મહાત્મ્ય - ૪

  November 8, 2021

ભક્ત અને મુમુક્ષુ બે વચ્ચેનો ભેદ તેઓની ખેવના પરથી ખ્યાલ આવે છે. ભક્ત પોતાની દૈહિક સુખાકારીની ખેવના સાથે સત્સંગ કરે છે. જ્યારે મુમુક્ષુને તેના બાહ્યિક એટલે કે પંચભૂતાત્મક દેહના સુખની કોઈ ખેવના જ ન હોય. તેના માટેનો કોઈ આગ્રહ કે તે તરફનું કોઈ લક્ષ્ય જ ન હોય. તેમને તો એકમાત્ર આંતરિક સુખાકારીની જ ફિકર હોય. આવા મુમુક્ષુ તો હું શું કરું અને કેમ કરું તો મારો સ્વવિકાસ થાય, મારા આંતરિક સુખમાં વૃદ્ધિ થાય તેના વિચારમાં ખોવાયેલા હોય. તેઓ અલમસ્ત થકા આત્મિક સુખના માર્ગે ચાલતા હોય. આવા મુમુક્ષુની બાહ્યિક સુખાકારીની ચિંતા સ્વયં શ્રીજીમહારાજ પોતે લઈ લે છે.
જેતલપુરના ૫મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “અમારો દૃઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહા કષ્ટ કોઈક આવી પડશે તેથી અથવા સાતદકાળી જેવું પડશે તે થકી રક્ષા કરશું. અને કોઈએ ઊગર્યાનો આરો નથી એવું કષ્ટ આવી પડશે તોય પણ રક્ષા કરશું, જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગ રાખશો તો. અને નહિ રાખો તો મહા દુઃખ પામશો તેમાં અમારે લેણા-દેણા નથી.”
એટલે કે જે મુમુક્ષુ એકમાત્ર મહારાજને રાજી કરવા માટે જ સાધના કરે છે તેના અવરભાવની સર્વે ચિંતા શ્રીજીમહારાજ લઈ લે છે. તેના અવરભાવના વ્યવહારને અને દેહને સાચવી લે છે. ગઢપુરના દાદાખાચર એકમાત્ર મહારાજ રાજી થાય તેમ જ સદાય વર્તતા હતા તો શ્રીજીમહારાજે તેમના અવરભાવની ખળા, ખેતર ને દરબાર સાચવવા જેવી નાની ચિંતા પણ પોતે ઉપાડી લીધી હતી. જેઓ સદાય પ્રભુમસ્તીમાં અલમસ્ત રહેતા તેવા અગત્રાઈના મુક્તરાજ પર્વતભાઈ અને વડોદરાના નાથ ભક્ત જેવા મુક્તોની ચિંતા મહારાજે કાયમ રાખી છે અને આજે પણ એવા ભક્તોની ખબર રાખે છે.
મુમુક્ષુ એકમાત્ર મહારાજને રાજી કરવાના ઇશકથી જુદાં જુદાં સાધનો દ્વારા સાધન-ભક્તિ અદા કરતા હોય છે. (૧) તપ, વ્રત, ઉપવાસ કરીને, (૨) જપ-માળા, દંડવત-દર્શન, ધૂન-ભજન, ધ્યાન કે પૂજા કરીને, (૩) કથાશ્રવણ, કીર્તનભક્તિ કે મોટા મોટા ઓચ્છવ કરીને, (૪) મંદિરની, ઠાકોરજીની કે સંતો-ભક્તોની સેવા કરીને પોતાની ભક્તિ પ્રભુને અર્પણ કરતા હોય છે.
આધ્યાત્મિક માર્ગે પ્રભુમાં પ્રીતિવાળા ત્યાગી કે ગૃહી કોઈ પણ મુમુક્ષુ પોતાના ઇષ્ટદેવને રાજી કરવા ઘણાંબધાં સાધનો કરે છે છતાં પણ તેમની સાધનામાં બે ભેદ પડી જતા હોય છે : (૧) ક્રિયાત્મકપણે થતી સાધના (ક્રિયાત્મક સાધનો), (૨) મહાત્મ્યસભર થતી સાધના (મહાત્મ્યસભર થઈને કરેલાં સાધનો).
જે સાધનો ક્રિયાત્મકપણે અર્થાત્‌ કરવા ખાતર માત્ર આહ્‌નિકથી વિધિ કે નિયમ સાચવવા થતા હોય તેમાં સમય તો જાય જ છે પરંતુ તેનું ફળ નહિવત્‌ મળે છે. આવી રીતે સાધનો કરવાથી માત્ર નિયમ પૂરા થાય, સાધન કર્યાનો સંતોષ થાય, દેખાડો થાય જેનાથી માત્ર બીજબળ થાય પરંતુ ભર્યા ન થવાય. જ્યારે મહાત્મ્યસભર થઈને કરેલાં સાધનનું યથાર્થ ફળ મળે છે. એટલે કે મહાત્મ્યસભર થઈને કરેલાં સાધનો સાધ્ય સ્વરૂપ સુધી પહોંચે છે. તેનાથી મહારાજ સાથે જોડાણ થાય છે, મૂર્તિના સુખનો પ્રારંભ થાય છે અને પાત્રતાની પૂર્ણતાએ તેનો અનુભવ પણ થાય છે. તેના માધ્યમથી જ ધ્યેય સ્વરૂપ એવા શ્રીજીમહારાજની મૂર્તિ સાથે સંબંધ જોડી શકાય છે.
અધ્યાત્મની પરિભાષામાં મૂલ્ય સાધનનું નહિ પરંતુ મહાત્મ્યસભર થઈને કરેલાં સાધનનું છે. જે સાધનથી સાધ્ય સ્વરૂપની પ્રાપ્તિ થાય, એમાં જોડાવાય એ જ સાચી સાધના છે. શ્રીજીમહારાજે લોયા પ્રકરણના ૧૬મા વચનામૃતમાં મહાત્મ્યસભર ભક્તિને જ સર્વ સાધન કરતાં મોટું કહ્યું છે. “અનંત પ્રકારના મહાત્મ્યે સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષમાત્ર ટળી જાય છે ને તેને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ એ ન હોય તોપણ તે સર્વે આવે છે. માટે એ સાધન સર્વમાં મોટું છે.”
દોષમાત્ર ટાળ્યાનો અને ગુણમાત્ર આવ્યાનો ઉપાય મહાત્મ્યસભર ભક્તિ છે. જે મહાત્મ્યસભર થઈને ભક્તિ કરે તેને વિઘ્ન ન આવે એમ સમજાવતા શ્રીજીમહારાજે છેલ્લાના ૫મા વચનામૃતમાં કહ્યું છે કે, “મહાત્મ્યે સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં. અને મહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે.”
અર્થાત્‌ શ્રીજીમહારાજના સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય જાણ્યા વિના જો પ્રાકૃત બુદ્ધિએ કરીને ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. પ્રાકૃત બુદ્ધિએ, શુષ્કભાવે કરેલી ભક્તિ અર્થહીન થઈ જાય છે. તેનો કોઈ આનંદ આવતો નથી. જ્યારે મહાત્મ્યસભર થઈને કરેલી ભક્તિથી આઠે પહોર અંતરમાં આનંદ અને સુખના ફુવારા છૂટે છે. નિત્ય નવીન સુખના અનુભવ થાય છે. મહારાજ સાથે સંબંધ કેળવાય છે માટે મહાત્મ્યસભર થઈને કરેલાં સાધનો સર્વથી શ્રેષ્ઠ છે. માટે આપણે પણ મહાત્મ્યસભર થઈ સાધનો કરી ઉત્તમ મુમુક્ષુ બનીએ.