જવાબદારીની સભાનતા - 3

  April 5, 2015

રાજીપો અને સફળતાનું મૂળ :

   રાજીપો અને સફળતાનું મૂળ આપણી જવાબદારીની સભાનતા ઉપર રહેલું છે. કોઈ કાર્ય ગમે તેવું અશક્ય હોય, અસંભવ લાગતું હોય પરંતુ જ્યારે આપણને તે જવાબદારી સોંપવામાં આવે તો રસપૂર્વક તે જવાબાદારી નિભાવીએ, તો રાજીપાના પાત્ર બની શકાય. આ કાર્યમાં જરૂરથી સફળતા પ્રાપ્ત કરી શકાય. પરિસ્થિતિ કે સંજોગો સામે ઝઝૂમીને પણ, ગમે તે રીતે જવાબદારીને પૂર્ણ કરવા ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ; એવી દિવ્ય રીત આપણને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનમાંથી શીખવા મળે છે.

   એક વખત વડતાલના ભક્તરાજ જોબનપગીએ શ્રીજીમહારાજને પ્રાર્થના કરી કે, “દયાળુ, વડતાલના હરિભક્તોની પ્રાર્થના છે કે અહીંયાં મંદિર થાય તો સારું.” શ્રીજીમહારાજે સભામાં જોયું અને બોલ્યા કે સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી જ વડતાલમાં મંદિર કરાવશે. પરંતુ એ વખતે મૂળી મંદિરનું બાંધકામ ચાલુ હોવાથી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મૂળી હતા. શ્રીજીમહારાજે સદગુરુબ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા અને વડતાલ મંદિર કરવા જવાનું છે એમ વાત કરી. શ્રીજીમહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની સાથે જનાર હરિભક્તોને 12 રૂપિયા અપાવ્યા ને કહ્યું કે મંદિર બનાવજો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજની આજ્ઞા થતાં, વડતાલનું મંદિર બનાવવાની જવાબદારી ઉત્સાહપૂર્વક સ્વીકારી, વડતાલ ભણી ચાલ્યા.

   સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ વડતાલ આવી, ચરણ વડે લીટો દોર્યો અને વિશાળ જગ્યામાં પાયા ખોદાવ્યા. 9 શીખરવાળું ભવ્ય મંદિર કરવાનો સંકલ્પ કર્યો. 12 રૂપિયામાં શું 9 શીખરવાળું ભવ્ય મંદિર થાય ? ના. પણ મારા મહારાજે મને મંદિર કરવાની આજ્ઞા કરી છે. મંદિર બનાવવાની જવાબદારી મારી છે એટલે ગમે તેમ કરી મહારાજનું ભવ્ય મંદિર બનાવવું જ છે,એમ દૃઢ સંકલ્પ સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું કામ આગળ વધાર્યું. એક હરિભક્તને થયું કે વેંત વગર બ્રહ્માનંદ સ્વામી આવડા મોટા મંદિરનો આરંભ કરશે તો કેવી રીતે પહોંચાશે ? મહારાજે તો નાનું મંદિર કરવાની આજ્ઞા કરી હતી અને આવડું મોટું મંદિર કરી મહારાજની આજ્ઞા લોપે છે એટલે તેઓ ગઢપુર ગયા અને મહારાજને બધી વિસ્તારીને વાત કરી.

   શ્રીજીમહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ઉપર ચિઠ્ઠી લખી કે,

“અપની પહોંચ બિચાર કે, કરીએ તેતી દોડ;

તેતા પાઁવ પસારીએ, જેતી લંબી સોડ.”

“પગ એટલા જ લાંબા કરાય કે જેટલી પછેડી હોય, નહિ તો મચ્છર કરડે.” એમ આપણી આર્થિક પરિસ્થિતિનો વિચાર કરી તે પ્રમાણે કાર્ય કરજો, જેથી પાછળ નુકસાન ન થાય.

મહારાજની ચિઠ્ઠી લઈ હરિભક્ત વડતાલ પહોંચ્યા અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને મહારાજની ચિઠ્ઠી આપી. પોતે મનમાં વિચારતા હતા કે હવે બ્રહ્માનંદ સ્વામીનો ઉત્સાહ ભાંગી પડશે, પાયા પૂરી દેશે અને મોટું મંદિર કરવાનો સંકલ્પ માંડી વાળશે.

   સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તો સદા મહારાજની મરજીમાં વર્તનારા હતા. તેઓ મહારાજની મરજી જાણી ગયા અને કહ્યું, “મહારાજનું કાર્ય છે ને મહારાજ પૂરું કરશે.” એમ કહી એક સાખી લખી,

“સાહેબ સરીખા શેઠીયા, બસે નગર કે માંહી,

તાકો ધન કી ક્યાં કમી, જાકી હૂંડી ચલે નવખંડ માંહી.”

   અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણ છે, એમના ઘેર ધનની કોઈ કમી નથી. સ્વામિનારાયણ ભગવાનના નામનો નવખંડમાં જયજયકાર થઈ ગયો છે, સિક્કો વાગી ગયો છે; ગમે ત્યારે ગમે તેટલી સેવા કરવા હરિભક્તો તૈયાર છે. અનંતકોટિ બ્રહ્માંડના ધણી અમારી સાથે છે એટલે કોઈ ચિંતા નથી.

   શ્રીજીમહારાજ બ્રહ્મમુનિનો વળતો જવાબ સાંભળી રાજી થઈ ગયા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો મંદિર કરવાનો આગ્રહ અને ઉત્સાહ જોઈ મહારાજ અતિ પ્રસન્ન થઈ ગયા અને આશી્ર્વાદ આપ્યા કે બ્રહ્માનંદ સ્વામીનો મંદિરનો સંકલ્પ જરૂર પૂર્ણ થશે.

   મહારાજે મંદિર કરવાની જવાબદારી સોંપ્યા પછી, મંદિર કરવામાં ઘણા પ્રશ્નોની વણઝાર ચાલુ જ રહી હતી, પરંતુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિર કરવાની જવાબદારી રસપૂર્વક નિભાવી, તો મહાપ્રભુનો રાજીપો કમાઈ ગયા અને મંદિર કરવાના કાર્યમાં સફળ થયા. સમગ્ર ચરોતર દેશમાં સ્વામિનારાયણ ભગવાનનો જયજયકાર થઈ ગયો.

   સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની જેમ આપણા શિરે પણ કોઈ જવાબદારી સોંપાય તો ઉત્સાહસભર થઈ, ગમે તેવા સંજોગો કે પરિસ્થિતિમાં પણ રસપૂર્વક જવાબદારી નિભાવવાની પ્રેરણા લઈએ.

   આપણું અંગ ન હોય, રસ ન હોય છતાં જે સેવા કે જવાબદારી મળે તે રસપૂર્વક નિભાવીએ તે ખરો સેવકભાવ કહેવાય. કેટલીક વાર આપણને કોઈ સેવા કે જવાબદારી સોંપાય ત્યારે જો આપણું અંગ ન હોય, રસ ન હોય તો તે સેવામાં આનાકાની કરતા હોઈએ છીએ કે સેવા કરવાનો ઇન્કાર કરતા હોઈએ છીએ. ક્યારેક “આ મારો વિષય નથી, આપણું કામ નહિ.” એવું બોલી જવાબદારીને ઠુકરાવતા હોઈએ છીએ. જ્યાં આવી પરિસ્થિતિનું સર્જન થાય ત્યાં આત્મીયતામાં ભંગાણ થતું હોય છે. ભલે, આપણું અંગ ન હોય, રસ ન હોય પરંતુ સોંપાયેલી સેવાને સવળા વિચાર સાથે ઉત્સાહપૂર્વક ઉપાડી લેવી જોઈએ. જવાબદારી આપનારા કેટલા વિશ્વાસ સાથે જવાબદારી આપતા હોય અને જો આપણે તેને રસપૂર્વક ન નિભાવીએ તો આપણા ઉપરી વર્ગની કે સમકક્ષ વર્ગની આપણી પાસેની અપેક્ષાઓ પડી ભાંગતી હોય છે. જ્યારે સોંપેલી જવાબદારીને રસપૂર્વક નિભાવીએ તો, રાજીપાના રાજમાર્ગ પર દોડી શકાય છે, જવાબદારી સોંપનારનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરી શકાય છે.

રસપૂર્વક જવાબદારી નિભાવવવાના આ વિષયને આપણા સ્વજીવનમાં રસપૂર્વક અનુસરીએ. રસપૂર્વક જવાબદારી નિભાવવાનું અંગ કેળવી સૌને રાજી કરતા થઈએ.

વિશેષ દૃઢતા માટે :

આ વિષયને આનુષંગિક સંસ્થામાંથી ઉપલબ્ધ પ.પૂ. સ્વામીશ્રીની દિવ્યવાણીનાં દૃશ્ય-શ્રાવ્ય (CD-VCD) પ્રકાશનો :

વાલી તરીકેની ફરજો