મહાત્મ્ય - ૩

  November 1, 2021

હરણ જળને ઝંખે છે,
પતંગિયું દીવાના પ્રકાશને ઝંખે છે,
ચકોરી પક્ષી પૂર્ણચંદ્રને ઝંખે છે,
સૂર્યમુખીનું ફૂલ સૂર્યના પ્રકાશને ઝંખે છે. તેવી રીતે,
માનવમાત્ર જીવનમાં સુખ-શાંતિને ઝંખે છે.
હરણ, પતંગિયું, ચકોરી, સૂર્યમુખી જેને ઝંખે છે તેના માટે ઝૂરી ઝૂરીને પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દે છે. તેમ માનવી સુખ-શાંતિની ઝંખનામાં તથા તેની શોધમાં પોતાનું સમગ્ર જીવન પસાર કરી દે છે. તેના માટે જ સતત યત્નશીલ રહે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ બે રીતે સુખ-શાંતિ ઇચ્છતી હોય છે :
(૧) બાહ્યિક સુખ-શાંતિ, (૨) આંતરિક સુખ-શાંતિ.
દરેક વ્યક્તિ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતી હોય છે. તેમાંય આધ્યાત્મિક માર્ગને વરેલ ભક્ત પોતાના આંતરિક અને બાહ્ય બંને સુખોની યાચના ભગવાન પાસે કરતા હોય છે. ભક્તની સાધના બહુધા સ્વસુખ-પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ કરવા માટે જ થતી હોય છે.
ભૌતિક સુખ-સગવડોની પ્રાપ્તિ થાય અને એશ-આરામથી જીવન જીવી શકાય, શરીરમાં કોઈ રોગ ન થાય અને દૈહિક સ્વસ્થતા બરાબર રહે, ધંધા-વ્યવહાર સારા ચાલે, આર્થિક ઉપાર્જનની ક્યાંય ભીંસ ન પડે, પારિવારિક શાંતિ રહે, પરિવારના સભ્યોમાં અરસપરસ આત્મીયતા રહે, એકબીજાનાં પ્રેમ, હૂંફ, લાગણી સાથે જીવન જિવાય, સંતાનપ્રાપ્તિ થાય, સમાજમાં-સત્સંગમાં યોગ્ય માન-મોભો જળવાય - આ બધી બાહ્ય સુખ-શાંતિ ભક્ત ભગવાન પાસે ઇચ્છે છે. તેને સરળતાથી મેળવવા સાધના કરે છે. તેના માટે જ જપ, તપ, દાન, વ્રત આદિક સાધનાથી પ્રભુને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. પ્રભુ-પ્રસન્નતાનો ગર્ભિત ઇશક તો બાહ્ય સુખ-શાંતિની પ્રભુ પાસે એક યા બીજી રીતે માંગણીનો જ હોય છે. જે માત્ર બાહ્ય સુખ-શાંતિ મેળવવા જ પ્રયત્ન કરે અને તેને જ ઇચ્છે તે ભગવાનના ભક્ત કહેવાતા હોવા છતાં જગતના જીવની પંક્તિમાં આવી જાય છે.
આપણે કેટલીક વાર ભગવાન પાસે પ્રાર્થના કરતા હોઈએ કે, “હે મહારાજ ! જો મારા દીકરા-દીકરીની સગાઈ થાય કે તેમના ઘેર સંતાનપ્રાપ્તિ થાય અથવા તો હું બીમાર રહું છું કે મારા ઘરના સભ્યો બીમાર રહે છે તો સાજા થાય તે માટે ઘનશ્યામ મહારાજના ૧૧ અભિષેક કરીશ, પૂનમે ચાલતા મંદિરે જઈશ.” આ લૌકિક સુખ-શાંતિ માટે જ આપણે કેટલીક વાર સાધન-ભક્તિ કરતા હોઈએ છીએ, તેના માટે જ સત્સંગ કરતા હોઈએ છીએ તેથી અનાદિમુક્તની પ્રાપ્તિ થઈ હોવા છતાં જગતના જીવ જેવી આપણી સાધના-ભક્તિ થઈ જાય છે અને સકામ ભક્તમાં ખપી જઈએ છીએ.
ભગવાનના ભક્તએ કેવી રીતે અને શા માટે સત્સંગ કરવો તેની રીત શીખવતા શ્રીજીમહારાજે ગઢડા પ્રથમના ૭૦મા વચનામૃતમાં કહ્યું છે કે, “હું સત્સંગ કરું તો મારો દેહ માંદો છે તે સાજો થાય અથવા વાંઝિયો છું તે દીકરો આવે કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થાઉં, કે ગામ-ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની પદાર્થની ઇચ્છા રાખીને સત્સંગ ન કરવો અને જો એવી જાતની ઇચ્છા રાખીને સત્સંગ કરે ને એ પદાર્થની ઇચ્છા પૂરી થાય તો અતિશે પાકો સત્સંગી થઈ જાય અને જો ઇચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય, માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો પણ કોઈ પદાર્થની ઇચ્છા તો રાખવી જ નહીં.”
જગતના જીવ અને અધ્યાત્મ માર્ગે વળેલા સાચા યાત્રિક એવા મુમુક્ષુના સુખની ઇચ્છાઓનો સ્પષ્ટ ભેદ અહીં શ્રીજીમહારાજે સમજાવ્યો છે. મુમુક્ષુની નિરંતર દોટ, ઝંખના એક અને માત્ર એક આંતરિક સુખ-શાંતિ એટલે કે આત્મિક સુખ માટેની જ હોય. મૂર્તિના સાચા સુખની શોધમાં જે અવિરતપણે મંડ્યો રહે, તેના માટે જ સતત સાધના કરે તે જ મુમુક્ષુ. આવા મુમુક્ષુની નિરંતર દૃષ્ટિ પોતાના આરાધ્ય દેવ એવા સ્વામિનારાયણ ભગવાનની અનન્યપણે નિષ્કામભાવે ઉપાસના-ભક્તિ કરવા તરફ જ હોય. એકમાત્ર પોતાના ઇષ્ટદેવના રાજીપા તરફ જ હોય.
આપણે પણ આવા શુદ્ધ મુમુક્ષુ બની રાજીપાના પાત્ર બનીએ.