કથાવાર્તાના આગ્રહી

  March 19, 2017

વર્ષ ૨૦૧૫ના જુલાઈ માસનો આ પ્રસંગ છે. આ દિવસો દરમ્યાન વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવનું સ્વાસ્થ્ય વધુ નાદુરસ્ત હતું. તા. ૧૪ જુલાઈ ને મંગળવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ૮:૩૦ વાગ્યે પોઢી ગયા. પોઢ્યા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત વધુ કથળતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ૧૧:૩૦ વાગ્યે જાગી ગયા. ગુરુવર્ય પ.પૂ. બાપજીને ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું. તેથી શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી. શરીરે સોજા વધી ગયા હતા. પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને દવા આપી. પરંતુ જાગ્યા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઊંઘ આવતી નહોતી. એટલે પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપા, કીર્તન બોલીએ ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “હા !! એ બહુ સારું.” ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની રુચિ જાણી સંતોએ કીર્તન ગાવું શરૂ કર્યું. હજુ તો માત્ર એક જ કીર્તન પૂરું થયું ત્યાં તો ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કીર્તન રખાવી સંતોને કહ્યું, “લાવો, વચનામૃત આપો. કથા કરીએ.”

ગુરુવર્ય પ.પૂ. બાપજીને શ્વાસ લેવાતો નહોતો, બોલવામાં તકલીફ પડતી હતી એટલે સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપા, આપને અવરભાવમાં ખૂબ તકલીફ છે. બોલાતું પણ નથી માટે બાપા, આપ અત્યારે આરામ કરો. કથા તો પછી પણ થશે. અત્યારે આપને આરામની જરૂર છે.” છતાંય ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પૂ. સંતોની પ્રાર્થના પર લક્ષ ન આપતાં, પોતાના સ્વાસ્થ્યને અવગણીને પૂ. સંતોને રાત્રે ૧૨:૦૦ વાગ્યે લાભ આપવાનું શરૂ કર્યું. પૂ. સંતો પ્રશ્નો પૂછતા જાય અને ગુરુવર્ય પ.પૂ. બાપજી તેના ઉત્તર રૂપે લાભ આપતા જાય. આમ ને આમ પ્રશ્નોત્તરી પર ગુરુવર્ય પ.પૂ. બાપજીએ રાત્રે ૧:૪૫ વાગ્યા સુધી પોણા બે કલાક સંતોને લાભ આપ્યો. છેવટે સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને ખૂબ આગ્રહ કરતાં તેઓએ કથાવાર્તાને વિરામ આપ્યો. કેટલો બધો એ દિવ્યપુરુષનો કથાવાર્તાનો આગ્રહ !!! વળી, એટલું જ નહિ, એ રાત્રે ગુરુવર્ય પ.પૂ. બાપજી ૧:૪૫ વાગ્યે પોઢ્યા છતાંય સવારે પોતાના દૈનિક નિત્યક્રમ મુજબ ૩:૪૫ વાગ્યે તો જાગી ગયા. વળી, બીજા દિવસે સવારે તેઓએ હરિભક્તોને પ્રાતઃસભામાં દોઢ કલાક સુધી લાભ આપ્યો.

વળી, એ દિવસે એટલે કે તા. ૧૫ જુલાઈના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે અગાઉ ગુરુવર્ય પ.પૂ. બાપજીની બાયપાસ સર્જરી કરી હતી તે અમદાવાદની ક્રિષ્ના હૉસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજેશભાઈ દેસાઈને ગુરુવર્ય પ.પૂ. બાપજીના ચેકઅપ માટે બોલાવ્યા હતા. ડૉ. રાજેશભાઈ દેસાઈ આવ્યા બાદ તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીના રિપૉર્ટ જોયા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું ચેકઅપ કર્યું. ત્યારબાદ નિદાન કરતાં કહ્યું કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી અવરભાવની આટલી મોટી વયે પણ ખૂબ જ વિચરણ કરે છે. એટલે વિચરણની મુસાફરીને લીધે વધુ તકલીફ થાય છે. માટે જો પંદર દિવસ વિચરણ બંધ રાખવામાં આવે તો સારું. જેથી દવાથી આરામ થઈ જાય.” આટલું સાંભળતાં જ અન્ય સંતો કંઈ ઉત્તર કરે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આવતી કાલે સવારે જ સુરેન્દ્રનગર જવાનું છે.” ત્યારે સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપા, આપની તબિયત વધારે નાદુરસ્ત છે. આપ સુરેન્દ્રનગર જવાનું રહેવા દો. ત્યાંના સંતોને કહી આપનો પ્રોગ્રામ કૅન્સલ કરાવી દઈએ છીએ.” ત્યારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “કર્તાપણું મહારાજનું છે. કોઈના કહેવાથી કાંઈ થતું નથી. કાલે પ્રોગ્રામ છે અને કાલે જવાનું છે.” પૂ. સંતોએ ખૂબ પ્રાર્થના કરી પરંતુ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ત્યાં હરિભક્તો આપણી રાહ જોતા હોય, ઘણાંબધાં જુદાં જુદાં સ્થળોએથી હરિભક્તો આવતા હોય. છેક સુરત, વડોદરા, મુંબઈ જેવાં દૂર દૂરનાં સેન્ટરોમાંથી હરિભક્તો આવતા હોય અને આપણે ના જઈએ તે સારું નહીં. શરીર કરતાંય, સ્વાસ્થ્ય કરતાંય મહારાજની કથા થાય તે મહત્ત્વનું છે. મહારાજના સ્વરૂપની વાત કર્યા વગર આપણાથી રહી કેમ શકાય ? માટે કાલે સુરેન્દ્રનગર જવાનું જ છે.” પછી બીજા દિવસે તા. ૧૬ જુલાઈના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર લાભ આપવા પધાર્યા. આ દિવસે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત વધારે ખરાબ હતી. બોલવામાં, શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. છતાંય વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સાડા ત્રણ કલાક સુધી સળંગ કથાવાર્તાનો લાભ આપ્યો. વળી, એટલું જ નહિ પરંતુ ડૉક્ટરે પંદર દિવસ આરામ કરવાનું કહ્યું હતું છતાં પંદર દિવસમાં એક દિવસ પણ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આરામ નથી કર્યો અને પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના સતત વિચરણ ચાલુ રાખી દિવ્ય કથામૃતનો ધોધ વહાવી હરિભક્તોને બળિયા કર્યા છે.

કેવો એ દિવ્યપુરુષનો કથાવાર્તાનો અને મહારાજના સ્વરૂપને ઓળખાવવાનો આગ્રહ છે !!! તેમણે પોતાના સ્વાસ્થ્ય કરતાં, પોતાના સુખ કરતાં, અરે ! પોતાના જીવન કરતાં પણ કથાવાર્તાને જ મુખ્ય કરી છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી કાયમ કહેતા હોય છે કે, “કથાવાર્તા એ તો અમારો ખોરાક છે. જો મને ચોવીસેય કલાક કથા કરવાનું કહે તો બસ કથા કર્યા કરું. કથાથી જ મહારાજનું સ્વરૂપ ઓળખાય અને કથાથી જ મહારાજ આપણી ઉપર રાજી થાય...!” ત્યારે વ્હાલા મુક્તો, આપણે પણ એ દિવ્યપુરુષને સેવેલા શિષ્યો છીએ. માટે એ દિવ્યપુરુષ જેવા આપણા સ્વજીવનમાં પણ કથાવાર્તા કરવા અને સાંભળવાના આગ્રહી બની ખરા અર્થમાં એ દિવ્યપુરુષના શિષ્યત્વને પુરવાર કરીએ...