લખપતિ થવાના અભરખા છોડો - 1

  February 1, 2014

લખપતિ થવાના અભરખા છોડો

આજના આ આધુનિક યુગમાં વ્યક્તિ પોતાના જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ ઇચ્છે છે. અને એમાંય વ્યક્તિ જો સૌથી વધુ પ્રગતિ ઇચ્છતી હોય તો તે પૈસા કમાવવામાં અને વાહવાહ, નામના મેળવવામાં ! ભેંસ આગળ ગમે તેટલો મોટો ઘાસનો ઢગલો કર્યો  હોય તોપણ જરૂરી ચારો લીધા પછી એને પણ સંતોષ થાય છે અને ચારો ખાવાનું બંધ કરી દે છે. પરંતુ આજના બે પગાળા માનવીને ગમે તેટલો પૈસો મળે તોપણ એને સંતોષ થતો નથી.

નોકરી કરનાર એક ભાઈને પૂછ્યું, “તમારો પગાર કેટલો છે  ?” એમણે કહ્યું, “સ્વામીજી ! 10000 રૂપિયા.” “એટલે સહજતાથી ફરી પૂછ્યું, તમને કેટલા પગારવાળી નોકરી મળે તો તમને સંતોષ થાય? “સ્વામીજી ! 20,000 રૂપિયાની નોકરી મળી જાય તો બસ.” એમણે ઉત્તર આપ્યો. થોડા સમય પછી એમની સાથે ફરી મળવાનું થયું ત્યારે તેમને 20,000 રૂપિયાના માસિક પગારવાળી નોકરી મળી ગઈ હતી. એટલે એમને પૂછ્યું, “હવે તમને સંતોષકારક નોકરી મળી ગઈ છે, નહીં ?” “ના સ્વામીજી, હજુ 25-30 હજારની નોકરી મળે તો સારું, પછી કોઈ જ ચિંતા નહીં.”

આ ભાઈને 25-30 હજારની નોકરી મળી જશે એટલે એમને સંતોષ થઈ જશે ? ના... ના... એમને કદાચ મહિને લાખ રૂપિયાની નોકરી મળશે તોપણ સંતોષ નહિ થાય. તુરંત એમને બીજી અપેક્ષા બંધાયેલી હશે જ કે મને સવા લાખ રૂપિયાના પગારની નોકરી મળે તો સારું. એનું કારણ એ છે એમણે લખપતિ થવાના જ અભરખા સેવ્યા છે. એટલે એમને ગમે તેટલા રૂપિયા મળશે તોપણ સંતોષ નહિ જ થાય.

આજનો ભણનારો કિશોર હોય કે પછી 30-35 વર્ષનો યુવાન હોય કે 60 વર્ષના વયોવૃદ્ધ વડીલ હોય પરંતુ દરેકનું કેન્દ્રબિંદુ આજે પૈસો બની ગયું છે. પૈસાને પ્રાપ્ત કરવા એ બધું જ છોડવા તૈયાર છે. જે કરવું પડે એ કરવા તૈયાર છે. જેના પરિણામે આજે કુટુંબોના કુસંપભર્યા વાતાવરણ-સર્જનનું એક વિશિષ્ટ કારણ જો કોઈ જોવા મળતું હોય તો એ છે, ‘લખપતિ થવાના અભરખા.’ સંસારમાં રહેલ દરેક વ્યક્તિનું આ સ્વપ્ન છે : “મારે લખપતિ થવું છે.” જેના કારણે વણનોતર્યા પ્રશ્નો આવીને ઊભા રહે છે.

“તમારામાં કશો બુધવારો નથી”, “તમે સાવ ગબાના ગબા જ રહ્યા”, “સાવ અક્કલના ઓથમીર આવા બીકણ ને બાયલા શું રહો છો ?” “તમારે જો આવી જ રીતે જીવન જીવવાનું હોય તો મારે આ ઘરમાં નથી રહેવું. આપણે પાછા પોળમાં રહેવા જતા રહીએ...” વાત જાણે એમ હતી કે એક દંપતી કુટુંબ પોળમાં રહેવાનું છોડી, સારી એવી સોસાયટીમાં ઘર રાખે છે.

આદર્શભાઈમાં નામ એવા ગુણો હતા. આદર્શભાઈ સરકારી ખાતામાં નોકરી કરતા હતા. અને એમના જ સહસાથી કેટલાક મિત્રો કે જેઓ પણ સરકારી ખાતામાં, જુદા જુદા વિભાગોમાં નોકરી કરતા; તેઓનાં મકાન પણ આ જ સોસાયટીમાં હતાં. આદર્શભાઈના જીવનમાં નીતિમત્તા, સત્યતા જેવા આદર્શો રગેરગમાં પ્રસરેલા હતા. જેથી તેઓ પોતાની નોકરીમાં સંપૂર્ણ સત્યનિષ્ઠ બની પોતાનું કામ કરતા હતા. પરંતુ સામે પોતાનાં ધર્મપત્ની લખપતિ થવાના અભરખાઓ સેવતાં. જેથી પતિપત્ની વચ્ચે અંદરોઅંદર ટકરાવ થયા કરતો.

આદર્શભાઈની જેમ સરકારી નોકરી કરનાર મિત્રો, પોતાના પગાર ઉપરાંત પણ કેટલીક ઉપરની કમાણી કરવામાં ઉસ્તાદ હતા. તેથી તેમના ઘરમાં તેઓ કંઈક નવું રિનોવેશન કર્યા કરે. જ્યારે આદર્શભાઈ, મળેલા નીતિમત્તા અને નૈતિકતાના સંસ્કારોને સેવી રહ્યા હતા. તેથી આવી કોઈ ઉપરની કમાણી લેતા નહીં. જેથી એમના ઘરમાં એ બિનજરૂરી રંગરોગાન કે સાજ-સજાવટના ખર્ચ કરતા નહીં.  સોસાયટીમાં રહેનારા દરેક સભ્યના ઘર બહારથી દેખાવમાં તો સરખાં જ હતાં. પરંતુ આદર્શભાઈનાં પત્ની લોકોના ઘરમાં આવી બધી સાજ-સજાવટ જોઈ બળી મરતાં. કારણ એમનેય પોતાના ઘરની અંદર સારામાં સારું ફર્નિચર અને રંગરોગાન કરાવી વટ પાડવો હતો. પરંતુ પતિપત્ની બંનેની વિચારધારાઓ તદ્દન વિરુદ્ધ હતી એટલે વારંવાર બંને વચ્ચે ચકમક ઝર્યા કરતી.

લખપતિ થવાનાં સ્વપ્ન સેવી રહેલ આદર્શભાઈનાં ધર્મપત્ની, તેમની મર્યાદા મૂકી ન કહેવાનાં વેણ કહી દેતાં, “તમારામાં કોઈ જાતનો બુધવારો જ નથી. સાવ ફોસી છો. લોકો લખપતિ થઈ ગયા અને તમે તો આદર્શોનું પૂંછડું પકડીને બેઠા છો. સાવ આવા બાયલા શું રહો છો ? જગ આખું પૈસા કમાવવા માટે દોડે છે ને તમે કાચબાની ગતિએ ચાલો છો. તમારે જો આવી જ રીતે રહેવાનું હોય તો આપણે પોળવાળા મકાનમાં પાછા જતા રહીએ જેથી મારે રોજની ઉપાધિ તો ઓછી. આડોશ-પાડોશમાં કોઈને ત્યાં વૈભવ વધે એટલે મારે લોહી-ઉકાળા ! પોળમાં તો બધાં આપણાં જેવાં જ. એટલે કોઈ ઉપાધિ નહીં.”

આદર્શભાઈએ સમજાવતાં કહ્યું, “પોળ કરતાં આ ઘર શું ખોટું છે ! આપણે અહીંયાં જ રહેવાનું છે.” આદર્શભાઈનો જવાબ સાંભળી એમનાં ધર્મપત્નીએ મોં બગાડી બિસ્તરા-પોટલાં ભરવા માંડ્યા. આદર્શભાઈએ પૂછ્યું, “શું કરે છે ?” “તમારે રહેવું હોય તો રહો, હું તો જાઉં છું પોળના મકાનમાં.” એટલો ઉત્તર આપતાં એ ચાલી નીકળ્યા પોળના મકાનમાં જવા. આ છે આજનાં કુટુંબોમાં ઘરે ઘરે સળગતી હોળીઓ. આવાં તો કંઈક કુટુંબો જોયાં છે કે જે લખપતિ થવાના અભરખાઓનાં માઠાં પરિણામો ભોગવે છે.

આજનો જમાનો વેસ્ટર્ન કલ્ચરને અપનાવવા માટે વધુ લાંબી દોટ મૂકી રહ્યો છે. આપણા સંસ્કારો અને ભારતીય સંસ્કૃતિ તો જાણે ભૂતકાળની એક સ્મૃતિ જ બની ગઈ હોય એવું લાગે છે. આજનો પુખ્તવયનો યુવાન હોય કે પછી યુવતી હોય તેને પણ એવું જ પાત્ર ગમે છે કે જે લખપતિ હોય, ભણેલું હોય. આજના યુવકો પોતાના જીવનસાથી તરીકે જે પાત્રની પસંદગી કરે છે કે એનાં માબાપ કરાવે છે ત્યારે એ એટલું જ જુએ છે કે એ પૈસેટકે સુખી છે ? ભણેલી–ગણેલી છે ? પરંતુ એનું કુટુંબ સંસ્કારી છે ? એ દીકરીમાં સંસ્કાર છે ? આ કોઈ જોતું જ નથી. અને એવું જ આજની યુવતીઓમાં છે. એ એવા જ યુવકોને પોતાના જીવનસાથી તરીકે પસંદ કરે છે કે જેને મોટો બિઝનેસ કે સારા પગારની નોકરી હોય, ઘરે બે-ત્રણ ગાડીઓ હોય અને ધનનો ઢગલો હોય તથા મોજશોખની છોળો ઊડતી હોય. એવા જ પાત્રને એ પસંદ કરે છે. પરંતુ એનામાં સંસ્કાર કેટલા છે એ કોઈ જોતું નથી. પરિણામે કેવળ ધનની લાલસામાં એ વિના વિચાર્યે પગલું ભરી લે છે અને અંતે કેવળ પસ્તાવો, રોજના પ્રશ્નો, ઝઘડા-કંકાસ જ સહન કરવાના હોય છે. આજનો માનવી પોતાના જીવન માટે લાંબુ વિચારી શકતો જ નથી. એને તો બસ, માત્ર પૈસો જ દેખાય છે. ઉનાળામાં ધોમધખતા તાપમાં તરસ્યું હરણ પાણી પ્રાપ્ત કરવા આગળ દેખાતું મૃગજળ (જળનો આભાસ) દેખી તેને પ્રાપ્ત કરવા દોડ્યા કરે છે પરંતુ એનો એ પ્રયત્ન નિરર્થક છે. તેમ આજનો માનવી પણ પૈસા પાછળ આંધળી દોટ મૂકીને દોડ્યા કરે છે પરંતુ એને ખબર નથી કે મારા તમામ પ્રયત્ન મૃગજળને હાંસલ કરવા જેવા છે.