હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 4

  May 25, 2020

જેમ રથનો ચલાવનાર સારથિ, રથ, અશ્વો, લગામ કે પછી માર્ગ તે બધાથી તેમાં વિહરનારો રથી (રથનો માલિક) જુદો જ હોય. તેમ ઇન્દ્રિયો-અંત:કરણનો અધિષ્ઠાતા, સ્વામી એવો આત્મા તેથી અત્યંત જુદો જ છે. તેમ છતાં દેહ અને આત્માની ઐક્યતાને લીધે દેહ સ્વરૂપ પોતાને માની ભૂલભરેલો વ્યવહાર કરીએ છીએ.
આપણે વ્યવહારમાં એવું બોલીએ છીએ કે, ‘આ મારી પેન છે’, ‘આ મારી ગાડી છે’, ‘આ મારું ઘર છે’ વગેરે કથનમાં ‘મારી’, ‘મારું’ એ સર્વે ‘હું’થી (આત્માથી) જુદા છે. ‘આ મારી પેન છે’ અર્થાત્ પેન અને હું બંને એક નથી, જુદા છીએ. આ જ રીતે આપણે દેહાદિક અંગોના નિદર્શન વખતે ‘આ મારું શરીર છે,’ ‘આ મારી આંખ છે’ - આ સર્વે ઉચ્ચારણ કરીએ છીએ તે પરથી એવી સ્પષ્ટતા થાય છે કે શરીર અને હું (આત્મા) નોખા જ છીએ.
‘હું’ એ આત્મવાચક શબ્દ છે માટે વ્યક્તિ જ્યારે પોતાના માટે હું શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે ‘આત્મા’નો જ નિર્દેશ થાય છે. આત્મા સિવાયના કોઈ પણ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ માટે ‘હું’ શબ્દ વાપરી  શકાય નહીં. જેમ પેન, ગાડી, ઘર જેવી કોઈ પણ વસ્તુ માટે ‘હું પેન છું.’, ‘હું ઘર છું.’ એવો શબ્દપ્રયોગ થઈ શકે નહિ તેમ આત્માથી જુદા એવા દેહ-ઇન્દ્રિયો-અંત:કરણ માટે ‘તે હું છું’ એવો શબ્દપ્રયોગ કરી શકાય નહીં. પરંતુ આત્માની દેહ સાથે થઈ ગયેલી દેહાત્મબુદ્ધિના કારણે દેહના ભાવને પોતાના માની હું પાતળો છું, હું બીમાર છું, હું આંધળો છું, હું હોશિયાર છું, હું પટેલ છું, હું બ્રાહ્મણ છું એવું બોલીએ છીએ.
શ્રીજીમહારાજે તેથી જ ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં આત્મનિષ્ઠા સમજાવતાં કહ્યું છે કે, “પોતાને દેહથી પૃથક્ આત્મા જાણવો (પુરુષોત્તમરૂપ જાણવો), ને તે આત્મા છે તે બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, કણબી નથી, કોઈનો દીકરો નથી, કોઈનો બાપ નથી, એની કોઈ જાત નથી, નાત નથી એવો છે.”
આ ઉપરાંત, દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ, મન ઇત્યાદિક જડ તત્ત્વ છે. પરંતુ દેહની અંદર રહેલો આત્મા એ ચેતન તત્ત્વ છે. આપણે જ્યારે કોઈ શીતળ કે ઉષ્ણ પદાર્થનો સ્પર્શ કરીએ છીએ ત્યારે તેનો શીતળ કે ઉષ્ણ જે અનુભવ થાય છે તે આત્મા કરે છે. દેહ જડ છે. આત્મા ચાલ્યો જાય તો દેહને બાળી મૂકે તોય કાંઈ અસર થતી નથી તેથી દેહને વિષે જાણપણાનો ગુણ રહેલો નથી. આ પરથી પુરવાર થાય છે કે દેહ અને આત્મા જુદા જ છે.
પેનથી લખનાર અને પેન, ગાડી અને ગાડીનો ચલાવનાર વ્યક્તિ બેય જુદા છે તેમ દેહમાં રહીને દેહનું નિયમન કરનાર આત્મા એ પણ દેહથી ભિન્ન જ છે. આવી સમજણની સ્પષ્ટતા થાય ત્યારે દેહ-આત્માની વિક્તિ સમજ્યા કહેવાઈએ.