હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 3

  May 18, 2020

દેહ-આત્માની નોખી વિક્તિ સમજવી
દેહ અને આત્મા બંનેને સ્વરૂપત: જુદા જ છે એવું સમજવું જરૂરી છે. દેહ એ અનિત્ય, મિથ્યા ને ક્ષણિક એવું જડ તત્ત્વ છે જે ગુણત: નાશવંત સ્વરૂપે છે. દેહ એ માત્ર ક્રિયા કે વિષયભોગનું માયિક એવું સાધન છે. જ્યારે આત્મા એ જ્ઞાતૃત્વ, કર્તુત્વ, ભોક્તૃત્વ ઇત્યાદિક ગુણો ધરાવતું ચેતન તત્ત્વ છે જે કાયમી અને અનાદિ સ્વરૂપે પ્રાપ્ય છે.
વિક્તિ નોખી સમજવા દેહતત્ત્વ અને આત્મતત્ત્વ કેવી રીતે તદ્દન વિભિન્ન છે એ જ્ઞાનની સ્પષ્ટતા કરીએ અને સમજીએ.
•   એક દેહ છોડવો એ મૃત્યુ કહેવાય છે ને બીજા દેહમાં જવું તે જન્મ કહેવાય છે. પણ વસ્તુતાએ આત્માને જન્મમરણ નથી.
•   દેહ એ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એમ પંચભૂતોનું બનેલું તત્ત્વ છે જ્યારે આત્મા તેથી વિલક્ષણ છે.
•   દેહને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આદિક અવસ્થાઓ; રજ, તમ, સત્ત્વ આદિક ગુણો છે જ્યારે આત્માને અવસ્થા કે ગુણોના ભાવ નથી.
•   દેહને વિષે હાડ-ચામ-રુધિર એવી અશુદ્ધિઓ છે જ્યારે આત્માને વિષે એવી અશુદ્ધિ નથી.
•   દેહ એ આત્માનું કાર્ય છે જ્યારે આત્મા દેહનું કારણ છે.
•   આત્મા એક દેહ છોડી બીજો દેહ વારંવાર બદલે છે પરંતુ આત્મા પોતે એનો એ જ છે તે ફરી વાર ઉત્પન્ન થઈ અસ્તિત્વમાં આવતો નથી.
•   દેહને અગ્નિ બાળે છે, જળ ભીંજવે છે, પવન સૂકવે છે જ્યારે આત્માને અગ્નિ બાળી શકતો નથી, જળ ભીંજવી શકતું નથી, પવન સૂકવી શકતો નથી.
શ્રીજીમહારાજે સારંગપુરના ૪થા વચનામૃતમાં દેહ-આત્માની નોખી વિક્તિ સમજાવતાં કહ્યું છે કે, “આત્મા-અનાત્માની ચોખ્ખી જે વિક્તિ તે કેમ સમજવી ? જે સમજવે કરીને આત્મા-અનાત્મા એક સમજાય જ નહીં.” એમ કહી ચોખ્ખી સમજણ કરાવતાં કહ્યું, “એમ ચોખ્ખું સમજે જે હું આત્મા તે મારા જેવો ગુણ દેહને વિષે એકેય આવતો નથી અને જડ-દુ:ખ ને મિથ્યારૂપ જે દેહ તેના જે ગુણ તે હું ચૈતન્ય તે મારે વિષે એકેય આવતો નથી એવી વિક્તિ સમજીને ને અત્યંત નિર્વાસનિક થઈને ચૈતન્યરૂપ થકો (મૂર્તિરૂપ થકો) પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરે એવો જે જડ-ચૈતન્યનો વિવેક તેને દૃઢ વિવેક જાણવો.” અર્થાત્ દેહથી આત્માની નોખી વિક્તિ સમજ્યા પછી જ પુરુષોત્તમ ભગવાનનું ચિંતવન કરવું.
જેમ બે વ્યક્તિ એક જ ઘરમાં જોડે રહેતા હોવા છતાં તેમની રીતભાત, જમવાનું, બોલવાનું, વિચારવાનું બધું જ એકબીજાથી જુદું જ રહે છે. કારણ, બંને જુદા જ છે. તેમ દેહ-આત્મા એકબીજાથી તદ્દન જુદા જ છે. દેહ અને આત્માનાં ધર્મ, લક્ષણ અને સ્વરૂપ તદ્દન એકબીજાથી ભિન્ન જ છે. પરંતુ જીવે અજ્ઞાનવશ થઈ દેહ અને આત્માને એક માની લીધા છે. પરિણામ સ્વરૂપે દેહને જ પોતાનું સ્વરૂપ માનીને દેહના દોષ પોતાના માની લઈએ છીએ.
શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૧૨મા વચનામૃતમાં કહ્યું છે કે, “દેહને વિષે જે જીવ છે તે એમ જાણે છે જે કામ-ક્રોધાદિક ભૂંડી પ્રકૃતિઓ છે તે મારા જીવ સાથે જડાણી છે, એવી રીતે કામાદિક જે જે પ્રકૃતિ જેને વિષે મુખ્ય હોય તે પ્રકૃતિને યોગે કરીને પોતાના જીવને કામી, ક્રોધી, લોભી ઇત્યાદિક કુલક્ષણે યુક્ત માને છે પણ જીવને વિષે તો એ એકે કુલક્ષણ છે નહીં. એ તો જીવે મૂર્ખાઈએ કરીને પોતાને વિષે માની લીધા છે.”
માત્ર દોષને જ આપણે પોતાના નથી માનતા પરંતુ જે કાંઈ કાર્યો કરીએ છીએ તેને પણ પોતાનાં જ માનીએ છીએ.
મોટા સંતો રથ અને રથીનું રૂપક લઈ દેહ-આત્માની વિક્તિ સમજાવતા. આ શરીર એ રથ છે અને આત્મા રથનો માલિક કહેતાં રથી છે. બુદ્ધિ એ રથને ચલાવનાર સારથિ છે, મન એ અશ્વની (ઘોડાની) લગામ છે તથા ઇન્દ્રિયો તે રથને જોડેલા અશ્વો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષય તે રસ્તો (માર્ગ) છે. શરીરનો માલિક એવો આત્મા ઇન્દ્રિયો-અંત:કરણને સાધન બનાવી સર્વ ભોગ ભોગવે છે.
આ સ્પષ્ટતાને આપણા રોજબરોજના જીવનમાં વધુ સ્પષ્ટ કરીએ.