ક્ષમાયાચના -3

  August 5, 2018

ક્ષમા આપણા જીવનનું કેમ મહત્ત્વનું પાસું છે ? શું ક્ષમાના ગુણને ધારણ કરવો ફરજિયાત છે ?

ક્ષમાનું મહત્ત્વ દર્શાવતાં વિહારીલાલજી મહારાજે શ્રીહરિલીલામૃત કળશ-૫, વિશ્રામ-૧૪માં કહ્યું છે કે,

“ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશનું કારણ અક્ષમા છે.

ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પિડાય.

ક્ષમા સ્વરૂપી શુભ શસ્ત્ર જેને, રહે ન કોઈ શત્રુ તેને.

વિદ્યા ક્ષમા તો વિશકારણી છે, ક્ષમા વિષે શક્તિ રહી ઘણી છે.

રાખે નહિ જે મનમાં ક્ષમાને, તે પાપી થૈ પાપી કરે બીજાને.

સશક્તને ભૂષણ તો ક્ષમા છે, અશક્તને તે ગુણ શ્રેષ્ઠતા છે.”

આવો ક્ષમાનો ગુણ વ્યવહારમાં સુખકારી છે તેથી વિશેષ અધ્યાત્મ માર્ગમાં સુખકારી છે. ક્ષમાયાચના કરવાથી સત્સંગીમાત્રનો અવગુણ ન આવે. સાથે હળીમળીને ભજન-ભક્તિ તથા સેવા કરી શકાય. મહારાજના ભાવથી ક્ષમા માગવાથી દિવ્યભાવ દૃઢ થાય. મોટાપુરુષ આગળ ક્ષમા માગવાથી પાપનું પ્રાયશ્ચિત્ત થઈ જાય, ક્ષમાથી સૌને રાજી કરી શકાય. સૌનો રાજીપો એ સત્સંગમાં જેટ સ્પીડે આગળ વધવાની જડીબુટ્ટી છે.

શ્રીજીમહારાજ સ્વયં અક્ષરધામના અધિપતિ હોવા છતાં અવરભાવમાં સત્સંગમાં નાના દેખાતા હોય તેની પણ કેવી ક્ષમા માગવી તેની અદ્‌ભુત રીત પોતે ક્ષમાયાચના કરીને શીખવતા.

એક વખત શ્રીજીમહારાજ ગઢપુરમાં સંતો-ભક્તો સહિત લક્ષ્મીવાડીએ પધારતા હતા. રસ્તામાં દર્શનાર્થી હરિભક્તો બે બાજુ ઊભા ઊભા શ્રીજીમહારાજની મર્માળી મૂર્તિનાં દર્શન કરતા હતા. શ્રીજીમહારાજ હસ્તમાં સોટી લઈ ચટકંતી ચાલે સૌ ઉપર અમીદૃષ્ટિ રેલાવતા પધારી રહ્યા હતા. એ દરમ્યાન સોટીનો એક છેડો રસ્તામાં રમતા બાળકને અડી ગયો. જોકે તેને સોટી વાગી ન હતી છતાં દયાળુમૂર્તિ શ્રીહરિ અતિશે દિલગીર થઈ ગયા. થોડા પાછા વળ્યા અને બાળકની પાસે આવી નીચે નમી તેની માફી માગતા કહ્યું, “તને અમારી સોટી વાગી ગઈ માટે રાજી રહેજે; ફરી વાર ધ્યાન રાખીશું.”

બાળમુક્તે કહ્યું, “મહારાજ એ તો મને ખાલી આપની પ્રસાદીની સોટીનો સ્પર્શ થયો છે; બાકી વાગી નથી માટે આપ રાજી રહેજો.” તેમ છતાં શ્રીહરિને એટલેથી સંતોષ ન થયો. દરબારગઢમાંથી મીઠાઈ મગાવી તે બાળકને જમાડી રાજી કર્યો ત્યારે જ તેમને સાચી ક્ષમાયાચના કરી હોય એવી હાશ થઈ. બાળમુક્તને રાજી થયેલો જોયો ત્યારપછી જ તેઓ લક્ષ્મીવાડીએ પધાર્યા.

શ્રીજીમહારાજે આવી ક્ષમાયાચના કરવાની રીત ગઢડા છેલ્લાના ૨૨મા વચનામૃતમાં શીખવતાં કહ્યું છે કે, “ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહિ ને જો જાણે-અજાણે કાંઈક દ્રોહ થઈ ગયો હોય તો પગે લાગી, સ્તુતિ કરીને જેમ તે રાજી થાય તેમ કરવું.”

શ્રીજીમહારાજે માત્ર વાત કરીને નહિ, પોતે વર્તીને આપણને શીખવાડ્યું છે કે નાની બાબતમાં પણ આપણાથી કોઈ દુભાઈ જાય કે તેમને તકલીફ પડે તો તરત ક્ષમા માગી લેવી. જેમ કે આપણાથી ક્યાંક કોઈને પગ અડી જાય કે નાની-મોટી ભૂલ થઈ જાય ત્યારે તેની ક્ષમા માગી શકતા નથી. એટલે જ પ.પૂ. સ્વામીશ્રી આપણને શીખવાડે છે કે, “કોઈને આપણાથી તકલીફ પડે કે દુભાઈ જાય તો ‘દયાળુ રાજી રહેજો’ એમ કહી ચરણસ્પર્શ કરી ક્ષમાયાચના કરી લેવી. તો આપણી ઉપર તેમનું દેવું ન ચડે કે તેમના દ્વારા મહારાજ દુભાઈ ન જાય. કોઈ દુભાય તો તેમને રાજી કરી લેવા.”

એક વખત પ.પૂ. સ્વામીશ્રી વિચરણમાંથી સ્વામિનારાયણ ધામ પર પરત પધાર્યા. સાંજના સમયે ગુરુકુલના બાળમુક્તો મુક્તવિહાર કરતા હતા. એમાં એક તોફાની બાળમુક્ત કે જેમનાથી તેમનાં માતાપિતા, ગૃહપતિ બધાં જ તંગ આવી ગયા હતા; તેઓ બીજા બાળમુક્તને મારી રહ્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીએ એ બાળમુક્તને બોલાવી મીઠો ઠપકો આપ્યો. પ.પૂ. સ્વામીશ્રી નારાજ થયા તે જોઈ તે બાળમુક્તની આંખમાં આંસુ આવી ગયા.

પ.પૂ. સ્વામીશ્રી સંત આશ્રમમાં પોતાના આસને પધાર્યા અને સેવા ચાલુ કરી. પણ તેમને સેવા કરતાં કરતાં પણ બાળમુક્તની આંખમાં આવેલા આંસુ જ દેખાય, કંઈ ચેન જ ન પડે. તે બાળમુક્ત જેટલા દુઃખી થયા તેનાથી વિશેષ તો તેઓ દુઃખી થઈ ગયા. પૂ. સંતો રાત્રે જમાડવા બોલાવવા આવ્યા તોપણ ન ગયા. છેવટે તેઓ રહી ન શક્યા.

રાત્રે વિદ્યાર્થીમુક્તોની લાઇબ્રેરી ચાલુ હતી ત્યારે તેઓ સંત આશ્રમમાંથી ગુરુકુલમાં પધાર્યા. બાળમુક્તને શોધતાં શોધતાં તેની પાસે પહોંચી ગયા. તેને નમીને પગે લાગી માફી માગી કે, “રાજી રહેજો. આજે અમે તમને વઢ્યા તે ભેળા મહારાજ દુભાઈ ગયા.” પછી એ બાળમુક્તને ભેટીને ખૂબ વ્હાલ કર્યું, પ્રસાદી આપીને ખૂબ રાજી કર્યા ત્યારે તેમને અંતરમાં હાશ થઈ. આપણા જીવનમાં પણ આવી ક્ષમાયાચના કરવાની પ્રેરણા લઈએ.

આપણા રોજબરોજના જીવનમાં થતી નાની-મોટી ભૂલોને પણ કદી છુપાવવી નહિ, નહિ તો તેનો ભાર રહ્યા કરે, અંદર ડંખ્યા કરે. તેના કરતાં સામે ચાલી ક્ષમાયાચના કરી લઈએ તો સાથે રહેવાનો, સાથે સેવા-કાર્ય કરવાનો આનંદ આવે. ઘરમાં પણ નાની-મોટી ભૂલ થાય તો તરત પરિવારના સભ્યોની પણ ક્ષમાયાચના કરી લેવી તો પોતાને ખૂબ હળવાશ અનુભવાશે. આ ઉપરાંત સૌને આપણા પ્રત્યે હરહંમેશને માટે હકારાત્મક અભિગમ રહેશે અને સૌના વિશ્વસનીય પાત્ર બની શકાશે.

ક્ષમાયાચના કઈ રીતે કરી શકાય ?

૧. પ્રત્યક્ષ માફી માગવી : પ્રસંગ બને ત્યારે જ અથવા તેના થોડા સમયમાં પ્રત્યક્ષ જઈ ‘Sorry’, ‘ભૂલ થઈ ગઈ’, ‘માફ કરજો’, ‘રાજી રહેજો’ આવા શબ્દોથી ફક્ત ઔપચારિક જ નહિ, ખરેખર સાચા ભાવે હૃદયપૂર્વક માફી માગવી. ક્ષમાયાચના કરતી વખતે પોતાના અસ્તિત્વનો, ‘હું’ભાવનો પ્રલય કરીને તેમનો મહિમા સમજી માફી માગવી.

૨. લેખિત સ્વરૂપે ક્ષમા માગી શકાય : પ્રત્યક્ષ ક્ષમાયાચના કરવી શક્ય ન હોય તો જે કંઈ ભૂલ થઈ છે તે બધી પસ્તાવા રૂપે કાગળમાં લખી હૃદયના ઊંડાણથી લેખિતમાં ક્ષમા માગવી. પછી તે જે તે વ્યક્તિને આપવો અથવા મહારાજની મૂર્તિ આગળ મૂકી પ્રાર્થના કરી માફી માગવી.

૩. મહારાજ અને મોટાપુરુષ આગળ : આપણા અવરભાવના દેહાદિકભાવોના યોગે જે તે વ્યક્તિની માફી ન માગી શકીએ તો મહારાજ અને મોટાપુરુષ આગળ અથવા પ્રગટભાવે તેમની મૂર્તિ આગળ બધું જ કહીને અથવા લેખિત સ્વરૂપે ખુલ્લા દિલે બધી જ ભૂલોનો એકરાર થાય; તો તેવી રીતે પણ ક્ષમા માગી શકાય.

૪. રાત્રે સૂતા પહેલાં ક્ષમાયાચના : પ.પૂ. સ્વામીશ્રી આગ્રહભરી રુચિ દર્શાવે છે કે, “રાત્રે સૂતા પહેલાં દિવસ દરમ્યાન થયેલી ભૂલો માટે પ્રત્યક્ષ માફી ન માગી શક્યા હોઈએ તો મનસા જે તે વ્યક્તિને ધારી તેની જરૂર માફી માગવી. આખા દિવસનું કશું જ યાદ ન હોય તોપણ બે મિનિટ ક્ષમાયાચના કર્યા વિના તો રાત્રે પોઢાય જ નહિ, નહિતર આપણા માથે દેવું ચઢે. આ અપરાધનું દેવું ચઢે છે તેવી બીક જરૂર રાખવી.”

હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી ! અમે પણ અવરભાવ અને પરભાવમાં સદાય સુખિયા રહેવા ખરા અર્થમાં ‘ક્ષમાયાચના’ની ટેવ પાડીએ. હૃદયના ઊંડાણથી ક્ષમાયાચના કરીએ. વર્તનમાં સુધારો કરી સૌને રાજી કરી શકીએ એ જ પ્રાર્થના...