હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 7

  June 15, 2020

પંચવિષયમાંથી પ્રીતિ ટાળવા માટે :
શ્રીજીમહારાજે અમદાવાદના ૩જા વચનામૃતમાં કહ્યું છે કે, “જીવમાત્ર છે તે પંચવિષયને આધારે જીવે છે તે કાં તો બહાર પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બહાર પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંત:કરણમાં પંચવિષયનું ચિંતવન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતવન વિના ને વિષયને ભોગવ્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકતો નથી... ઉપર થકી કદાચિત પંચવિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતવન થાય છે એ જ એને જન્મમરણનો હેતુ છે.”
જેમ મનુષ્ય હવા, પાણી ને ખોરાક વિના રહી શકતો નથી. માછલી આદિક જળચર પ્રાણી જળ વિના ટકી શકતાં નથી. તેમ ઇન્દ્રિયો-અંત:કરણ પંચવિષય ભોગવ્યા વિના રહી શકતાં નથી. જ્યાં સુધી આત્મા દેહને પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી ઇન્દ્રિયો દ્વારે કરીને અનંત પ્રકારના માયિક વિષયનો ઉપભોગ કરે છે પરંતુ વિષયની તૃપ્તિ કે નિવૃત્તિ થતી નથી. પરિણામે જીવાત્માની જન્મમરણની ભવાબ્ધિ મટતી નથી. માટે અવરભાવમાં રહ્યા છીએ તેથી ક્યાંક વિષયનો યોગ થાય અને સામાન્યપણે વિષય ભોગવવા પણ પડે પરંતુ તેને દેહથી નોખા રહીને અભાવ સાથે ભોગવવા એવું મોટા સંતો શીખવતા.
સદ્. નૃસિંહાનંદ સ્વામીની ખૂબ ઊંચી ઉત્કૃષ્ટ મુમુક્ષુતા હતી. તેઓ શ્રીજી આજ્ઞાનુસાર સદાય સદ્. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં વર્તતા અને તેમને બે હાથ જોડી પ્રાર્થના કરતા કે, “મારામાં કાંઈ ખામી કે કસર હોય તો કહેજો.”
એક વખત સદ્. નૃસિંહાનંદ સ્વામીએ સદ્. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે, “પંચવિષય કેમ ભોગવવા ?” ત્યારે સદ્. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, “જેમ વેરી કોઈ મોટા મનુષ્ય હોય ને તે પોતાને ઘેર મહેમાન થાય ને તેને સાકરનાં સીધાં આપવાં પડે છે પણ અભાવ સોતા આપીએ છીએ. એમ વિષય ભોગવવાને વિષે દેહને પ્રવર્તાવવો. જાણપણામાં રહીને વિષયના વિચારને ખોટા કરવા પણ ઘેટાની જેમ ન રહેવું; જાગતા રહેવું અને તેનો આકાર બંધાવા દેવો નહીં. એમ કરતાં પણ વિષય ન ટળે તો આત્મા-પરમાત્માનો વિચાર કરવો તો વિષય ખોટા થઈ જાય.” એમ કહી સારંગપુરના ૧લા વચનામૃતનો ।।जित जगत् केन मनो हि येन ।। શ્લોક કહી પંચવિષયમાંથી પાછા વળવા આત્મનિષ્ઠા દૃઢ કરવાની વાત કરી. “વિષયની નિવૃત્તિ થયાનું કારણ તે વૈરાગ્ય છે કે પરમેશ્વરને વિષે પ્રીતિ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, એક તો વિષયની નિવૃત્તિનું કારણ આત્મનિષ્ઠા છે અને બીજું મહાત્મ્યે સહિત જે ભગવાનનું જ્ઞાન તે છે તેમાં આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ જે, હું ચૈતન્ય છું ને દેહ જડ છે ને હું શુદ્ધ છું ને દેહ નરકરૂપ છે અને હું અવિનાશી છું ને દેહ નાશવંત છે ને હું આનંદરૂપ છું ને દેહ દુ:ખરૂપ છે એવી રીતે જ્યારે દેહ થકી પોતાના આત્માને સર્વ પ્રકારે અતિશે વિલક્ષણ સમજે ત્યારે દેહને પોતાનું રૂપ માનીને વિષયમાં પ્રીતિ કરે જ નહીં. એવી રીતે આત્મજ્ઞાને કરીને વિષયની નિવૃત્તિ થાય છે.”
પંચવિષયનો ઉપભોગ કરવો એ દેહનો ધર્મ છે. પરંતુ આત્મા જો પોતાને દેહરૂપ ન માને તો દેહાદિક જે ઇન્દ્રિયો તે પણ વિષય ભોગવવા સમર્થ રહે નહીં. તેને માયિક વિષયમાં મોહ થાય નહીં. અર્થાત્ પંચવિષયમાંથી પ્રીતિ ટાળવાનો ઉપાય એ જ છે કે પોતાને દેહરૂપ માનવાને બદલે આત્મારૂપ અને તેથી પર પુરુષોત્તમરૂપ માનવું. પરંતુ તે માટે દેહ-આત્માની વિક્તિ સમજવી ફરજિયાત છે.

આથી શ્રીજીમહારાજે વચનામૃતમાં પણ પંચવિષય ટાળવા આત્મનિષ્ઠાનું મહત્ત્વ લોયાનું ૧૦, લોયાનું ૧૩, પંચાળાનું ૨, મધ્યનું ૧૩, મધ્યનું ૩૦ વગેરે વચનામૃતમાં જણાવ્યું છે તે સમજી દેહ-આત્માની વિક્તિ નોખી કરીએ.