની કોરે ચોજાળા બનેલા ઇન્દ્રિય-અંત:કરણને પ્રભુ સન્મુખ કરવા, પંચવર્તમાનેયુક્ત જીવન કરવા આવ્યો છું. મારો સમય, શક્તિ, બુદ્ધિ, આવડત બધું મહારાજ માટે જ વાપરવા આવ્યો છું.
હું શું કરી રહ્યો છું ? રણમાં કોઈ ભોમિયા વગર અટવાઈ પડે તેમ હું દેહધારીઓના સંગમાં રહી મોટાપુરુષરૂપી ભોમિયા મળ્યા છતાં સંસારરૂપી રણમાં અટવાઈ ગયો છું. સગાંસંબંધીઓને, વેપારીઓને, ગ્રાહકોને, બીજા બધાને રાજી કરવામાં મહારાજ અને મોટાપુરુષને રાજી કરવાનો ધ્યેય જ ભૂલી ગયો છું.
પ્રસાદીના પાણીનો ઉપયોગ શૌચવિધિના પાણીમાં થાય છે.
પીવાનું પાણી હાથ ધોવામાં વપરાય છે.
સોનાના દાતરડાનો ઉપયોગ ઘાસ વાઢવામાં થાય તેમ મહારાજે આપેલા સમય, શક્તિ, બુદ્ધિ અને આવડતનો ઉપયોગ એમના માટે કરવાનો હોવા છતાં દેહ અને દેહના સંબંધીઓ માટે, જગત માટે કરું છું.
માન-મોટપ, સત્તા, દ્રવ્ય કમાવવામાં મારું મારું કરીને મંડી પડ્યો છું. ખરેખર જે કરવાનું છે તે કાંઈ થતું નથી અને નથી કરવાનું તે બધું થાય છે. બ્રેક વિનાની ગાડી જેવું મારું જીવન થઈ ગયું છે.
હવે મારે શું કરવાનું છે ? જીવનની ગાડી અવળા રસ્તે ચડી ગઈ છે તો હવે જ્યાં જ્યાં ખોટું થાય છે ત્યાંથી પાછા વળવું છે. મહારાજ અને મોટાપુરુષના રાજીપા બહારનું કોઈ લક્ષ્ય મારા જીવનમાં બંધાવા દેવું નથી. ખરેખર હું સત્સંગમાં આવ્યો નથી પણ મહારાજ કૃપા કરીને લાવ્યા છે; એમના માટે જ. તો હવે એમના અર્થે જ જીવન જીવવું છે. દ્રવ્ય-સંપત્તિ પાછળની દોટને હવે ટૂંકાવી દેવી છે.
પરભાવમાં...
હું કોણ છું ? તો, હું દેહથી નોખો એવો આત્મા છું. એ આત્માને મહારાજ અને મોટાપુરુષે કૃપા કરી મૂર્તિમાં જ રાખી લીધો છે એટલે હવે હું દેહ પણ નહિ, આત્મા પણ નહિ, અનાદિમુક્ત જ છું. હવે હું કોઈનો બાપ નથી, દીકરો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, પટેલ કે બ્રાહ્મણ નથી, મારી કોઈ નાત નથી કે જાત નથી.
હું શા માટે આવ્યો છું ? હું કર્માધીનપણે પૂર્વેની લેતી-દેતીથી કે પાપ-પુણ્યના પ્રભાવે આવ્યો નથી. વિધાતાના લેખનું હું કારણ નથી કે કાળ-કર્મ-માયાને આધીન પણ નથી. હું તો શ્રીજીમહારાજના પ્રિ-પ્લાનિંગનું, એમના સિલેક્શનનું કૃપાનું પાત્ર છું. મહારાજ મને કૃપા કરીને આ દિવ્ય કારણ સત્સંગમાં દેહભાવ ટળાવી, એમની દિવ્ય મૂર્તિના સુખનો અનુભવી કરવા લાવ્યા છે. પંચવિષયના સુખોથી પાછા વાળી, પરભાવની અનાદિની સ્થિતિ પમાડવા મહારાજ લાવ્યા છે.
હું શું કરી રહ્યો છું ? મૂર્તિના સુખમાં આસક્ત થઈ મહારાજમાં સ્નેહ કરવાને બદલે દેહના સુખમાં આસક્ત થઈ રહ્યો છું. દેહ અને દેહના સંબંધીમાં સ્નેહ જોડી બેઠો છું. મારો રસ્તો ફંટાઈ ગયો છે. દેહથી વિરક્ત અવસ્થાએ વર્તવાને બદલે દેહ રૂપે જ વર્તું છું. મૂર્તિના સુખમાં મસ્ત બનવાને બદલે દેહના વિષયસુખમાં મસ્ત બનીને ડોલું છું. ભાભા શહેરમાં હટાણું કરવા ગયા; બધાનું લાવ્યા પણ પોતાનું ભૂલી ગયા. તેમ બધાનું કરવામાં હું મારા આત્માના સુખના કોઈ પ્રયત્ન કરતો નથી. જગતના જીવની જેમ જ વર્તું છું. મારા વર્તને કરી મારું ભક્તપણું તો લાજે જ છે; મહારાજે પ્રાપ્તિએ કરીને અનાદિમુક્ત કર્યા છતાં મારું મુક્તપણું તો લાજે જ છે.
હવે મારે શું કરવાનું છે ? પરભાવમાં મહારાજે અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. તેમના કોલમાં-વચનમાં વિશ્વાસ રાખી મહારાજને વિષે અતિ સ્નેહ થાય તેવા પ્રયત્નમાં મંડ્યા રહેવું છે. તે માટે દેહનાં નાશવંત સુખોમાંથી પ્રીતિ તોડવી છે. પ્રતિલોમ લટકે સર્વે ક્રિયામાં વર્તવા પ્રયત્ન કરવો છે. પરભાવમાં મૂર્તિસુખના અનુભવી થવાય એવા પાત્ર થવાના મહારાજ અને મોટાપુરુષ જે જે ઉપાય દર્શાવે તે પ્રમાણે વર્તવું છે.
એક મુમુક્ષુ તરીકે અવરભાવ અને પરભાવમાં આ ચારેય પ્રશ્નોની જેટલી વિશેષ સ્પષ્ટતા રહે એટલા જ સ્થિતિની યાત્રામાં જલદી પ્રયાણ કરી શકાય. તેમાં વિશેષ કરીને અવરભાવ અને પરભાવ બેયમાં હું કોણ છું ? વિચાર અતિ મહત્ત્વનો છે. તે વિચાર પ્રમાણે જીવન કરવાથી જ આપણો અવરભાવ અને પરભાવ બેય શોભે. એકલો અવરભાવમાં હું કોણ છું ? વિચાર કરીએ તોપણ ન ચાલે કે એકલો પરભાવમાં હું કોણ છું ? વિચાર કરીએ તોપણ ન ચાલે. અવરભાવમાત્રને ભૂલવાનો જ છે છતાં તેને શોભાડવાનો છે. માટે અવરભાવમાં હું કોણ છું ? વિચારની સ્પષ્ટતા કરી મૂર્તિસુખના-પરભાવના માર્ગે આગળ વધવાનું છે ત્યારે આપણા જીવનમાં પરભાવમાં ‘હું કોણ છું ?’ વિચારની સ્પષ્ટતા વિશેષ કરીએ.
‘હું’ અહીં આત્મલક્ષી શબ્દ છે. હું એટલે દેહ નહિ પરંતુ દેહથી નોખા પડેલા આત્માની વાત છે. માટે હું કોણ છું ?નો વિચાર યથાર્થ કરતાં પહેલાં દેહથી આત્મા તદ્દન નોખો છે તેવી દેહ-આત્માની વિક્તિ નોખી સમજવી ફરજિયાત છે. દેહથી આત્મા નોખો સમજાય તો જ આત્માના સુખ માટેના પ્રયત્ન થાય. વળી, મહારાજ અનાદિમુક્ત પણ આત્માને જ કરે છે, દેહને નથી કરતા.

દેહ-આત્માની વિક્તિ નોખી સમજ્યા બાદ આત્મભાવના વિચારમાં રહેવાથી કેવું વર્તે ? અને એ આત્મભાવને ભૂલીને અંતે ‘હું અનાદિમુક્ત જ છું’ આ પાકું કરી પરભાવ તરફ પ્રયાણ કરવાનું છે ત્યારે એવી પોતાના સ્વ-સ્વરૂપની દૃઢતા તથા અનાદિમુક્તની લટકે વર્તવાનું માર્ગદર્શન આપણે ક્રમશ: આગળ સમજી પરભાવના માર્ગે આગળ વધીએ.