ખરા કર્તા મહારાજને સમજો - 2

  October 5, 2014

કારણ સત્સંગમાં સૌના કર્તા મહારાજ છે. આ સમજણ ભૂતકાળમાં જેણે દૃઢ કરી તેઓ કેવા મહારાજના રાજીપાના પાત્ર બની ગયા તે આ લેખમાં નિહાળીએ.

એક વખત શ્રીજીમહારાજે દાદાખાચરની માંડવધારની જમીન જે મંદિરમાં સેવામાં આપી હતી તેને છોડાવવાનું સુકાન ભગુજીને સોંપ્યું. આ માંડવધારની જમીન કાઠીઓએ પડાવી લીધી હતી. કાઠીઓની સાથે ઝઘડો થાય તેમ નહોતું, સમજાવીને સમાધાન કરવું પડે તેમ હતું. હવે કાઠીઓને સમજાવવા એટલે આસમાનના તારા નીચે લાવવા જેવું અઘરું કામ હતું.

મહારાજની આજ્ઞા થતાં ભગુજીએ જમીન છોડાવવાના પ્રયત્નો ચાલુ કર્યા. એક વર્ષ-બે વર્ષ એમ કરતાં કરતાં નવ-નવ વર્ષ વીતી ગયાં. છેવટે મહારાજની ઇચ્છાથી ભગુજીએ ખૂબ મહેનતથી સમાધાન કરી જમીન છોડાવી, મંદિરના નામે કરાવી. આ સમાચાર મળતાં જ મહારાજ તો રાજી-રાજી થઈ ગયા.

બીજા દિવસે મહારાજ કહે, “હાર લાવો, અમારો સંકલ્પ હતો કે માંડવધારની જમીન છોડાવવી અને એ સંકલ્પને રતનજીએ પૂરો કર્યો છે. માટે આજે અમારે એમનું પૂજન કરવું છે.” મહારાજે તો સભા વચ્ચે રતનજીનાં ખૂબ વખાણ કર્યાં, પાંચ-છ વખત રાજીપો દર્શાવ્યો અને બાથમાં ઘાલી ભેટી પડ્યા અને હાર પહેરાવ્યા.

સભામાં ભગુજી પણ બેઠેલા, પણ તેમના મુખારવિંદની રેખામાં કોઈ ફેરફાર નહિ, કોઈ ભાવફેર નહીં. મહારાજની દિવ્ય લીલાને બેઠા-બેઠા માણી રહ્યા. સભામાં બેઠેલા સંતો-હરિભક્તોમાં ચહલપહલ મચી ગઈ, પણ ભગુજીના પેટનું તો પાણીય ન હલ્યું.

સદ. ગોપાળાનંદ સ્વામી, સદ. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજ કહે, “તમે રતનજીનું પૂજન કરવા આવ્યા ? જાવ ભગુજી, રતનજીને બોલાવી લાવો.” ભગુજી દોડતા રતનજીને બોલાવી લાવ્યા. આમ, મહારાજે એક દિવસ પૂજન કરીને પતાવ્યું નહીં. સળંગ 15 દિવસ મહારાજે આ લીલા ચાલુ રાખી. છેવટે સદ. મુક્તાનંદ સ્વામીથી રહેવાયું નહીં. સ્વામી કહે, “મહારાજ, આ શું લીલા આદરી છે ? રતનજીને પૂછો તો ખરા કે એમણે માંડવધારની જમીન જોઈ છે ખરી ? 9-9 વર્ષથી મહેનત તો આ ભગુજીએ કરી છે. પગ તો એમણે ઘસી નાંખ્યા છે ને પૂજન તમે રતનજીનું કરો છો ! આમાં કંઈ સમજાતું નથી !”

મહારાજ કહે, “એ તો અમે ભગુજીની પરીક્ષા કરતા હતા.” મહારાજે ભગુજીને પૂછ્યું કે, “ભગુજી, તમને કાંઈ સંકલ્પ ના થયો ? તમે કેમ કંઈ બોલ્યા નહીં ?”

ત્યારે ભગુજી કહે, “મહારાજ, મારી પાસે તો કાંઈ આવડત, બુદ્ધિ નથી કે હું માંડવધારની જમીન છોડાવી શકું. એ તો આપે જ કર્તા બનીને કાર્ય કર્યું છે; હું તો નિમિત્તમાત્ર છું. તો પૂજન આપનું જ થાય ને ! રતનજીમાં આપ જ બિરાજો છો માટે એમનામાં રહીને પણ પૂજન આપનું જ થાય છે. ને મારામાં પણ પૂજન આપનું જ થવાનું હતું તો પછી એમાં સંકલ્પ કેવો ?”

ભગુજીની મહારાજને કર્તા સમજવાની આવી દિવ્ય સમજણને આપણા સ્વજીવનમાં દ્રઢ કરીએ. સત્સંગમાં કે કુટુંબમાં આપણે કરેલા કોઈ કાર્યનો કે સેવાનો યશ બીજાને અપાય ત્યારે મહારાજનું જ કર્તાપણું છે એવું સમજીએ.

માનવસહજ સ્વભાવ છે કે જો કોઈ સારું કાર્ય કર્યું હોય તો કોઈ પૂછે નહિ તોપણ “મેં કર્યું છે” એવું કહીએ અથવા તો “મહારાજે મને નિમિત્ત કર્યો.” એવું કહીએ, પણ જો બગડે તો “મહારાજની મરજી હશે એમ થયું” એવું કહેતાં હોઈએ છીએ. આમ, સદાય મહારાજનું જ કર્તાપણું આપણા જીવનમાં પ્રસ્થાપિત કરી પોતાના અસ્તિત્વનો પ્રલય કરીએ. કારણ શ્રીજીમહારાજ સિવાય કોઈનું કર્તાપણું નથી.

રમકડું એમ ઇચ્છે કે મારે સામે ચાલતાં ચાલતાં જવું છે તો શું શક્ય છે ? પરંતુ જો અંદર સેલ લગાડીએ તો રમકડું દોડવા માંડે. ઢીંગલીમાં લગાવીએ તો ઢીંગલી દોડે, એમાંથી સેલ કાઢી રમકડાની બસમાં નાંખીએ તો બસ દોડવા માંડે. તો શું એ ઢીંગલી કે બસ દોડે છે ? ના... એના કર્તા સેલ છે. એ સેલ વગર એક ડગલું પણ ભરી શકે નહીં.

એમ, આપણા પરિવારના સભ્યો પણ મહારાજનાં રમકડાં છે. એ ન તો ચાલી શકે, ન તો દોડી શકે; ખરા કર્તા એકમાત્ર મહારાજ જ છે. મહારાજ જે રમકડાંને નિમિત્ત કરે, જેના કર્તા બને એ જ ચાલે. ત્યાં મહારાજના કર્તાપણાનો સ્વીકાર થાય તો પરિવારમાં એક દિવ્ય આત્મીયતાનું સર્જન થાય, નહિ તો પરિવાર વેરવિખેર થઈ જાય.

એક વાર શ્રીજીમહારાજે સુરાખાચરના ઘરનાં શાંતાબાઈને સભામાં રોજ મોડાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે શાંતાબાઈ કહે, “મહારાજ, આપના ભગત ભારે સ્વાદિયા છે. એમને જમવામાં રોજ બે મિઠાઈ અને ફરસાણ જોઈએ ને જો એમાં કંઈ સ્વાદમાં ફેર પડે તો કજિયો કરે, માટે રસોઈ બનાવતાં થોડું મોડું થઈ જાય છે.”

આ બાજુ શ્રીજીમહારાજ પોતાના ભક્તનો સ્વભાવ ટળાવવા કર્તા બન્યા શાંતાબાઈ દ્વારા. મહારાજ કહે, “શાંતાબાઈ, હવે કાલથી તમારે ભગતને રોજ છાશ ને રોટલો આપવાનાં. બીજું કાંઈ નહિ બનાવવાનું.” અને શાંતાબાઈના ગયા પછી મહારાજે સુરાખાચરને બોલાવ્યા. મહારાજ કહે, “સુરાખાચર, આજે અમારે તમને એક નિયમ આપવો છે, લેશો ?” સુરાખાચર કહે, “મહારાજ, કેમ નહીં ? આપની આજ્ઞા કેમ ન પળે ? ” મહારાજ કહે, “સુરાખાચર, આજથી તમે જમવા બેસો ત્યારે જે મળે તે જમી લેવાનું. કંઈ માંગવાનું પણ નહિ અને કંઈ બોલવાનું પણ નહીં.” સુરાખાચર કહે, “ભલે દયાળુ.”

સુરાખાચર ઘરે ગયા ને જમવા બેઠા. ભાણામાં જોયું તો છાશ ને રોટલો. સુરાખાચર મનોમન વિચારવા લાગ્યા કે, “આ શાંતાબાઈની કોઈ તાકાત નથી કે મને છાશ ને રોટલો જમવા આપે, પણ મારા ધણી અહીં આવી પહોચ્યાં લાગે છે. મારા સ્વાદના સ્વભાવને ટળાવવા શાંતાબાઈમાં રહીને કર્તા બન્યા છે.” સુરાખાચરે તો ચુપચાપ કશું જ બોલ્યા વિના જમી લીધું. આમ, સળંગ છ મહિના સુધી રોજ છાશ ને રોટલો જમાડ્યો.

સુરાખાચરને મહારાજે જમતાં જમતાં બોલવાનું નહિ એવી આજ્ઞા કરી હતી પરંતુ ઊભા થયા પછી નહિ બોલવાનું એવું નહોતું કહ્યું. પણ શાંતાબાઈમાં રહીને મહારાજ મારો સ્વાદનો સ્વભાવ ટળાવી રહ્યા છે. એમ, મહારાજના કર્તાપણાનો સ્વીકાર કર્યો તો પોતાના સ્વાદનો સ્વભાવ ટળ્યો. છતાંય આત્મીયતામાં તિરાડ પણ ન પડી ને મહારાજના અઢળક રાજીપાના પાત્ર બની ગયા. જો મહારાજના કર્તાપણાનો સ્વીકાર ન થયો હોત તો શું પરિસ્થિતિ સર્જાત શાંતાબાઈની અને ઘરની ?

આ ફેરે મહારાજનો સંકલ્પ છે કે અમારા આશ્રિતમાં એક તલમાત્ર પણ કસર રહેવા દેવી નથી. તો શું આપણાં સ્વભાવ-પ્રકૃતિ, આપણા પડી ગયેલા ખોટા હેવા, અનાદિકાળથી ઘર કરીને રહેલા દોષોનું સામ્રાજ્ય મહારાજ ચલાવી લેશે ? હરગિઝ નહીં. માટે આપણા પરિવારમાંથી અથવા તો સત્સંગમાંથી કોઈને પણ નિમિત્ત કરે; એ તો માત્ર મહારાજનાં રમકડાં છે. પણ આપણને પૂર્ણ પાત્ર કરવાનું મહારાજનું આયોજન છે. કર્તા સ્વયં મહારાજ છે. એમનામાં રહીને મહારાજ આપણી કસર ઓળખાવે ને ટળાવે પણ ખરા. પરંતુ જો ખરા કર્તા એક મહારાજને સમજાય તો નહિ ખખડે આપણા ઘરનાંવાસણ, નહિ ટકરાય આપણા અહમનાં વાદળો, નહિ સર્જાય શબ્દોના અકસ્માત, નહિ આડી આવે અડચણો, નહિ આવે મહારાજ અને મોટાની નારાજગી, નહિ તૂટે આપણી પરિવારની આત્મીયતા, નહિ બંધાય કોઈને વિષે પૂર્વાગ્રહ કે આંટી – પાણીના રેલાની જેમ આપણું જીવન સરળતાથી ચાલશે.