જીવન પરિવર્તન

  March 20, 2012

“હે મહારાજ ! દયાળુ ! પરમ દિવસે પરીક્ષા છે દયા કરજો ને દયાળુ, મારે 90% લાવવા છે, દયાળુ દયા કરીને પહેલો નંબર આવે એવું કરજો ને દયાળુ ! દયાળુ, મને કંઈ જ નથી આવડતું હું તો ડફોળ છું... આપ દયા કરજો. દયાળુ... મારે મોટા થઈને ડોક્ટર બનવું છે. દયાળુ, દયા કરજો ને મારી કોઈ જ તાકાત નથી. 90% લાવવા જ છે. આપ કૃપા કરજો ને દયાળુ...” આકાશ, મહારાજની આગળ પ્રાર્થના કરતા કરતા રડી પડે છે. મહારાજને દીન આધીનભાવે કગરે છે. 90% લાવવાનો કેટલો આગ્રહ દેખાય છે. થોડીવારમાં આકાશનો મિત્ર પ્રકાશ આવે છે ને કહે છે, “આકાશ... આકાશ... ચાલ ક્રિકેટ રમવા” આકાશ કહે છે, “ક્રિકેટ ? હા... હા.. ચાલ, આમેય મને વાંચવાનો કંટાળો આવે છે” અને ત્રણ–ચાર કલાક ક્રિકેટ રમે છે. પછી ઘરે આવી હાથમાં ચોપડી રાખી બે કલાક ટી.વી જોવે છે.

મુક્તો, આપને શું લાગે છે ? આકાશને 90% આવે ? ના... કેમ ? આકાશે કગરીને રડીને મહારાજ અને મોટાપુરુષની આગળ પ્રાર્થના કરી છે. રોજે દિવસમાં દસ વખત પ્રાર્થના કરે છે. તો મહારાજ પ્રાર્થના ના સાંભળે ? તો 90%  ના આવે ? ના... ના... ના... જ આવે. ના... ના.. ના જ સાંભળે …!

બસ મુક્તો આપણે આવું જ કરીએ છીએ. આપણે મહારાજ અને મોટાપુરુષને પ્રાર્થના કરીએ છીએ કે દયાળુ, દયા કરીને દેહભાવ બહુ નડે છે, કામ, ક્રોધ, સ્વભાવો બહુ નડે છે, દયા કરો ને દયાળુ, મારે આત્મીયતા કરવી છે. દયાળુ, મારે આપના રાજીપાના સર્વ શ્રેષ્ઠ પાત્ર દાદાખાચર જેવા થવું છે, પહેલા નંબરનો રાજીપો કમાવવો છે, દયા કરો ને... !” આવી પ્રાર્થના કરીએ અને હજુ બે મિનિટ ના થઈ હોય ને કદાચ કોઈક બે શબ્દો કહે અથવા વખાણ કરે તો માન આવી જાય. અપમાન કરે તો ગુસ્સો આસમાને પહોંચી જાય તો મૂર્તિના સુખની વાત ક્યાં રહી ?

તો શું કરવું ? પ્રાર્થના ના કરાય એમને ?

બાળકે ધ્યાન રાખી આગ્રહપૂર્વક ભણવું જ જોઈએ. પ્રાર્થના ન કરવી જોઈએ. આપણે એમને... ના 90% લાવવા કે દેહભાવ ટાળવો છે. – એવી પ્રાર્થના ન થાય. મૂર્તિસૂખના અધિકારી થવું એ આદર્શ છે. જીવનમાં આદર્શ હોવો જ જોઈએ અને આદર્શ ઊંચો જ હોવો જોઈએ. અને એ આદર્શને જ્યારે વાસ્તવિક બનાવવો હશે તો મહારાજ અને મોટાપુરુષના બળની, એમના સહારાની એમની કૃપાની જરૂર પડશે, પડશે ને પડશે જ. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ, સફળતા મેળવવા માટે પ્રાર્થના જરૂરી જ છે. ફરજિયાત છે. મહારાજ અને મોટાપુરુષના બળ વગર, કૃપા વગર, મોટા પોતાના બળે મેળવેલી સફળતા એ અહંકાર ઉત્પન્ન કરે. પોતાના બળે કદાચ સફળતાના શ્રેષ્ઠ શિખરે પહોંચ્યા પણ જો એમાં મહારાજ અને મોટાપુરુષની કૃપા નહિ હોય તો ક્યારે સફળતાના શ્રેષ્ઠ શિખર ઉપરતી નિષ્ફળતાની ઊંડી ખાઈમાં પડી જઈશું એ ખબર પણ નહિ પડે...

મહારાજ અને મોટાની કૃપાની અવરભાવમાં વ્યવહારિક સફળતા માટે પણ જરૂરી છે. પરભાવમાં દેહભાવને ટાળી મૂર્તિસુખના અધિકારે થવું છે ત્યારે આપણને મહારાજ પછીના બીજા નંબરની પદવી, દયા કરીને આપી તો દીધી છે. અનાદિમુક્ત કરી દીધા છે. હવે, એ સુખને અનુભવવું છે તો સ્વાભાવિક જ છે કે, એમની કૃપાની જરૂર પડે, પડે ને પડે જ.

પણ... પણ... પણ મુક્તો એ પણ હકીકત છે કે, માત્ર પ્રાર્થના ફળદાયી ન નીવડે. પ્રાર્થના સાથે એ પ્રમાણેનું વર્તન જોઈએ, જોઈએ ને જોઈએ જ એ પ્રમાણે વર્તવાનો સહેજ તો ખટકો – સહેજ તો આગ્રહ, જાણપણું જોઈએ ને ? અને જો વર્તવાના આગ્રહ સાથે, ખટકા અને જાણપણા સાથે પ્રાર્થના થાય તો મહારાજ જરૂર દયા કરે જ. પૂ.સ્વામીશ્રી ‘હરિને ગમે એવા જ થવું છે’ પુસ્તિકામાં કહે છે કે, દેહભાવ જેવો મહામોટો દોષ પણ ટળી જાય. તો પછી બીજા દોષોની વાતતો ક્યાં રહી... ! જરૂર છે માત્ર એક ગ્રામ ગરજની.”

ઉકાખાચરે મહારાજને પ્રાર્થના કરી દયાળુ ! આપને નિર્વાસનિક ભક્તો બહુ વહાલા છે. અને મારામાં તો વાસના જ ભરી છે. સ્ત્રીઆદિકના ઘાટ થાય છે. ન કરવાના સંકલ્પો થાય છે. દયાળુ, દયા કરો ઉકાખાચરે ખાલી ખાલી પ્રાર્થના નહોતી કરી. ખરેખર કરી હતી એટલે જ જ્યારે મહારાજે એ વાસના ટાળવાના ઉપાય બતાવ્યા તો એ ઉપાય જીવનમાં આરપાર ઉતારી દીધા. મહારાજે બતાવેલા ઉપાય પ્રમાણે જ વર્તવાનુ શરૂ કરી દીધું. નવા આવેલા પાળા – ગજુભા ઉકાખાચરને હેરાન કરે. ઉકાખાચર કચરો વાળે અને ગજુભા પાછળ કચરો નાંખે અને વઢે કે, “કેવો કચરો વાળો છો મહારાજને કહી દઈશ” આવી રીતે હેરાન કરે છતાં ઉકાખાચર હાથ જોડી એમ જ કહે, “દયાળુ, ભૂલ થઈ ગઈ રાજી રહેજો. મહારાજને ન કહેશો, મહારાજ નારાજ થઈ જશે. હું ફરી વાળી નાંખુ ને આખો ચોક ફરી વાળે...” આ જોઈ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કહે, તમે ગજુભાને કંઈક તો કહો કે એ ફરીથી કચરો નાખી જાય નહીં. ગજુભામાં રહીને મારા મહારાજ જ કાર્ય કરી રહ્યા છે. આમ, ઉકાખાચર એકવાર પણ નાપાસ ન થયા. દરેક સમયે ગજુભામાં મહારાજનાં દર્શન કરી શક્યા. પરિણામે મહારાજ કેવા રાજી થઈ ગયા ને આશીર્વાદ વરસતાં કહ્યું, “જાવ આજથી અમારામાં વાસના હોય તો તમારામાં હોય આજથી તમે નિર્વાસનિક.”

પૂ.સ્વામીશ્રી કાયમ કહે છે કે, “મહારાજ સુખિયા કરવા અધીરા બન્યા છે. રજત મહોત્સવ સુધીમાં દેહભાવ ટાળી મૂર્તિમાં મહાલતા કરવા છે. ખરા અર્થમાં કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો છે પણ હવે કસર છે આપણા કોરની, ખટકાની, આગ્રહની, ભૂખ અને ગરજની.

તો હવે પ્રશ્ન થાય કે, ભૂખ અને ગરજ જગાવવા શું કરવું ? તો એ માટે ખૂબ ભજન કરીએ સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... નામનું અખંડ રટણ કરીએ, નામીએ સહિત નામ લઈએ, કીર્તનમાં કહ્યું છે ને કે,

“શુભ સ્વામિનારાયણ નામ લહો, સુખ સાગરમાં જો રહેવા ચહો,  
નામીએ સહિત જો નામ લહો, રસબસ થઈ ગુલાતન રહો.”

સાથે સાથે સાચાભાવની પ્રાર્થના કરીએ, કગરી પડીએ: “મહારાજ, દયા કરો, કૃપા કરો...” પ્રાર્થના પ્રમાણે વર્તવાનો ખટકો પણ નિરંતર જોઈશે જ. પછી જુઓ મહારાજ કેવા ભેળા ભળે છે ? મહારાજ એવા ભૂખ્યા અને ગરજુ આત્માઓની રાહ જોઈ રહ્યા છે તો મુક્તો આજથી દૃઢ સંકલ્પ કરીએ કે, “મારે દિવસ દરમ્યાન 25-50-100 વાર ભજનને પ્રાર્થના કરવી જ છે. એમાંય સવારનો સમય તો ખૂબ સાચવી લઈએ. સવારના બે કલાકનો સમય એટલે મહારાજમાં જોડાવાનો સમય ઊઠતાંની સાથે જ, સ્નાન કરતા સર્વે ક્રિયામાં ભજનને પ્રાર્થનાની ટેવ પાડીએ. દિવસ દરમ્યાન પણ સ્કૂટર પર કે ગાડીમાં જતા ચાલતા જતા હોય તોય અખંડ અંતરથી મહારાજને ભજન અને પ્રાર્થના કરતા રહીએ. અને હા મુક્તો, આપણી પ્રાર્થના નિષ્કામભાવની હોવી જોઈએ. નિષ્કામભાવની પ્રાર્થના એ જ સાચી પ્રાર્થના.

વહાલા ગુરુજી પ.પૂ.બાપજી કાયમ એક હરિભક્ત વામજવાળા ત્રિકમભાઈ પર રાજીપો વરસાવતા કહે છે કે, “એમણે જીવનમાં ક્યારેય અમારી પાસે મૂર્તિના સુખ સિવાય બીજી પ્રાર્થના નથી કરી.” હવે પ્રશ્ન થશે કે મૂર્તિના સુખમાં બધું આવી જાય ? હા.

મૂર્તિનું સુખ આવે એટલે પરભાવનું સુખ આવ્યું એટલે અવરભાવનું સુખ આલોકનું સુખ માંગવું ન પડે. જેમ ભેંસ ખરીદીએ એટલે દૂધ મળે, તેની સાથે પોદડો મળે જ, માંગવો ન પડે. તેમ મૂર્તિનું સુખ આવે એટલે આલોકનું સુખ માંગવું ન પડે. સાથે આવે જ હવે, આપણે જરૂર છે. ભૂખ્યા અને ગરજુ થઈને ભજન અને પ્રાર્થના કરવાની પણ હા માત્ર પોકળ પ્રાર્થના નહિ સાથે વર્તવાનો ખટકો જાણપણું રાખીએ તો મહારાજ જરૂર દયા કરશે. અંતમાં, મહારાજ અને મોટાપુરુષના દિવ્યચરણોમાં એ જ પ્રાર્થના કે દયાળુ, અત્યાર સુધી માત્ર અમે પોકળ વાતો જ કરી છે. આપની આગળ ખાલી ખાલી જ પ્રાર્થના કરી છે પણ હે દયાળુ, હવે દયા કરો હવે અમારું જીવન બદલાય ઉકાખાચરે જેમ પ્રાર્થના કરી જીવનનો પલટો લાવી દીધો. એમ અમારા જીવનમાં પરિવર્તન લાવીએ એવી દયા કરો... દયા કરો... દયા કરો...