હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 6

  June 8, 2020

દેહના સંબંધીમાંથી પ્રીતિ ટાળવા માટે :
આત્માને મળેલો દેહનો યોગ તે જન્મ અને દેહનો વિયોગ એટલે મૃત્યુ. ચાહે પછી એ યોગ-વિયોગ પશુના દેહનો, પક્ષીના દેહનો કે પછી મનુષ્યના દેહનો હોય. જન્મમરણ અર્થાત્ આત્માને દેહ ધારણ કરવાપણાની અને મૂકવાપણાની પ્રક્રિયા. આત્મા એક દેહમાંથી બીજા દેહમાં પ્રવેશ કરે તે જન્મ અને દેહનો ત્યાગ કરે તે મૃત્યુ અવસ્થા.
શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના ૩૯મા વચનામૃતમાં કહ્યું છે કે, “આત્મા અનેક યોનિને પામ્યો છે, અને એમ કહેવાય છે જે જેટલું સમુદ્રનું પાણી છે તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે, અને ત્યાં ત્યાં અનેક પ્રકારે મરાણો છે તોપણ મર્યો નથી; જેવો છે તેવો ને તેવો જ છે.”
આત્માએ અનંત જન્મ ધર્યા છે તેમાં દેહ અને દેહના સંબંધીમાં જ પ્રીતિ કરી છે. કારણ, એણે દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું છે. તેથી દેહમાં પ્રીતિ હોવાને કારણે દેહના સંબંધીને પોતાના માની લીધા છે. આ અજ્ઞાન અવસ્થાને કારણે આત્મા જેમ જેમ દેહ ધારણ કરતો જાય તેમ દેહ અને દેહના સંબંધીમાં પ્રીતિ કરતો જ જાય છે. અજ્ઞાનના થરને વધુ ને વધુ મજબૂત કરતો જાય છે.
દેહ અને દેહના સંબંધીમાંથી પ્રીતિ ટાળવા માટે આત્મનિષ્ઠારૂપી જ્ઞાન-સમજણ દૃઢ કરાવવા શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૨૧મા વચનામૃતમાં કહ્યું છે કે, “અને આ દેહને તો પોતાનું સ્વરૂપ માનવું જ નહિ ને દેહના જે સંબંધી તેને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે આ જીવ છે તે ચોરાશી લાખ જાત્યના દેહને પૂર્વે ધરી આવ્યો છે, ને જેટલી જગતમાં સ્ત્રીઓ છે, તે સર્વેને પેટ જન્મ લીધા છે તથા જગતમાં જેટલી કૂતરિયું, જેટલી મીનડિયું, જેટલી વાનરિયું, એ આદિક જે જે ચોરાશીમાં જીવ છે તે સર્વેને પેટ કેટલીક વાર જન્મ ધર્યા છે. અને જગતમાં જેટલી જાતની સ્ત્રીઓ છે, તેમાં કેઈ એણે સ્ત્રી નથી કરી ? સર્વેને પોતાની સ્ત્રીઓ કરી છે તેમ જ એ જીવે સ્ત્રીના દેહ ધરીને જગતમાં જેટલી જાત્યના પુરુષ છે, તે સર્વેને પોતાના ધણી કર્યા છે, તેટલા માટે જેમ એ ચોરાશી લાખ જાત્યના સગપણને હમણે માનતા નથી, તથા ચોરાશી લાખ જાત્યના દેહને પોતાનો દેહ માનતા નથી, તેમ જ આ દેહને પોતાનું સ્વરૂપ માનવું નહિ, ને આ દેહના સંબંધીને પોતાના સંબંધી માનવા નહિ, કેમ જે ચોરાશી લાખ જાત્યના દેહ ધર્યા તેનો સંબંધ રહ્યો નહિ, તો આ દેહનો સંબંધ પણ નહિ જ રહે. તે માટે દેહગેહાદિક સર્વે પદાર્થને અસત્ય જાણીને તથા દેહ, ઇન્દ્રિયો, અંત:કરણ તેથી જુદું પોતાનું સ્વરૂપ જાણીને, તથા પોતાના ધર્મમાં રહીને, ભગવાનની નિષ્કામભક્તિ કરવી.”
આત્મા દેહને પોતાનું રૂપ માને છે તેથી દેહના સંબંધીને પણ પોતાના માની લે છે તેથી તેમાં મારાપણાનું મમત્વ થાય છે, પ્રીતિ થાય છે. પોતે આત્મા છે એવું મનાય તો આત્માના માતાપિતા, સગાંસંબંધી કોણ ?
‘त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बंधु च सखा त्वमेव’
આત્મનિષ્ઠા દૃઢ થાય ત્યારે દેહનાં સગાંસંબંધીમાંથી પ્રીતિ ટળી જાય અને અહમ્-મમત્વની કોરેથી પાછા વળી જવાય.
શ્રીજીમહારાજે સદ્. નિષ્કુળાનંદ સ્વામીને દીક્ષા આપી અધોઈમાં પોતાના પૂર્વાશ્રમની સાસરીમાં, પૂર્વાશ્રમનાં પત્નીના હાથે ભિક્ષા લેવા મોકલ્યા. ત્યાં તેમના પૂર્વાશ્રમનાં પત્ની કંકુબા તથા દીકરા માધવજી અને કાનજી બધાં તેમને લલચાવવા મથ્યાં છતાં તેમને કોઈને વિષે પ્રીતિ રહી નહિ ને મહારાજ પાસે પાદરે ગયા. છેવટે તેમના પૂર્વાશ્રમના સસરા કરશનભાઈ શ્રીજીમહારાજ પાસે તેમને લેવા આવ્યા. ત્યારે શ્રીજીમહારાજે કરશનભાઈને કહ્યું, “તમારા જમાઈને લઈ જાવ; અમે ક્યાં રોક્યા છે ?” ત્યારે તેમણે સદ્. નિષ્કુળાનંદ સ્વામીને તેમનો પૂર્વાશ્રમનો ધંધો, પત્ની, દીકરા, વાડી-ખેતર બધું યાદ કરાવવા માંડ્યું. ત્યારે સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ ત્રણ દેહથી પર આત્મા તેને મૂર્તિમાં નિમગ્ન કરી દેહના સંબંધીને વિષેથી પ્રીતિ ટાળવાની રીત શિખવાડવા સ્વ-સ્વરૂપની દૃઢતા કરાવતું કીર્તન રચ્યું,
“મેં હૂં આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ;
સદ્ગુરુ મિલિયા અનાદિ, મિટ ગઈ સર્વે ઉપાધિ.
કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત,
કોણ ભાઈ ને કોણ ભગિની, બ્રહ્મ હમારી જાત.”
અર્થાત્ એવું સ્પષ્ટ થાય છે કે આત્માને માતાપિતા કે ભાઈ-ભાંડુનો કોઈ સંબંધ છે જ નહીં. પરંતુ અજ્ઞાન અવસ્થાએ તેમને જ પોતાના સંબંધી માનીએ છીએ. જ્ઞાનવાર્તા સાંભળીને ઉપરથી તેમનો ત્યાગ કરવાથી પણ તે ટળતાં નથી. શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૩૨મા વચનામૃતમાં સંબંધીને વિષેથી પ્રીતિ ટાળ્યાનો ઉપાય એકમાત્ર આત્મનિષ્ઠા દર્શાવતાં કહ્યું છે કે, “આ સંસારને વિષે પોતાના કુટુંબીનો સંબંધ છે તે તો જેમ થોરનું ઝાડ હોય અથવા વડનું કે પીપરનું ડાળ હોય તે એક ઠેકાણેથી કાપીને બીજે ઠેકાણે રોપીએ તો ઊગીને ઝાડ થાય અને આંબો તથા લીંબડો હોય ને તેને એક વાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહિ, તેમ કુટુંબી વિના બીજાનો જે સંબંધ છે તે તો આંબાના ઝાડ જેવો છે તે એક વાર કાપ્યો એટલે ફરીને ચોંટે નહિ, અને કુટુંબીનો સંબંધ છે તે તો થોરના અને વડના ઝાડ જેવો છે તે કાપી નાખ્યો હોય તોપણ ધરતીમાં પડ્યો પડ્યો પણ પાલવ્યા વિના રહે નહિ, માટે એ કુટુંબીનો સંબંધ તો, તો ટળે જો સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણે દેહ થકી નોખો એવો જે આ દેહને વિષે જીવાત્મા તેને પોતાનું રૂપ જાણીને, ને તેને વિષે ભગવાનની મૂર્તિને ધારીને, ને જાતિ, વર્ણ, આશ્રમ, તેના માનને મૂકીને, ને કેવળ ભગવાનના સ્મરણને વિષે તત્પર થાય તો કુટુંબીનો સંબંધ ચોખો ટળે તે વિના બીજો ઉપાય કોઈ નથી.”
આત્માને વળગેલા અહમ્-મમત્વના વળગણથી પાછા વળવા અર્થાત્ દેહ અને દેહના સંબંધીમાંથી પ્રીતિ ટાળવા દેહ-આત્માની વિક્તિ સમજવા તરફ આગળ વધવું અનિવાર્ય છે. તો જ આત્યંતિક મોક્ષ પામવાની મુમુક્ષુતા જાગે.

દેહ-આત્માની વિક્તિ સમજી દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડી શકીએ એ જ અભ્યર્થના.