મંદીના સમયે આર્થિક વ્યવહાર - 2

  May 12, 2017

ગૃહસ્થાશ્રમી હરિભક્તે સત્સંગી તરીકે જગતના જીવની જેમ અર્થ-ઉપાર્જન પાછળ માત્ર પોતાનું જીવન વ્યતીત ન કરી દેવું. ધન જીવન જીવવા માટે છે; જીવન ધન માટે નથી કે આપણી આવડત, બુદ્ધિ, ચાતુર્યતા માત્ર તેની પાછળ જ ખર્ચી નાખવી ! એક સત્સંગી તરીકે ધન કેવી રીતે કમાવવું તે અંગે માર્ગદર્શન આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ સમગ્ર સત્સંગ સમાજને ભલામણ કરી હતી કે,

ધન કેવી રીતે કમાવવું ?

 ધન કમાવો : સંતોષવૃત્તિથી - લોભવૃત્તિથી નહીં :

જેમ ક્ષિતિજનો કોઈ અંત નથી આવતો તેમ વ્યક્તિમાત્રની ધન કમાવવાની લાલસાનો કદી અંત આવતો નથી. ગમે તેટલું દ્રવ્ય મળે તોપણ હજુ વધુ ને વધુ મેળવવું છે તેવી અસંતોષી વૃત્તિથી ધનની પાછળ નિરંતર દોટ ચાલુ રાખે એ સત્સંગીની રીત નથી. શ્રીજીમહારાજ જ્યારે જેટલું આપે તેમાં સંતોષ માની જીવન જીવવું. તો પ્રશ્ન થાય કે આશાવાદી નહિ રહેવાનું ? આશાવાદી જરૂર રહેવાનું પણ અસંતોષી નહિ રહેવાનું. અસંતોષની માત્રા જેટલી વધતી જાય એટલી ભગવાનની કોરેથી વૃત્તિ તૂટતી જાય અને ધનમાં જોડાતી જાય. ધનની તૃષ્ણા કદી મટે જ નહીં. તેથી જ અનુભવી સંતોએ કહ્યું છે કે,

“આશા તૃષ્ણા નદીનો સંગમ, ગાજતા ગંભીર જી;

મનસૂબા રૂપી લોઢ મોટા, થાવા નદીએ સ્થિર.”

આશા-તૃષ્ણાની વચ્ચે અટવાતા માનવીની લોભવૃત્તિ વધતી જાય છે. માટે સંતોષી બનવા આટલું કરીએ.

૧. જરૂરિયાતો વધારવી નહિ : જીવન જીવવા માટે જેટલી પ્રાથમિક ચીજવસ્તુઓની જરૂર પડતી હોય તેટલી અવશ્યપણે વાપરવી પરંતુ જે વસ્તુ વગર ખરેખર ચાલે તેમ હોય તેવી વસ્તુને પણ આપણી જરૂરિયાત ન બનાવી દઈએ. સ્કૂટરથી ચાલતું હોય તો ગાડીની ફરજિયાત જરૂરિયાત ઊભી ન કરવી. એવી રીતે કપડાં, જમવા, નાહવા-ધોવા-વાપરવાની અન્ય વસ્તુમાં પણ બિનજરૂરી વસ્તુનો ઉપયોગ વધારવો નહીં.

૨. અન્યનું અનુકરણ કરવું નહિ : આજના દેખાદેખીના આ સમયમાં બીજાનાં ઘર, ચીજવસ્તુઓ, કપડાં કે ગાડી જોઈ તેનું અનુકરણ ન કરવું. જો તેનું અનુકરણ કરવા સામે દૃષ્ટિ જશે તો આપણી અસંતોષની માત્રા વધતી જાય. રાતોરાત કરોડપતિ થવાના અભરખા જાગે. ન કરવાનાં કામ થાય. અનુકરણ કરતાં આપણું જીવન ખુવાર થઈ જાય.

મુંબઈના બોરિવલી વિસ્તારની બનેલી એક સત્ય ઘટના છે. આ વિસ્તારમાં ૫૦ વર્ષથી ચાલીમાં એક પરિવાર રહે. બાપની મહિનાની માંડ ૧૫,૦૦૦ રૂપિયાની આવકમાં, પેટે પાટા બાંધી દીકરા મયંકને મિકેનિકલ એન્જિનિઅર બનાવ્યો. આ મયંકભાઈને વાપીની સારામાં સારી કંપનીમાં મહિને ૪૫,૦૦૦ રૂપિયાની નોકરી મળી. તેઓ રોજ મુંબઈથી વાપી બસમાં અવરજવર કરે. મુંબઈમાં બીજા તેના મિત્રોને પૈસાદાર જોઈ તેને પણ વહેલી તકે પૈસાદાર થવાની લાલચ રહેતી.

સમયાંતરે રોજ સાથે આવતાં-જતાં કેટલાક મુસાફરો સાથે પરિચિત થતા ગયા. તેમાં એકની સાથે મિત્રતા થઈ. એક દિવસ આ મિત્રએ મયંકભાઈને પૂછ્યું, “ભાઈ, તારો પગાર કેટલો છે ?” તો કહે, “૪૫,૦૦૦ રૂપિયા.” મિત્રએ કહ્યું, “અરે, આવા મુંબઈ જેવા શહેરમાં મહિને આટલા પગારમાં કેવી રીતે પૂરું થાય ? જો મારી પાસે એક સાવ સહેલો ધંધો છે. તારી નોકરી ચાલુ રાખજે. હું તને સવારે એક બૅગ મુંબઈથી આપીશ; તે તારે વાપી લઈ જવાની અને સાંજે વાપીથી એક બૅગ મુંબઈ લેતા આવવાની. સાંજ પડે તારા ઘેર ૪૫,૦૦૦ રૂપિયાનું કવર આવી જશે. પણ તારે પૂછવાનું નહિ કે બૅગમાં શું છે ?” એક મહિનાની નોકરીને અંતે ૪૫,૦૦૦ રૂપિયા મળવાના બદલે રોજના ૪૫,૦૦૦ રૂપિયા સાંભળતાં તેમની આંખો ચાર થઈ ગઈ.

મયંકભાઈની અસંતોષની માત્રા વધતી ગઈ. આ જાદુઈ ચિરાગથી પૈસાદાર થવા માંડ્યા. દસ દિવસમાં તો ઘરમાં કેટકેટલી નવી વસ્તુઓ વસાવી દીધી અને અગિયારમા દિવસે તેઓ બૅગ સાથે પોલીસના હાથે પકડાઈ ગયા. બૅગમાં ડ્રગ્સ હતું. તેઓ જેલના સળિયા ગણતા થઈ ગયા. તેમની આવી કરુણ કથની તેમના પિતાશ્રીએ પ.પૂ. સ્વામીશ્રીને બોરિવલી વિસ્તારની પધરામણી દરમ્યાન કહી હતી. મહિને મળતો પગાર તો ગયો ને જીવન આખું ખુવાર થઈ ગયું. માટે અન્યનું આવું આંધળું અનુકરણ ન કરવું.

.સાત્ત્વિક જીવન જીવવું : દિન-પ્રતિદિન વધતા જતા રજોગુણી વાતાવરણમાં ફૅશન વધતી જાય છે. રજોગુણી જીવનશૈલીથી ખર્ચા વધે અને તેને પ્રાપ્ત કરવાની લાલસા પણ વધતી જાય. વૈભવી જીવનશૈલીથી જીવન અસંતોષી બનતું જાય માટે જીવનશૈલીમાં સાદગી રાખવી. વ્યવહાર માર્ગે ગાંધીજી, સરદાર જેવા તથા આધ્યાત્મિક માર્ગે પણ મહાન પુરુષોનાં જીવન તેમની સાદગીથી જ શોભ્યાં છે, નહિ કે રજોગુણથી. માટે આપણું જીવન પણ સાદગીભર્યું કરવું.

 .ઓવર ટ્રેડિંગ ન કરવું :

આપણી જેટલી પહોંચ હોય, આપણી જેટલી આર્થિક ક્ષમતા હોય તે પ્રમાણે જ ધંધાનો વિસ્તાર કરવો જોઈએ. દેવું કરી વ્યાજના પૈસા લાવીને ધંધો ન કરવો કે શેરબજારમાં સટ્ટો રમી અથવા ધંધાની લાલચમાં વધારે નફો કમાવવા લેભાગુ પેઢીને પોતાના ગજા બહાર માલ ધીરીને ખુવાર થવાય છે; માટે પોતાની ચાદર હોય તેટલા પ્રમાણમાં જ પગ લાંબા કરવા જોઈએ. ટૂંકમાં, પોતાની મૂડી ઉપર જ ધંધો કરવો.

 

આ લેખમાં આપણે પ.પૂ. સ્વામીશ્રીની ધન કમાવવા બાબતની એક ભલામણ જોઈ આગામી ભલામણો આપણે આવતા લેખમાં જોઈશું.