જવાબદારીની સભાનતા - 2

  March 28, 2015

2.  ઘરધણીપણું :

   ઘરમાં રહેવા છતાં ઘરના કાર્ય પ્રત્યે આપણે ઘરધણીપણાનું અંગ ક્યારેક કેળવી શકતા નથી. ઘરની દરેક બાબતની ચિંતા મારી જ છે, દરેક બાબતમાં રસ દાખવીને તેના પ્રત્યે સભાન રહેવું એ ઘરધણીપણું છે. કેટલીક વખત સંયુક્ત કુટુંબમાં વસ્તુનું નુકસાન થતું હોય એવું જોવા છતાં  “મારી ક્યાં જવાબદારી છે ?” એવું વિચારીને આંખ આડા કાન કરતા હોઈએ છીએ; પરિણામે અંદરોઅંદર બોલાચાલી કે અથડામણ થતી હોય છે.

   “આ સત્સંગ મારું ઘર છે” એ પંક્તિ બોલવા છતાં આપણને મંદિર પ્રત્યે, સોંપેલી સેવામાં ઘરધણીપણું રહેતું નથી. આ મારી સેવા નથી, મારે શી ચિંતા ? આવી ક્ષુલ્લક વિચારધારામાં રાચતા હોઈએ છીએ; પરંતુ મંદિર મારું છે, આ સત્સંગ મારો છે તો એની દરેક સેવાની ચિંતા મારી છે; આવું ઘરધણીપણાનું અંગ ઘરમાં અને સત્સંગમાં કેળવવું.

3.  આપસૂઝ :

   રસપૂર્વક જવાબદારી નિભાવવા માટે દરેક સેવા કે કાર્યમાં આપણી આપસૂઝ કેળવવી પડે. કોઈ કહે એટલું કરીએ એ આપસૂઝ ન કહેવાય. આ મારે કરવાનું જ છે, એવા દૃઢ સંકલ્પ સાથે કાર્ય શરૂ કર્યા પછી, હજુ વધારે સારી રીતે કેવી રીતે કરી શકીશ ?શું કરું તો કાર્ય કે સેવા સુયોગ્ય રીતે કરી શકીશ ?જો પૂર્ણ રસ સાથે આવા પ્રયત્નો કરીએ તો મહારાજ આપમેળે આપણને આપસૂઝ આપે જ, ખબર પડે જ. કેટલીક વાર આપણને ખબર પડી હોય તોપણ એના પ્રત્યે દુર્લક્ષ સેવતા હોઈએ છીએ; પરિણામે આત્મીયતા અખંડિત રહેતી નથી. દરેક સેવા કે કાર્યમાં ઊંડાણપૂર્વક વિચારવાનું અને સૂઝ કેળવવાનું અંગ કેળવીએ.

4.  સમય સામે દૃષ્ટિ :

   રસપૂર્વક જવાબદારી નિભાવવા માટે સમય સામે દૃષ્ટિ અખંડ રહેવી જોઈએ. દર્દી ધામમાં જાય પછી દવા આવે તો તેને શું કરવાની ? એમ યોગ્ય સમયે જો આપણે આપણી જવાબદારી ન નિભાવીએ તો પાછળ શું ? છેવટે ક્યારેક પરિણામ શૂન્ય આવતું હોય છે કે નુકસાન ભોગવવું પડતું હોય છે. સમય સામે દૃષ્ટિ હશે તો આપણે નક્કી કરેલા ધ્યેય સુધી પહોંચી શકીશું. સમય સાથે આપણે આપણી જવાબદારી નિભાવીએ તો આપણને જવાબદારી નિભાવ્યાનો સંતોષ થાય છે અને સામે અન્યને પણ સંતોષ આપી શકાય છે. સમય સામે દૃષ્ટિ ન હોય તો ક્યારેક એકનું એક જ કાર્ય કે સેવા માટે કોઈ આપણને વારંવાર કહે અથવા એમને ટોકવું પડતું હોય તો ત્યાં એ વ્યક્તિ પ્રત્યેથી આપણું મન ઊઠી જાય છે. સમય સામે દૃષ્ટિ રાખીને જીવન જીવવાનું અંગ આપણા જીવનમાં કેળવીએ.

   આ ઉપરાંત આપણી જવાબદારીની ગંભીરતા સમજીએ. ઘરમાં કે સત્સંગમાં આપણી નીચે અન્ય કોઈ કાર્ય કે સેવા કરતા હોય તો વિચારપૂર્વકના નિર્ણયો લેવા તથા સૌની સાથે સહાનુભૂતિભર્યું વર્તન કેળવવું મહત્વનું છે. આપણે કેટલીક વાર આપણી જવાબદારીમાંથી છટકવા માટે કે છૂટી જવા માટે  “ભૂલી ગયો”, “રહી ગયું”, “મને ખબર નહોતી”, “કંઈ વાંધો નહિ”, “ચાલશે”, “એ તો કહે હવે”, “કોને ખબર પડે છે” વગેરે જેવાં કેટલાંય સ્લોગન્સ (સૂત્રો)નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધા શબ્દપ્રયોગો એ આપણી જવાબદારીમાંથી છટકી જવાનો યુક્તિપૂર્વકનો પ્રયોગ છે. દોષિત હોવા છતાં નિર્દોષ સાબિત થવા માટેનો ઉપાય છે, જવાબદારીમાંથી છટકવાની બારી છે. આવા બચાવ-સ્લોગન્સનો ઉપયોગ કરીને, ક્યારેક આપણે આપણી જવાબદારીમાંથી જરૂર છટકી જઈએ છીએ પરંતુ બેજવાબદારીપણાના કારણે ભોગવવાં પડતાં, માઠાં પરિણામો આપણે જ સહેવાં પડતાં હોય છે; એમાંથી છટકી શકતા નથી. સમયે મોં સંતાડવાનું કે નીચું જોવાનો વારો આપણો જ આવતો હોય છે. કેટલીક વાર આપણી બેજવાબદારીને કારણે એવો સમય આવીને ઊભો રહે છે કે “કાપો તો લોહી પણ ન નીકળે” અથવા તો “જમીન જગ્યા આપે તો સમાઈ જઈએ” એવું થાય.

   નિકાસભાઈ એક કાપડની કંપનીમાં એન્જિનિયર તરીકેની પોસ્ટ ઉપર કાર્ય કરી રહ્યા છે. તેમની કંપનીના શેઠ કંપનીની મુલાકાતે મુંબઈથી અમદાવાદ આવ્યા. કંપનીના કામકાજ માટે નિકાસભાઈ સાથે તેમના શેઠની મિટિંગ થઈ. નિકાસભાઈના કાર્યથી અને તેમની કંપની પ્રત્યેની વફાદારીથી શેઠ તેમના પ્રત્યે ખૂબ પ્રભાવિત થઈ ગયા અને તેમને પ્રમોશન આપ્યું. નિકાસભાઈએ તેમના શેઠને ફૅમિલી સાથે રજાના દિવસે પોતાના ઘરે બપોરે જમવા માટે આમંત્રણ આપ્યું.

   નિકાસભાઈ આ વાતને સાવ ભૂલી જ ગયા. રવિવારે રજાનો દિવસ હતો એટલે તેમનાં ધર્મપત્ની મકાનની સાફસૂફૂીનું કામ કરતા હતા. લગભગ 11-30 વાગ્યે ડોરબેલ વાગ્યો એટલે નિકાસભાઈએ દરવાજો ખોલ્યો. દરવાજામાં શેઠને તેમના ફૅમિલી મેમ્બર્સ સાથે પોતાના ઘરે આવેલા જોઈ, નિકાસભાઈના હાથ-પગ પાણી પાણીથઈ ગયા. શેઠને “અંદર આવો, બેસો” એવું બોલવાને માટે પણ શક્તિમાન ન રહ્યા. ઘરમાં ચારેબાજુ અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હતી ને હજુ રસોઈ પણ બનાવી નહોતી. એકમાત્ર કહેવાનું ભૂલી ગયા એના પરિણામ સ્વરૂપે શેઠની આગળ મોં સંતાડવાનો ને ભોંઠા પડવાનો વારો આવ્યો.

   શેઠ આવ્યા ત્યારે અને શેઠના ગયા પછી ઘરમાં શું પરિસ્થિતિ સર્જાઈ હશે ? શું અંદરોઅંદર એકબીજા પ્રત્યે આત્મીયતા રહી હશે ? આપણા ઘરમાં જ આવું બને તો શું થાય ? વિચારીએ... આત્મીયતા રહે ?