મહાત્મ્ય - ૨

  October 25, 2021

શ્રીજીમહારાજ મળ્યાના મહાત્મ્યમાં અખંડ રાચતા હળવદના અમરશી ખત્રીને આવો જ અહોભાવ કાયમ વર્તતો. એક દિવસ અમરશી ખત્રી ગામ બહાર તળાવ ઉપર કપડાં ધોવાનું કામ કરતા હતા. રોજની ટેવ મુજબ તેઓ કપડાં રંગતાં રંગતાં ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ એમ મંત્રોચ્ચાર કરતા હતા. એ જ વખતે ત્યાંથી ધ્રાંગધ્રાના નરેશ ઘોડાગાડી લઈને નીકળ્યા. તેમણે અમરશી ભક્તને ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ નામરટણ કરતા જોઈ, ઘોડાગાડી ત્યાં જ ઊભી રખાવી અને બૂમ મારી કે, “એય અમરશી, તું આ આખો દિવસ ‘સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...’ કરે છે તો શું સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે ?”  ત્યારે સદા પ્રાપ્તિના કેફમાં, મહારાજના મહાત્મ્યમાં રાચતા અમરશી ભક્તએ કહ્યું, “બાપુ, જે દિવસથી મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા તે દિવસથી મારું તો કલ્યાણ થઈ જ ગયું છે પરંતુ મારા ઘરમાં રહેનારાં માણસ, ઢોરઢાંખર ને કૂતરાં-બિલાડાંનું પણ કલ્યાણ થઈ ગયું છે; એટલું જ નહિ હે નરેશ ! આજે તમે મારી વાત સાંભળી તેથી તમારું પણ કલ્યાણ થઈ ગયું તો પછી મારા કલ્યાણમાં શો સંશય રહે ?” અમરશી ભક્તની વાત સાંભળી ધ્રાંગધ્રા નરેશ સ્તબ્ધ બની ગયા અને મનોમન અમરશી ભક્તને અને ભગવાન સ્વામિનારાયણને વંદી રહ્યા.
મહાત્મ્યના વિચાર ઉપર જ પ્રાપ્તિનો વિચાર અવલંબે છે. મહાત્મ્યનો મહિમા એવો છે કે જે નિરંતર પરમ આનંદમાં અને પ્રાપ્તિના કેફમાં રાચતા કરી દે. તેને અવરભાવના દેહના ભાવ કે જગતની કોઈ લૌકિક સત્તા કે લાલચ લલચાવી શકે નહીં. યથાર્થ મહાત્મ્ય સમજવાથી અંતરે જ્યારે અહોભાવનું ઘોડાપૂર આવે છે ત્યારે દેહભાવને યોગે નડતો આંતરિક કચરો બધો સાફ થઈ જાય છે.
કામ-ક્રોધાદિક અંતઃશત્રુથી પીડાતું હૈયું એટલે કોરુંધાકોર હૈયું. મહાત્મ્ય વિનાનું હૈયું હોય તેમાં જ સર્વે દોષ કુટુંબ સહિત નિવાસ કરીને રહે અને દેહભાવમાં વધારો કરે. પરંતુ જ્યારે મહાત્મ્યસભર હૈયું બને ત્યારે એ કોઈનો અવકાશ રહેતો નથી. અનાદિકાળની વાસના ટળી જાય છે અને કલ્યાણકારી ગુણો આવે છે.
શ્રીજીમહારાજે સારંગપુરના ૫મા વચનામૃતમાં વાસના ટાળ્યાનું અચળ સાધન મહાત્મ્ય જ છે તે દર્શાવતાં કહ્યું છે કે, “એક મહાત્મ્ય અતિશે દૃઢ હોય તો શ્રદ્ધા તથા વિશ્વાસ તથા પ્રીતિ એ ત્રણ દૂબળાં હોય, તોપણ મહાબળવાન થાય છે અને મહાત્મ્ય વિનાની ભક્તિ જો ઝાઝી જણાતી હોય તોપણ અંતે નાશ થઈ જાય છે, જેમ દસ-બાર વર્ષની કન્યા હોય ને તેને ક્ષય રોગ થાય પછી તે કન્યા યુવાન થયા મોર જ મરી જાય પણ યુવાન થાય નહિ તેમ જેને મહાત્મ્ય વિનાની ભક્તિ હોય તે પણ પરિપક્વ થાતી થાતી નાશ થઈ જાય છે અને જેના હૃદયમાં મહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તો બીજા કલ્યાણકારી ગુણ ન હોય તોપણ તેના હૃદયમાં સર્વે આવે છે અને જો મહાત્મ્યે સહિત ભક્તિ જેના હૃદયમાં નથી તો શમ-દમાદિક જે કલ્યાણકારી રૂડા ગુણ તે તેના હૃદયમાં છે તોય પણ નહિ જેવા જ છે, કેમ જે અંતે નાશ પામી જાશે. માટે એક મહાત્મ્યે સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વે આવીને હૃદયને વિષે નિવાસ કરીને રહે, તે માટે મહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ એ જ વાસના ટળ્યાનું મહામોટું અચળ સાધન છે.”
શ્રીજીમહારાજે અહીં વચનામૃતમાં વાસના ટાળ્યાનું મહામોટું સાધન મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ જણાવ્યું છે. વળી, એવી જ વાત પંચાળાના ૧લા વચનામૃતમાં શ્રીજીમહારાજે કરી છે. જેમાં આ વાસના રહેવાનું મૂળ કારણ પંચવિષયમાં આસક્તિ જણાવ્યું છે અને તે પંચવિષયમાંથી પ્રીતિ તોડવાનો ઉપાય પણ ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજવું એમ જ જણાવ્યો છે. જેમાં શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો છે, “ભગવાનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તોપણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પંચવિષય તે અતિશે ભૂંડા જે શબ્દાદિક પંચવિષય તે સરખા થાય નહિ અથવા તેથી અતિશે ઊતરતા પણ થાય નહિ, માટે કિયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશે ભૂંડા જે પંચવિષય તે સરખા થઈ જાય અથવા તે કરતાં પણ અતિશે ભૂંડા થઈ જાય ?”
આ પ્રશ્નના ઉત્તર રૂપે શ્રીજીમહારાજે પોતાના સ્વરૂપની અને પોતાના સુખની મોટપ સમજવી એમ ઉત્તર આપતાં જણાવ્યું છે, “માટે એ ભગવાનના ધામના સુખનું અતિશેપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે... એવી રીતે ભગવાનના સુખને અતિશે જાણીને બીજા જે જે પંચવિષયનાં સુખ તેને વિષે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે ને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીકરું લેઈને માગવા આવ્યો હોય તેના જેવું છે અને એ ભગવાનના ધામનાં સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજાં સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે જે, આ દેહ મૂકીને એ સુખને ક્યારે પામીએ ? અને સ્વભાવિકપણે પંચવિષયનું ગ્રહણ કરતા હોઈએ તેમાં તો કાંઈ ઝાઝો વિચાર થાતો નથી પણ જો તે વિષયમાં કાંઈક સારપ્ય મનાય છે ત્યારે તુરત એ ભગવાનના સુખમાં દૃષ્ટિ પૂગી જાય છે.”
ગમે તેટલા દોષે યુક્ત હોય, કોઈ આવડત ન હોય પરંતુ જો એ મહિમાવાળો થાય તો સત્સંગની બાજી જીતી જાય. જેમ જેમ મહાત્મ્ય સમજતો જાય તેમ તેમ મહારાજમાં વિશેષ વિશેષ સ્નેહ થતો જાય. મહાત્મ્ય જ મૂર્તિનું ચિંતવન કરવાનો ઉપાય છે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા મધ્યના ૪થા વચનામૃતમાં કહ્યું છે કે, “ભગવાનની મૂર્તિનું મહાત્મ્ય જાણ્યા વિના બીજાં કોટિ સાધન કરે તોપણ ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન થાતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચિંતવન થાય છે.”
જેને મહારાજની મૂર્તિનું નિરંતર ચિંતવન થાય છે, મૂર્તિ આકારે મહાત્મ્યસભર થઈને વર્તાય છે તેને પછી આ લોકના વિષયસુખને વિષે આનંદ ન રહે તે દર્શાવતાં શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૩મા વચનામૃતમાં કહ્યું છે કે, “મનોમયચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે. તે જ્યારે બ્રહ્મ ને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત્‌ દર્શન થાય છે ત્યારે બૂઠિયું થઈ જાય છે, પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યાં હોય ને દાંત અતિશે અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં. અને અતિશે ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં. તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, તેને કોઈ લોકના વિષયસુખને વિષે આનંદ થાય નહિ અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાનપાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો, પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે.”
મહાત્મ્ય સત્સંગમાં ઊર્ધ્વગતિ કરાવે છે. મહાત્મ્ય વિનાની ભક્તિ એ લોલેલોલ ભક્તિ કહેવાય. મહાત્મ્ય વિનાનું સમર્પણ એ લોલેલોલ સમર્પણ કહેવાય. ખરા અર્થમાં મહાત્મ્ય સમજીને જે કાંઈ સાધન-ભક્તિ થાય તે મનના સર્વે અવરભાવના રોગ મટાડી સદા સુખિયા કરે છે. મહાત્મ્યનો યથાર્થ મહિમા સમજી મહાત્મ્યની આપણા જીવનમાં દૃઢતા કરીએ.