ખરા કર્તા મહારાજને સમજો - 1

  September 28, 2014

કારણ સત્સંગની અનોખી સમજણને આવો સમજીએ આ લેખ દ્વારા અને આ સમજણ દૃઢ કરવાથી આત્મીયતાનું કેવું સર્જન થાય તે પણ નિહાળીએ.

ખરા કર્તા મહારાજને સમજો

        “રાકેશ, ઓ રાકેશ, ક્યાં છે?”મોટાભાઈ જયેશભાઈ ધંધાના કામે બહારગામ જવાનું હોવાથી નાનાભાઈ રાકેશભાઈને બોલાવી ભલામણ કરી રહ્યા છે, “રાકેશ, કાલે સવારે આપણા ધંધાના કામે હું હૈદરાબાદ જઈ રહ્યો છું. આવતીકાલે સુરતથી પાર્ટી આવે તો તેમને માલ બતાવજે પણ તેનો ભાવતાલ ને સોદો હું આવું પછી કરીશું.”

        બીજા દિવસે સુરતથી પાલચંદ્રજી માલ જોવા માટે આવ્યા. તેમને માલ પસંદ પડતાં માલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. રાકેશભાઈએ તેમને કહ્યું કે, “અત્યારે આપ સુરત જાવ. પાછળથી અમે માલનું પાર્સલ કરી દઈશું.” પરંતુ તેમને માલની ખૂબ જરૂર છે તેમ તેઓએ કહ્યું.

        રાકેશભાઈએ મોટાભાઈ જયેશભાઈને ફોન પર વાત કરવા પ્રયત્ન કર્યો છતાં કોઈ મેળ ન પડ્યો. મુનીમજી પણ હજુ આવ્યા નહોતા. વળી, રાકેશભાઈને વિચાર આવ્યો કે લાવ હું પણ મોટાભાઈની ગેરહાજરીમાં ધંધો કરતાં શીખું. આથી તેમણે પાર્ટીને 2000 નંગ માલ વેચ્યો.

        મુનીમજી આવ્યા અને તેમણે બિલ ચેક કરતાં ખબર પડી કે રાકેશભાઈથી બહુ મોટી ભૂલ થઈ હતી. બિલમાં 2000 નંગ લખ્યા હતા, જ્યારે પૈસા તો માત્ર 200 નંગના જ લીધા હતા. વળી, પડતર કિંમત કરતાં ભાવ પણ 100 રૂપિયા ઓછો નક્કી થયો હતો. તેથી પઢીને 1,80,000 રૂપિયાનું નુકસાન થયું હતું.

        રાકેશભાઈ તો આ બધું જોતાં ઢીલા ઘેંસ જેવા થઈ ગયા. કારણ કે તેઓ મોટાભાઈના જ્વાળામુખી જેવા ઉગ્ર ગુસ્સાને જાણતા હતા. વળી, તેમની ના ઉપર સોદો કર્યો હતો. તેથી તેની પણ બીક લાગી. મોટાભાઈ આવીને ગુસ્સે થશે અને પોતાનો ધંધામાંથી ભાગ કાઢી નાંખશે એ બીકે તેઓ એ જ રાત્રે મુંબઈ પોતાના મામાના ઘરે જવા નીકળી ગયા. રાકેશભાઈ મુંબઈ જતી ટ્રેનમાં જ્યાં ઉપર ચઢવા જાય છે ત્યાં એ જ ડબ્બામાંથી જયેશભાઈ નીચે ઉતરે છે. રાકેશભાઈને જોતાં તેમણે તરત જ પ્રશ્ર્ન પૂછી લીધો કે, “અરે, રાકેશ ! અત્યારે અહીં ? અને આ થેલો ભરીને રાત્રે દસ વાગ્યે ક્યાં જાય છે ?”

        રાકેશભાઈ તો થર થર ધ્રૂજવા લાગ્યા. મોટાભાઈએ વધુ પૂછપરછ કરી ત્યારે કહ્યું કે, “ભાઈ, તમે મને સોદો કરવાની ના પાડી હતી. છતાંય મેં તમારી ગેરહાજરીમાં સોદો કર્યો અને આપણને 1,80,000 રૂપિયાનું નુકસાન થયું છે. એટલે આપ મારી ઉપર ગુસ્સે થાવ અને ધંધામાંથી મારો ભાગ કાઢી નાખો એ બીકે હું મુંબઈ મામાના ઘરે જઈ રહ્યો હતો.”

        જયેશભાઈએ હસતાં હસતાં રાકેશભાઈના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કે, “ભલા માણસ, એમાં શું થઈ ગયું ? જો આપણા સૌના ખરા કર્તા તો એકમાત્ર શ્રીજીમહારાજ જ છે. તારા દ્વારા સોદો કરનાર પણ મહારાજ જ છે. હશે, એમાં પણ મહારાજનો કોઈ શુભ સંકલ્પ હશે. ભૂલ તો બધાની થાય. મારી પણ થાય. આટલી વાતમાં કંઈ આપણી આત્મીયતામાં તિરાડ ઊભી કરવાની ? ના... ના...” બંને ભાઈઓ સાથે ઘરે ગયા.

        ખરા કર્તા એક મહારાજને સમજ્યા તો બંને ભાઈઓ વચ્ચેની આત્મીયતા અકબંધ રહી, લિસોટો પણ ન પડ્યો. શું આપણો પરિવાર પણ આવા આત્મીયતાના તાંતણે જોડાયેલો રહે એવું ઇચ્છીએ છીએ ?  તો ચાલો, દ્રઢ કરીએ કારણ સત્સંગની અનોખી સમજણ.

કારણ સત્સંગની અનોખી સમજણ:

શ્રીજીમહારાજે ગઢડા છેલ્લાના 6ઠ્ઠા વચનામૃતમાં કહ્યું કે, “જીવમાત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે જે મુને બીજો કોઈએ ભુલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી પણ મારામાં કોઈ વાંક નથી, પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે બીજો તો કોઈ કહેશે કે તું કૂવામાં પડ ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું ? માટે વાંક તો અવળું કરે તેનો જ છે.”

અહીં મહારાજ આપણા રોજિંદા જીવનની પરિસ્થિતિનું તાદ્રશ્ય વર્ણન કરે છે. ઘણી વાર આપણા ધારેલા કાર્યમાં સફળતા ન મળે અથવા નુકસાન થાય ત્યારે આપણે દોષનો ટોપલો બીજા ઉપર ઢોળતા હોઈએ છીએ. જો ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય ને નુકસાન થાય તો કહીએ જન્મતાં જ નુકસાન વોર્યું. ને જો બાળકના જન્મની સાથે ઘરમાં કોઈ ફાયદો થાય તો બાળકને સારો ગણીએ છીએ. એવી જ રીતે ઘરમાં જો પુત્રવધૂનું આગમન થાય ને નુકસાન થાય તો કહીએ કે તારા પહેલા પગલે જ આવું થયું તો પાછળથી શું થશે ? ને નફો થાય અથવા સફળતા મળે તો પુત્રવધૂને હાથમાં રાખીએ છીએ. પરંતુ શું ખરેખર આ માનીનતા સાચી છે ?  ના, ઘણી વખત આપણી આવી અણસમજણને પરિણામે આપણા પરિવારની આત્મીયતા, સંપીને રહેવાની ભાવનામાં તિરાડ પડતી હોય છે.

પ.પૂ. સ્વામીશ્રીએ “ હરિને ગમે એવા થવું જ છે ” એ પુસ્તિકામાં કહ્યું છે કે, “પ્રભુનિયંત્રિત સમાજમાં બનતો એક એક પ્રસંગ કે એક એક વ્યક્તિનું નિર્માણ પ્રભુએ મારા ઘડતર માટે જ કર્યું છે.”

એટલે કે જે કંઈ થયું છે, થાય છે અને થશે તેના સંપૂર્ણ કર્તા મહારાજ જ છે. સૌ મહારાજના અનાદિમુક્તો છે. અનાદિમુક્તના સીધા કર્તા સ્વયં શ્રીજીમહારાજ જ છે. કોઈનુંય કર્તાપણું નથી. તો પછી શું મહારાજનો દોષ દેખાય ? મનાય ? ના.

સત્પુરુષના કર્તા પણ મહારાજ જ છે. સંતો-ભક્તોના, અરે આપણા પરિવારના સભ્યોના કર્તા પણ મહારાજ જ છે. એટલું જ નહિ, સ્વયં આપણા કર્તા પણ મહારાજ જ છે. આ છે આપણા કારણ સત્સંગની સમજણ. આ સમજણ આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તો ‘ સંપીને રહેવું ’ સંકલ્પ તો આ સમજણનો જ ભાગ બની જાય ને રાજીપાના શ્રેષ્ઠ પાત્ર બની જવાય. ભૂતકાળમાં પણ જેણે જેણે આ સમજણ દ્રઢ કરી તેઓ મહારાજના રાજીપાના પાત્ર બની ગયા.