જીવન સાફલ્યનું મૂળ - વાંચન

  September 20, 2012

  1. જીવનને આંટીઘૂંટીમાંથી બહાર લાવનાર સુંદર ઉપાય – વાંચન
  2. સમજણવાળુ જીવન જીવવા માટેનું પ્રેરક પરિબળ વાંચન છે
  3. જીવન વ્યવહારની સફળતાની સીડી એટલે વાંચન
  4. જીવન ઝંઝાવાતમાં ટકી રહેલા વાંચન ખૂબ ઉપયોગી છે.
  5. નિરાશાના વમળમાં એક આશાનું કિરણ વાંચન છે.

વાંચન : જીવન સમસ્યાઓનું સમાધાન કરનારું :

વાંચન જીવનની આંટીઘૂંટીઓમાંથી માનવને બહાર કાઢે છે, કહો કે માનવને તારે છે. માનવને પોતાની સાચી ઓળખ કરાવે છે. ‘દર્શક’ આ વિશે મંતવ્ય સૂચવે છે, પુસ્તકો ખરા પારસમણિ છે. તમારી પાસે પુસ્તકો હશે, તો તમને મિત્ર, શુભેચ્છક, મુરબ્બી, સલાહકાર અને દિલાસો આપનારની ખોટ જણાશે નહીં. પુસ્તકોનું વાંચન આપણને બ્રહ્માનંદ સહોદરની અનુભૂતિ તરફ લઈ જનારી દિશા છે.

આ દિશા “એક સાંધો ત્યાં તેર તૂટે” જેવી કહેવતને મિથ્યા સાબિત કરનારી છે. એટલે કે વિમર્શનું ને આપણું જીવન પણ સમસ્યાઓથી ભરેલું છે. જીવનમાં એક સમસ્યાને નિવારીએ ત્યાં બીજી તેર બારણે આવી ઊભી જ હોય. આ સમસ્યાઓનું નિદાન એટલે વાંચન.

ભૌતિક યુગમાં માનવસમાજ કેવળ ભૌતિક સુખને પ્રાધાન્ય આપી રહ્યો છે. ત્યારે આજે ભૌતિક ઉપલબ્ધિઓ ન હોવી તે પણ એક પ્રકારનું દુઃખ જ છે. આવી ખોટી ગેરસમજમાં ઢસડાતો સમાજ ‘સમજણ’ તરફ વધે તો જ એને સાચું સુખ મળે એમ છે. પણ આ માટે વાંચન જરૂરી છે. વાંચન આપણને આ પથ પર લઈ જાય છે. પુસ્તકોનું વાંચન આપણને ફરી પાછા કદાચ ઠીકઠાક કરી દે છે. જેમ ઘરમાં માતાનો કાળજીભર્યો હાથ બધી અવ્યવસ્થાને ફરી પાછી વ્યવસ્થિત કરી દે એમ વાંચન આપણને વ્યવસ્થિત કરી દે છે. પુસ્તકોનું વાંચન આપણી મનોભૂમિ પર જે વાવેતર કરે છે તેથી વધુ આપણને લણણીયુક્ત પાક આપે છે. આ પાકને લીધે સમસ્યાઓનું જોર નબળું પડી જાય છે ને જીવન જીવવા યોગ્ય લાગે છે.

કરસનભાઈ પટેલ નામના કપાસના મોટા વેપારી હતા. તેઓ કપાસનો વ્યવસાય બહુ મોટા પાયે કરતા. વ્યવસાય મોટો હોવા છતાંય તેઓ પેઢીએ બેઠા બેઠા પુસ્તકવાંચન નિયમિત રીતે કર્યા જ કરતા. તેઓને વેપાર કરતાં વાંચનમાં વધુ સુખ આવતું. આ વાંચનશોખમાં તેઓ ઘણી વાર જમવાનું પણ ભૂલી જતા.

એવામાં તેઓનું એક વેપારી વર્ષ મોળું આવ્યું. વેપારમાં રોકેલા નાણાં વેડફાયાં. તેઓને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું. આ સ્થિતિને નિવારવા તેઓને જર-જમીન વેચવી પડી. છતાંય નાણાં ભરપાઈ ન થઈ શક્યાં. ઘરમાં પણ જમવાના સાંસા પડ્યા. નાણાં ધીરનારા વેપારીઓ પોતાનાં નાણાં પાછાં મેળવવા ધમકીઓ ને ચીમકીઓ આપવા લાગ્યા. તેમના માટે આ પરિસ્થિતિ સહન કરવી દુષ્કર બની. તેઓ નિરાશાની ગર્તામાં ખેંચાઈ ગયા. ન કરવાના વિચારો કરવા લાગ્યા. એવામાં નિરાશા-હતાશાએ એમને આત્મઘાતનો વિચાર આપ્યો. તેઓ ઘરના સર્વેને વહેલી સવારે મૂકી ગામના કૂવા ભણી ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા કૂવા પર આવી ઊભા રહ્યા. એવામાં એમને એક સવળો વિચાર સ્ફુરી આવ્યો. આ સ્ફુરણા એમને ઘર તરફ પાછી લઈ ગઈ. ઘરે જઈ તેઓ સ્ફુરેલા વિચારવાળી વાત પુસ્તકમાં ફરી વાંચવા બેસી ગયા. ને તે વાંચવાથી તેમનામાં સાહસનું ઘોડાપૂર ઊમટી આવ્યું. એમના જીવનમાં નવ્ય પ્રભાત મહોરી ઊઠ્યું. સાહસના બળે, ધીરજના ગુણે ને કુનેહપૂર્વક તેમણે ફરી વ્યવસાયમાં રસ કેળવ્યો. પરિણામે તેઓ પૂર્વનું પદ પામ્યા. પદ પામ્યા પાછળ તેઓ જણાવે છે કે, “વાંચને મને ચાણક્યની જેમ જીવનવ્યવહારનાં સઘળા પાંસાઓમાં સફળ થવાની નીતિ ને રીતિ શીખવીને હાલ પણ નિરંતર શીખવતું રહ્યું છે.”

આજના અદ્યતન યુગમાં આપણા સૌના માટે વાંચન વરદાનરૂપ છે. આજનો માનવ યંત્રવત્ જિંદગીમાં અનેક કાર્યોમાં વ્યસ્ત હોય, ત્રસ્ત હોય ને એમાં ગ્રસ્ત હોવા છતાંય વાંચન એના માટે બેલી છે. વાંચન એના જીવનનો ઝંઝાવાત ટાળી શકે એમ છે. આપણા એક સમયના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એ.પી.જે. અબ્દુલકલામના જીવનવૃતાંત ‘અગનપંખ’ વાંચતા વાંચતા સહેજે એક અનુભૂતિ થઈ આવે છે કે, તેઓ વાંચતા હતા એટલે જ આ પદને પામી શક્યા. એમનું જીવન વિકટ ઘટનાઓના આવિષ્કારોથી ઘરાયેલું હતું. છતાંય તેઓ ટકી રહ્યા, નભી રહ્યા ને સફળ થયા. તેઓના જીવનના ચઢાવ-ઉતાર વિશે વાંચતાં જણાય છે કે તેઓ એક નિયમિત આદર્શ વાંચનવીર છે. એમની પદવી ને સ્થિતિ વાંચનને આભારી છે. વાંચને એમને “મેધાવી અબ્દુલકલામ” તરીકે ઓળખાવ્યા.

વાંચન વગર જીવવું મુશ્કેલ છે. કારણ કે જીવનની નરી વાસ્તવિક્તા માનવને નિરાશાના વમળમાં લઈ જાય છે. એનાથી બચવા ને અન્યને બચાવવા વાંચન તરફ આપણે અભિમુખ થઈએ તો ડહાપણની અનુભૂતિ થશે. જીવનસાફલ્યનાં વિધવિધ ઝરણાંઓની ધારાઓમાં ભીંજાવા મળશે. અને જે કરવા માટે આપણું જીવન છે તે થશે.