કરકસર-3

  December 19, 2018

જીવનમાં સુખી થવા અન્ય કઈ કઈ બાબતોમાં કરકસરનો ગુણ કેળવવો જોઈએ ? તે જોઈએ.

અથવા

કરકસરનો ગુણ કેવી કેવી બાબતોમાં કેળવવો જોઈએ ? તે જોઈએ.

કુદરતી સંપત્તિના ઉપયોગમાં :

(A) પાણી :

પૃથ્વીનો ૭૫% ભાગ પાણીથી ભરેલો છે પરંતુ તેમાંથી માત્ર ૧% જ પાણી મનુષ્યને વાપરવાલાયક અને પીવાલાયક છે. બાકી ૭૪% પાણી ખારું છે. આજે દુનિયામાં ૧% પીવાલાયક પાણીની પણ અછત વર્તાઈ રહી છે. દુબઈ જેવા દેશોમાં દૈનિક જીવનમાં વાપરવાના ૧ લિટર પાણીના ૧૮ રૂપિયા અને પીવાલાયક પાણીના ૧ લિટરના ૩૫ રૂપિયા ચૂકવવા પડે છે. ‘જળ એ જ જીવન છે’ એવું બોલવા છતાં પાણીનો કેટલો દુર્વ્યય કરીએ છીએ તે વિચારીએ.

R.O. અથવા filter waterનું ૧ ગ્લાસ પાણી મેળવવામાં ૩ ગ્લાસ પાણી ગટરમાં જાય છે અર્થાત્ ૧ ગ્લાસ પીવાનું પાણી મેળવવામાં ૪ ગ્લાસ પાણી વપરાય. હવે જો અડધો ગ્લાસ R.O.નું પાણી ઢોળીએ તો તે બે ગ્લાસ પાણીનો બગાડ થયા બરાબર છે. માટે કદી પીવાના પાણીનો કે વાપરવાના પાણીનો બિનજરૂરી બગાડ કરવો નહીં.

પ.પૂ. સ્વામીશ્રી કોઈ પણ મંદિરની કેમ્પસ વિઝિટમાં પધાર્યા હોય એ વખતે કોઈ પણ જગ્યાએ પાણીના નળ ટપકતા હોય તો તરત જ સાથેના વહીવટીય હરિભક્તોને ગણતરી કરાવે કે, “નળમાંથી પાણી ટપકતાં બે કલાકે એક ડોલ ભરાય તો એક દિવસમાં ૧૨ ડોલ પાણી વેસ્ટ જાય. રોજની ૧૨ ડોલ ગણો તો કેટલું પાણી નકામું જાય ! માટે આજે જ નળ બદલાવો.”

ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા હતા છતાં કહેતા, “સાબરમતીમાંથી ખપપૂરતું જ પાણી મોં ધોવા વાપરવું જોઈએ.” ગાંધીજી એક નાની લોટી પાણીથી દરરોજ સવારે દાતણ કરતા, મોં સાફ કરતા, આંખો ધોતા ને હાથ ધોતા. પાણી એ નૈસર્ગિક સંપત્તિ છે; તેનો કરકસરભર્યો ઉપયોગ આપણા માટે જ ફાયદાકારક છે માટે તેનું મહત્ત્વ સમજીએ.

(B) પેટ્રોલ-ડીઝલ :

વાહનની વ્યવસ્થાએ આજે મનુષ્યને પાંગળો બનાવી દીધો છે. જાણે કે તે ચાલવાનું જ ભૂલી ગયો હોય તેવું લાગે. દૂધ-શાક કે કંઈ પણ વસ્તુ લેવા માટે જવું હોય તો તરત ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને તૈયાર થઈ જાય. ક્યારેક સોસાયટીના નાકેથી ૨ રૂપિયાની પેન ખરીદવામાં કે ૨૦-૨૨ રૂપિયાની એક ૫૦૦ ગ્રામ દૂધની થેલી લાવવા સામે ૨૦-૨૫ રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ વપરાય તો તે ૨ રૂપિયાની પેન કે ૫૦૦ ગ્રામ દૂધ કેટલાનું થાય ?

આજે કુદરતી સંપત્તિમાં ખનિજ તેલની ભારે અછત વર્તાય છે તથા તેના ભાવ પણ દિન-પ્રતિદિન વધતા જાય છે; તો ખરેખર જ્યાં ચાલતા જવું શક્ય હોય ત્યાં ચાલતા જ જઈએ. કોઈ વસ્તુની ખરીદી માટે આયોજન કરીએ. બહારથી આવતાં-જતાં તેની ખરીદી કરીએ. જ્યાં સાઇકલ લઈને જવાનું શક્ય હોય ત્યાં સાઇકલ વાપરીએ. મંદિર કે અન્યત્ર જવાનું હોય તો પરિવારના સભ્યો સાથે જવાનું સેટિંગ કરીએ. પેટ્રોલ-ડીઝલનો શક્ય તેટલો કરકસરભર્યો ઉપયોગ કરીએ.

(C) ઇલેક્ટ્રિસિટીના ઉપયોગમાં :

ઇલેક્ટ્રિસિટીનો જરૂર હોય ત્યારે ઉપયોગ કરવો અને જરૂર ન હોય ત્યારે તેને બંધ કરવું એ કરકસર છે. એક વખત એક સાધકમુક્ત રૂમમાં લાઇટ ચાલુ કરી કોઈ કારણથી થોડી વાર માટે બાજુના રૂમમાં ગયા હતા; એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા. લાઇટ ચાલુ જોઈ પૂછ્યું, “કેમ લાઇટ ચાલુ છે ?” સાધકમુક્તે કહ્યું, “બાપા, હું તો આવતો જ હતો.” “લાઇટ બંધ કરવામાં ક્યાં હેન્ડલ મારવું પડે છે ? બહાર નીકળીએ કે તુરત બંધ કરવી, ફરી જરૂર પડે તો ચાલુ કરવી પણ તેનો બગાડ ન કરવો.” એવી રીતે બિનજરૂરી લાઇટનો બગાડ ન કરવા શીખવ્યું.

ઘણી વાર ઘરમાં એક રૂમમાં લાઇટ-પંખો ચાલુ હોય અને જો બીજાને કોઈ કામ કરવું હોય તો બીજા રૂમમાં લાઇટ-પંખા ચાલુ ન કરતાં એક જ જગ્યાએ બેસવાથી ઇલેક્ટ્રિસિટી બચાવી શકાય. મંદિરમાં પણ એક જગ્યાએ પંખો કે લાઇટ ચાલુ હોય તો જુદો પંખો કરીને બેસવું નહિ તેને વીજળીનો વિવેકપૂર્વક ઉપયોગ કર્યો કહેવાય.

આવો કરકસરનો ગુણ સ્વયંજાગૃતિ અને આપસૂઝ દ્વારા કેળવી શકાય. ઘરમાં રહેલ દરેક વસ્તુની જાળવણી કરવી તથા બજારમાંથી વસ્તુ કે પદાર્થ એવાં જ ખરીદવાં કે વાપરવાં જે eco-friendly અને recyclable (વાતાવરણને અનુરૂપ અને જેનો ફરી ઉપયોગ થઈ શકે તેવાં) હોય.

ઘરમાં અભ્યાસના કે અન્ય નોટ-ચોપડા કે સમાચારપત્રો જેવી પસ્તીને કચરામાં ન નાખતાં ભેગાં કરી વેચવાં. દૂધની કોથળીઓનો પણ ફરી ઉપયોગ થઈ શકે છે માટે તે પણ ભેગી કરી વેચી શકાય.

આવી રીતે ઘણીબધી બાબતોમાં કરકસરથી આપણી બચતમાં વધારો કરી શકાય તથા આપણી માસિક કે વાર્ષિક આવકમાંથી કરકસર કરી અમુક હિસ્સો બચાવી શકાય. જેના દ્વારા પરિવારમાં કોઈ આકસ્મિક સંજોગ-પરિસ્થિતિ આવે ત્યારે તેને સહેલાઈથી પાર કરી શકાય.

આ રીતે ૧૦% કે પ% ધર્માદો એ આપણી આધ્યાત્મિક બચત છે. શ્રીજીમહારાજે આવી બચત કરાવી મંદિર વહીવટને સરળ બનાવ્યો છે. નામું લખવું એ પણ બચતનો એક ભાગ જ છે. મહારાજે બહુ પ્રેક્ટિકલી આવી બાબતો શીખવેલી છે.

મામૂલી લાગતો છતાં જીવનમાં અતિ મહત્ત્વનો એવો કરકસરનો ગુણ આપણા જીવનમાં દઢ કરીએ એ જ અભ્યર્થના.