ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 1

  February 28, 2015

ઈર્ષ્યા એ મૂળ સંસ્કૃત(ઈષ)ધાતુ પરથી આવેલો શબ્દ છે. ઈર્ષ્યાનો સામાન્ય અર્થ થાય છે આંતરિક જલન, બળતરા, આંતરિક રોષ સાથેની નફરત. ઈર્ષ્યાવૃત્તિનું દૂષણ જીવ-પ્રાણીમાત્રમાં વત્તા-ઓછા પ્રમાણમાં રહેલું જ હોય છે. પશુપક્ષીમાં પણ ઈર્ષ્યાવૃત્તિ જોવા મળતી હોય છે.

કાગડો મહેનત કરીને માળો બનાવે છે. પરંતુ ઈર્ષ્યાળુ અને આળસુ કોયલ, કાગડાની નજર ચૂકવી ચાલાકીથી તેના ઈંડાં નીચે ફેંકી દે છે અને પોતાનાં ઈંડાં માળામાં મૂકી દે છે. તો વળી કબૂતરે અવાવરા મકાન કે માળિયામાં મૂકેલાં ઈંડાંને કાગડો ચાંચ વડે નીચે પાડી દે છે અથવા તો ચાંચથી ફોડી નાંખે છે. આ એકબીજા પ્રત્યેની આંતરિક ઈર્ષ્યાવૃત્તિ નહિ તો બીજું શું ?

ઈર્ષ્યાને બાહ્યિક રીતે જોઈએ તો તે છૂપી, મૂંગી અને ચાલાક હોય છે. પછી ઉંદરની જેમ કે પછી ચીટર, જાસૂસો કે ખિસ્સાકાતરુઓની જેમ પેંતરો રચી તે પોતાની આગવી રીતથી કસબ અજમાવી, ચાલાકીથી પોતાનો રોલ ભજવે છે. મનુષ્ય પશુપક્ષી કરતાં બુદ્ધિશાળી હોવા છતાંય તેમના કરતાં ઈર્ષ્યાવૃત્તિની અદૃશ્ય આગમાં જવલ્લે જ હોમાયા વગરનો રહે છે.

ઈર્ષ્યાવૃત્તિ એ પોતાના સંકુચિત અને છીછરા મનમાં ઘુમરાયેલા વિચારોનો સડો છે, મનનો મેલ છે. ઝરણામાં વહેતા પાણીમાં ક્યારેય વાસ ન મારે પરંતુ એ જ પાણી સ્થિર થઈ જાય અને અંદર કચરો ભળે; પછી એ કચરો સડતાં પાણીમાં કીચડ અને કચરાની દુર્ગંધ આવે છે. કીચડની દુર્ગંધ ચારેબાજુના વાતાવરણને દુર્ગંધે યુક્ત અને પ્રદુષિત બનાવે છે. રોગચાળાનો ઉદભવ થાય છે. એવી રીતે આપણા મનમાં દોહરાતા શુદ્ધ વિચારો જ્યારે કોઈ વાત કે વ્યક્તિ ઉપર કેન્દ્રિત બને કે સ્થિર બને અને પછી જો એમાં કોઈ અવળા વિચારો, અદેખાઈ, અસૂયા અને મત્સરરૂપી કચરો ભળે છે ત્યારે વિચારોમાંથી ઈર્ષ્યાવૃત્તિના કીચડની દુર્ગંધ આવે છે અને ચારેબાજુના વાતાવરણને ક્લેશમય બનાવે છે. પરિવારની આત્મીયતાને હણી નાંખે છે અને ઈર્ષ્યાની અગનજ્વાળા ભભૂકી ઊઠે છે.

ઈર્ષ્યાળુ વ્યક્તિને પોતાના કરતાં બીજાની વધુ ઉન્નતિ કે ચડતી જુએ ત્યારે, પોતાના કરતાં અન્યનાં વિશેષ વખાણ સાંભળે કે રાજીપો મેળવતા જુએ ત્યારે અંતરમાં બળતરા ચાલુ થઈ જાય છે. પોતાની ઈર્ષ્યાવૃત્તિને સંતોષવા માટે અઘટિત કે વિકૃત વિચારોનો મનમાં ઘેરો ચાલે છે અને ન કરવાના કાર્ય કરવા તરફ વ્યક્તિ પ્રેરાય છે. છેવટે અપરાધ અને દ્રોહ કરવા તરફ પ્રેરાય છે.

એક વખત શ્રીજીમહારાજ પોતાના પ્રેમીભક્તોના મનોરથને પૂર્ણ કરવા વિચરણ કરતાં કરતાં તેમના ગામ પધાર્યા. ગામમાં સત્સંગીમાત્ર બે ભાઈઓ જ હતા. મહારાજ ઘેર પધારી રહ્યા છે, એવા સમાચાર સાંભળતાં દેરાણી-જેઠાણી બંનેના આનંદનો પાર ન રહ્યો. મહારાજ માટે દોડાદોડી કરી તૈયારી કરવા માંડ્યા. મહારાજ માટે ઢોલિયો તૈયાર કર્યો, ચોક વાળ્યો, રંગોળીઓ પૂરી, ગામની શેરીઓ વાળી નાંખી.

મહારાજનું વાજતે-ગાજતે સામૈયું કર્યું. મહારાજ ઘેર પધાર્યા. બંને દેરાણી-જેઠાણી મહારાજની ખૂબ ભાવથી સેવા કરે. જેઠાણી પોતે જાણતા હતાં કે મારા કરતાં દેરાણી સારી રસોઈ બનાવે છે. જો મહારાજ એના હાથની રસોઈ જમશે તો એનાં જ વખાણ કરશે, એને જ રાજીપો મળશે ને મારો વારો તો આવશે જ નહીં. તેથી રોજ જેઠાણી જ મહારાજ માટે થાળ બનાવતાં.

એક દિવસ મહારાજે જેઠાણીને કહ્યું કે, “રોજ તમે થાળની સેવાનો લાભ લો છો તો આજે તમારાં દેરાણીને લાભ આપો.” ત્યારે દેરાણી પ્રત્યેની ઈર્ષ્યાવૃત્તિને કારણે જેઠાણીએ મહારાજને કહ્યું કે, “દયાળુ, એને તો રસોઈ બનાવતાં આવડતી જ નથી.” મહારાજ કહે, “ભલે, એ જેવી રસોઈ બનાવશે તેવી ચાલશે પણ આજે એમને લાભ આપો.” મહારાજે આજ્ઞા કરી એટલે દેરાણીએ રસોઈ બનાવી. દેરાણીની નજર ચુકાવીને જેઠાણીએ દાળની અંદર મુઠ્ઠી ભરીને મીઠું નાંખી દીધું. મહારાજ થાળ જમવા પધાર્યા. મહારાજે થાળ જમતાં કહ્યું કે, “આજે તો ખૂબ સરસ રસોઈ બનાવી છે. આજ સુધી આવી રસોઈ અમે ક્યારેય જમ્યા નથી. નક્કી આમાં મોટાં વહુનો હાથ છે, નહિ તો આવી રસોઈ થાય જ નહીં. ” મહારાજે રસોઈનાં ખૂબ વખાણ કર્યાં અને દેરાણી ઉપર ખૂબ રાજીપો વરસાવ્યો. મહારાજના મુખે દેરાણીનાં વખાણ સાંભળતાં જેઠાણીની અંદર ઈર્ષ્યાવૃત્તિની આગ ભભૂકી ઊઠી.

એકમાત્ર ઈર્ષ્યાવૃત્તિની ચિનગારી અંદર પ્રવેશ કરે છે ત્યારે ઈર્ષ્યાવૃત્તિની જે જ્વાળા ફેલાય છે તે અગ્નિ કરતાં પણ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. હવે શું કરું તો મહારાજ એની ઉપર નારાજ થાય એવા પ્રયત્નો જેઠાણીએ ચાલુ કર્યા. ઈર્ષ્યાવૃત્તિ શું કરે, કેવું કરાવે તેનું સચોટ વર્ણન કરતાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે,

“દોટ્ય દિયેછે ખોટ્ય ટાળવા, પણ ખોટ ખસતી નથી,

ઈર્ષ્યા રહી છે તેને આવરી, તે અળગી ન થાય ઉરથી…01

ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ,

અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ…02

ત્રાજું લઈ બેસે તોળવા, સહુને કાઢવા સમાર,

બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર…03

એવી અભાગણી ઈર્ષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહીં,

વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવા ઈર્ષ્યા કરે છે રહી…04

હરિજનને હાણ હંમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી,

નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી…05”

(નિષ્કુળાનંદ કાવ્ય – વચનવિધિ : કડવું-24)

ઈર્ષ્યાવૃત્તિનું ભૂત જ્યારે કોઈ વ્યક્તિના મન ઉપર સવાર થાય છે ત્યારે, જેની ઉપર ઈર્ષ્યા હોય તેનું કેમ હીણું દેખાય, કેવી રીતે પોતાથી ઊતરતો દેખાય તેવા પ્રયત્નો ચાલુ થઈ જાય છે.

અહીં જેઠાણીના મનમાં પણ આવું ઈર્ષ્યાવૃત્તિનું ભૂત સવાર થયું. બીજા દિવસે દેરાણીએ ફરી રસોઈ બનાવી ત્યારે દાળમાં મૂઠી ભરીને મીઠું અને શીરામાં મૂઠી ભરીને રજોટી નાંખી દીધી. ઈર્ષ્યાવૃત્તિને કારણે બનાવેલા થાળ અક્ષરધામના અધિપતિ સ્વયં શ્રીજીમહારાજ જમવાના છે એ પણ ભૂલી ગયાં. ત્રણ ત્રણ દિવસ સુધીમહારાજે આવા થાળ જમાડ્યા પછી મહારાજ નીકળવાતૈયાર થયા ત્યારે જેઠાણીએ મહારાજને પ્રાર્થના કરી કે, “દયાળુ, થોડા દિવસ રોકાવ.” ત્યારે મહારાજ કહે, “તમારી નર્યા મીઠાવાળી અને રજોટીવાળી રસોઈ જમી જમીને તો મારું પેટ પથરા જેવું થઈ ગયું છે.”

આમ, ઈર્ષ્યાવૃત્તિને કારણે મહારાજ પ્રત્યેનો પ્રેમભાવ ને બધું ઈર્ષ્યાની જ્વાળામાં સ્વાહા થઈ ગયું અને નફો કમાવવા જતાં ખોટનો ઢગલો થઈ ગયો. રાજી કરવા જતાં કુરાજીપો વહોરી લીધો - એકમાત્ર ઈર્ષ્યાવૃત્તિના કારણે.

પરસ્પરના મીઠા સંબંધો પળવારમાં તૂટી ગયા. આનંદ ઉદ્વેગ અને વ્યથામાં ફેરવાઈ ગયો, ઈર્ષ્યાવૃત્તિને કારણે. કેટલીક વાર ઈર્ષ્યાને કારણે જ કુટુંબમાં ક્લેશ થવા માંડે છે, સમાજમાં જુદા જુદા પક્ષો પડે છે અને રાષ્ટ્ર અને દેશના ભાગલા પડી જતા હોય છે. માટે આપણામાં આ ઈર્ષ્યાવૃત્તિના કીચડની દુર્ગંધ પેસવા ન દેવી અને તેથી દૂર રહેવું.