ઈર્ષ્યાવૃત્તિને ઓળખવી અને છોડવી - 2

  March 5, 2015

માનવસહજ સ્વભાવ છે કે કોઈનું સારું થાય કે સુખ થાય, ઉન્નતિ થાય કે પ્રગતિ થાય તે ખમી શકાતી નથી. મોટે  ભાગે પોતાનાથી ન્યૂન હોય, અણઆવડતવાળા હોય કે આર્થિક, સામાજિક કે શારીરિક રીતે પાછળ હોય, એમની આપણને ઈર્ષ્યા થતી નથી, પરંતુ પોતાથી જ્યાં કંઈક અધિક દેખાય અને પોતે તે મેળવી ન શકે અથવા ત્યાં સુધી પહોંચી ન શકે એટલે ઈર્ષ્યાવૃત્તિ ઘેરો ઘાલે છે. સામેનાની પ્રગતિ અને પોતાના પરાભવથી હતાશ બનેલ ઈર્ષ્યાખોર વ્યક્તિ, પછી પોતાની શાન, ભાન ભૂલી જાય છે અને રચનાત્મક વિચારસરણીમાંથી ખંડનાત્મક વિચારધારાને અમલમાં મૂકી દે છે. ઈર્ષ્યાવૃત્તિને પરિણામે એક દોરે જોડાયેલા પરિવાર વેરવિખેર થઈ જાય છે, મન જુદાં પડે છે. પરસ્પરના સંબંધો ફાટફૂટથી લઈ દુશ્મનાવટ સુધી પહોંચી જાય છે.

થોડાં વર્ષો પહેલાંની એક ખાનદાન અને સુશિક્ષિત પરિવારની બનેલી ઘટના છે. બે ભાઈઓમાં મોટા ભાઈ ભણીગણીને પ્લાસ્ટિક એન્જિનિયર બન્યા અને પોતાનો ધંધો શરૂ કર્યો. થોડા સમય બાદ નાનાભાઈ પણ એન્જિનિયરનું ભણી રહ્યા. તેમણે મોટાભાઈની મદદથી ધંધો શરૂ કર્યો. બંને ભાઈઓના ધંધા અને પરિવાર જુદા હતા છતાં એકબીજા વચ્ચે અપાર સ્નેહ અને પ્રેમની લાગણીના તાંતણે બંધાયેલો એક ખાનદાન પરિવાર હતો. બંને ભાઈઓના ધંધા ખૂબ સારા ચાલ્યા. 3-4 વર્ષ વીતી ગયાં પછી, નાનાભાઈ પ્લાસ્ટિક બજારમાં પોતાની હોશિયારીથી આગળ નીકળ્યા. અન્યની ઉન્નતિથી થતી બળતરા તથા પોતાની નબળાઈ કે અંતરના અસંતોષમાંથી જ ઈર્ષ્યાની ચિનગારી નીકળે છે.

મોટાભાઈ અને ભાભી, પોતાનો જ નાનો ભાઈ ધંધામાં આગળ નીકળ્યો એ જોઈ ન શક્યાં. અંદર જલન ઉત્પન્ન થઈ. પોતાની હજારો રૂપિયાની આવકથી ખુશ રહેવાને બદલે દુઃખી થઈ ગયાં. નાનાભાઈની પોતાના કરતાં વધી રહેલી આવકે મનમાં અશાંતિ વ્યાપી ગઈ. હવે કેમ કરી નાનાભાઈને હેઠો પાડવો એ તરફ મોટાભાઈના વિચારો વળ્યા. નાનાભાઈની ધંધાની મૅાનોપોલીને અન્ય વેપારીઓ આગળ ફોડી નાંખી. આ પ્રસંગથી બંને પરિવારોના ગાઢ સંબંધોમાં ફાટફૂટ સર્જાઈ ગઈ. એકબીજા પ્રત્યેનો પ્રેમ અને લાગણી શૂન્ય બની ગયાં.

મોટાભાઈએ નાનાભાઈને પાડવાની પળોજણ કરવા માંડી. નાનાભાઈને આ વાતની ખબર પડતાં બંને ભાઈઓ વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી થઈ. સંબંધોમાં કાતર મુકાઈ ગઈ. મોટાભાઈએ, નાનાભાઈના વેપારીઓને પણ પોતાની ઈર્ષ્યાવૃત્તિની છાંટ ઉડાડી અને બધેથી પાછા પાડવાના પ્રયત્નો કર્યા. દિવસે દિવસે બંને ભાઈઓના એક લોહીના સંબંધો ભૂંસાવા માંડ્યા અને ભ્રાતૃભાવ દુશ્મનાવટમાં ફેરવાઈ ગયો. એકબીજાને મારવા માટે કાવતરાં કરવા માંડ્યા અને એકમાત્ર ઈર્ષ્યાવૃત્તિને પરિણામે આખું કુટુંબ ક્લેશની જ્વાળામાં સપડાઈ ગયું. વેરવિખેર થઈ ગયું. પરંતુ ત્યાં જો “મારો જ ભાઈ છે, આગળ વધ્યો હોય તો શું વાંધો હતો” એવો વિચાર કર્યો હોત તો આવું પરિણામ ન આવત.

ગુજરાતીમાં કહેવત છે કે ‘ઘી ઢોળાયું પણ ખીચડીમાં’ એટલે કે ઘી જો જમીન ઉપર કે અન્ય કોઈ જગ્યાએ ઢોળાઈ જાય તો ઘીનો વ્યય થાય છેપરંતુ ઘી જો ખીચડીમાંઢોળાયું હોય તો ખીચડી જમાડી જવાશે એટલે કે નુકસાન નહિ થાય. મોટે ભાગે પોતાના નિકટનાં સગાં-સંબંધી, સમોવડિયાં, પિતરાઈ કે પછી નજીકના વર્તુળમાં જ કોઈની ઉન્નતિ, પ્રગતિ કે પ્રસિદ્ધિ આપણે ખમી શકતા નથી. જોઈ જોઈને બળી મરાય અને ઈર્ષ્યાવૃત્તિ વધુ સબળ બનતી જાય છે. પણ એટલો જ વિચાર કરીએ કે ક્યારેક કોઈ મુશ્કેલી આવશે, તકલીફ પડશે કે કોઈના સહારાની, હૂંફ કે મદદની જરૂર પડશે ત્યારે આપણી નજીકના કૂંડાળામાં રહેલા આપણા સ્વજનો, સત્સંગી બંધુઓ કે મિત્રો જ મદદે દોડી આવવાના છે. જેની જોડે નાહવા-નિચોવવાનો સંબંધ નથી એ તો આપણી સામું પણ જોવાના નથી. જે આપણા પોતાના છે એના પ્રત્યે જ ઈર્ષ્યાવૃત્તિ રાખીને શા માટે એકલવાયા થઈ જવું.

આપણી આસપાસના નજીકના વર્તુળમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હું જ હોવી જોઈએ એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. પરિણામે આપણાથી કોઈ આગળ વધી ન જાય એની પળોજણમાં ઈર્ષ્યાનો ઉદભવ થાય છે. પરંતુ હંમેશાં બીજાની લીટી ભૂંસીને આપણી લીટીને મોટી કરવી નહીં. અન્યને નીચા કે હલકા પાડી આપણે આગળ વધવું અને પરાણે મહાનતાની ગાડીમાં ચડવું એ તો આગળ વધવાનો અધમ ઉપાય છે.

ઇંગ્લેન્ડના ચાર્લ્સ કોલ્ટન નામના પાદરી એક વખત ચર્ચમાં જઈ રહ્યા હતા. એ વખતે તેમનો એક જૂનો મિત્ર મળ્યો. તેમના ચહેરા ઉપર ગમગીની અને નિરાશાનાં વાદળો છવાયેલાં હોય એવું લાગતું હતું. કોલ્ટને પોતાના મિત્રને પૂછ્યું કે, “ભાઈ, તું આજકાલ આટલો બધો ઉદાસ કેમ જણાય છે ?”

તેઓ થોડી વાર તો મૌન રહ્યા; પછી પોતાની મૂંઝવણ વ્યક્ત કરતાં કહ્યું કે, “કોલ્ટન, હું શું કહું ? હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં હું મિત્રના વેશમાં દુશ્મનોને જ દેખું છું. ઉપરથી મિત્ર દેખાતો હોય પરંતુ પાછળ મારા માટેની ઈર્ષ્યા અને વેરવૃત્તિ જ વેરાતી હોય છે. મારો કોઈ સાચો મિત્ર જ નથી.”

કોલ્ટને કહ્યું કે, “અરે મિત્ર ! તું તો પાર્લામેન્ટની ચૂંટણીમાં કેટલાયને હરાવીને વિજયી બન્યો છે. મ્યુનિસિપાલિટીમાં પણ તું દર વર્ષે ચૂંટાઈ આવે છે. અરે કોઈ ખાતમુહૂર્ત હોય કે ઉદઘાટન હોય, પણ તારું નામ તો હંમેશાં મોખરે જ હોય છે. સૌ તને જ આગળ કરે છે, છતાંય તું કહે છે કે મારો કોઈ સાચો મિત્ર નથી ? જો મિત્ર જ ન હોય તો આ બધી યશ-કીર્તિ કેવી રીતે હોય ?” ત્યારે મિત્ર કહે, “ભાઈ કોલ્ટન, સાચું કહું તો દરેક જગ્યાએ મારા અનેક હરીફો હોય છે પરંતુ હું તો હંમેશાં સામ, દામ, દંડ, ભેદથી જ વિજયી બનું છું. જેમ જેમ મારા વિજયો વધતા જાય છે તેમ તેમ મિત્રના વેશમાં દુશ્મનો પણ વધતા જાય છે. હવે મારે શું કરવું ? કાંઈ સમજાતું નથી.”

કોલ્ટને સાંત્વના આપી અને સમજાવ્યું કે, “જો મિત્ર, તારા વિજયોમાં એક પાયાની બહુ મોટી ભૂલ છે કે, તું કોઈ પણ ક્ષેત્રમાં પોતે જ આગળ રહેવા ઇચ્છે છે.”અન્ય કોઈને આગળ આવવા દેવા ઇચ્છતો નથી. કોઈના પ્રયત્નમાં તું સહકાર આપતો નથી એટલે તારી આગળ હારનારા કે તારા હરીફો એ તારા દુશ્મન ન બને તો શું મિત્ર બને ?”

જો મિત્ર, મારી તને એક સલાહ છે કે, “જો તું લોકોને તારા કટ્ટર દુશ્મન બનાવવા માંગતો હોય તો હંમેશાં બીજાથી આગળ રહેવાની જ ઇચ્છા, અપેક્ષા રાખજે, એવા જ પ્રયત્નો કરજે. પણ ખરેખર તું એમને તારા સાચા મિત્ર બનાવવા ઇચ્છતો હોય તો બીજાને આગળ વધારવા કે આગળવધવા દેવામાં તું મદદ કરીશ, સહકાર આપીશ તો દુશ્મનો પણ તારા મિત્રો બની જશે. થોડા સમયમાં જ મિત્રોની લાંબી કતાર ખડી થઈ જશે. અનેક તારા પોતાના હોય એવા થઈ જશે. તારી યશ-કીર્તિ સાચા અર્થમાં યશસ્વી બનશે.”

મિ. કોલ્ટને તેમના મિત્રને આપેલી સલાહ આપણા જીવનમાં અપનાવીએ તો આપણો પણ કોઈ દ્વેષી ન રહે, આપણને કોઈની ઈર્ષ્યા કરવાનો વિચાર ન આવે. ઈર્ષ્યા રહિત હૃદયમાંથી જ સુહૃદભાવ અને સહિષ્ણુતાભર્યું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ઊપસે છે. કદાચ કોઈક આપણી ઈર્ષ્યા કરતું હોય એવું આપણને લાગે તોપણ આપણે સામે તેમની ઈર્ષ્યા, અવગણના કે અવહેલનામાં ન પડવું. બધું મહારાજને સોંપી દેવું અને આપણે સૌનું સારું જ ઇચ્છવું, સારું જ કરવું તો ક્યારેય આપણી આત્મીયતામાં તિરાડ નહિ પડે. આપણા સ્વભાવમાં આ વાત વણી લેવી કે સૌના સુખમાં આપણું સુખ માનવું. કોઈના દુ:ખમાં રાજી ન થવું અને સમયે સાચા દિલથી અન્યને મદદ કરવી તો ક્યારેય ઈર્ષ્યાનો કોંટો ફૂટે જ નહીં.