હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 9

  June 29, 2020

સાધનમાત્રની સમાપ્તિ કરવા માટે :
સત્સંગમાં એવી માનીનતા પ્રવર્તતી હોય છે કે તપ, તીર્થ, વ્રત, યાત્રા ન કરીએ તો આત્યંતિક મુક્તિ ન થાય. પરંતુ વસ્તુગતે એવું નથી. આ સર્વે સાધનો દેહનાં છે. જો તપ, તીર્થ, યાત્રાએ કરીને જ કલ્યાણ થતું હોય તો તેનો અર્થ એવો થાય કે આત્મા સ્થાનમાં બંધાય છે પરંતુ આત્માને કોઈ બંધન નથી. આથી એવું ન માનવું કે સાધન કરીએ તો જ મોક્ષ થાય. સાધનમાત્ર દેહથી થાય છે જ્યારે મોક્ષ આત્માનો થાય છે. માટે એ મોક્ષ માર્ગમાં દેહથી કરેલાં સાધનોનું કોઈ ખાસ મહત્ત્વ નથી. તેનાથી માત્ર બીજબળ થાય. મોક્ષ માટે તો દેહથી નોખા પડીને વર્તવું અને નોખા રહીને પછી રાજીપા માટે સાધન કરવાં એ ફરજિયાત બાબત છે.
શ્રીજીમહારાજે વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?” ત્યારે સર્વે સંતોએ હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કે, “હે મહારાજ ! આપ જેમ કહો તેમ કરવા અમે તૈયાર છીએ. હે મહારાજ, જો આપ કહો તો અમે આંખનું મટકું પણ ન મારીએ, પેટમાં અન્ન નહિ નાખીએ, વસ્ત્ર પહેરવાની ના પાડશો તો તે ત્યજી દઈશું અને હિમમાં ઉઘાડા શરીરે રહેશું. આપની મરજી હોય તો અમે પાણી પીવાનું છોડી દઈએ, મૌન ધારણ કરીએ, એક ઠેકાણે આસન વાળીને બેસી જઈએ પણ આ દેહની કોઈ પરવાહ કરીશું નહીં. હે મહારાજ, આપ જે જે આજ્ઞા કરશો તે બધાં જ સાધન અમે કરીશું. કેમ ન થાય ? એવી હિંમત રાખીશું.”
સંતોએ મહારાજને રાજી કરવા માટે આકરામાં આકરા તપ અને સાધનની મહત્તા દર્શાવી. તે સાંભળીને મહારાજ રાજી થયા અને કહ્યું, “તમે સર્વે એક એકથી અધિક છો, કોઈ કાચા નથી. તમે અમારા વચને દેહને કુરબાન કરી નાખવાની તૈયારી બતાવી તેનાથી રાજી ખરા પરંતુ અંતરથી રાજી નહીં. કારણ સાધન એ આખરી નથી. તેનાથી મોક્ષ ન થાય. માત્ર બીજબળ થાય.” જુઓ, દેહરૂપ થઈને કરેલા સાધનોથી શ્રીજીમહારાજ રાજી થતા હોય તો સંતોએ બતાવેલ જુદા જુદા સાધનોને માન્ય કરત, પરંતુ મહારાજે તેને માન્ય ન ગણ્યા અને દેહરૂપ માનવાને બદલે આત્મા રૂપે વર્તવું એમ કહ્યું છે. આ વાતને સદ્દ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણિના  પ્રકરણ-૭૧ વર્ણવતા નોંધ્યું છે,
“એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહિ દેહ;
માનો ચૈતન્યરૂપ તમારું, દુ:ખરૂપ દેહ થકી ન્યારું.”
આવી રીતે સર્વે સાધનોની સમાપ્તિ કરવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવી એ ફરજિયાત છે. વળી, નિર્ભયતા કેળવવા પણ દેહ-આત્માની વિક્તિ સમજવી બહુ જરૂરી છે તો આવો  તે સમજીએ...

નિર્ભયતા કેળવવા માટે :
આધુનિક યુગની તમામ નાની યા મોટી વ્યક્તિ ભયગ્રસ્ત જિંદગી જીવે છે. નાના બાળકને પૂછો તો કહે, ‘હું પરીક્ષામાં નાપાસ થઈશ તો ?’ ‘રમતમાં કે સ્પર્ધામાં હારી જઈશ તો ?’ યુવકને પૂછવામાં આવે તો કહે, ‘મને મારું ભવિષ્ય ધૂંધળું દેખાય છે.’ ‘મારું શું થશે ?’ જ્યારે વયોવૃદ્ધને પૂછવામાં આવે તો કહે, ‘મને રોગ થશે તો ?’ ‘મૃત્યુ આવશે તો ?’ આમ, આબાલવૃદ્ધ દરેક વ્યક્તિ રસ્તામાં વારંવાર આવતા ડાયવર્ઝનના બોર્ડ જેવું ભયગ્રસ્ત જીવન વ્યતીત કરે છે.
માનસિક, શારીરિક, આર્થિક કે અન્ય કોઈ પણ ભય ઉદ્ભવવાનું કારણ દેહલક્ષી વિચારો છે. નાસીપાસ થવાની, મૃત્યુની કે ભવિષ્યની ચિંતા આ તમામ બાબતો દેહલક્ષી વિચારોમાંથી નિર્માણ પામે છે. ટૂંકમાં, દેહલક્ષી વિચારોનું પરિણામ એટલે ચિંતા, ભય. આ દેહલક્ષી વિચારો ઉદ્ભવવાનું કારણ દેહાધ્યાસ છે. પોતે આત્મા છે તે ભાવ ભૂલી દેહ સ્વરૂપે પોતાને માની તમામ પરિસ્થિતિ મૂલવે છે એટલે દેહને સંલગ્ન તમામ ભય ઉત્પન્ન થાય છે.
આજે બહુધા વર્ગને મૃત્યુનો ભય, દૈહિક સ્વાસ્થ્ય બગડવાનો ભય, આબરૂ જવાનો ભય, પોતાની સત્તા કે પદવીનો ભય, સંપત્તિ લૂંટાઈ જવાનો કે વપરાઈ જવાનો ભય, ભવિષ્યમાં આવનાર વિઘ્નો, સ્થિતિ-પરિસ્થિતિનો ભય સતત સાલતો હોય છે.
જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માનીએ ત્યાં સુધી તમામ ભય રહેશે જ. આપણને મૃત્યુનો ભય રહેતો હોય છે, કારણ, દેહ રૂપે વર્તીએ છીએ. જો આપણને એવી સ્પષ્ટતા હોત કે હું દેહ નથી, દેહથી નોખો એવો અછેદ્ય, અજર, અમર આત્મા છું. દેહ મારું સ્વરૂપ નથી, એ નાશવંત છે. હું તો અજર, અમર છું. મારે વિષે જન્મ-મૃત્યુ નથી. અનાદિ છું. જો આવી સમજણ પાકી હોય તો મૃત્યુનો ભય ન રહે.
સદ્. અખંડાનંદ સ્વામી આદિક સંતો વાત્રક નદીનાં મોટાં મોટાં કોતરોમાં તથા વગડામાં રહેતા. નદીનાં કોતરોમાં વાઘ પણ રહેતા. એક વખત સદ્. અખંડાનંદ સ્વામી ચાલતા જતા હતા. એ વખતે રસ્તામાં ચાર વાઘ સામા આવ્યા. વચ્ચે સ્વામી ને ચારેકોર વાઘ વીંટળાઈને ઊભા રહી ગયા. છતાં સદ્. અખંડાનંદ સ્વામી નિર્ભય થકા ઊભા હતા. વાઘ મને મારશે તો ! તેવો તેમને ભય નહોતો. કારણ, તેમને આત્મનિષ્ઠા અતિશે દૃઢ હતી. વાઘ મારશે તો દેહને મારશે; આત્મા  (હું) તો મરતો નથી.
શ્રીજીમહારાજે વાઘમાં પ્રવેશ કર્યો તેથી ચારે વાઘ સ્થિર થઈ ગયા. ત્યારે સ્વામીએ સ્થિર થયેલા વાઘને કહ્યું, “આ શરીર ખાઈ જાવ. તમારે કામમાં આવશે. ભૂખ ભાંગશે. હું (આત્મા) તો ભગવાનના ધામમાં જઈશ.” સામે વાઘ દેખાવા છતાં સદ્. અખંડાનંદ સ્વામી હું દેહ નથી, આત્મા છું. આ આત્મનિષ્ઠામાંથી લગારેય ડગ્યા નહિ તો મહારાજની પ્રેરણાથી ચારેય વાઘ પગે લાગીને જતા રહ્યા, પણ કશું કર્યું નહીં.

સ્થૂળ દેહને સંલગ્ન ભયની સાથે કેટલીક વાર સૂક્ષ્મ દેહનો પણ ભય વર્તતો હોય છે. કોઈ વખત કુવિચારોનો મારો સતત ચાલે કે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય તેને તોડવા છતાં પણ ન તૂટે ત્યારે આપણે દુ:ખી કે અતિ ચિંતિત બની જતા હોઈએ છીએ. પરંતુ તેનાથી નિર્ભય રહેવાનો ઉપાય બતાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૬ઠ્ઠા વચનામૃતમાં કહ્યું છે કે, “જે મુમુક્ષુ હોય તેને એમ ન વિચારવું જે મારે વૈરાગ્ય નથી તે માટે સ્ત્રીઆદિક પદાર્થ મારા ચિત્તમાં સ્ફુરે છે; એ તો જે વૈરાગ્યવાન હોય તેના ચિત્તમાં પણ જે સમે જે પદાર્થ આવ્યું તે સહેજે સ્ફુરી આવે છે. માટે વૈરાગ્ય-અવૈરાગ્યનું કાંઈ કારણ નથી, એ તો ચિત્તનો સ્વભાવ જ એવો છે જે, ભલું અથવા ભૂંડું જે સાંભર્યું તેને ચિંતવે અને જ્યારે જે પદાર્થનું ચિંતવન કરે ત્યારે તે પદાર્થ જેમ દર્પણમાં દેખાય તેમ દેખાઈ આવે તે માટે એમ જાણવું જે, હું તો એ ચિત્ત થકી જુદો છું અને હું તો એનો જોનારો આત્મા છું, એમ જાણીને ચિત્તના સારા-ભૂંડા ઘાટે કરીને ગ્લાનિ પામવી નહિ; પોતાને ચિત્ત થકી જુદો જાણીને ભગવાનનું ભજન કરવું અને સદાય આનંદમાં રહેવું.” આવી રીતે મહારાજનાં વચન અનુસાર ભયરહિત આનંદમાં જીવન જીવવા માટે દેહ-આત્માની વિક્તિ નોખી સમજવી ફરજિયાત છે.