કરકસર-2

  December 12, 2018

જીવનમાં સુખી થવા એક તો વસ્તુ-પદાર્થની ખરીદી અને વપરાશમાં કરકસરનો ગુણ કેળવવો ફરજિયાત છે.

આજે SMVS હોય કે કોઈ સંસ્થા, એકમ, ધંધા-વ્યવહાર કે ઘર-પરિવારની સફળતામાં, આર્થિક સધ્ધરતામાં કરકસરના ગુણનો ફાળો મહત્ત્વનો હોય છે.

એક વખત સામાજિક કાર્યોના ઉત્કર્ષ માટે કાર્યરત મંડળમાંથી પાંચ-સાત સભ્યો ફંડ ઉઘરાવવા એક શેઠના બંગલે ગયા. તેઓ ઘરની ઓસરીએ ચડતા હતા તે જ વખતે શેઠે તેમના દીકરાને તમાચો માર્યો અને વઢવા લાગ્યા,

“મનિષ, તેં મોટી લાઇટ ચાલુ કરી તો ડીમલાઇટ બંધ કરવાનું કેમ ભૂલી ગયો ? અને પાણી પીતાં આ બે ઘૂંટડા પાણી વધ્યું હતું તે કેમ ઢોળી દીધું ?”

શેઠનાં ઉગ્ર વચનો બહાર ઊભેલા મંડળના સભ્યો સાંભળતા હતા તેથી વિચાર કરવા લાગ્યા કે, “આ કંજૂસ શેઠ પોતાના દીકરાને લાઇટ, પાણી વાપરવામાં પણ ધમકાવે છે, મારે છે તો આપણને શું આપશે ? માટે પાછા વળો.”

હજુ પાછા વળતા હતા ત્યાં શેઠે બારી બહાર જોયું અને આવકાર્યા. મને-કમને આ સભ્યો ઘરમાં પ્રવેશ્યા. શેઠે કહ્યું, “બોલો કેમ આવવું થયું ?” ફંડ ઉઘરાવવા અંગે વાત કરી. તુરત જ શેઠે ૧૦,૦૦૦ રૂપિયાનો ચેક લખી સભ્યોને આપ્યો. ચેક હાથમાં લેતાં આવેલા સભ્યો સ્તબ્ધ થઈ ગયા. તેમાંના એક આગેવાને પૂછી લીધું કે, “શેઠ, હમણાં તો તમે તમારા દીકરાને નાની લાઇટ અને પાણીના બે ઘૂંટાના બગાડમાં લાફો મારી દીધો અને...” આગેવાન આગળ વાત કરે તે પહેલાં શેઠે તેમના પ્રશ્નનો ઉત્તર કરતાં કહ્યું,

“અરે ભાઈ, મારા જીવનમાં એક એક બાબતની નાનામાં નાની કરકસર કરીને જ આજે હું આ સ્થાન સુધી પહોંચી શક્યો છું. મેં મારા જીવનમાં ખપ વગર કોઈ વસ્તુ વાપરી જ નથી તો વ્યય તો થવા જ કેમ દીધો હોય ? એક એક પાઈ ત્રેવડથી બચાવીને જ આજે હું સામાન્ય વર્કરમાંથી આ સ્ટેજ સુધી પહોંચ્યો છું. અને આ પાઠ મારે મારા બાળકમાં દઢ કરાવવા છે.”

આવી નાની બાબતોમાં જાગૃતતા કેળવીને કરકસર કરતાં જે શીખ્યા તે જ આર્થિક રીતે સધ્ધર થઈ શકે છે. આપણા જીવનમાં દરેક ક્ષેત્રે કરકસરનો ગુણ કેળવવાથી જીવનમાં સુખી થઈ શકાય. કેવી બાબતોમાં કરકસરનો ગુણ કેળવવો જોઈએ ? તે જોઈએ.

વસ્તુ-પદાર્થની ખરીદી અને વપરાશમાં :

સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૩જી વાતમાં કહ્યું છે કે, “આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વે વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વ ફેલ (ફેલફતૂર) છે.” અર્થાત્ ખરેખર પ્રાથમિક જીવન જરૂરિયાત સિવાયની અન્ય વસ્તુ ખરીદવી-વાપરવી તે ફેલ છે. સદ્ ગુણાતીતાનંદ સ્વામીના અભિપ્રાય મુજબ આપણા જીવનનો તપાસ કરીએ તો બહુધા પૈસા ફેલમાં વપરાતા હોય છે.

આપણે આપણા ઘરમાં એક સરવે કરીએ કે રોજબરોજની વપરાશની તથા ગ્રોસરી(કરિયાણા) સિવાયની એવી કેટલી ચીજવસ્તુઓ તિજોરી, કબાટ કે અલમારીઓમાં સચવાયેલી પડી છે કે જેનો આપણે કદી ઉપયોગ કર્યો નથી અને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરીશું કે નહિ તે નિશ્ચિત નથી.

એક વખત એક ભાઈએ નવો બંગલો બનાવ્યો. ફલૅટ ખાલી કરી નવા ઘરમાં રહેવા જતા હતા. ફલૅટ ખાલી કરતાં ઘણીબધી વસ્તુઓ એવી મળી કે તેની ખરીદી કર્યા પછી તેનું સીલ પણ તોડ્યું ન હતું અને તે વસ્તુઓ કયા કારણસર ખરીદી હતી તે પણ યાદ ન હતું.

મોટાભાગે આવી બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટી.વી. કે હોર્ડિંગ્ઝ ઉપર આવતી આકર્ષક જાહેરાતો જોઈ કે દેખાદેખીને કારણે થતી હોય છે. ઘણી વાર બ્રાન્ડ નેમવાળી વસ્તુ ખરીદવાના આગ્રહને લીધે પણ વસ્તુની કિંમત કરતાં વધુ રૂપિયા ચૂકવતા હોઈએ છીએ. તો વળી ફરવાલાયક સ્થળોએ ફરવા જતા કંઈક નવું જોઈએ કે તુરત ખરીદી કરી લઈએ અને તેમાંય રજાના દિવસે શૉપિંગ કરવાનો તો એક મેનિયા થઈ ગયો છે. મોલમાં જતી વખતે હાથ ખાલી હોય અને ખીસું ભરેલું હોય પણ મોલમાંથી બહાર નીકળતાં ખીસું ખાલી અને હાથ ભરેલા હોય છે. પરંતુ તેમાં કામની કેટલી વસ્તુ ખરીદી ? તો તે માટે પાછા વળી વિચાર કરતા જ નથી.

જો પ્લાનિંગ કરી જરૂરી વસ્તુઓની યાદી બનાવીને પછી નીકળીએ અને તેમ જ વર્તીએ તો સહેજે બિનજરૂરી ખર્ચ બચે.

એક વખત એક હરિભક્તે પ.પૂ. સ્વામીશ્રી પાસે આવી પૂછયું, “સ્વામી, એક નવું ગાડીનું મૉડલ આવ્યું છે તો ખરીદીએ ?” પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમારા ઘરમાં કેટલા સભ્યો છો ?” “દીકરા-દીકરી અને અમે બે જણ છીએ.” “ગાડી કેટલી છે ?” “બે ગાડી છે.” “બે સભ્યો છે અને બે ગાડી છે તો નવી શા માટે ખરીદવાની ? તમારી પાસે જે કાંઈ દ્રવ્ય છે તે પણ ઠાકોરજીનું જ છે તો શા માટે જરૂર વગર ગાડી ખરીદવાની ?”

ખરીદીની જેમ વસ્તુ વાપરવાની બાબતમાં પણ આવું બનતું હોય છે. માનવસહજ સ્વભાવ છે કે કોઈ નવી વસ્તુ જુએ એટલે જૂની વસ્તુથી ચાલે તેમ હોય તોપણ નવી વસ્તુ જ વાપરવી ગમે અને તેનો જ આગ્રહ રાખે. જૂની વસ્તુથી ચાલે તેમ હોય તો નવી વસ્તુ ન વાપરવી એવો કરકસરનો ગુણ પ.પૂ. સ્વામીશ્રીના જીવનમાંથી શીખવા મળે.

તા. ૧૪-૫-૨૦૧૭ના દિને પ.પૂ. સ્વામીશ્રી હિંમતનગર મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા કરી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે પરત પધાર્યા. આસને બાથરૂમમાં ગયા તો ત્યાં નળ પર નવી ગરણાકોથળી જોઈ. બાથરૂમનો ઉપયોગ કર્યા વગર જ બહાર આવી ગયા અને સેવક સંતને કહ્યું, “આ બાથરૂમમાં નવી ગરણાકોથળી કેમ ? જૂની ચાલે તેમ જ હતી તો પછી નવી શા માટે ? જૂની લઈ આવો પછી જ અમે બાથરૂમનો ઉપયોગ કરીશું.” એમ કહી પૂ. સંતોના બાથરૂમ તરફ ગયા. સેવક સંતે પ.પૂ. સ્વામીશ્રીનું આસન સાફ કરનાર સાધકમુક્તોને બોલાવી જૂની ગરણાકોથળી માગી. પણ સાધકમુક્તોએ જરી જવા આવેલી હોવાથી ગરણાકોથળી ફાડીને ડસ્ટબિનમાં જવા દીધી હતી. સેવક સંતે તે ગરણા-કોથળી ડસ્ટબિનમાંથી કઢાવી પ.પૂ. સ્વામીશ્રીને બતાવી અને કહ્યું,

“સ્વામી, રાજી રહેજો, આ ગરણા કોથળી ફરી ઉપયોગમાં આવે તેમ નથી.” ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું,

“સ્વામી, આવી રીતે ગરણાકોથળીઓ ફેંકી દીધે કેમ ચાલશે ?” આ રીતે પ.પૂ. સ્વામીશ્રીએ ગરણાકોથળી જેવી નાની બાબતમાં પણ કરકસર કરવાનો સંદેશ આપ્યો.

મોટાપુરુષના જીવનમાંથી પ્રેરણા લઈ વસ્તુ-પદાર્થની ખરીદી અને વપરાશમાં કરકસર કરતા થઈએ એ જ અભ્યર્થના.