કરકસર-1

  December 5, 2018

21મી સદી – અછતમાં છતના ચાળા. જ્યારે મોટાપુરુષના જીવનપ્રસંગમાં કરકસર અને લોભની સ્પષ્ટ ભેદરેખા સહેજે જણાય છે.

આજે સર્વત્ર વૈશ્વિક મંદીનું વાતાવરણ છે. અમીર કે મધ્યમવર્ગીય બહુધા સમાજ આર્થિક સંકડામણની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. મંદીની પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં બહુધા વ્યક્તિની જીવનશૈલી વૈશ્વિક તેજીમાં જીવતા હોય તેવી છે. દિન-પ્રતિદિન ટૅકનૉલૉજીના માધ્યમથી જીવન સુવિધાએયુક્ત બનાવે છે પરંતુ તેના લીધે જીવનશૈલી ખર્ચાળ અને ઉડાઉ બની છે. વેંત ન હોવા છતાં વધુ દેખાડવાના પ્રયત્ન થાય છે અર્થાત્ અછતમાં છતના ચાળા થાય છે.

આજની પેઢી ‘મળે તેટલું વાપરો, કાલ કોણે જોઈ છે?', ‘ભવિષ્ય કી ચિંતા છોડકર વર્તમાન મેં જીયે' જેવી વિચારધારામાં રાચે છે. તેથી મન મૂકી ખર્ચા કરે છે. ક્યારેક તો દેવું કરીને પણ પોતાની પાસે હોય તેના કરતાં વધારે ખર્ચા કરે છે.

ઓગણીસમી અને વીસમી સદીમાં જીવતા લોકોની વૃત્તિ આટલી ઉડાઉ અને ખર્ચાળ નહોતી. તેમનામાં કરકસરનો ગુણ વિશેષ જોવા મળતો. તેથી આજે ઘર-પરિવાર કે સંસ્થામાં કોઈ વડીલ જો દ્રવ્ય કે વસ્તુના વપરાશમાં કરકસર કરવાનું કહે, ૧ રૂપિયાના ખર્ચથી પતે તેમ હોય તો ૫ રૂપિયા ખર્ચવાની ના પાડે, સાદી વસ્તુથી ચાલતું હોય તો મોંઘીદાટ વસ્તુની ખરીદી કરવાની ના પાડે, બિનજરૂરી વસ્તુ-દ્રવ્યનો બગાડ થતો હોય ત્યારે રોક-ટોકે તો તે આજની પેઢીને વેદિયાપણું લાગે છે, લોભ કરે છે એવું લાગે છે. કારણ કે આજની પેઢીને કરકસર એટલે શું ? અને કરકસર અને લોભના ભેદની સ્પષ્ટતા જ નથી.

કરકસર એટલે શું ?

કરકસર એટલે કસર કર. એટલે કે જે વસ્તુ-પદાર્થની આપણે જરૂર નથી તેના વગર ચલવી લેવું.

કરકસર એટલે હાથનો સંકોચ અર્થાત્ સમજણપૂર્વક યોગ્ય રીતે, યોગ્ય જગ્યાએ પૈસાનો સદુપયોગ કરવો.

કરકસર એટલે proper money management અર્થાત્ મર્યાદિત વસ્તુ-પદાર્થની વિવેકપૂર્વક ખરીદી અને વપરાશ.

કરકસર અને લોભવૃત્તિ બંને વચ્ચે ઘણો મોટો ભેદ છે. જે વસ્તુ-પદાર્થની જરૂર છે તે જ અને તેટલું જ ખપપૂરતું લેવું તે કરકસર છે. પરંતુ જે વસ્તુ-પદાર્થની જરૂર હોવા છતાંય તેનો ઉપયોગ ન કરવો તે લોભ છે. ક્યારેક લોભી પ્રકૃતિવાળા પોતે વસ્તુ-પદાર્થ છૂટથી વાપરે પરંતુ અન્ય માટે કંજૂસાઈ કરે, વાપરી ન શકે. અતિ લોભી પ્રકૃતિવાળા તો પોતાના માટે પણ ન વાપરે.

કરકસર અને લોભની સ્પષ્ટ ભેદરેખા પ.પૂ. સ્વામીશ્રીના જીવનપ્રસંગ દ્વારા જોઈએ. એક વખત પ.પૂ. સ્વામીશ્રીના સ્લીપર જૂના થઈ ગયા હતા. સ્લીપરની પટ્ટી તૂટી જાય તેવી હતી, સ્લીપરના સોલ ઘસાઈ ગયેલા હતા. તેથી પૂ. સંતોએ જૂના સ્લીપરને બદલે નવા સ્લીપર ગ્રહણ કરવા આગ્રહ કર્યો. પરંતુ પ.પૂ. સ્વામીશ્રીએ નવા સ્લીપર ગ્રહણ ન કર્યા.

છેવટે પૂ. સંતોએ સ્લીપર સંતાડી દીધા જેથી નવા ધારણ કરે. બીજા દિવસે પ.પૂ. સ્વામીશ્રીને વિચરણમાં પધારવાનું હતું. સ્લીપર પહેરવા ગયા તો જૂના સ્લીપરની જગ્યાએ નવા મૂકેલા હતા. નીકળવાના સમયે પૂ. સંતોએ પ્રાર્થના કરી કે, “દયાળુ, નવા ધારણ કરો તો સારું.” પરંતુ પ.પૂ. સ્વામીશ્રી એમ કાંઈ તેમની વિનંતી સ્વીકારે ?

પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “સંતો, જૂના સ્લીપર નહિ મળે તો અમો અડવાણે પગે વિચરણમાં જઈશું; પણ નવા સ્લીપર તો નહિ જ પહેરીએ. સંતો, જૂના સ્લીપર પહેરવાથી કંઈ અમે પડી નથી જવાના. તેમાં કંઈ પગ દઝાતા નથી. કાંટા-કાંકરાય વાગતા નથી. હજુ તેનાથી અમને કોઈ તકલીફ પડતી નથી તો શા માટે નવા સ્લીપર લેવાના ? જ્યાં સુધી ચાલે તેમ છે ત્યાં સુધી જૂના જ ચલાવીશું. તૂટશે પછી નવા લઈશું. આવા છતના ચાળા ન કરાય. મહારાજ રાજી ન થાય.” અંતે પૂ. સંતોએ જૂના સ્લીપર આપ્યા ત્યારે પ.પૂ. સ્વામીશ્રી એ સ્લીપર ધારણ કરી વિચરણમાં ગોધર પધાર્યા.

એ જ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલના શહેરા તાલુકાના બોરિયાવી ગામે પધરામણીમાં પધાર્યા હતા. ત્યાંના હરિભક્ત સમાજની આર્થિક સ્થિતિ દુર્બળ હોવાથી તેમના બાળમુક્તોના ચરણમાં સ્લીપર ન હતા. તેમ છતાં ઉનાળાની ધોમધખતી ગરમીમાં આનંદ-કિલ્લોલ કરતા બાળમુક્તો ખુલ્લા પગે પ.પૂ. સ્વામીશ્રી સાથે પધરામણીમાં ચાલતા હતા. પ.પૂ. સ્વામીશ્રીનું હૃદય તેમના ખુલ્લા દાઝતા પગ જોઈ ગદ્ગદિત થઈ ગયું. એક હરિભક્તને શહેરા મોકલી તાત્કાલિક નવા સ્લીપર મગાવ્યા. પોતાના હસ્તે બધા બાળમુક્તોને પહેરાવ્યા ત્યારે તેમના અંતરે હાશ થઈ. આમ, બીજાનું દુઃખ જોઈ પીગળે તે સંત.

પ.પૂ. સ્વામીશ્રીના આ બંને પ્રસંગો દ્વારા લોભવૃત્તિ અને કરકસરેયુક્ત જીવન જીવવાની ભેદરેખાનાં સ્પષ્ટ દર્શન થાય છે. સંસ્થામાં હરિભક્તો મહિમાથી સેવા કરવાવાળા છે. તેઓ પ.પૂ. સ્વામીશ્રી માટે રોજ નવા સ્લીપર લાવી આપે; પરંતુ કરકસર જેમના જીવનનો આદર્શ છે તેવા ૫.પૂ. સ્વામીશ્રી પોતાના એક જોડી સ્લીપર માટે કરકસરનો આગ્રહ રાખે. જ્યારે બાળકો માટે ૫૦-૧૦૦ જોડી સ્લીપર લાવવાના થયા તો જરા પણ લોભ ન કર્યો. અર્થાત્ જ્યાં ખર્ચ કરવાની જરૂર ન હોય ત્યાં ખર્ચ ન કરવો તે કરકસર અને જ્યાં જરૂર હોવા છતાં ખર્ચ ન કરવો તે લોભ છે. ગુરુવર્ય પ.પૂ. બાપજીના જીવનમાં પણ ક્ષણે ક્ષણે કરકસરનાં દર્શન થતા હોય છે.

ઈ.સ. ૧૯૮૫માં વાસણા મંદિરનું નિર્માણકાર્ય ચાલુ હતું. દિવસ દરમ્યાન કડિયા-મજૂરો કામ કરતા હોય. સાંજે તેઓ ઘરે જાય પછી ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના ગુરુપદે બિરાજતા હોવા છતાં છૂટીછવાઈ વેરાઈ ગયેલી કપચી વીણે, તારના ટુકડા ભેગા કરે, પહોળી થઈ ગયેલી રેતી ભેગી કરી ઈંટની પાળી કરે. ધાબું ભરેલું હોય તો તેમાં રેતીના પાળા કરી પાણી પાય. ઈંટો ચણતરકામ કરવાનું હોય ત્યાં રાત્રે લઈ જઈ મૂકી દે જેથી મજૂરને એટલું ઓછું વળતર ચૂકવવું પડે. ક્ષણે ક્ષણે રખેને ઠાકોરજીની એક વસ્તુનો બગાડ ન થાય કે એક રૂપિયો વધારાનો ખર્ચવો ન પડે તેની તેઓ ખૂબ કાળજીપૂર્વક તકેદારી રાખતા.

વાસણા મૂર્તિધામ હૉલ માટે જગ્યા લેવાઈ ત્યારે ત્યાં જૂની ઝૂંપડપટ્ટી હતી તથા ખંડિત થયેલી ઓરડીઓ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ મૂર્તિધામ હૉલના બાંધકામ માટે તે ઓરડીઓના પાયા ખોદાવી તેની ઈંટો કઢાવી; હથોડી અને છીણી વડે ઈંટ પરથી સિમેન્ટ કાઢવા પોતે બેસી જાય. સંતો-હરિભક્તો પાસે પણ ઈંટો ચોખ્ખી કરાવતા. એ જૂની ઈંટોનો જ મૂર્તિધામ હૉલના પાયામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ઉપયોગ કરાવડાવ્યો હતો.

SMVSનું શૂન્યમાંથી સર્જન કરવામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી નાનામાં નાના વસ્તુ-પદાર્થનો ચીવટપૂર્વક ઉપયોગ કરતા-કરાવતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો કરકસરનો સૂક્ષ્મ ગુણ જોઈ કેટલાય આશ્ચર્યમુગ્ધ બની જતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજીએ જે નોટમાં કે ચબરખીમાં હિસાબ લખ્યો હોય કે નોંધ લખી હોય તેની અંદર એક ઈંચની પણ જગ્યા જોવા ન મળે; તો હાંસિયો તો છોડ્યો જ ક્યાંથી હોય ?!

ગુરુવર્ય પ.પૂ. બાપજી એટલે કરકસરનું સાક્ષાત્ સ્વરૂપ.