લખપતિ થવાના અભરખા છોડો - 3

  March 11, 2014

લખપતિ થવાના અભરખામાં માનવી પોતાના લોહીના સંબંધો પણ ભૂલીને અધર્મના કૃત્ય કરતા પાછો પડતો નથી અને કેવા બદકૃત્યો કરી છે તે આ નિબંધમાં જોઈએ…

દરેક વ્યક્તિના જીવનમાં પૈસાનું ઘેલું લાગ્યું હોય છે. કોઈ વ્યક્તિ અન્ય કોઈનાય નેતૃત્વ નીચે રહેવા તૈયાર નથી. આજનો યુવાન વર્ગ પણ પોતાનાં માતાપિતા પાસેથી હાથખર્ચીના રૂપિયા લેવા અને એને ક્યાં વાપર્યા એનો જવાબ આપવાની ઝંઝટમાં પડવા માંગતો નથી અને પરિણામે નાની ઉંમરે ભણતાં ભણતાં પણ એ કોઈ પણ રીતે અર્થઉપાર્જન કરી, પોતાના મોજશોખને સંતોષે છે. લખપતિ થવાના અભરખાઓ સેવતાં માતાપિતાને આનંદ હોય છે કે મારો દીકરો નાની ઉંમરે પૈસા કમાતો થઈ ગયો. પરંતુ એ તપાસ્યું છે કે આપનો દીકરો  એ પૈસાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરે છે ? આ જોવાની કે જાણવાની તસ્દી આજના વાલી લેતા જ નથી. એમને તો બસ એક જ વસ્તુ દેખાય છે : પૈસો...પૈસો ને પૈસો. પરિણામે આજનું યુવાધન ખોરવાઈ રહ્યું છે. આજના યુવકો અધર્મના માર્ગે ચાલતા થયા છે અને ન કરવાના કૃત્યો, વ્યવહારો, ધંધા કરતા થયા છે, એની પાછળ માતાપિતાના લખપતિ થવાના અભરખા પણ મહ્દઅંશે કારણભૂત છે.

એ જ રીતે આજે વર્ષોથી ચાલી આવતી સંસ્કૃતિ મુજબ સંયુક્ત કુટુંબમાં જીવન જીવતાં કુટુંબોનું વિભાજન થઈ રહ્યું છે. એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈઓ હોય પરંતુ પૈસાની લેવડદેવડમાં કે હિસાબોમાં એક પૈસો પણ છોડવા તૈયાર થતા નથી અને ઝઘડા-કંકાસ અને મારામારી ઉપર આવી જતા હોય છે. એટલું જ નહિ, એક જ લોહીનાં સંબંધવાળાં સગાં ભાઈઓ કે બહેનનાં ખૂન કરી નાંખવાનાં દૃષ્ટાંતો આપણે નથી જોયાં ? દરરોજ બહાર પડતાં સમાચારપત્રોનો જો સર્વે કરવામાં આવે તો એમાં સૌથી વધુ સમાચાર ખૂનખરાબી, ચોરી-લૂંટફાટ કે વ્યભિચારના જ હોય છે. અને એ તમામ પ્રસંગોમાં મોટાભાગના પ્રસંગોનું કારણ પૈસો જ હોય છે જેની આજનાં સમાચારપત્રો સાક્ષી પૂરે છે.

કચ્છ જિલ્લાનું માધાપર નામનું એક ગામ. ગામમાં પતિ-પત્ની અને સ્ત્રીનો ભાઈ એક ઘરમાં સાથે રહેતાં. પરંતુ બહેન તરફથી ભાઈને વારંવાર તોછડાઈભર્યું વર્તન થતું. એની લાગણીઓનું ખંડન થતું તેથી ભાઈએ એ ઘરમાંથી નીકળી બીજે ક્યાંક પૈસા કમાવવા જવાનું વિચાર્યું. એક રાત્રે અચાનક આ ભાઈ ઘર છોડી ચાલી નીકળ્યો અને આફ્રિકા પૈસા કમાવવા માટે ગયો. 5-7 વર્ષ આફ્રિકા રહી તેણે ખૂબ પૈસા ભેગા કર્યા. તેને એક વખત ભારત પોતાની બહેનને મળવાની ઇચ્છા હતી. તેથી તેણે આફ્રિકાથી પોતાની બહેનને પત્ર લખી જણાવ્યું કે પોતે હાલ આફ્રિકા છે અને ત્યાં ખૂબ રૂપિયા કમાયો છે અને હવે એ પોતાની કમાણી લઈને પાછો ભારત આવવાનો છે અને બહેનના ઘરે પણ આવવા માંગે છે.

બહેનને આ પત્ર મળતાં એની નજર પહેલી એના ભાઈ પાસેથી કેમ કરીને પૈસા મેળવવા એ તરફ જાગી. એનો ભાઈ આફ્રિકાથી આવ્યો એટલે એની બહેન તેને એરપોર્ટ ઉપર લેવા ગઈ અને ભાવથી પોતાના ઘરે લઈ ગઈ. ઘરે બેસી ભાઈએ બધી વિગતે વાત કરી અને જે કાંઈ કમાણી કરીને લાવ્યો હતો તે જણાવ્યું.

એની બહેનની નજર હવે ભાઈ પાસેથી પૈસા પડાવવા તરફ હતી. રાત પડી. એના ભાઈને જમાડી એક રૂમમાં સૂવાની વ્યવસ્થા કરી આપી. બહેન તરફથી હેત, પ્રેમ અને લાગણી જોઈ એને આનંદ હતો કે મારી બહેન મને ચાહે છે. પરંતુ બહેનની નજર તો પૈસા પડાવવા તરફ હતી.

આ બાજુ એની બહેન એના ધણીને વાત કરે છે,“મારો ભાઈ લાખો રૂપિયા કમાઈને લાવ્યો છે. એ જો આપણા થઈ જાય તો આપણે રાતોરાત લખપતિ થઈ જઈએ.” પરંતુ એ પૈસા પોતાના કરવા કેવી રીતે એ પ્રશ્ન હતો. તેથી પેલી સ્ત્રીએ પોતાના ધણીને કહ્યું,“પૈસા આપણા કરવાનો એક જ ઉપાય છે કે મારા ભાઈને આપણે પતાવી દઈએ અને ઘરના આંગણામાં જ દાટી દઈએ. કોઈને ગંધ પણ નહિ આવે કે મારો ભાઈ આવ્યો હતો.” પરંતુ એના ધણીનું મન ન માન્યું. એણે કહ્યું,“આવું શું વિચારે છે ? તારા સગા ભાઈનું ખૂન કરાય ? હું એમાં તૈયાર નથી.” પરંતુ પેલી સ્ત્રીનો પાવર વધુ એટલે એણે કડક શબ્દોમાં કહી દીધું, “તમારો જીવ ના ચાલતો હોય તો કંઈ નહિ, હું એને પતાવી દઈશ. પરંતુ ખબડદાર જો બીજું કાંઈ બોલ્યા છો તો ! અને મારી જોડે તમારે એને પતાવવા આવવાનું છે.”

આ બાજુ એનો ભાઈ ગાઢ નિદ્રામાં સૂતો છે અને એની સગી બહેન હાથમાં ધારિયું લઈને પોતાના ધણી સાથે શાંતિથી રૂમમાં પ્રવેશ કરે છે. પેલી સ્ત્રીના હાથમાં ધારિયું છે અને એનો ધણી એના ભાઈને પકડી રાખે છે ને સગી બહેન પોતાના ભાઈની છાતી ઉપર કુહાડીના ઉપરાઉપરી પ્રહાર ચાલુ કરે છે. બે-ત્રણ મિનિટમાં જ એના ભાઈને મરણને ઘાટ ઉતારી દે છે. સગી બહેન પોતના જ ભાઈને પોતાના જ ઘરમાં ખાડો ખોદી સ્વહસ્તે દફનાવી દે છે અને લખપતિ થવાનો અભરખો પૂરો કરે છે.

ગુજરાતીમાં કહેવત છે કે “દગાબાજ દોઢા નમે બહોત નમે નાદાન” - એ મુજબ પોતાના ભાઈનું ખૂન કર્યું. એ પાપના પ્રાયશ્ચિત્ત માટે એણે નજીકના સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજીને ત્રણ દિવસની રસોઈ આપી. પરંતુ આવા આસુરી દ્રવ્યની આપેલ રસોઈ પ્રભુ જમે ખરા ? ના જમે. બન્યું પણ એવું. ઠાકોરજી ત્રણ દિવસથી થાળ જ જમ્યા નહીં. ત્રણ દિવસથી ઠાકોરજી આગળ થાળ જમવા માટે મૂક્યો હોય ને એ ઢોળાઈ જ જાય. ત્રીજા દિવસે સ્વયં ઘનશ્યામ મહારાજે અનાદિમુક્તરાજ સૂરજબાને દર્શન આપ્યાં અને કહ્યું કે,“અમે છેલ્લા ત્રણ દિવસથી ભૂખ્યા છીએ માટે અમને કંઈક જમવાનું આપો.” સૂરજબાએ મહારાજ માટે ભોજન પીરસ્યું. જમતાં જમતાં સૂરજબાએ મહારાજને પૂછ્યું,“મહારાજ, સંતોથી થાળમાં કંઈ કસર રહી ગઈ હતી ?” ત્યાં મહારાજ નારાજગીના ભાવ સાથે બોલ્યા,“પેલી પાપી સ્ત્રીએ રસોઈ આપી છે એટલે અમે નથી જમતા.” મહારાજે સૂરજબાને બધી વિગતે વાત કરી. સૂરજબાએ સંતોને આ બાબતે વિગતે ખબર મોકલી અને રસોઈ બંધ કરાવી. થોડા જ દિવસમાં આ પાપ ઉઘાડું પડ્યું.

પૈસો ચીજ એવી છે કે એને પામવા માટે વ્યક્તિ પાગલ જેવો બની જાય છે અને એ ભૂલી જાય છે કે હું કોની જોડે શું કરું છું અને એનું પરિણામ શું આવશે ? ધનલાલસામાં મગ્ન રહેનારને આ બધું જ બન્યા પછી અંતમાં કેવળ પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો મળતો નથી.

લખપતિ થવાના અભરખા આપણા જીવનમાં તથા આપણા કૌટુંબિક અને સામૂહિક જીવનમાં વિશેષ વિઘ્નરૂપ બની રહે છે. આ લખપતિ થવાના અભરખા રહેવાના મૂળ કારણને આપણે તપાસવું છે. પૂ. સ્વામીશ્રીને મળવા આવનાર, લખપતિ થવાના અભરખા સેવનાર હજારો વ્યક્તિઓને મળ્યા બાદ, પૂ. સ્વામીશ્રી આ બાબતે જણાવે છે કે,“ જ્યાં સુધી હજુ જગતના માર્ગે લખપતિ થવાના અભરખા રહે છે ત્યાં સુધી આધ્યાત્મિકમાર્ગે લખપતિ થવાનો વિચાર આવશે જ નહીં. આ લોકમાં કદાચ આપણે  લખપતિ થયા પરંતુ એ તો ટૂંકા સમય માટેનો જ અનુભવ છે. કારણ કે પૈસો કોઈની પાસે કાયમ રહેતો જ નથી. આજો ભલે કદાચ લખપતિ છીએ પરંતુ ક્યારે પૈસો ચાલ્યો જશે અને રોડપતિ થઈ જઈશું એ કાંઈ નક્કી નથી. જ્યારે એક મહારાજની મૂર્તિ એવું અનગણ નાણું છે કે જે કદી જતું નથી, કદી ખૂટતું નથી. પરંતુ જીવને આવું અવિચળ અને અખંડિત મહારાજની મૂર્તિરૂપી નાણું પ્રાપ્ત કરવાનો કહેતાં, આધ્યાત્મિક માર્ગે લખપતિ થવાનો અભરખો જાગતો નથી અને આ લોકમાં લખપતિ થવાનો અભરખો મટતો નથી.”