કથાવાર્તા શ્રવણની આદર્શ રીત

  February 12, 2017

મોટાપુરુષ એટલે શ્રીજીમહારાજે આપણને આપેલી અણમોલ ભેટ. મોટાપુરુષ એ કોઈ આ લોકનું સ્વરૂપ નથી. એ સંપૂર્ણ પરભાવનું સ્વરૂપ છે. અને એટલે જ એમની સર્વે ક્રિયાના કર્તા શ્રીજીમહારાજ છે.

મોટાપુરુષની એક એક ક્રિયા... એમનું બોલવું, એમનું ચાલવું, એમનો ઇશારો, અરે... એમની દૃષ્ટિ... દરેકમાં કોઈક સ્પષ્ટ હેતુ હોય જ... બસ, સાચા મુમુક્ષુ થઈ એ ગુણો જોવાની ને લેવાની દૃષ્ટિ કેળવવાની છે. તો એ જે દિવ્ય કલ્યાણકારી ગુણોસભર છે એવા ગુણોસભર થતા વાર નહિ લાગે...

અહીં બે હરિભક્તને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી દ્વારા થયેલી એક નાનકડી ટકોર આપણા જીવનમાં આધ્યાત્મિક માર્ગના શિખરોને સર કરવાની કેવી એક અદ્‌ભુત રીત શીખવી દે છે તે જોઈએ...!!!? અને તેને સદાયને માટે જીવનમાં કંડારી દઈએ...

ગત તારીખ ૩૧ જાન્યુઆરીથી ૨જી ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે સંસ્થા દ્વારા આદર્શ યુવાનો માટે ચાલી રહેલ ‘આદર્શ યુવા પ્રૉજેક્ટ’ અંતર્ગત AYP કૅમ્પ ચાલી રહ્યો હતો. જેમાં દ્વિતીય દિને બપોરના સેશનમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધાર્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સભાહૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્ટેજ તરફ પધારતા હતા તે દરમ્યાન સભામાં પાછળ બેઠેલા બે યુવા મુક્તો અરસપરસ કંઈક વાતચીત કરી રહ્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આ જોઈ ગયા. તરત જ પ.પૂ. સ્વામીશ્રીએ એ મુક્તોની નજીક જઈ પ્રેમથી મસ્તકે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું કે, “દયાળુ, એક ટકોર કરું ?” ત્યારે પેલા મુક્તે કહ્યું, “હા, મહારાજ. આપને આવું પૂછવાનું ન હોય ! અમે તો આપના સેવક છીએ. આપને જ્યારે અમને જે કહેવું હોય તે નિધડકપણે કહેવાનું હોય. એ આપનો અબાધિત અધિકાર છે.” ત્યારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “અત્યારે કથાવાર્તા ચાલુ છે, મોટેરા સંતો લાભ આપી રહ્યા છે. એ દરમ્યાન આપણે અન્ય વાતો કરીએ એ યોગ્ય ન કહેવાય. વાતો તો સભા પૂરી થયા પછી પણ કરી શકાય. પણ અત્યારે સંતો દ્વારા મહારાજ આપણને લાભ આપી રહ્યા છે. મહારાજ એમના અભિપ્રાયો, આગ્રહો સમજાવી રહ્યા છે માટે એ દરમ્યાન કોઈ જ વાતચીત ન કરાય કે અન્ય કંઈ પ્રવૃત્તિ પણ ન કરાય. નહિતર મહારાજનો આપણા માટેનો જે આગ્રહ આવ્યો હોય તે જતો રહે, તો પછી એ પ્રમાણે આપણું જીવન કેમ થાય ? માટે કથાવાર્તા દરમ્યાન કોઈ પ્રવૃત્તિ ન કરવી. કથાવાર્તા સાંભળતાં સાંભળતાં નિરંતર વિચાર કર્યા કરવો કે, મહારાજ જ લાભ આપી રહ્યા છે... ભલે કથા કરનાર સંત નાના હોય કે મોટા હોય, એમના દ્વારા બોલનારા મહારાજ છે. વળી, મહારાજ મારા માટે જ વાત કરી રહ્યા છે. મારે જરૂર છે, મારામાં કસર છે એટલે વાત કરી રહ્યા છે. આવા વિચારો સાથે એકાગ્રતાથી શ્રવણ કરવું તો મહારાજ આપણી ઉપર રાજી થાય અને કથા સાંભળ્યાનો હેતુ સરે !”

વાહ દયાળુ ! કેવી આપની કથાવાર્તા-શ્રવણની રીત છે ! બસ, આપે જણાવેલી આ રીત મુજબ જ અમે દરેક કથાવાર્તાનું શ્રવણ કરી શકીએ અને કથામાં આવેલા મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયોને પોતાના બનાવીને એમનું ગમતું દિવ્યજીવન બનાવી શકીએ એવું અમને બળ આપજો.